સૌહરાબ કેસમાં અમીનને જામીન આપવા સામે વાંધો

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૩

દેશભરમાં ચકચાર જગાવનાર સૌહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર અને કૌશરબીબીની ભેદી હત્યા કેસમાં જેલના સળિયા પાછળ ધકેલાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી નરેન્દ્ર અમીને સીબીઆઇ કોર્ટમાં જામીન માટે અરજી કરી એવી રજુઆત કરી હતી કે, જો આ કેસના આરોપી અમિત શાહને જામીન મળી જાય તો મને પણ જામીન મળવા જોઇએ. સીબીઆઇએ આ મામલે નરેન્દ્ર અમીનના જામીનનો વિરોધ કરતાં એવી રજુઆત કરી હતી કે, આ કેસમાં અમિત શાહનો રોલ માત્ર કાવતરાના આરોપી તરીકે છે. જયારે અમીનની ભૂમિકા કૌશરબીની હત્યા સુધીનો છે. માટે તેમની સરખામણી કરી શકાય નહીં.

અમીનને જામીન મુક્ત કરવામાં આવે તો કેસના પુરાવા સાથે ચેડાં થવાની પુરેપુરી શક્યતા રહેલી છે. અમીનને જામીન નહીં આપવા સીબીઆઇએ કોર્ટમાં સખત વાંધો લીધો હતો.

 

હવે સૈનિકોની પત્નીઓને મફત તાલીમ

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૩

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના ઉપક્રમે છેલ્લાં પાંચ વર્ષમાં નિવૃત્ત થયેલ માજી સૈનિકોને અથવા સ્વ. માજી સૈનિકોના ધર્મપત્નીઓ અથવા તેમના એક સંતાનને ર્આિથક રીતે પગભર થવાના ઉદ્દેશથી સી.સી.સી. સમકક્ષ કમ્પ્યુટર કોર્સની વિના મૂલ્યે તાલીમ આઇ.ટી.આઇ., કુબેરનગર, અમદાવાદ ખાતે આપવામાં આવશે. તેમજ તાલીમ સફળ રીતે ત્રણ મહિના પુરી કરનારને રૂા. ૫૪૦૦/ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં કમ્પ્યુટરની તાલીમ લેવા ઇચ્છતા વ્યક્તિઓએ પોતાનું નામ અને મોબાઇલ નંબરની માહિતી ફોન દ્વારા અથવા રૂબરૂ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, થલતેજ અમદાવાદ ખાતે નોંધાવવાની રહેશે.

 

માનસિક રોગથી પીડાતા દર્દીઓને મફત સારવાર

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૩

માનસિક રોગથી પીડાતા દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે સમાજ સુરક્ષા ખાતા દ્વારા સંચાલિત માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે સાયક્યાટ્રીકની વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે. જેનો લાભ લેવા માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર અમદાવાદની યાદીમાં જણાવાયું છે. વિશ્વનાથ ભુવન, સંન્યાસ આશ્રમની બાજુમાં, આશ્રમ રોડ ખાતે કાર્યરત આ કેન્દ્ર ખાતે બાળકો માટેનું પ્લે-ગ્રુપ વિના મૂલ્યે કાર્યરત છે જેનો જરૂરિયાત મંદ લાભાર્થીઓને લાભ લેવા વધુમાં જણાવાયું છે.

 

રાજયના શાળા સંચાલકોનું : શાળાઓના પડતર પ્રશ્નને વાચા આપવા અધિવેશન

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૩

શાળાઓના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ સંકલન સમિતિ દ્વારા રાજયના શાળા સંચાલકોનું મહાઅધિવેશન તા. ૨૫મી મેને બુધવારના રોજ પ્રેક્ષાભારતી હોલ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યું છે.

અમદાવાદ ગાંધીનગર હાઇવે કોબા સર્કલ પાસે પ્રેક્ષાભારતી ખાતે અખિલ ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ નારણભાઇ પટેલ અને ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ અંબુભાઇ પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી શાળાઓ સામે સરકારની અન્યાયી અને અવિશ્વાસ નીતિ-રીતિ લડતના મંડાણ કરવા માટે આ મહાઅધિવેશન બોલાવ્યું છે. જેમાં ૧૦ હજાર જેટલા શાળા સંચાલકો આ મહાઅધિવેશનમાં ઉપસ્થિત રહેશે.

 

ધો. ૧૨ સાયન્સ પછી : એન્જિ.અને મેડીકલ સિવાયના ક્ષેત્રમાં કારકિર્દી બની શકે છ

એગિ્રકલ્ચર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ફોરેન્ટ્રી મેને. કોર્સ, સંરક્ષણ ક્ષેત્રે, હેલ્થ અને મેડીકલ ટુરીઝમ મહત્વના કોર્સ

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૩

ધો. ૧૨ બોર્ડ સાયન્સનું ગઇકાલે પરિણામ જાહેર થઇ ગયા બાદ વિદ્યાર્થીઓ ફક્ત એન્જિનીયરીંગ, ફાર્મસી અને મેડીકલ ક્ષેત્રે જ કારકિર્દી ઘડવાનું મુનાસીબ સમજે છે પરંતુ આ ત્રણ ક્ષેત્ર સિવાય એનિમલ ન્યૂટિ્રશન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, અર્થ સાયન્સિસ અને ફોરેસ્ટ મેનેજમેન્ટ સહિત રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા દ્વારા પણ કારકિર્દી ઘડી શકે છે.

ધો. ૧૨ સાયન્સ પછી શું કરવું ? તેને લઇ વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે. વાલીઓ પોતાના બાળકોની માર્કશીલ લઇ તજજ્ઞો પાસે સલાહ લેવા પહોંચી જાય છે. અને ફક્ત એન્જિ., ફાર્મસી અને મેડીકલમાં જ પ્રવેશની ચર્ચાઓ કરે છે. પરંતુ આ ત્રણ ક્ષેત્ર સિવાય અન્ય ક્ષેત્રમાં પણ નોકરી મોટી તક છે. સાથો સાથ ઉંચા પગાર મળે છે. વિદ્યાર્થીઓને એગિ્રકલ્ચરલ યુનિર્વિસટીના અભ્યાસક્રમોમાં, રેઇન વોટર હાર્વેસિંગ, અર્થ સાયન્સિસ, પબ્લિક હેલ્થ, ફાર્માકોવિવિલન્સ, ક્લિનિકલ એન્જિ., મેડીકલ ટુરીઝમ, ફોરેન્ટ્રી મેનેજમેન્ટનો કોર્સ સહિત રાષ્ટ્રીય પ્રવેસ પરીક્ષા આપી વિવિધ ક્ષેત્રે પ્રવેશ લઇ કારકિર્દી ઘડી શકાય છે. આ ઉપરાંત ઇન્ડિયન આર્મી, એવિએશન મેનેજમેન્ટ અને સંરક્ષણ ક્ષેત્રે એરમેનની કારકિર્દી પણ ઘડી શકાય છે. વિદ્યાર્થી-વાલીઓના માર્ગદર્શન માટે પ્રદેશ કોંગ્રેસ ભવન ખાતે ખાસ વ્યવસ્થા કરાઇ છે. દરરોજ મોટી સંખ્યામાં વાલીઓ માર્ગદર્શન મેળવે છે. વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ આવી શકે છે.

 

મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમીઃ લોકો પરેશાન

ભાવનગરમાં સૌથી વધુ ૪૨.૬ ડિગ્રી અને અમદાવાદમાં ૪૧.૦૪ ડિગ્રી મહત્તમ તાપમાન : રોગચાળો વધ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૩

આગ ઓકતી ગરમીના મારાથી સામાન્ય જનજીવન વ્યાકુળ બન્યું છે. આજે ભાવનગરમાં સૌથી વધુ ૪૨.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા સ્થાનિકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બીજી બાજુ અમદાવાદ શહેરમાં પણ ઉકળાટ સાથે ગરમીનો પારો ૪૧.૦૪ ડિગ્રી રહેતાં બપોરના સુમારે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.

રાજયના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળાએ કાળઝાળ સ્વરૂપ ધારણ કર્યું હોય એમ ચામડી દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઉકળાટ સાથેની અસહ્ય ગરમીથી જનજીવન પ્રભાવિત બન્યું છે. આજે રાજયના ભાવનગર સૌથી વધુ ૪૨.૬ ડિગ્રી મહત્તમ તાપમાન રહેતાં લોકોએ ઘર-ઓફિસોની અંદર રહેવું જ યોગ્ય માન્યું હતું. બીજી બાજુ સામાન્ય ચહલપહલના અભાવે જાહેર માર્ગો તથા મુખ્ય બજારો સુમસામ ભાસતા હતાં.

દરમિયાન મધ્ય ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ ૪૧.૪ ડિગ્રી મહત્તમ તાપમાન રહેતાં શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા હતા. તીવ્ર ગરમીથી બચવા લોકોએ એસી-પંખા તથા ઠંડાપીણાની મદદ લીધી હતી. સતત જારી રહેલી આગ ઓકતી ગરમીથી વૃદ્ધો અને બાળકોની હાલત સૌથી વધુ કફોડી બની હતી.

દરમિયાન રાજયના અન્ય વિસ્તારો અંતર્ગત સુરેન્દ્રનગરમાં ૪૧.૭, રાજકોટમાં ૪૧.૦૧, ડીસા ૪૧, ઇડર ૪૦.૬, વડોદરા ૪૦, સુરતમાં ૩૩, ભુજમાં ૩૭, નલિયા ૩૪.૨, દ્વારકા ૩૦.૬, ઓખામાં ૩૧.૯, પોરબંદર ૩૩, કચ્છ-માંડવી ૩૫.૯, વલસાડ ૩૩.૦૮, વલ્લભવિદ્યાનગર ૩૮.૬, કંડલામાં ૩૫.૫ અને વેરાવળમાં ૩૩.૩ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. દરમિયાન આગામી સમયમાં પણ ગરમીનું મોજું જારી રહેશે. જેના પગલે લોકોએ હજુ પણ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. દરમિયાન રોગચાળાના કારણે પણ લોકો પરેશાન થયેલા છે.

 

ઓઢવ વિસ્તારની ચોંકાવનારી ઘટના

પ્રિયંકાની હત્યા પિયરપક્ષના જ સભ્યો દ્વારા કરાયાની રજુઆત

પતિ સહિત કુલ ચારનો પુરાવાના અભાવે નિર્દોષ છૂટકારા

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૩

શહેરમાં ચકચાર જગાવનાર પ્રિયંકા હત્યા કેસમાં ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ નિવડતાં સિટી સેસન્સ કોર્ટના જજ વી. એમ. નાયકે પુરાવાના અભાવે શંકાનો લાભ આપી પતિ લલિત ચૌહાણ સહિત ચારને નિર્દોષ છોડી મુક્યા છે.

કોર્ટે પોતાના ચુકાદામાં એવું અવલોકન કર્યું હતું કે, અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવેલી લાશ પ્રિયંકાની હતી તે બાબતનું કોઇ ઠોસ પુરાવા નથી. બનાવ વખતે પતિ લલિત ચૌહાણ નોકરી ઉપર હાજર હતાં તેવું સાબિત થાય છે. મામક સસરા સત્યેન્દ્ર સિંહ ઠાકુર એએમસીના વિજ્ઞાનમેળામાં હાજર હતાં. ફરિયાદીનું વર્તન શંકાસ્પદ જણાઇ આવે છે. બનાવ વખતે પ્રિયંકાએ પહેરેલાં કપડાં-દાગીના મળી આવ્યા નથી. ફરીયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ નિવડતાં આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકાયા હતા. બચાવપક્ષ તરફે વકીલ બી. એમ. ગુપ્તા અને શોએબ ભોહરિયા એ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે પ્રિયંકાની હત્યા તેમના પિયરપક્ષના સભ્યોેએ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, ઓઢવ ખાતે રહેતી પ્રિયંકાના લગ્ન લલિત ચૌહાણ સાથે થયા હતા. લગ્ન સમયગાળા દરમ્યાન સાસરિયા પક્ષ તરફથી નવુ મકાન ખરીદવા માટે પ્રિયંકાના માતા-પિતા પાસેથી પૈસાની માંગણી કરતા હતાં. આ બનાવના પગલે ગઇ તા. ૧૯મી સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ સાસરીયા પક્ષના સભ્યોએ પ્રિયંકાના ઘરમાંથી કાઢી મૂકી હતી. આ દરમિયાન પ્રિયંકાના માતા-પિતાએ પ્રિયંકા ગુમ થયા હોવાની ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરમ્યાન નર્મદા કેનાલમાંથી એક લાશ મળી આવી હતી. દહેગામના વતની રાજેન્દ્રસિંહ બિહોલાના પત્ની હોવાનું માની અગ્નિસંસ્કાર કરી દેવાયા હતાં. થોડા સમય દરમ્યાન રાજેન્દ્ર બિહોલાના પત્ની મળી આવતાં આ લાશ પ્રિયંકાની હોવાની મનાઇ હતી.

 

આણંદ પાસે વેરાખાડી નદીમાં નાહવા પડેલા છ લોકોના મોત

તમામ પીકનીક મનાવવા આવ્યા હતાઃભાવનગરમાં ડૂબવા જવાથી મૃત્યુ પામનાર બે પૈકી એક યુવાન અમદાવાદનો

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૩

રાજયના આણંદ જિલ્લાના વેરાપાડી નદીમાં પીકનીક માટે આવેલા પરમાર પરિવારના ત્રણ બાળકો સહિત પાંચ વ્યક્તિઓ અને એક મહિલા મળી કુલ છ લોકોના કરુણ મોત નિપજયા છે. જયારે ભાવનગર ખાતે સમી સાંજે નાહવા પડેલા બે યુવાનોેના કરુણ મોત નિપજયા છે.

ઉનાળાની ગરમીમાં વધારે પડતા પ્રવાસ નદી કાંઠાના સ્થળોએ જ કરવામાં આવે છે. જેના કારણે કેટલીકવાર અપમૃત્યુના બનાવ બનતા હોય છે. આણંદ જિલ્લાની વેરાખાડી નદી ખાતે પણ પિકનીક માટે પરમાર કુટુંબની પાંચ વ્યક્તિઓ મળી કુલ છ જણ આવ્યા હતા. સવારે ૧૦.૩૦ વાગે તમામ લોકો નાહવા માટે નદીમાં ગયા ત્યારે એકબીજાને બચાવવામાં છ વ્યક્તિઓના કરુણ મોત નિપજયા છે. મરનાર વ્યક્તિઓમાં પ્રેમીલાબહેન કિશોરભાઇ મેકવાન (૩૧ વર્ષ)(રહે. મુંબઇ), ભરતભાઇ મગનભાઇ પરમાર (૩૮ વર્ષ) (રહે. પેટલાદ), નેહલભાઇ જયંતિભાઇ પરમાર (૧૫ વર્ષ) (રહે. નડિયાદ), સંજય ઉર્ફે જીગ્નેશભાઇ જયંતિભાઇ પરમાર (૧૪ વર્ષ) (રહે. નડિયાદ), ભાવેશકુમાર ભરતભાઇ પરમાર (રહે. ૧૩ વર્ષ) (રહે. પેટલાદ) અને જયેશભાઇ મણીભાઇ બારોટ (૪૦ વર્ષ) (રહે. પેટલાદ)નો સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં ખંભોળીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જો કે પોલીસ પહોંચી તે પહેલાં તમામ લોકોના મોત નિપજયા હતા. પોલીસે તમામ મૃતદેહોનો પીએમ માટે સારસા ગામ ખાતેની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

આજે ભાવનગર ખાતે પાણીમાં ડૂબી જવાની ઘટનામાં બે યુવાનોના કરુણ મોત નિપજયા છે. બનાવની વિગત એવી છે કે ભાવનગરના તળાજા પુલ પાસે આજે સાંજે ૫.૦૦ વાગે ભાવનગરના રામજ ગામે રહેતા મોરીભાઇ યસ્માલભાઇ દેવસિંહ તેમના બે મિત્રો ઉત્સવભાઇ સતિષભાઇ મિસ્ત્રી (૨૨ વર્ષ) અને ઓજસભાઇ નરેશભાઇ પંડ્યા (૨૨ વર્ષ) (રહે. અમદાવાદ, વાડજ) સાથે નાહવા ગયા હતા. દરમિયાન કોઇ કારણસર ઉત્સવભાઇ અને ઓજસભાઇ બન્ને જણા ડુબી ગયા હતા. તળાજા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

૨.૬૮ કરોડથી વધારેના ખર્ચા : નવા રાઉટર લેવાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૩

અમદાવાદ શહેરમાં નવસંરચના પામેલા ૬૪ વોર્ડમાં નવી ૨ એમબીપીએસની લીઝ લાઇન લેવા અંતર્ગત નવા તમામ સેન્ટરના ડેટા લાઇન માટે રૂા. ૨.૬૮ કરોડથી વધુના ખર્ચે નવા રાઉટર ખરીદવામાં આવશે. આ માટે તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કવોલીફાઇડ બીડર્સ પૈકી એલ૧ બીડરને કોન્ટ્રાક્ટ સોંપવા મ્યુનિ. સત્તાધીશોએ નિર્ણય કર્યો હતો. જો કે આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવા સંદર્ભે મ્યુનિ. વિપક્ષે રજુઆત કરતાં જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા માલ સપ્લાય કરતી મૂળ કંપનીનો જ સંપર્ક કેમ નથી કરાતો. અન્ય કંપનીઓ પાસેથી પણ કામગીરી કરાવી શકાય છે. ઉપરાંત મ્યુનિ. દ્વારા સંસ્થા પાસેથી લેવાતી સેવા પણ નિયમિત અને યોગ્ય જાળવણી સાથે થવી જોઇએ. એમ વધુમાં રજુઆત કરાઇ હતી.

 

ગુલબર્ગ કાંડ : પાંડે સહિત ૪ને આરોપી બનાવવા માટે અરજી

પાંડે, ટંડન, ગોંદિયા અને ચુડાસમાએ ફરજમાં બેદરકારી દાખવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યોઃ ૧૬મી જૂને સુનાવણી

 

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૩

ગુલબર્ગ હત્યાકાંડ બનાવ દરમ્યાન ફરજમાં બેદરકારી દાખવવા બદલ શહેરના તત્કાલીન પોલીસ કમિશનર પી. સી. પાંડે, એમ. કે. ટંડન, પી. બી. ગોંદિયા અને એસ. એસ. ચુડાસમાને આરોપી બનાવવાની અરજી આરોપીઓએ ડેઝીગ્નેટેડ જજ બી. જે. ધાંધા સમક્ષ કરી છે. આ અરજી ખાસ કોર્ટના જજે દાખલ કરી વધુ સુનાવણી ૧૬મી જૂનના રોજ નિયત કરી છે.

આરોપીઓના વકીલ એસ. એમ. વોરાએ ગુરુવારે ખાસ અદાલતના જજ બી. જે. ધાંધા સમક્ષ તત્કાલીન પોલીસ કમિશનર પી. સી. પાંડે, એમ. કે. ટંડન, પી. બી. ગોંદિયા અને એસ. એસ. ચુડાસમાએ આરોપી તરીકે લેવાની અરજી કરી હતી. જેમાં એવી અરજી કરવામાં આવી હતી કે, આ ચારેય આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં બનાવ દિવસે ગુલબર્ગ સોસાયટીએ બચાવ કામગીરી ન કરી ફરજમાં બેદરકારી દાખવી છે. આટલું જ નહીં, આરોપીઓને પરોક્ષ રીતે પ્રોત્સાહન આપી નરસંહાર કરવા દેવાની છૂટ આપી હતી. તે બાબત કેસના સ્વતંત્ર સાક્ષીઓના નિવેદનથી ફલિત થાય છે. તેવા સંજોગોમાં ચારેય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ટોળાંને વિખેરવા કે અન્ય કોઇ આશયથી પગલાં નહીં લઇ ફરજમાં બેદરકારી દાખવી છે. તેમને આરોપી તરીકે લેવા અરજી થઇ હતી. આ અંગેની વધુ સુનાવણી ૧૬મી જૂને નિયત થઇ છે. આ કેસની વિગત એવી છે કે, ગોધરાકાંડ બાદ રાજયમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આ દરમ્યાન ગુલબર્ગ સોસાયટી ખાતે હિંસક ટોળાએ તોફાન મચાવતાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ૬૮ વ્યક્તિઓના મોત નીપજયા હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope