૨૧ સપ્ટેમ્બરથી ચોમાસું સત્ર, પ્રશ્નકાળ નહીં હોય

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલો નિર્ણય
સીએમ સહિત તમામ મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, અધિકારીઓને વિધાનસભામાં કોરોના ટેસ્ટ બાદ પ્રવેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૮
વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ચૌદમી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી તા. ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ શરૂ થશે. પાંચ દિવસ સુધી સત્ર ચાલશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષપદે મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયની મીડિયાને માહિતી આપતા મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, તા. ૨૧મી સપ્ટેમ્બરે વિધાનસભાના ચોમાસુ સત્રનો શુભારંભ થશે જેમાં પ્રથમ દિવસે જ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધન સંદર્ભે શોક પ્રસ્તાવ રજૂ કર્યા બાદ ગૃહ મોકુફ રખાશે અને ત્યારબાદ તે જ દિવસે બીજી બેઠકમાં ગૃહની આગળની કાર્યવાહી હાથ ધરાશે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે આ વિધાનસભાનું સત્ર ઐતિહાસિક બની રહેશે કેમકે, નાગરિકોના હિત-સલામતી માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણય કર્યા છે. જેના વિધેયક અને સુધારાઓ રજૂ કરવામાં આવશે. જેમાં ગુંડા ધારો, લેન્ડ ગ્રેબિંગ એકટ, પાસા એક્ટમાં સુધારો, મહેસૂલી સેવાના કાયદામાં સુધારા સંદર્ભે જે વટહુકમ બહાર પાડ્યા છે એને કાયદાનું સ્વરૂપ આપવા માટે વિધાનસભામાં આ વિધેયકો લવાશે અને પસાર કરાશે. જાડેજાએ ઉમેર્યું કે આ કોરોના કાળમાં રાજ્ય સરકારના ઉચ્ચ સનદી અધિકારીઓને વિવિધ જિલ્લાઓની સંકલન કામગીરી સોપવામાં આવી છે તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ કોરોનાની કામગીરીમાં સંકળાયેલ હોઈ, પ્રશ્નોત્તરીકાળ ન રાખવા વિધાનસભાના અધ્યક્ષને મુખ્યમંત્રી દ્વારા રજૂઆત કરાઈ હતી. જેને અધ્યક્ષએ માન્ય રાખીને પ્રશ્નોત્તરીકાળ રદ કરવાનો પણ નિર્ણય કર્યો છે. એટલે હવે પાંચ દિવસના આ સત્રમાં પ્રશ્નોત્તરીકાળ રહેશે નહીં પરંતુ અગત્યની કે તાકીદની કોઈ બાબત હોય તો તે સંદર્ભે અધ્યક્ષ દ્વારા ટૂંકી મુદતના પ્રશ્નો સમાવેશ કરવાનો પણ નિર્ણય કરાયો છે તેમ તેમણે ઉમેર્યું હતુ. મંત્રી જાડેજાએ કહ્યું કે, ચોમાસાના સત્ર માટે પૂરતો સમય ફાળવાયો છે જેમાં ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજુ કરી શકશે અને રાજ્ય સરકારે કરેલી કામગીરીનું પણ પ્રજા સુધી પહોંચાડવા માટે મંત્રીઓ દ્વારા પ્રયાસો કરાશે. રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિ દરમિયાન જે અધિકારી-કર્મચારીઓએ શ્રેષ્ઠ કામગીરી કરી છે તેવા કોરોના વોરિયર્સની કામગીરીની જાણકારી અપાશે. જાડેજાએ ઉમેર્યું કે કોરોનાનું સંક્રમણ અટકે અને વધુ ન ફેલાય તે માટે તમામ ધારાસભ્યઓ દ્વારા તેમના વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે ત્યારે, સત્ર દરમિયાન સંકમણ ન થાય એ માટે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યઓ, તમામ ધારાસભ્યઓ, તમામ અધિકારીઓ, સલામતી અધિકારીઓ, વિધાનસભાનો તમામ સ્ટાફ, મીડિયાના મિત્રો તથા સેવકોના કોરોનાનો ટેસ્ટ કર્યા બાદ જ વિધાનસભામાં પ્રવેશ આપવાનો અધ્યક્ષ દ્વારા નિર્ણય કરાયો છે. એટલું જ નહીં ગૃહની કામગીરી દરમિયાન યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય એવી પણ પૂરેપૂરી તકેદારી રખાશે. પ્રેક્ષક દિર્ઘામાં પણ ધારાસભ્યોઓની બેઠક વ્યવસ્થા ગોઠવવાનું આયોજન અધ્યક્ષ દ્વારા કરાયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

 

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કોરોના પોઝિટિવ

આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ
મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે બંધબારણે બેઠક કર્યા બાદ એપોલો હોસ્પિટલમાં દાખલ થયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૯
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ સીઆર પાટિલ મંગળવારે અપોલો હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમને કોરોના પોઝિટિવ હોવાની વાતો વાયુવેગે પ્રસરી હતી પરંતુ ખુદ પાટિલે આ બાબતને ટ્‌વીટ દ્વારા રદિયો આપી જણાવ્યું કે તેમના આરટીપીસીઆર ટેસ્ટની રાહ જોવાઈ રહી છે. આજે આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે માઈલ્ડ વાયરલ હોવાથી રવિવાર સુધી સારવાર હેઠળ રહેશે. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલ ગયા મહિને નિયુક્ત થયા બાદ રાજકીય સભા સરઘસ અને રેલીઓ પર પ્રતિબંધ હોવા છતાં રાજ્યભરમાં વીજળીવેગે પ્રવાસ ખેડવાનું ચાલુ કર્યું હતું. તેમણે દક્ષિણ ગુજરાતમાં રેલીઓનું આયોજન કર્યું હતું. જેમાં કોરોનાથી સચેત રહેવાના તમામ નિયમોના લીરેલીરા ઉડ્યા હોવા છતાં રાજ્ય સરકાર મૂક પ્રેક્ષક બનીને તમાશો નિહાળી રહી હતી. રાજ્ય સરકારના આ રવૈયાની આકરી ટીકા થઈ હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મંગળવાર સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધબારણે બેઠક કર્યા બાદ એપોલો હોસ્પિટલમાં દાખલ થયા હતા. ગઈકાલે તેમનો એન્ટિજિન રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જે તેમને ટ્‌વીટ ધ્વારા જાહેર કર્યું હતું. આજે આરટીપીસીઆર ટેસ્ટ રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને કોરોના હોવાનું સ્પષ્ટ થયું હતું. ઉલ્લેખનીય છે કે પાટીલે જ્યા રેલીઓ કરી ત્યા ધારાસભ્ય, મંત્રી, કાર્યકરો કોરોના ગ્રસ્ત થયા હોવાનું બહાર આવવા પામ્યુ હતું. ભાજપના પ્રદેશ હેડક્વાટર કમલમમાં પણ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, કાર્યાલય મંત્રી ભરત પંડ્યા સહિત અડોધ ડઝનને કોરોના થયો છે.

 

બાર કાઉન્સીલના ચેરમેન તરીકે કિરીટ બારોટની નિમણૂંક

વાઈસ ચેરમેન તરીકે શંકરસિંહ ગોહિલની નિમણૂંક
ભાજપ લીગલ સેલના કન્વીનરે બાર કાઉન્સીલ ગુજરાતમાં સમરસ પેનલના હોદ્દેદારોની નિમણૂંકને આવકારી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૬
ગુજરાત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની આજે યોજાયેલ આંતરિક ચૂંટણીઓમાં ચેરમેન તરીકે નડિયાદના કીરીટ બારોટ, વાઈસ ચેરમેન તરીકે ગાંધીનગરના શંકરસિંહ ગોહિલ અને એકઝિકયુટિવ ચેરમેન તરીકે અમદાવાદના ભરત ભગતની સર્વસંમતિથી નિમણૂંક કરવામાં આવી છે. એનરોલમેન્ટ કમિટિના ચેરમેન તરીકે મોડાસાના હરીભાઈ પટેલ, ફાયનાન્સ કમિટિના ચેરમેન તરીકે મહેસાણાના કિશોર ત્રિવેદી, રુરલ કમિટિના ચેરમેન તરીકે ભાવનગરના અનિરુધ્ધસિંહ ઝાલા,જીસીએલ કમિટિના ચેરમેન તરીકે વલસાડના પ્રવિણ પટેલ અને શિસ્ત કમિટિના ચેરમેન તરીકે અમદાવાદના અનિલ સી,કેલ્લાની નિમણૂંક કરવામાં આવી છે. અમદાવાદ ક્રીમીનલ કોર્ટસ બાર એસો.ના ઉપપ્રમુખ હસમુખ ચાવડાની બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના કોપ્ટ મેમ્બર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં કુલ ૮૮,૦૦૦ હજાર વકીલો નોંધાયેલા છે. દર પાંચ વર્ષે બાર કાઉન્સીલની ચૂંટણીઓ યોજાય છે.દર વર્ષે ચેરમેને,વાઈસ ચેરમેન સહિતના હોદ્દેદારોની આંતરિક ચૂંટણીઓ યોજાય છે.જેમાં સમરસ પેનલ છેલ્લા વીસ વર્ષથી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીઓમાં વચસ્વ ધરાવે છે.ભાજપ લીગલ સેલના કન્વીનર જે.જે.પટેલે જણાવ્યુ છે કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન સહિતના હોદ્દેદારોની આજે સર્વસંમતિથી નિમણંકો કરવામાં આવી છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના નવા હોદ્દેદારો વકીલોના હિત માટે સતત કાર્યરત છે. કોરોનામાં કોર્ટોમાં કામકાજ બંધ રહેવાથી વકીલોને ભારે હાલાકી ભોગવી પડી છે. જેના માટે સરકારમાં વકીલોને આત્મનિર્ભર યોજનામાં સમાવેશ કરીને ત્રણ લાખ સુધીની લોન આપવા માટે વિનંતી કરવામાં આવી છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના શિસ્ત સમિતિના ચેરમેન તરીકે અનિલ સી. કેલ્લા અને એકઝિકયુટિવ ચેરમેન તરીકે અમદાવાદના ભરત ભગતની નિમણૂંક કરવા બદલ અમદાવાદ ક્રીમીનલ કોર્ટસ બારના હોદ્દેદારોએ આવકારી છે.

 

રાજ્યમાં વધુ બે ધારાસભ્યો કોરોના વાયરસની ઝપેટમાં

સંપર્કમાં આવેલા લોકોને ચેતવા સુચના આપી
કરંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી, રાજુલા બેઠકના ધારાસભ્ય અંબરીશ ડેરને કોરોના થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૬
રાજ્યમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. તેવામાં વધુ બે નેતાઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે. રાજ્યની સુરત જિલ્લાના કરંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી અને અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ધારાસભ્ય અંબરીશ ડેરને કોરોના થયો છે. અંબરીશ ડેર પોતાના ફાર્મ હાઉસ પર ક્વૉરન્ટાઇન થયા છે તો ઘોઘારીએ પણ સારવાર લેવાની શરૂઆત કરી છે. દરમિયાન આ બંને નેતા જાહેર જીવન સાથે જોડાયેલા છે તેથી તેમનો અનેક લોકો સાથે સંપર્ક થતો હોય છે, ત્યારે કોરોનાની સરકારી ગાઇડ લાઇન મુજબ તેમના ક્લૉઝ કોન્ટેક્ટમાં આવેલા લોકોએ તકેદારી રાખવી અને થોડા દિવસ એકાંતમાં પસાર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. અથવા તો કોઈને લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. અગાઉ ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોઝિટિવ આવ્યા હતા. તેમની સાથે રાજકોટના મેયર બીના આચાર્ય પણ સંક્રમિત થયા હતા. આ ઉપરાંત રાજકોટમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને રાજ્યસભાના ઉમેદવાર અભય ભારદ્વાજ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. આમ નેતાઓને કોરોનાનું વળગણ થઈ રહ્યું છે. સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ બનાવવામાં આવ્યો છે છતાં વાયરસના ચેપથી નેતાઓ બચી શક્યા નથી. રાજ્યમાં કોરોના વાયરસનાના કેસમાં વધારો યથાવત્‌ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના ૧૩૧૧ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૧૧૪૮ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૧૬ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૩૦૯૪ થયો છે. ૨૪ કલાકમાં સૌથી વધુ સુરતમાં ૨૭૭ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૧૦૩૦૦૬ છે. જેમાંથી એક્ટિવ કેસ ૧૬,૩૬૬ છે. આજે રાજ્યમાં કુલ ૭૨,૭૫૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર ૮૧.૧૧ ટકા છે.

 

રાજકોટ વોર્ડ-૫નાં મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા

પાર્ટીઓ બદલવાની મૌસમથી રાજકારણમાં ગરમાવો
હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ભાજપના મહિલા કોર્પોરેટર અને ૩૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાવાથી ભાજપને ઝટકો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ,તા.૦૩
રાજકોટ માં હાર્દીક પટેલે ભાજપ માં ભંગાણ પાડ્યું. ચુંટણીઓ અગાઉ રાજકીય કાવાદાવા શરૂ થઈ ગયા છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વ્યૂહરચના ચાલું કરી દીધી છે ત્યારે હવે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ સક્રિય થઈ ગયા છે અને રાજકોટ માં હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ભાજપના મહિલા કોર્પોરેટર પોતાના ૩૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાઇ જતા ભાજપમાં ઝટકો લાગ્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આગામી ૧૫ દિવસમાં વધુ ૫ કોર્પોરેટર ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાશે.આજે હાર્દિક પટેલની અધ્યક્ષતામાં વૉર્ડ નંબર ૫નાં મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા, સૌરાષ્ટ્ર એએમસીના વેપારી મંડળના પ્રમુખ અતુલ કમાણી, એનજીઓના ચાંદનીબેન, ભાજપના પિયુષભાઈ, જીતેન્દ્ર રૈયાણી અને એબીવીપીના ૯ હોદ્દેદારો સહિત ૩૦ જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ઇન્દ્રનીલ રાજ્યગુરૂની વાતચીત પાર્ટી સાથે ચાલે છે. આવતા દિવસોમાં એ જરૂર કોંગ્રેસમાં જોડાશે. બીજી તરફ આ અંગે રાજકોટ ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ પોતાની પ્રતિક્રિયા માં જણાવ્યું હતું કે ભાજપના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા કોંગ્રેસમાં જોડાશે તે અગાઉ થીજ નક્કી હતું. કોર્પોરેટર તેમજ તેમના પતિ ૨ વર્ષથી પાર્ટી વિરોધી ગતિવિધિ કરતા હતા. ભૂતકાળમાં તેમને રાજીનામું આપવાનું નાટક કર્યુ હતું. ગત અઠવાડિયે પણ તેમને હવે ટિકિટ નહીં મળે તેવું કહેવામાં આવ્યું હતું. જેથી તેઓ ટિકિટની લાલચે કોંગ્રેસમાં જોડાયા હોવાની વાત કરી હતી.આમ,રાજકોટ માં રાજકારણ માં ગરમાવો આવી ગયો છે અને પાટલીઓ બદલવાની મૌસમ શરૂ થઈ ગઈ છે.

 

સીએમ અને ડે.સીએમ દ્વારા રાજકોટ સિવિલની મુલાકાત

વીડિયો કોન્ફરન્સ દ્વારા દર્દીઓની પુછતાછ
લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બનાવી તેમને કોરોના મૂક્ત બનાવવાની રાજ્ય સરકારની નેમઃમુખ્યમંત્રીે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૦૩
કોરોના સંક્રમણને ધ્યાને લઈ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં અપાતી સારવાર સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનપટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સીવીલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લઈ કોરોના સંક્રમિત દર્દીઓ તેમજ તેમની રાત-દિવસ જોયા વગર ખડે પગે રહી સારવાર કરી રહેલા ડોક્ટરો તથા નર્સ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકે અને લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા મળી રહે તે સરકારની નેમ છે, આ માટે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ બનાવી ધન્વંતરી રથની સાથે સર્વેલન્સની સઘન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજકોટમાં કોરોના સંક્રમણને અટકાવવા હાથ ધરાયેલા આ પ્રયાસોને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૦૪ની સુવિધા સાથે સંજીવની રથ દ્વારા ઘરે રહી સારવાર લઈ રહેલા લોકોના ઘરે જઈને તેની વિનામૂલ્યે તબીબી તપાસ અને સારવાર પણ કરવામાં આવી રહી છે.મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલમાં જાનની પરવા કર્યા વગર દિવસ-રાત લોકોની સેવા કરી રહેલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા તબીબો અને આરોગ્ય કર્મીઓને તેમના કાર્ય બદલ અભિનંદન પાઠવી આઈ.સી.યુ.માં રહેલા દર્દીઓની દિવસમાં બે વખત સીનીયર ડોક્ટરો દ્વારા વીઝીટ કરવા જણાવ્યું હતું. તેમણે સરકારી હોસ્પિટલમાં સારવાર માટેની જવાબદારી સરકાર સંનિષ્ઠતા સાથે વહન કરી રહી છે, તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત કરાવતા ડોક્ટર સંજય કાપડીયાએ હોસ્પિટલમાં ઉપસ્થિત સુવિધાઓ જેવી કે, વેન્ટિલેટર, ઓક્સિજન, બેડ વગેરેની સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમને અપાતી સારવાર બાબતની વિસ્તૃત વિગતો આપી હતી. આ તકે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમને મળી રહેલ સારવાર સંબંધે પૃચ્છા કરતાં દર્દીઓએ તેમને મળતી સારવાર બાબતે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો.

 

ભાજપ સંગઠન પાસે શું ખેડૂત નેતાનો અભાવ છે?

રાજ્ય ભાજપ વારંવાર ખેડૂતો મુદ્દે ભિંસમાં મૂકાય છે
મુશ્કેલ સ્થિતિમાં જવાબ આપવા સક્ષમ નેતા પક્ષમાં નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૧
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં પાકવીમો અને અન્ય મુદ્દે સતત ખેડૂત નેતાઓ અને વિપક્ષ સરકારને સતત ઘેરી રહ્યા છે અનેક મોરચે સરકારને નીચું જોવાની સ્થિતિ આવી છે આવા સંજોગોમાં સરકારનો બચાવ કરવો કે સરકારનો પક્ષ રાખવા માટે ભાજપ પાસે જાણે નેતા જ ના હોય એવી સ્થિતિ સર્જાઈ રહી છે. કારણ પણ અજીબ છે, છેલ્લા ઘણા સમયથી સરકારમાં બેઠેલા અધિકારીઓ અને નેતાની અણઆવડત અને ખોટા નિર્ણયના કારણે સતત ખેડૂતને હાલાકી પડી રહી છે. આવા સંજોગોમાં સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે એ સ્વાભાવિક છે. પરંતુ સરકારનો બચાવ કરવા માટે કોઇપણ નેતા મેદાને આવતા નથી. જયારે કોઈ ગંભીર આક્ષેપ લાગે છે પુરાવા રજુ થાય છે તો પણ, સંગઠન પાસે તેનો જવાબ હોતો નથી કે સરકારે શું કામગીરી કરી તેનો જવાબ સંગઠનના એકપણ નેતા પાસે હોતો નથી. કિશાન મોરચો તો બનાવવામાં આવ્યો છે. તેમાં નેતાઓની નિમણુક પણ કરવામા આવી છે. તે પૈકીના કોઈ નેતા બોલવા માટે કે સરકારનો બચાવ કરવા માટે કે પછી સરકારે શું કામગીરી કરી તેના માટે એકપણ નેતા ભાજપ સંગઠન પાસે નથી. જે ખેડૂતો માટે સરકારે શું કર્યું એ લોકોને કહી શકે. કિશાન મોરચો તો છે, પરંતુ ભાજપમાં અત્યારે આંતરિક લડાઈ ચાલી રહી છે. જેથી કેટલાક નેતાને કોરાણે મુકવામાં આવ્યા છે. તો અન્ય નેતાઓ પાક વીમો ખેડૂતને સબસીડી કે પાણી જેવા ગંભીર પ્રશ્ન પર બોલતા નથી તમામ નેતાને નેતાઓ અને મંત્રીઓની આગળ પાછળ ફરવમાં તો રસ છે પરંતુ સરકારની આબરુ બચાવવામાં રસ ના હોય એમ સંગઠનના એકપણ નેતા જવાબ આપતા નથી.છેલ્લા ઘણા સમયથી સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલનો અભાવ ઉડીને આંખે વળગી રહ્યો છે. તો હાલમાં સંગઠનમાં રહેલા જ કેટલાક નેતાઓએ આવો પ્રયાસ કરે છે કે ખેડૂતોના પ્રશ્ને સરકારની આબરૂના લીરા ઉડે અને સરકાર બદનામ થાય અને લોકો સુધી માહિતી ના પહોચી શકે. આમ ૧ કરોડ ૧૧ લાખ કાર્યકર્તાઓ હોવાના દાવા તો કરવામાં આવે છે પરંતુ સંગઠન પાસે ખેડૂત નેતાનો અભાવ છે જેથી સરકારની આબરૂ જઈ રહી છે.

 

પ્રગતિ પેનલના એજન્ડામાં દિલ્હીમાં કાર્યાલયને સ્થાન

ચેમ્બરની ચૂંટણીનો જામતો માહોલ
ગુજરાત ચેમ્બરના વિકાસ અને પ્રતિષ્ઠા વધે તે માટેના લાંબાગાળાના આયોજનો કરવાની પ્રગતિ પેનલની ખાતરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૧
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણી માટે તમામ ઉમેદવારોએ પોતપોતાની રીતે પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે ત્યારે પ્રગતિ પેનલ દ્વારા પોતાની ચૂંટણી અંગેનું ઘોષણાપત્ર રજૂ કરવામાં આવ્યો છે અને તેઓ શું શું કરવા માંગે છે તથા તેમના ભાવિ આયોજનો શું છે તે અંગે તમામ સભ્યોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
ચેમ્બરમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર હેમંત શાહ, વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર કે .આઈ. પટેલ તથા અન્ય સભ્યો પથિક પટવારી, અંકિત પટેલ, ચેતન શાહ, ગૌરાંગ ભગત તથા અંબર પટેલે પ્રગતિ પેનલનો એજન્ડા રજૂ કરતાં જણાવ્યું હતું. કે જો ચેમ્બરના સભ્યો તેમની પેનલ અને સંચાલન નો મોકો આપશે તો તેઓ વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવા ઉપરાંત લાંબાગાળાના આયોજનો પણ કરવામાં આવ્યા છે. પેનલના ઘોષણાપત્રમા આગામી દિવસોમાં ચેમ્બર ખાતે ગુજરાતના તમામ વેપારીઓને એક પ્લેટફોર્મ મળી રહે અને તેમના પ્રશ્નોની મજબૂત રીતે સરકારમાં તથા તંત્રમાં રજૂઆત થાય તેના માટે ટ્રેડ સેલની રચના કરવામાં આવશે. વર્તમાન સમયે જીઆઇડીસી ને લગતા પ્રશ્નો જેવા કે માળખાકીય સુવિધાઓ વિવિધ પ્રકારની પેનલ્ટી અને ચાર્જીસ આ ઉપરાંત એલોટમેન્ટ અને ટ્રાન્સફર ને લગતા વિવિધ મુદ્દાઓ નું પણ તાકીદે સમાધાન કરવા માટે પ્રયાસ કરવામાં આવશે સાથે સાથે પર્યાવરણ સંલગ્ન મુદ્દાઓનું ય્ઁઝ્રમ્ સાથે સંકલન કરી તેનો નિકાલ લાવવામાં આવશે. આગામી દિવસોમાં નવી દિલ્હી ખાતે ચેમ્બરની એક ઓફિસ કાર્યરત કરવામાં આવશે જે સરકાર સાથે નીતિવિષયક મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી શકે. પ્રગતિ પેનલના ઘોષણાપત્રમાં આત્મનિર્ભર ભારતના મુદ્દે વિવિધ કામગીરી કરવી, વ્યાપાર ઉધોગને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રોત્સાહન આપવા માટે એક્ઝિમ સેલની રચના કરવી, વધુમાં વધુ વ્યાપારી પ્રદર્શન કરવા, લેબર પોલીસી અનુરૂપ થાય તે માટે પ્રયાસ કરવા સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન આપવા, ડિજિટલ અને રિસર્ચ લક્ષી કામગીરી થાય તથા તમામ સર્ટિફિકેટ ઓનલાઈન મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવી .ચેમ્બરની લાયબ્રેરીને ઈ-લાઈબ્રેરીમા કન્વર્ટ કરી સભ્યો વધુમાં વધુ તેનો ઉપયોગ કરતા થાય તેવા પ્રયાસ કરવા અને ચેમ્બરનું કન્વેન્શન સેન્ટર તૈયાર કરવું જેવા મુદ્દા હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું.

 

ભાજપ દ્વારા યુવા નેતાગીરીમાં ધરખમ ફેરફાર કરવાના સંકેત

પ્રદેશ અધ્યક્ષપદે પાટીલની વરણીથી નવા સમીકરણ
હાર્દિક આંદોલન ચાલુ કર્યું હતું તે સમયે પ્રદેશ ભાજપે યુવા પાટીદાર ચહેરા ઋત્વીઝ પટેલને મેદાને ઉતાર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૦
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યા બાદ સી.આર. પાટીલ મેરેથોન બેઠકો યોજી રહ્યા છે. ગયા અઠવાડિયે કમલમ ખાતે યુવા મોરચાના પદાધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. આમ તો આ મુલાકાત શુભેચ્છા મુલાકાત હોવાનું કહેવામાં આવી રહ્યું હતું પરંતુ આગામી સમયમાં યુવા મોરચામાં મોટા ફેરફાર થાવની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. સી.આર.પાટીલે ચાર્જ સાંભળ્યા બાદ સીધા શબ્દોમાં કહી દીધું હતું કે કામ કરો અને સ્થાન મેળવો. આવા નિવેદન બાદ યુવા મોરચો હોય, મહિલા મોરચો હોય કે પ્રદેશના મુખ્ય પદાધિકારીઓ હોય. આ પૈકીના ઘણા નેતાના પેટમાં ચૂક ઉપડી છે. તેમને હવે પોતાની ખુરશી જોખમમાં હોવાનું લાગી રહ્યું છે. હાર્દિક પટેલે આંદોલન ચાલુ કર્યું હતું તે સમયે પ્રદેશ ભાજપે યુવા પાટીદાર ચહેરા તરીકે ઋત્વીઝ પટેલને મેદાને ઉતાર્યા હતા. તેઓ પ્રમુખ બન્યા બાદ કોઈ નક્કર કામગીરી યુવા મોરચાની રહી નથી. રાજ્યમાં બાઈક રેલી કરવી કે ત્રિરંગા રેલી યોજવા સિવાય તેમના નામે કોઈ નક્કર કામગીરી ચોપડા પર ચઢી નથી. આ સિવાય પણ ઘણા એવા નેતા છે જેઓ હાર્દિક પટેલને કૉંગ્રેસે કાર્યકારી અધ્યક્ષ બનાવતા હવે સામાજિક રીતે પોતાની ખુરશી સુરક્ષિત હોવાનું માની રહ્યા હતા. હવે પ્રદેશ પ્રમુખ પદ તરીકે સી.આર. પાટીલની નિમણૂક થતા તમામ સમીકરણો કોરાણે મૂકાઈ ગયા છે. આ જોતા યુવા મોરચાના ઘણા નેતાને પોતાની સીટ જોખમાવવાની ભીતિ રહેલી છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો યુવા મોરચાના ઘણા એવા નેતાઓ છે જેણે રોડ પર મારામારી કરી હતી તો ઘણા એવા પણ કિસ્સા બન્યા હતા જેના કારણે પાર્ટી બદનામ થઇ હતી. એટલે કે એક તરફ કોઈ ચોક્કસ કામગીરી નહીં તો બીજી તરફ યુવા કાર્યકર્તાઓની કરતૂતોના કારણે પાર્ટીએ બદનામી પણ વહોરી હતી. આવા સંજોગોમાં યુવા મોરચામાં ધરમૂળથી ફેરફાર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

 

સરકારે પોતે ભારત સરકારના સ્કેરસીટી મેન્યુઅલનો ભંગ કર્યો

અર્જુન મોઢવાડિયાના સરકાર પર આરોપ
મુખ્યમંત્રી પોતાના જ વડાપ્રધાનની પ્રધાનમંત્રી ફસલ બિમા યોજનાનો છેદ ઊડાડી રહ્યાં છે : અર્જુન મોઢવાડિયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૦
ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ચાલુ વર્ષે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના રદ કરવાની જાહેરાતને ગુજરાતના ખેડુતોને ભાજપ સરકાર દ્વારા મોટી થપ્પડ હોવાનું જણાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ વર્તમાન યોજનાને બદલે કોંગ્રેસ પક્ષની સરકારો વખતની પાક વીમા યોજના લાગુ કરવાની માંગણી કરીને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વિકલ્પે જાહેર કરાયેલી યોજનાને લોલીપોપ ગણાવી હતી. અર્જુનભાઈ મોઢવાડિયાએ છેલ્લા ૬ વર્ષથી ભાજપ સરકાર દ્વરા અમલમાં રહેલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ભાજપ સરકારના ખાનગી વીમા કંપનીઓ સાથેના મેળાપીપણાને કારણે ખેડૂતોને ઓછી અને વીમા કંપનીઓને લાભ કરાવનારી હતી. આખા દેશમાંથી ભાજપની માનીતી ૧૦ ખાનગી કંપનીઓ વાર્ષિક રૂપિયા ૨૭૦૦૦ કરોડની રકમ ઉઘરાવીને ભાજપ સરકારના મેળાપી પણામાં ૭૦ ટકા રકમ આકંપનીઓ ચાઉ કરી જતી હતી અને ખેડૂતોને ઠેંગો બતાવતી હતી. ગુજરાતમાં પણ આ કંપનીઓ રૂ. ૨૫૦૦ થી ૩૦૦૦ કરોડનું પ્રિમિયમ ઉઘરાવતી હતી. ખેડૂતોને આશા હતી કે ભાજપની નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે ૨૦૧૫-૧૬માં અમલી બનાવેલી આ ભ્રષ્ટાચારી યોજનાને બદલે અગાઉ વડાપ્રધાન રાજીવ ગાંધીએ અમલી બનાવેલ રાજીવ ગાંધી રાષ્ટ્રિય પાક વીમા યોજના પુનઃ ચાલુ કરાશે અને તેની અમલવારી સરકારી વીમા કંપની એગ્રીકલ્ચર ઈન્સ્યુરન્સ કોર્પોરેશનને પુનઃ સોંપી દેવાશે. તેને બદલે વિમા કંપનીઓએ આ વર્ષે વધારે ઉંચા ભાવનું ટેન્ડર ભર્યું છે. એવા બાલીશ બહાના હેઠળ વીમા યોજના જ બંધ કરી દેવાનું ભાજપનું કૃત્ય ખેડૂતોને મોટી લપડાક છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ પાકવીમાના બદલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને લોલીપોપ ગણાવતા જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રીશ્રીએ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિને કારણે પાકને ૩૩ ટકા થી ૬૦ ટકા નુકશાન થાય ત્યાં સુધી વધુમાં મળવાપાત્ર થશે. ખેડૂતોની નુકશાનીનો સર્વે સરકારી અધિકારીઓએ જ કરવાનો છે. કોંગ્રેસ પક્ષની પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને એવરેજ પાકના ઉત્પાદનના નુકશાન સામે પાકવીમો મળતો હતો. મગફળીનું વીઘાદીઠ એવરેજ ઉત્પાદન જો ૨૦ મણ હોય તો ૨૦ મણ ઉત્પાદનની સામે ખેડૂતોને કેટલા ટકા નુકશાન ગયું તેનું વળતર મળતું હતું. પણ મગફળીનો ભાવ રૂ. ૧૦૦૦ ગણીએ તો વીઘાદીઠ રૂ. ૨૦ હજારનું વીમા કવર મળતુ હતુ તેની જગ્યાએ માત્ર રૂ. ૩૨૦૦ (એકરદીઠ રૂ. ૮૦૦૦) નું નુકશાની કવર કરવાની માન. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે જે પણ લોલીપોપ જ નીકળવાની છે. તેની સામે છત્તીસગઢની કોંગ્રેસ સરકારે કોઈ વીમા યોજના વગર રાજ્યના તમામ ખેડૂતોને એકરદીઠ રૂ. ૧૦૦૦૦ થી ૧૩૦૦૦ સુધીની સીધી સહાય રાજીવ ગાંધી કૃષિ સહાય યોજના હેઠળ આપેલ છે. ગુજરાત સરકારના એકર દીઠ રૂ. ૮૦૦૦ ની નુકશાન વળતર સહાય (સીધી સહાય નહી) ગુજરાતના ૨ ટકા ખેડૂતોને પણ મળવા પાત્ર થવાની નથી કારણ કે જે શરતો મુકી છે તે પ્રમાણે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના સંજોગોમાં ખેડૂતોને નુકશાન થાય તો આ વળતર મળવા પાત્ર થવાની છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope