All posts by news

દેશમાં હિન્દુ-મુસ્લિમનો જન્મદર સરખો થઈ જશે : Digvijay

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે હિન્દુ અને મુસ્લિમોની વસતીને લઈને આપેલા નિવેદનના કારણે આગામી દિવસોમાં રાજકીય મોરચે ગરમાવો આવી શકે છે. તેમનુ કહેવુ છે કે, જે પ્રકારે જન્મદર જાેવા મળી રહ્યો છે તે જાેતા ૨૦૨૮ સુધીમાં દેશમાં હિન્દુ અને મુસ્લિમોનો જન્મ દર એક સરખો થઈ જશે. દિગ્વિજયસિંહે એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, એ લોકો કહે છે કે મુસ્લિમો ચાર-ચાર પત્નીઓ સાથે પરણીને ડઝનબંધ બાળકો પેદા કરે છે અને દેશમાં આગામી ૧૦ થી ૧૨ વર્ષમાં મુસ્લિમો બહુમતીમાં આવી જશે અને હિન્દુઓ લઘુમતીમાં મુકાઈ જશે. આવા લોકોને મારી સાથે ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર છે. તેમણે કહ્યુ હતુ કે, એક સર્વે પ્રમાણે દેશમાં હિન્દુઓના મુકાબલે મુસ્લિમોનો જન્મદર ઘટી રહ્યો છે. ૧૯૫૧થી આજ સુધી મુસ્લિમોના જન્મદરમાં જે ઝડપથી ઘટાડો થયો છે તેટલી ઝડપથી હિન્દુઓના જન્મદરમાં ઘટાડો થયો નથી. આજે મુસ્લિમોનો જન્મદર ૨.૭ અને હિન્દુઓને ૨.૩ છે. આ જાેતા લાગે છે કે, ૨૦૨૮ સુધીમાં હિન્દુ અને મુસ્લિમોનો જન્મદર એક સરખો થઈ જશે અને દેશની વસતી વૃધ્ધિ સ્થિર થઈ જશે. દિગ્વિજયસિંહે ઓવૈસી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, જે રીતે હિન્દુઓને ડરાવીને ગુમરાહ કરાઈ રહ્યા છે તે રીતે ઓવૈસી પણ મુસ્લિમોને ડર બતાવીને તેમના વોટ મેળવવા માંગે છે. દેશમાં હિન્દુઓ અને મુસ્લિમોને સાચો ખતરો તો મોદી અને ઓવૈસીથી છે.

 

પીએમ કેર ફંડના ૫૦૦૦૦ કરોડ ક્યાં ગયા? : કોંગ્રેસ

પીએમ કેર ફંડના મુદ્દાએ ફરી એક વખત રાજકીય મોરચે વંટોળ સર્જયો છે. કોંગ્રેસે આ મુદ્દે ફરી આરોપ લગાવીને સવાલ કર્યો છે કે, પીએમ કેર ફંડમાં આવેલા ૪૦૦૦૦ થી ૫૦૦૦૦ કરોડ રૂપિયા ક્યાં ગયા? કોંગ્રેસના પ્રવક્તા અને આગેવાન સુપ્રિયા શ્રીનેતને પૂછ્યુ હતુ કે, પીએમ કેર ફંડની રકમનુ શું થઈ રહ્યુ છે તેનો જવાબ સરાકર આપે. તાજેતરમાં જ વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, પીએમ કેર ફંડ ભારત સરકારનુ ફંડ નથી એટલે રાઈટ ટૂ ઈન્ફર્મેશન એકટ હેઠળ તેનો જવાબ આપી શકાય તેમ નથી. કોર્ટમાં કાર્યાલય દ્વારા જવાબ અપાયો હતો કે, રાહત ફંડ ભારત સરકારને આધીન નથી અને તે ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલુ છે. આ મામલો એટલે ચર્ચામાં આવ્યો છે કે, પીએમ કેર ફંડને લઈને દિલ્હી હાઈકોર્ટમાં એક પિટિશન કરવામાં આવી છે અને તેમાં માંગ કરવામાં આવી છે કે, આ ફંડને સરકારી ફંડ જાહેર કરવામાં આવે. તેની પારદર્શિતા જળવાઈ રહે તે માટે તેને આરટીઆઈ હેઠળ પણ લાવવાની જરૂર છે.

 

સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે નવી ઊંચાઈ પર બંધ

સકારાત્મક વૈશ્વિક સંકેતોની વચ્ચે સ્થાનિક સૂચકાંક ગુરૂવારે નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયા. સેન્સેક્સ ૯૫૮.૦૩ પોઈન્ટ એટલે કે ૧.૬૩ ટકાના ઊછાળા સાથે ૫૯,૮૮૫.૩૬ પોઈન્ટન સ્તર પર બંધ થયો. એનએસઈ નિફ્ટી ૨૭૬.૩૦ પોઈન્ટ એટલે કે ૧.૫૭ ટકાની તેજી સાથે ૧૭,૮૨૩ પોઈન્ટના સ્તરે બંધ થયો. નિફ્ટી પર બજાજ ફિનસર્વ, હિંદાલ્કો ઈન્ડસ્ટ્રીસ, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટૂબ્રો તથા કોલ ઈન્ડિયાના શેરોમાં સર્વાધિક ઊછાળો નોંધાયો. બીજી તરફ એચડીએફસી લાઈફ, ડો. રેડ્ડીસ લેબ, નેસ્લે ઈન્ડિયા, આઈટીસી અને ટાટા કન્ઝુયુમર પ્રોડક્ટસના શેર ગિરાવટ સાથે બંધ થયા. સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો રિયાલિટી ઈન્ડેક્સમાં નવ ટકાનો ઊછાળો નોંધાયો હતો. તો ળી આઈટી, મેટલ, બેન્ક, કેપિટલ ગુડ્‌સ, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં એક-એક ટકાની તેજી નોંધી હતી. બીએસઈ સેન્સેક્સ પર બજાજ ફિસર્વના શેરોમાં સૌથી વધુ ૫.૧૫ ટકાનો ઊછાળો જાેવા મળ્યો. આ ઉપરાંત એલએન્ડટીના શેરમાં ૩.૪૬ ટકા, એચડીએફસીના શેરમાં ૩.૧૧ ટકા, એક્સિસ બેન્કમાં ૩.૧૧ ટકા, એસબીઆઈમાં ૨.૪૬ ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસમાં ૨.૪૩ ટકા, ઈન્ડસઈન્ડ બેન્કમાં ૨.૩૮ ટકા અને એચડીએફસી બેન્કમાં ૨.૩૩ ટકાનો ઊછાળો નોંધાયો હતો. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ઈન્ફોસિસ, એનટીપીસી, બજાજ ફાયનાન્સ, ટાટા સ્ટીલ, ટાઈટન, બજાજ ઓટો, પાવર ગ્રિડ, એચસીએલ ટેક, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, મારુતી, ટીસીએસ, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એશિયન પેઈન્ટ્‌સના શેર લીલા નિશાન પર બંધ થયા. ડો રેડ્ડીસ, આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, એટયુએલ અને ભારતી એર ટેલના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા. એલકેપી સિક્યોરિટીસના પ્રમુખ (શોધ) એસ.રંગનાથને કહ્યું કે, મોનસૂનની પ્રગતી અને વેક્સિનેશનની તેજ ગતિ જેવા સકારાત્મક સંકેતોથી શેર બજારોમાં બારે તેજી જાેવા મળી અને સેન્સેક્સ ૬૦ હજાર પોઈન્ટની આસપાસ બંધ થયું. મહામારી દરમિયાન સરકાર દ્વારા લેવાયેલા પગલાંની અસર હવે જાેવા મળી રહી છે અને એના લીધે જ મીડિયા ઈન્ડેક્સને બાદ કરતા બાકીના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ વધારા સાથે બંધ થયા. રિયલ એસ્ટેટ સેક્ટરને લઈને સકારાત્મક સમાચારો આવ્યા બાદ આ સેક્ટર અને મોર્ગેજ કંપનીઓના શેરોમાં ઊછાળો જાેવા મળ્યો.

 

પંજાબમાં ૩ આતંકી ઝડપાયા

પંજાબ પોલીસે તરણ તારણ જિલ્લામાં ત્રણ આતંકવાદીઓને હથિયારો અને વિસ્ફટકો સાથે ઝડપી પાડ્યા છે. આ આંતકીઓ પંજાબમાં મોટાપાયે હુમલો કરીને રાજ્યને ધ્રુજાવવાની ફિરાકમાં હતા. એ પછી હવે પોલીસે સમગ્ર રાજ્યમાં ચેકિંગ શરૂ કર્યુ છે. મળતી જાણકારી પ્રમાણે આ ત્રણે આતંકવાદીઓ પંજાબના મોગા જિલ્લાના રહેવાસી છે. તેમની ઓળખ પણ થઈ છે. પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ હતુ ત્યારે એક કારને શંકાસ્પદ હિલચાલના આધારે અટકાવવામાં આવી હતી. કારમાં ત્રણ વ્યક્તિઓ હતા. કારની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી એક નાઈન એમ એમ પિસ્ટલ, એક હેન્ડગ્રેનેડ અને બીજા વિસ્ફોટકો મળ્યા હતા. પોલીસ દ્વારા આજે તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. પૂછપરછમાં આતંકીઓએ મોટા હુમલાના કાવતરાનો ખુલાસો કર્યો છે. પોલીસ દ્વારા હવે આતંકીઓ પાસે હથિયારો અને વિસ્ફોટકો કેવી રીતે આવ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

 

‘ઓક્સ’માં ભારત-જાપાનને સામેલ કરવા યુએસનો ઈન્કાર

અમેરિકાએ તાજેતરમાં જ હિંદ-પ્રશાંતની સુરક્ષા માટે ઓસ્ટ્રેલિયા તથા બ્રિટનની સાથે મળીને બનાવેલા ત્રિપક્ષીય ગઠબંધન (ઑક્સ) માં ભારત અથવા જાપાનને સામેલ કરવાની સંભાવના ફગાવી દીધી છે. વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યુ કે ગયા અઠવાડિયે ઑક્સની જાહેરાત માત્ર સાંકેતિક નથી અને મને લાગે છે કે રાષ્ટ્રપતિ જાે બાઈડને પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને એ સંદેશ આપ્યો છે કે હિંદ-પ્રશાંતની સુરક્ષા માટે બનાવાયેલા ગઠબંધનમાં કોઈ અન્ય દેશને સામેલ કરવામાં આવશે નહીં. અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયાએ હિંદ-પ્રશાંતમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે રણનીતિક રીતે મહત્વપૂર્ણ આ ક્ષેત્ર માટે નવા ત્રિપક્ષીય સુરક્ષા ગઠબંધનની ૧૫ સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી જેથી તેઓ પોતાના ભાગીદારી હિતની રક્ષા કરી શકે અને પરમાણુ ઉર્જાથી સંચાલિત સબમરીન પ્રાપ્ત કરવામાં ઓસ્ટ્રેલિયાની મદદ કરવા સહિત રક્ષા ક્ષમતાઓને શ્રેષ્ઠ રીતે શેર કરી શકે. આ કરારના કારણે તેમણે ફ્રાન્સની સાથે કરાર રદ કરી દીધા છે. ફ્રાંસે ગઠબંધનમાં તેમને સામેલ ના કરવાની ટીકા કરી હતી અને કહ્યુ કે જ્યારે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સામાન્ય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તો આ સુસંગતતાની અછતને દર્શાવે છે. સાકીએ કહ્યુ કે, આ ક્ષેત્રમાં પ્રત્યક્ષ રૂચિ રાખનારા ફ્રાંસ સહિત કેટલાક દેશની સાથે વાતચીત માટે એક મહત્વપૂર્ણ વિષય છે.

 

ઓસ્ટ્રેલિયામાં લોકડાઉનનો વધતો વિરોધ

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં છેલ્લા ૨૦ દિવસથી કોરોનાના રોજ ૧૬૦૦ કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે. કોરોનાથી લોકોના મોત પણ થઈ રહ્યા છે ત્યારે મોટા શહેરોમાં સખ્ત લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. બીજી તરફ મેલબોર્નમાં લોકડાઉન સામે થઈ રહેલા દેખાવોએ હિંસક વળાંક લીધો છે અને દેખાવકારો પર પોલીસે રબરની બુલેટ્‌સ ફાયર કરી હતી. લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતુ. પોલીસે ૨૭ દેખાવકારોની ધરપકડ કરી છે. દરમિયાન કેટલાક શહેરોમાં જેમણે વેક્સીન લીધી હોય તેવા કર્મચારીઓને કામ કરવાની મંજૂરી અપાઈ છે. જેના વિરોધમાં બાંધકામ સેક્ટરમાં કામ કરતા હજારો કર્મચારીઓ રોડ પર ઉતર્યા હતા. તેમનુ કહેવુ હતુ કે, એક તો કોરોનાએ કમર તોડી નાંખી છે અને બીજી તરફ સરકારે માત્ર વેક્સીનના બે ડોઝ લેનારા લોકોને જ કામ કરવાની પરવાનગી આપી છે. આવામાં તો અમે ભૂખ્યા મરી જઈશુ. મેલબોર્નમાં હિંસક દેખાવોના કારણે પોલીસને રબરની બુલેટ્‌સ ફાયર કરવાની ફરજ પડી છે. જાેકે એ પછી પણ દેખાવકારો પ્રદર્શન ચાલુ રાખે તેવી વકી છે.

 

ન્યૂઝીલેન્ડ – ઈંગ્લેન્ડે પ્રવાસ રદ કરતા પાક. બોર્ડને ફટકો

સુરક્ષા કારણોસર ન્યુઝીલેન્ડ મેચ અગાઉ જ પાકિસ્તાન છોડીને પાછી ફરી ગઈ અને ઈંગ્લેન્ડની ટીમે પણ પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યો. બે દેશો દ્વારા આ રીતે મેચ રદ્દ થવાને કારણે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન અત્યારે રોષે ભરાયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રઝાએ પણ આકરા શબ્દોમાં આ ર્નિણયની ટીકા કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સમગ્ર બાબત માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. પાકિસ્તાની મીડિયા દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલી ટીમની ખાણી-પીણી પર ૨૭ લાખ રુપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની એક ન્યુઝ ચેનલ અનુસાર, ઈસ્લામાબાદની એક હોટલમાં આઠ દિવસ સુધી રોકાયેલી ન્યુઝીલેન્ડની ટીમની સુરક્ષામાં લગભગ ૫૦૦ પોલીસકર્મી તૈનાત હતા. તેમના માટે દિવસમાં બે વાર બિરયાની મોકલવામાં આવતી હતી. ૮ દિવસનું તેમનુ બિલ ૨૭ લાખ રુપિયા થયું છે. બન્ને ટીમની પ્રથમ વનડે મેચ રાવલપિંડીમાં રમાવાની હતી, પરંતુ તે પહેલા જ સુરક્ષા કારણોસર ન્યુઝીલેન્ડની ટીમ પોતાના દેશ પાછી ફરી ગઈ હતી. આ મેચ રદ્દ થવાને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટું નુકસાન થવાનું છે. બિરયાની માટેનું ૨૭ લાખ બિલ તો માત્ર શરુઆત છે, આ સિવાય ન્યુઝીલેન્ડની ટીમની સુરક્ષા માટે ફ્રંટિયર કોન્સટેબ્યુલરી જવાનોની મદદ લેવામાં આવી હતી, જેનો ખર્ચો પણ પાકિસ્તાને ઉઠાવવો પડશે. પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ બુધવારના રોજ દાવો કર્યો કે ન્યુઝીલેન્ડની ટીમને ધમકીભર્યો ઈમેઈલ મુંબઈથી મોકલવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો કે ઈમેઈલ આઈડીને ભારતમાં બનાવવામાં આવ્યું અને સિંગાપોરના આઈપી એડ્રેસના માધ્યમથી મેઈલ કરવામાં આવ્યો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા ચીફ રમીઝ રઝાએ કહ્યું કે, એવું લાગી રહ્યું છે જાણે અમારો પ્રયોગ કરીને અમને ફેંકી દેવામાં આવ્યા. ન્યુઝીલેન્ડની મેચ કેન્સલ થયા પછી અમને ઈંગ્લેન્ડથી આશા હતી. અમને આશા હતી કે તે જૂની મિત્રતાને ધ્યાનમાં રાખશે. ટૂર કેન્સલ નહીં કરે, પણ અમે ખોટા સાબિત થયા. ઈસીબી પાસે ક્રિકેટ સમૂદાયના અન્ય સભ્યોની મુશ્કેલ સમયમાં મદદ કરવાની તક હતી, પરંતુ તેઓ ચૂકી ગયા.

 

જાેડિયામાં ૭ ઈંચ વરસાદ

આજે સવારથી ફરી એકવાર જામનગર જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા હોય તે રીતે સાંબેલાધાર વરસી રહ્યા છે. જામનગરના જાેડિયા પંથકમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે જાેડિયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. છ કલાકમાં સાડાસાત ઇંચ વરસાદ ખાબકતાં રસ્તા ઉપર નદી વહી રહી હોય એવાં દૃશ્યો સર્જાયાં છે, જ્યારે સૂર્યા પંથકમાં હજુ વધુ વરસાદ પડે તો અનેક ગામો બેટમાં ફેરવાઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઇ છે. જામનગર જિલ્લામાં સપ્તાહ પૂર્વે થયેલી અતિવૃષ્ટિ બાદ ફરી ભારે વરસાદનો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારે જાેડિયા પંથકમાં સાડાસાત ઇંચ વરસાદ વરસી જતાં ચોતરફ પાણી પાણી થઇ ગયું છે. જાેડિયા સહિત જિલ્લાભરમાં હાલ ભારે વરસાદનો માહોલ અવિરત છે. જેમાં જાેડિયા તાલુકામાં માત્ર ૬ કલાકમાં ૭.૫ ઇંચ તો ધ્રોલ તાલુકામાં પણ ૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની ફરીથી તોફાની બેટિંગની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. જાેડિયા પંથકમા હજી પણ વરસાદનું તોફાની તાંડવ ચાલી રહ્યું છે. રાતથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. જાે આવો ને આવો વરસાદ વરસતો રહેશે, તો જામનગરમાં ફરી પૂરની સ્થિતિ ઉદભવી શકે છે. બીજી તરફ હવામાન વિભાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભારે પવન ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધી ગણદેવી તાલુકામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ વરસતાં વેગણીયા ખાડીનો લો લાઈન પુલ પાણીમાં ગરકાવ થયો છે. જેથી બીજી તરફ રહેતા ૨૫૦થી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. આ બ્રિજ આ સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી ચાર દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે છુટોછવાયો વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુરુવારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

 

વડોદરા : વિશ્વામિત્રી નદીની સપાટી વધી

ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે વડોદરાના આજવા સરોવરની સપાટી ૨૦૯.૭૫ ફૂટે પહોંચી ગઈ છે. જેથી હવે વડોદરામાં આગામી વર્ષ માટે પાણીનં સંકટ ટળી ગયુ છે. આગામી એક વર્ષ સુધી શહેરીજનોને પીવાનું પાણી મળી રહેશે. પરંતુ બીજી બાજુ વિશ્વમિત્રી નદીની સપાટી પણ વધતા તંત્ર એલર્ટ બન્યું છે. વડોદરાના ઉપરવાસમાં સતત વરસતા વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી વધી ૧૬.૭૫ ફૂટ પર પહોંચી ગઈ હતી. જે હાલ ઘટીને ૧૩ ફૂટ પર આવી ગઈ છે. ૨૦૨૧ ના ચોમાસામાં પ્રથમ વખત વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે. પંચમહાલ, પાવાગઢ અને વાઘોડિયામાં ભારે વરસાદ વરસ્યો, જેના લીધે આજવા સરોવરની સપાટી પણ વધી છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી ૨૪ ફૂટ છે. મહત્વની વાત છે કે ઉપરવાસમાં સતત વરસાદ જાે આજ રીતે વરસતો રહેશે તો વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી વટાવી શકે છે. હાલમાં વરસાદ રોકાતા વિશ્વામિત્રી નદીની સપાટી ઘટી ૧૩ ફૂટ પર પહોંચી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને હાશકારો થયો છે. આ વિશે વડોદરાના મેયર કેયુર રોકડીયાએ કહ્યું છે કે, હાલમાં વડોદરાવાસીઓ માટે ચિંતાની કોઈ વાત નથી. તેમ છતાં તંત્ર બધી રીતે તૈયાર છે. તો બીજી તરફ ૧૫ દિવસ પહેલા આજવા સરોવર ૨૦૬ ફૂટે પહોંચ્યુ હતું. શહેરની રોજની પીવાના પાણીની જરૂરિયાત ૫૨૦ એમ.એલ.ડી છે, જેને માટે ૨૦૧૨ ફૂટ પાણી આજવા સરોવરમાં હોવું જરૂરી છે. થોડા દિવસો પહેલા વડોદરામાં ઓછા વરસાદને કારણે પાણી સંકટ મંડરાઈ રહ્યુ હતું, ત્યારે મેયરે પૂર્વ નર્મદા મંત્રીને નર્મદા નિગમથી પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાની સબ કેનાલ દ્વારા આજવા સરોવર ડેમમાં પાણી આપવાની મંજૂરી પણ આપી છે. જાેકે આ પાણી વિના મૂલ્યે નહિ મળે તેવુ લેખિતમાં કહેવાયુ હતું. હાલ જાેકે સારો વરસાદ વરસતાં વડોદરાવાસીઓને નર્મદાના નદીના પાણીની જરૂર નહિ પડે એમ લાગી રહ્યું છે. તો પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત કહે છે કે, ૨૦૧૪ કે ૨૦૧૯ માં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ઉપર પાણી આવતા જ હજ્જારો શહેરીજનોના ઘરમાં પાણી પ્રવેશ્યા હતા. હાલ પણ પાણી વધતા વડસર સહિતના વિસ્તારમાં પાણી પ્રવેશી શકે છે, કોર્પોરેશન તંત્રએ અત્યારથી જ એલર્ટ થઈ વ્યવસ્થાઓ કરવાની જરૂર છે.

 

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે કોરોનામાંથી સાજા થયેલા લોકો તેના સૌથી વધુ શિકાર બની રહ્યા છે. ડૉક્ટર્સનું માનીએ તો, કોરોનાને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાથી તેમાંથી સાજા થયેલા લોકો આસાનીથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગમાં સપડાઈ રહ્યા છે. શહેરની કે.ડી. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ વસીમઅહેમદ સચોરાનું માનીએ તો, તેમણે આ વર્ષે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના ૨૦૦ જેટલા દર્દીઓની સારવાર કરી છે, જેમાંથી ૧૦૦ કોરોનામાંથી સાજા થયેલા દર્દી હતાં. ન્યૂ રાણીપમાં રહેતા અને પ્રાઈવેટ કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરતા ૩૪ વર્ષીય અમિત રાવલને જુન મહિનામાં કોરોના થયો હતો. સતત તાવ આવતો હોવાના કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું. ટ્રીટમેન્ટ દરમિયાન સ્ટિરોઈડ અને અન્ય દવાઓના હેવી ડોઝ લેવાના કારણે તેમના શરીરમાં અશક્તિ આવી ગઈ હતી, અને પાચનશક્તિ પણ નબળી પડી ગઈ હતી. કોરોનામાંથી સાજા થયા બાદ તેમને લાગતું હતું કે હવે તેઓ આફતમાંથી બહાર આવી ગયા છે. જાેકે, થોડા જ સમયમાં એક નવી સમસ્યાનો તેમને સામનો કરવાનો હતો. જુલાઈ મહિનામાં તેમને ફરી તાવ ચઢ્યો, જે દવાઓ લીધા બાદ પણ ના ઉતર્યો. તેમને ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું, જેની સારવાર માટે ફરી હોસ્પિટલમાં એડમિટ થવાનો વારો આવ્યો. તાવ સાથે માથાંમાં થતો અસહ્ય દુઃખાવો તેમજ ઝાડા-ઉલ્ટીને કારણે તેઓ કેટલાક દિવસ હોસ્પિટલમાં રહ્યા. સાજા થયા બાદ તેમણે કામ પર જવાનું શરુ કર્યું, પરંતુ ઓગસ્ટમાં ફરી તેમને ચિકનગુનિયા થયો. ત્રણ મહિનામાં ત્રણ વાર બીમાર પડી ચૂકેલા અમિત રાવલ દવાઓના હેવી ડોઝને કારણે ખૂબ જ અશક્તિ અનુભવી રહ્યા છે. તેમને એવું લાગે છે કે જાણે તેમના હાડકાં ઘરડા થઈ ગયા છે. તેમને પથારીમાંથી ઉઠવામાં પણ શ્રમ પડે છે. તેઓ તો ત્યાં સુધી કહે છે કે ચિકનગુનિયા તો કોરોના કરતા પણ ખતરનાક છે. તેના કારણે તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. તેમના ડૉક્ટરના જણાવ્યા અનુસાર, તેમને કોરોના પણ થઈ ચૂક્યો હોવાથી ચિકનગુનિયાના અન્ય દર્દીઓ કરતાં તેમને સાંધાનો દુઃખાવો વધારે થઈ રહ્યો છે. ડૉક્ટર્સનું માનીએ તો, મચ્છરજન્ય રોગ અને કોરોનાને કોઈ સીધું કનેક્શન નથી. પરંતુ જ્યારે કોરોનામાંથી સાજા થયેલા દર્દીને ડેન્ગ્યુ થાય ત્યારે તેના પ્લેટલેટ ખૂબ જ ઝડપથી ઘટી જાય છે. ડૉ. સચોરા જણાવે છે કે, આવા ઘણા કેસમાં તો પ્લેટલેટ ઘટીને ૧૫-૨૦ હજાર સુધી પણ પહોંચ્યાના દાખલા છે. શેલ્બી હોસ્પિટલના ડૉ. ફાલ્ગુની ઐયરનું કહેવું છે કે, કોરોના થયો હોય તેવા ચિકનગુનિયાના દર્દીઓને સાંધાનો દુઃખાવો અને તાવ લાંબો સમય સુધી રહે છે. આવા દર્દીને એકાદ સપ્તાહ સુધી સતત તાવ આવે છે, અને સાંધાનો દુઃખાવો દોઢ મહિના સુધી રહી શકે છે. શરીર કોરોનાની અસરથી સંપૂર્ણ મુક્ત ના થયું હોય તે પહેલા જ વધુ એક વાયરલ અટેકને કારણે ચિકનગુનિયા જેવો રોગ પણ દર્દીને ખૂબ જ પરેશાન કરી મૂકે છે. બોપલમાં રહેતા હિરેન પટેલ સાથે પણ આવું જ થયું હતું. તેમને સેકન્ડ વેવ દરમિયાન એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો. જેમાંથી તેઓ સાજા થઈ ગયા હતા, પરંતુ બે મહિનામાં તેમને ચિકનગુનિયા થયો, જેના લીધે તેમને સતત પાંચ દિવસ સુધી તાવ આવ્યો હતો. તેની સાથે તેમને સાંધાનો અસહ્ય દુઃખાવો પણ સહન કરવો પડ્યો હતો.