મહેસાણાની તસ્નીમ મીર ભારતીય બેડમિન્ટન ટીમમાં

કહેવાય છે કે, આળસુઓના પીરને રસ્તો કદી જડતો નથી. અને અડગ મનના મુસાફીરને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને રાજ્યના મહેસાણા જિલ્લાની એક સામાન્ય પરિવારની દીકરીએ ખરા અર્થમાં યથાર્થ કરી છે. આ આર્ટિકલમાં આપણે વાત કરીશું મહેસાણા જિલ્લાની એક સામાન્ય પરિવારની દીકરીની જેણે અથાગ મહેનત થકી દેશ-દુનિયામાં ગુજરાતના નામનો ડંકો વગાડ્યો છે. ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છેકે, મહેસાણા જિલ્લાની તસ્નીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ છે. આગામી સમયમાં હવે તસ્નીમ મીર બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલ સાથે રમતી જાેવા મળશે. મહેસાણાની દીકરી તસ્નીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ છે. જેની લઈને પરિવાજનોમાં ખુશી લહેર છવાઈ ગઈ છે, ગુજરાતમાંથી સૌ પ્રથમવાર બેડમિન્ટન ખેલાડી તરીકે ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી પામવા બદલ પરિવારજનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે. મહેસાણા પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલની પુત્રી તસ્નીમ મીરે દુબઇ ખાતે યોજાયેલી અંડર ૧૯ સીંગલ અને ડબલ્સ બેડમિન્ટન ઇન્ટરનેશનલ ચેલેન્જ સિરીઝની સ્પર્ધામાં ચેમ્પિયન બની ૨ ગોલ્ડ મેડલ મેળવતાં મહેસાણા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જે બાદ હવે તસ્નીમ મીરની ભારતીય રાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી તરીકે પસંદગી થઈ છે. એટલું જ નહીં તેની હવે બેડમિન્ટન ખેલાડી ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ છે. જાે વાત કરવામાં આવે તો તસ્નીમ મીર ગયા વર્ષે મહારાષ્ટ્રના નાગપુરમાં યોજાયેલ બેડમિન્ટનની રમતમાં સબ જુનિયર રેકીંગ નેશનલ ટુર્નામેન્ટમાં અન્ડર ૧૫માં ડબલ અને સીંગલમાં વિજેતા બની નેશનલ ચેમ્પિયન બની હતી. મહત્વનું છે કે તસ્નીમ મીરે ઓગસ્ટ મહિનામાં બલ્ગેરિયાના પેઝારઝિકમાં યોજાયેલી અન્ડર-૧૯ જુનિયર ઓપન ઇન્ટરનેશનલ ચેમ્પિયનશનિપમાં ચેમ્પિયન બની હતી, અગાઉ પણ અગાઉ તસનીમ મીરે દુબઈમાં બે ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું અને દેશનું નામ રોશન કર્યું હતું. તસનીમ મીરે નેશનલ લેવલે ૨૨ વખત ચેમ્પિયન બની છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ૫ ટાઈટલ મેળવ્યા છે. ભારતીય ટીમમાં પસંદગી પામતા હવે તસ્નીમ મીર સાઈના નહેવાલ સાથે ભારતીય ટીમમાંથી રમશે, તસ્નીમ મીર આગામી સમયામાં ડેનમાર્કમાં થોમસ એન્ડ ઉબેર કપમાં પણ રમશે. જ્યારે દુબઇ ખાતે યોજાયેલી અંડર ૧૯ બેડમિન્ટન ઇન્ટરનેશનલ ચેલેન્જ સીરીઝમાં ૧૦ ભારતીય ખેલાડીઓ સાથે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં તસ્નીમ મીરે અંડર ૧૯માં સીંગલ અને મિક્સ ડબલ્સમાં ૨ ગોલ્ડ મેડલ મેળવી વિજેતા બની છે મિકસ ડબ્લસની સ્પર્ધામાં આસામના હયાન રસીદે તસ્નીમનો સાથ આપ્યો હતો.

 

ટોક્યો પેરાલિમ્પિક : કૃષ્ણા નાગરે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો

ટોક્યો પેરાલિમ્પિકમાં કૃષ્ણા નાગરે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. SH6 ક્લાસ ફાઇનલમાં કૃષ્ણા નાગરે હોંગકોંગના ચુ માન કેઇને ૨૧-૧૭, ૧૬-૨૧, ૨૧-૧૭થી હરાવ્યો. ટોક્યો પેરાલિમ્પિકમાં બેડમિંટનમાં આ ભારતનો ચોથો મેડલ છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે. કૃષ્ણા નાગર પહેલા બેડમિંટનમાં પ્રમોદ ભગત ગોલ્ડ, સુહાસ યતિરાજ સિલ્વર અને મનોજ સરકાર બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે. તેની સાથે જ ટોક્યો ઓલમ્પિકમાં ભારતના મેડલોની સંખ્યા ૧૯ થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધી ૫ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારત ટોક્યો પેરાલિમ્પિકમાં નિશાનેબાજીમાં ૫ અને બેડમિંટનમાં ૪ મેડલ જીતી ચૂક્યું છે. ટોક્યો પેરાલિમ્પિકમાં આ ભારતનો પાંચમો ગોલ્ડ મેડલ છે. ટોક્યો પેરાલિમ્પિકમાં કૃષ્ણા પહેલા પ્રમોદ ભગત (બેડમિંટન), મનીષ નરવાલ (નિશાનેબાજી), સુમિત અંતિલ (ભાલા ફેંક, અને અવનિ લેખરા (નિશાનેબાજી) ભારતને ગોલ્ડ અપાવી ચૂક્યા છે. કૃષ્ણા નાગર પેરાલિમ્પિક રમતોમાં ગોલ્ડ જીતનારો માત્ર આઠમો ખેલાડી છે. પેરાલિમ્પિક રમતોમાં ભારતને પહેલો ગોલ્ડ મુરલીકાંત પેટકરે વર્ષ ૧૯૭૨માં અપાવ્યો હતો. ત્યારબાદ દેવેન્દ્ર ઝાઝરિયાએ એથેન્સ ઓલમ્પિક ૨૦૦૪ અને રિયો ઓલમ્પિક ૨૦૧૬માં ભાલા ફેંકમાં ભારતનો ગોલ્ડ અપાવ્યો. બીજી તરફ, રિયોમા; મરિયપ્પન થંગાવેલુએ હાઇ જમ્પમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રાજસ્થાનના જયપુરના રહેવાસી ૨૧ વર્ષીય કૃષ્ણા નાગરે એપ્રિલમાં દુબઈમાં પેરા બેડમિંટન આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. નાગરે SH6 વર્ગમાં મેડલ જીત્યો છે જેમાં નાના કદના ખેલાડીઓ રમે છે. જ્યારે કૃષ્ણા માત્ર ૨ વર્ષનો હતો ત્યારે ડૉક્ટરોએ કહ્યું હતું કે તેની ઊંચાઈ નહીં વધે. ઘરમાં બધા ભાઈ -બહેનો, માતા –પિતાની ઊંચાઈ સામાન્ય છે, પરંતુ કૃષ્ણ નાગરની ઊંચાઈ ૪.૬ ફૂટથી વધી શકી નથી. ટોક્યો પેરાલિમ્પિકમાં સુહાસ યતિરાજે સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. જીન્૪ ક્લાસ ફાઇનલમાં સુહાસ યતિરાજ ફ્રાન્સના લુકાસ માજૂર સામે હારતાં ગોલ્ડ મેડલ ચૂકી ગયા. માજૂરે સુહાસને ૧૫-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૫ થી હરાવ્યા. ટોક્યો પેરાલિમ્પિકમાં બેડમિંટનમાં આ ભારતનો ત્રીજાે મેડલ છે. ગૌતમ બુદ્ધ નગર (નોઇડા)ના ૩૮ વર્ષીય જિલ્લાધિકારી સુહાસ પેરાલિમ્પિક રમતોમાં મેડલ જીતનારા પહેલા આઇએએસ અધિકારી પણ બની ગયા છે. આ પહેલા શનિવારે ભારતીય શટલર પ્રમોદ ભગતે કમાલનું પ્રદર્શન કરતા બેડમિંટન સિંગલ્સ જીન્૩નો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

ICC TEST RANKING : કોહલીનો ઈંગ્લેન્ડમાં ફ્લોપ શો, રોહિત શર્મા પાંચમા ક્રમે

ભારતીય ઓપનર રોહિત શર્માએ આઈસીસી મેન્સ ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને સાથીદાર વિરાટ કોહલીને પાછળ છોડીને પાંચમો ક્રમ મેળવ્યો છે. રોહિત આઈસીસી ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં ટોચનો ભારતીય ખેલાડી બન્યો છે. રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં બન્ને ઈનિંગમાં ૧૯ અને ૫૯ રન ફટકારતા ૭૭૩ પોઈન્ટ સાથે તેના રેન્કિંગમાં એક ક્રમનો વધારો થયો હતો. આ અગાઉ ૨૦૧૭માં કોહલી કરતા અન્ય કોઈ ભારતીય બેટ્‌સમેન રેન્કિંગમાં આગળ રહ્યો હોય તો તે ચેતેશ્વર પૂજારા છે. પૂજારા તે વખતે બીજા ક્રમે અને કોહલી પાંચમા ક્રમે રહ્યો હતો.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલી તાજેતરની યાદીમાં પૂજારા ત્રણ ક્રમ આગળ વધીને ૧૫માં સ્થાને રહ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં તેણે બીજી ઈનિંગમાં ૯૧ રન ફટકાર્યા હતા. આ યાદીમાં ચોથા ભારતીય તરીકે ૧૨માં સ્થાને ઋષભ પંત રહ્યો હતો. ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ એક સ્થાન આગળ વધીને નવમાં ક્રમે પહોંચ્યો છે જ્યારે સ્પિનર રવિચંદ્રન અશ્વિન બીજા ક્રમે યથાવત્‌ છે. ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર પેટ કમિન્સ ટેસ્ટ બોલર્સની યાદીમાં પ્રથમ ક્રમે રહ્યો છે.
ટેસ્ટ બેટ્‌સમેનમાં ઈંગ્લેન્ડનો કેપ્ટન જાે રૂટ છ વર્ષના લાંબા ગાળા બાદ પ્રથમ ક્રમે પહોંચ્યો છે. ભારત સામેની ટેસ્ટ સીરિઝના પ્રારંભે રૂટ પાંચમા સ્થાન હતો પરંતુ ત્રણ ટેસ્ટમાં ૫૦૭ રન કરનાર રૂટ કોહલી, માર્નસ લાબુસ્ચેન્જ, સ્ટીવ સ્મિથ અનેકેન વિલિયમસન કરતા આગળ નિકળી ગયો હતો. લીડ્‌સ ટેસ્ટમાં જાે રૂટે ૧૨૧ રનની ઈનિંગ રમી હતી. છેલ્લે ડિસેમ્બર ૨૦૧૫માં રૂટ ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ ક્રમે રહ્યો હતો. ત્યારબાદ કેન વિલિયમસન, વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ ટોચનો ક્રમ મેળવવામાં સફળ રહ્યા હતા. આ ચાર ખેલાડીઓ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના એ બી ડી વિલિયર્સે નવેમ્બર ૨૦૧૫માં ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.
રવિન્દ્ર જાડેજા તેમજ અશ્વિને ટેસ્ટ ઓલરાઉન્ડર્સમાં અનુક્રમે ત્રીજું અને ચોથું સ્થાન જાળવી રાખ્યું હતું.

 

આજથી ભારત – ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી ટેસ્ટ મેચ ૨ સપ્ટેમ્બરથી લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાશે. આ સમયે સિરીઝ ૧-૧થી બરોબર છે. લોર્ડ્‌સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવી ભારતે સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી હતી. પરંતુ લીડ્‌સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે શાનદાર વાપસી કરતા ભારતને ઈનિંગ અને ૭૬ રને પરાજય આપી સિરીઝમાં ૧-૧ની બરોબરી કરી છે. વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટમાં ટીમમાં બે ફેરફાર કરી શકે છે.
ટીમ ઈન્ડિયા અંતિમ ઇલેવનમાં પોતાના બેટિંગ ક્રમમાં કોઈ ફેરફાર કરશે નહીં પરંતુ બોલિંગ યૂનિટમાં ફેરફાર થઈ શકે છે. ઓવલ ટેસ્ટ જીતીને ભારતની પાસે ૧૪ વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવાની શાનદાર તક છે. ટીમ ઈન્ડિયા તરફથી બેટિંગમાં ઓપનિંગની જવાબદારી રોહિત શર્મા અને કેએલ રાહુલ સંભાળશે. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા ત્રીજા સ્થાને બેટિંગ કરશે. પુજારાએ લીડ્‌સમાં રમાયેલી બીજી ઈનિંગમાં ૯૧ રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી ટીમની જવાબદારી સંભાળશે.
પાંચમાં સ્થાને અજિંક્ય રહાણે બેટિંગ કરવા ઉતરશે. તો વિકેટકીપરની જવાબદારી રિષભ પંત પાસે રહેશે. બોલિંગમાં રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવું નક્કી છે. અશ્વિન પ્રથમ ત્રણ ટેસ્ટમાં બહાર રહ્યો હતો. તો ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો ઈશાંત શર્માને બહાર કરવામાં આવી શકે છે. લીડ્‌સમાં ઈશાંત એકપણ વિકેટ ઝડપી શક્યો નહીં. તે લયમાં જાેવા મળી રહ્યો નથી.
ઈશાંત શર્માની જગ્યાએ શાર્દુલ ઠાકુરને પ્લેઇંગ ઇલેવનમાં તક મળવાની શક્યતા છે. તેના આવવાથી ભારતની ટેલ મજબૂત થશે. જસપ્રીત બુમરાહ બોલિંગ યૂનિટની આગેવાની કરશે. તેની સાથે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળવાની સંભાવના છે. ભારત આ વખતે પણ ચાર ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરશે. જેનો સંકેત કોહલીએ આપ્યો હતો.
ચોથી ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ ઇલેવન આ મુજબ રહી શકે છેઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

 

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણે રસી પહોંચાડવા માટેની યોજના તૈયાર, રસીના સંગ્રહ માટે કોલ્ડ ચેઈન પર કામ ચાલે છે : નિશુલ્ક કોરોના રસીની વાતને વેગ મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૯
દેશમાં કોરોના કેસ ૮૦ લાખના આંકડે પહોંચ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ખાતરી આપી છે કે કોરોના રસી બનાવવામાં આવ્યા પછી દરેક દેશવાસીને રસી આપવામાં આવશે. કોરોના રસીના રસીકરણ અંગે તેમની સરકારની તૈયારીઓ વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે દેશના છેવાડાના વ્યક્તિ સુધી આ રસી પહોંચાડવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. કોરોન રસીના સંગ્રહ માટે રસીકરણ માટે કોલ્ડ ચેન પર કામ ચાલી રહ્યું છે.
એક મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ આખા દેશને ખાતરી આપવા માંગે છે કે જ્યારે પણ કોરોના રસી મળશે ત્યારે દરેક દેશવાસીને રસી આપવામાં આવશે. કોઈને પણ બાકાત રાખવામાં નહીં. વડાપ્રધાન મોદી દ્વારા દરેક દેશવાસીના રસીકરણની ખાતરીને લઈને ફરી એકવાર નિઃશુલ્ક કોરોના રસીકરણના સમાચારોને વેગ મળ્યો છે. એવું માનવામાં આવે છે કે સરકાર આરોગ્ય યોજના હેઠળ આ રસીકરણ અભિયાન ચલાવી શકે છે. ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ’હું દેશને ખાતરી આપવા માંગું છું કે જ્યારે પણ કોરોના રસી બનાવવામાં આવશે ત્યારે દરેકને રસી આપવામાં આવશે. કોઈને છોડશે નહીં. હા, આ રસીકરણ અભિયાનની શરૂઆતમાં કોરોનાનું જેને સૌથી વધુ જોખમ છે તેવા લોકોને શામેલ કરવામાં આવશે. તેમાં કોરોના સામે યુદ્ધ લડતા ફ્રન્ટલાઈન કર્મચારીઓનો સમાવેશ થશે. વડાપ્રધાનએ કહ્યું કે, ખાસ કરીને કોરોના રસી માટે બનાવવામાં આવેલ રાષ્ટ્રીય નિષ્ણાત જૂથ રસીકરણ કઈ રીતે કરવું તેના પર કામ કરી રહ્યું છે. વડાપ્રધાનએ કહ્યું, આપણે એ જાણી લેવું જોઈએ કે રસી બનાવવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. પરીક્ષણો ચાલી રહ્યા છે. નિષ્ણાતો હજુ સુધી એ કહી શકવાની સ્થિતિમાં નથી કે આ રસી કેવા પ્રકારની હશે, દરેક વ્યક્તિને કેટલા ડોઝ આપવાના રહેશે કે પછી તે એકવાર આપવી પડશે કે એકથી વધુ વાર લેવી પડશે. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ જ અમે દેશમાં રસીકરણ તરફ આગળ વધીશું.
કોરોના રસી માટે સરકારની તૈયારીઓ વિશે માહિતી આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ૨૮ હજારથી વધુ કોલ્ડ ચેઇન પોઇન્ટ કોરોના રસીનો સંગ્રહ કરશે અને દેશના જુદા જુદા ભાગોમાં સપ્લાય ચેઇનનો ભાગ હશે. છેવાડાના દરેક નાગરિકને કોરોના રસી આપવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્ય, જિલ્લા અને સ્થાનિક કક્ષાએ આ અભિયાનને સમર્પિત ટીમો રસી અભિયાનનો ભાગ બનશે.

 

સુરત ખાતે કાકાના મિત્રએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

તરુણીએ બાળકને જન્મ આપતા ભાંડો ફૂટ્યો
કાકાના મિત્રએ એકલતાનો લાભ ઉઠાવીને વારંવાર દુષ્કર્મ આચરતા ૧૭ વર્ષની તરુણીની તબિયત બગડી ગઈ હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૨૧
સુરતમાં ફરી એક વખત શરમજનક ઘટના બની છે. જેમાં એક કુંવારી તરુણીએ જ બાળકને જન્મ આપ્યો છે. બાળકના જન્મ બાદ તેણી પર બળાત્કાર થયાનો ખુલસો થયો છે. સુરતના ઉધના ખાતે પિતા સાથે રહેતી ૧૭ વર્ષીય તરૂણીની તબિયત અચાનક બગડી હતી. જે બાદમાં સગીરાને હૉસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલ ખાતે તરુણીએ એક બાળકને જન્મ આપતા તરુણી સાથે તેના કાકાના એક મિત્રએ બળાત્કાર ગુજાર્યો હોવાનું ખુલ્યું હતું. જે બાદમાં પરિવારે આ યુવાન વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં ફરી એકવાર માનવતાને શરમાવવું પડે તેવી ઘટના સામે આવી છે. પીડિત તરુણી મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી છે અને હાલમાં સુરત ખાતે આવેલા ઉધનાના હરિનગર ખાતે પિતા સાથે રહેતી છે. ૧૭ વર્ષીય તરૂનીના પિતા રીક્ષા ચલાવી પરિવારનું આર્થિક ભરણ પોષણ કરે છે. તરુણીના કાકાનો એક મિત્રો તેમના ઘરની નજીક રહેતો હતો. તે અવારનવાર ઘરે પણ આવતો હતો. આ દરમિયાન તરૂણીને ઘરે એકલી જોઈને કાકાના મિત્રની દાનત બગડી હતી અને તેમી પર દુષ્કર્મ આચર્યું હતું. અવારનવાર દુષ્કર્મ ગુજારવા છતાં તરુણીએ આ અંગે ડરના માર્યા પરિવારને જાણ કરી ન હતી. જોકે, બે દિવસ પહેલા તરુણીની તબિયત બગડતા તેણીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હૉસ્પિટલ ખાતે ડૉક્ટરે તરુણી પ્રેગનેન્ટ હોવાનું જણાવ્યું હતું. જેના એક દિવસ બાદ તરુણીએ હૉસ્પિટલ ખાતે એક બાળકને જન્મ આપ્યો હતો. આ બાબતે તરુણીએ પરિવારને જણાવ્યું હતું કે તેના કાકાના મિત્રએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ વાત સાંભળીને તરુણીના પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે આ મામલે કાકાના મિત્રો સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્ત્રી અત્યાચારના બનાવો છેલ્લા થોડા દિવસોથી અટકવાનું નામ નથી લઈ રહ્યા. સૌરાષ્ટ્રમાં એક પછી સામૂહિક દુષ્કર્મના કેસ નોંધાયા હતા. તો સાબરકાંઠામાં એક તરુણીનું ગળું કાપીને તેના નજીકના જ સંબંધીએે હત્યા કરી નાખી હતી.

 

કેશુબાપા સમાજના દરેક માનવીની સંભાળ લેતા દિગ્ગજ નેતા : મોદી

પૂર્વ મુખ્યમંત્રીને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોની અંજલિ

સમાચાર મળવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઈના પુત્રને ફોન કરી દીલસોજી વ્યક્ત કર્યા બાદ તેમના ફોટા સાથે ટ્વીટ કરીને શ્રધ્ધાંજલિ આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૯
પીએમ મોદીએ કેશુભાઈ પટેલના અવસાન પર ઉંડું દુઃખ વ્યક્ત કરતા સ્વર્ગસ્થના પુત્ર ભરત પટેલ સાથે વાત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમે એમ પણ જણાવ્યું હતું કે મારા જેવા કેટલાય યુવા કાર્યકર્તાઓ કેશુભાઈના હાથ નીચે તૈયાર થયા છે. ગુજરાતમાં ભાજપનો પાયો નાખનારા કેશુભાઈ પટેલનો આજે ૯૨ વર્ષની વયે સ્વર્ગવાસ થયો છે. કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેઓ કેશુભાઈની વિદાયથી ખૂબ જ દુઃખી છે. કેશુભાઈને આલા દરજ્જાના નેતા ગણાવતા મોદીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ સમાજના દરેક માનવીની સંભાળ લેતા હતા. કેશુભાઈનું જીવન ગુજરાતના વિકાસને સમર્પિત હતું તેમ જણાવતા પીએમે કહ્યું હતું કે દરેક ગુજરાતીને સશક્ત બનાવવાની દિશામાં તેમણે સિંહફાળો આપ્યો હતો. કેશુભાઈના ભાજપમાં પ્રદાન અંગે પીએમે કહ્યું હતું કે તેઓ જનસંઘ અને ભાજપને મજબૂત બનાવવા ગુજરાતના ગામડેગામડાંમાં ફર્યા હતા. કેશુભાઈએ ઈમરજન્સીનો પૂરી ક્ષમતાથી પ્રતિકાર કર્યો હતો. ખેડૂતોનું કલ્યાણ હંમેશા તેમના હ્રદયમાં રહેતું. એક ધારાસભ્ય તરીકે તેમજ સીએમ તરીકે તેમણે હંમેશા ખેડૂતો માટે હિતકારી પગલાં સરકાર લેતી રહે તે સુનિશ્ચિત કર્યું હતું. કેશુભાઈને પોતાના ગુરુ ગણાવતા પીએમે લખ્યું હતું કે તેમણે મારા જેવા અનેક યુવા કાર્યકર્તાઓને તૈયાર કર્યા છે. દરેક વ્યક્તિને તેમનો સાલસ સ્વભાવ પસંદ પડતો. તેના અવસાનથી ક્યારેય પૂરી ના શકાય તેવી ખોટ પડી છે. ઉલ્લેખનીય છે કે, મોદી ૨૦૦૧માં ગુજરાતના સીએમ બન્યા ત્યારથી લઈને તેઓ પીએમ બન્યા ત્યાં સુધી ચૂંટણીમાં વિજય મળ્યા બાદ તેઓ કેશુબાપાના આશિર્વાદ લેવા માટે ભૂલ્યા વિના જતા હતા. પીએમ બન્યા બાદ તેઓ ગાંધીનગર આવ્યા હોય ત્યારે લગભગ કેશુભાઈને મળવાનું નહોતા ચૂકતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ પીએમ મોદી ગુજરાત આવ્યા ત્યારે મહાત્મા મંદિરમાં તેમના સમ્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેશુબાપા પણ હાજર હતા. તે વખતે મોદી કેશુબાપાનો હાથ પકડી તેમને સ્ટેજ પર લાવ્યા હતા, અને ખુરશી પર બેસાડ્યા હતા. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ટ્વીટ પર કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે લખ્યું કે કેશુભાઈ પટેલના નિધનથી રાષ્ટ્રે એક મોટા ગજાના નેતા ગુમાવી દીધા છે. કેશુબાપાના નિધન પર લાલકૃષ્ણ અડવાણીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાતની પ્રગતિમાં તેમનું યોગદાન વિશેષ હતું. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કેશુભાઈ અંગે કહ્યું કે
તેમનું જીવન જનતાની સેવામાં સમર્પિત રહ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, તેમનું રાજ્યના વિકાસમાંનું યોગદાન ક્યારેય ભૂલી શકાશે નહીં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતની પ્રગતિમાં કેશુબાપાનું યોગદાન ખાસ હોવાનું કહ્યું હતું. કેન્દ્રીય સુરક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, કેશુભાઈ ભાજપના સન્નિષ્ઠ નેતા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ કેશુબાઈને અંજલિ આપી હતી.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સાથીદાર એવા શંકરસિંહ વાઘેલાએ પણ ટિ્વટ કેશુબાપા…
(આગળના પાનાનું ચાલુ)
કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે ટિ્વટમાં લખ્યું કે, પરમ મિત્ર અને જનસંઘના સમયથી સાથી રહેલા આદરણીય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનના સમાચારથી અત્યંત દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. પરમાત્મા સદગત આત્માને ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે તેવી પ્રાર્થના. ગણપત વસાવાએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પી આદરણીય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ આપણી સૌની વચ્ચેથી વિદાય લીધી છે, એમના દિવ્ય આત્માને પરમકૃપાળુ શાંતિ આપે એજ પ્રાર્થના. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી આપી છે. સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, કેશુભાઈ અનેક કાર્યકર્તાઓ માટે અને સમગ્ર પાર્ટી માટે એક વડીલ પિતૃતુલ્ય માર્ગદર્શક રહ્યા હતા. કેશુભાઈ ધરાતલ સાથે જોડાયેલા નેતા તરીકે સૌ માટે પ્રેરણારૂપ રહેશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ફેસબુક પર પોસ્ટ કરીને કેશુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર, ખેડૂત નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના નિધનના સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા સદ્દગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના.
—————————————————————————————————————–

 

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ૧૭ ઑક્ટોબરથી ખુલ્લું મૂકાશે

પ્રવાસીઓ માટે નિયમો તૈયાર કરવામાં આવ્યા
૩૧મી ઑક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે તૈયારીેનો ધમધમાટ : સી-પ્લેનના લેન્ડીંગ માટે જેટી તૈયાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
નર્મદા,તા.૧૫
સ્ટેચ્યુ ઑફ યુનિટી તા.૧૭ ઓક્ટોબરથી ફરી ખુલ્લું મુકાશે. કોવિડ-૧૯ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી. કોવિડ-૧૯ અંતર્ગત સરકારની અનલોક પ્રક્રિયા મુજબ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મુકવા અંગે શ્રેણીબધ્ધ નિર્ણય લેવાયેલ છે. આ નિર્ણયના ભાગરૂપે કેવડીયા ખાતે આવેલા મુખ્ય પ્રવાસન સ્થળો જેવાં કે જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા મોલ, વિગેરે તાજેતરમાં પ્રવાસીઓ માટે ફરી ખુલ્લાં મુકાતાં પ્રવાસીઓ તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો છે. જે જોતાં રાજ્ય સરકારે હવે પ્રવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતાં હતાં તે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને તા. ૧૭ ઓક્ટોબર શનિવારથીએટલે કે પહેલાં નોરતાથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે. આ માટે પ્રવાસીઓની સલામતિની પૂરતી કાળજી લેવા કોવિડ-૧૯ ગાઈડલાઈનના ચુસ્ત પાલન અંગેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સીંગની ચુસ્ત જાળવણી માટે પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત રાખવાનું જરૂરી બનેલ હોવાથી દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓની મર્યાદામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે. જે પૈકી માત્ર ૫૦૦ પ્રવાસીઓને ૧૯૩ મીટરના લેવલ પર આવેલ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટો દર બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે જ અધિકૃત ટીકીટીંગ વેબસાઇટ ઉપરથી મળી શકશે. પ્રવાસીઓને તેમણે જે બે કલાકના સ્લોટની ટીકીટ ખરીદેલ હોય તે જ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ સી-પ્લેન અમદાવાદની સાબરમતીથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર ૩ ખાતે શરૂ થનાર છે, અને આગામી ૩૧ઑક્ટોબરના રોજ સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજનાર છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને ઉદ્દઘાટન કરનાર છે. તો આ સી પ્લેન જે સ્થળે ઉતરવાનું છે, તે તળાવ નંબર ૩ પાસે સીપ્લેન માટેની જેટી બનવવાનું કામ પૂર્ણતાના આરે છે. જે અંગે નર્મદા નિગમ દ્વારા તૈયારી શરૂ કરી દીધી છે. આજે જેટી બનાવવા માટે કોન્ક્રીટનાં ૬ પોન્ટુન, મુંબઈથી લાવવામાં આવ્યા છે જેને જોડીને અહીંયા ફ્લોટિંગ જેટી બનાવવામાં આવી છે.

 

મેડિકલ ઓક્સિજનમાં છેલ્લા પાંચ દિવસમાં ૨૦% ઘટાડો

મહિના પહેલા મેડિકલ ઓક્સિજનની ખૂબ માગ હતી
૭ ઓક્ટોબરે ૨૦૯ મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનનો ઉપયોગ થયો,૧૨ ઓક્ટોબરે ઘટી ૧૬૮ મેટ્રિક ટને પહોંચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૫
લગભગ એક મહિના પહેલા રાજ્યને મેડિકલ ઓક્સિજનની ખૂબ જ જરૂર હતી, જેણે રાજ્ય સરકારને કોવિડ-૧૯ના દર્દીઓ માટે ઓક્સિજનનો જથ્થો સુવ્યવસ્થિત કરવા માટે પ્રેરિત કર્યા હતા. હવે એક મહિનાના સમયગાળામાં ઓક્સિજનની માગમાં ઘટાડો થયો છે. ૭ ઓક્ટોબરે ૨૦૯ મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનનો ઉપયોગ થયો હતો, જે આંકડો ૧૨ ઓક્ટોબરે ઘટીને ૧૬૮ મેટ્રિક ટન પર પહોંચ્યો હતો. ૨૧ સપ્ટેમ્બરની વાત કરીએ તો, પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ગુજરાતમાં એ દિવસે ૨૪૦ મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની જરૂર પડી હતી. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં આ સૌથી ઓછી દૈનિક માગ છે, જ્યાં સરેરાશ દૈનિક માગ આશરે ૨૦૦ મેટ્રિક ટન છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. જેપી મોદીએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના દર્દીઓ માટે ઓક્સિજન મહત્વપૂર્ણ છે કારણ કે, તે દવા જેટલો સારો છે. ’હાલના સમયમાં ઓક્સિજન પર દર્દીઓ હોય તેવા ૫૦ ટકા બેડ છે, જે છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા છે’, તેમ તેમણે કહ્યું હતું. શહેરની હોસ્પિટલોએ બે પરિબળો વિશે વાત કરી હતી- કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં એકંદર ઘટાડો અને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યામાં ઘટાડો-આ બાબત માટે જવાબદાર છે. ’છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોવિડ-૧૯ સંક્રમણની ગંભીરતા થોડી ઓછી થઈ છે, જેના પરિણામરૂપે તેવા દર્દીઓની પણ સંખ્યા ઘટી છે જેમને ઓક્સિજન આપવાની જરૂર હતી’, તેમ શેલ્બીહોસ્પિટલના ગ્રુપ સીઓઓ ડો. નિશિતા શુક્લાએ જણાવ્યું હતું. તેમણે તેમ પણ કહ્યું કે, દેશમાં અન્ય કેટલીક જગ્યાઓમાં પણ આવું વલણ જોવા મળી રહ્યું છે.

 

જૂનાગઢ : ૨૪મી ઓક્ટોમ્બરે ગિરનાર રોપ-વેનું લોકાર્પણ

ગિરનાર રોપ-વેના લોકાર્પણની તારીખ નક્કી
ગગનચૂંટબી ગિરનાર પરથી એશિયાનો સૌથી મોટો રોપવે ખૂલ્લો મૂકવાની તૈયારીઓ પૂર દોરમાં ચાલી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ,તા.૧૫
જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ગિરનાર રોપ-વેના લોકાર્પણનો દિવસ નજીક આવી ગયો છે. આગામી ૨૪મી ઑક્ટોબરને ગિરનાર રોપવેના લોકાર્પણની તારીખ નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીના સ્વપ્નનો આ પ્રોજેક્ટ વર્ષો સુધી અટવાયા બાદ પૂરજોશમાં ચાલી રહ્યો હતો ત્યારે આગામી ૨૪મી ઑક્ટોબરે ગિરનાર રોપૃવે પ્રોજેક્ટને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે. વડાપ્રધાન મોદી ગિરનાર રોપ-વે પ્રોજેકટનું ઇ લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે ગિરનારના અંબાજી સુધીનો આ રોપવે જૂનાગઢ – એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેકટ છે. અંબાજી સુધીનું અંતર જ ૫૦૦૦ કરતાં વધુ પગથિયાનું છે ત્યારે આ રોપવે એક બેંચ માર્ક સાબિત થશે. હાલમાં ગિરનાર રોપ-વે માટે આવેલી ટ્રોલીનું ટ્રાયલ રોજ કરવામાં આવે છે. લોડ ટ્રાયલ સાથે એર વેન્ટિલેશન વગેરેનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. ગિરનાર રોપ-વેની ઊંચાઇ અને હવાના દબાણને ધ્યાનમાં રાખતા આ રોપ-વેની ટ્રોલી કાચ વાળી પેક રાખવામાં આવશે. રોપ-વેમાં સેફ્ટિની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને કોઈ હોનારત થાય તો રેસ્ક્યૂ માટેના કેટલાક પોઇન્ટ નક્કી કરવાં આવ્યા છે. ગિરનાર રોપવે માટે વર્ષો સુધી રાહ જોવામાં આવી હતી. રોપવેના પ્રથમ નક્કી કરાયેલા રૂટમાં ગિરનારી ગીધના માળા આવતા હોવાથી તે રૂટ પડતો મૂકવાની ફરજ પડી હતી. એક સમયે તો કેન્દ્રની યુપીએ સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, વડાપ્રધાન મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શિલાન્યાસ કરવામાં આવેલા પ્રોજેક્ટને પર્યાવરણની લીલી ઝંડી મળ્યા બાદ નવો રૂટ પસંદ કરવામાં આવ્યો હતો. નિયત સમય મુજબ ગત વર્ષે દિવાળીએ જ પ્રોજેક્ટ શરૂ કરવાની ગણતરી હતી પરંતુ ગિરનાર રોપવની ટેકિનિકલ ચેલેન્જીસ અને ત્યાર બાદ કોરોના વાયરસના કારણે આવેલા લોકડાઉનના લીધે આ પ્રોજેક્ટ અટવાયા કર્યો હતો. જોકે, પ્રાપ્ત અહેવાલો મુજબ આગામી ૨૪મી ઑક્ટોબરે આ રોપવે વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope