All posts by Sampurna Samachar

ચેન્નાઈનો ઓલરાઉન્ડર બ્રાવો ઈજાને કારણે ૈંઁન્ ગુમાવશે

આઈપીએલમાં ચેન્નાઈની ટીમને વધુ એક ફટકો

સ્પર્ધામાં ટકી રહેવા માટે ચેન્નાઈની ટીમ સંઘર્ષ કરી રહી છે ત્યારે તેના માટે વધુ કપરી સ્થિતિ ઊભી થવા પામી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈ, તા.૨૧
ચેન્નાઈ સુપર કિંગ્સનાં ઓલરાઉન્ડર ડ્‌વેન બ્રાવો ઈજાને કારણે આઈપીએલની હાલની સિઝનમાંથી બહાર થઈ ગયો છે. જેનાથી પ્લે ઓફમાંથી બહાર ફેંકાઈ ચૂકેલી ધોનીની ટીમ માટે આ એક મોટો ઝટકો છે. અને હવે તેમની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું કે, ડ્‌વેન બ્રાવો ગ્રોઈનની ઈજાને કારણે આઈપીએલથી બહાર થઈ ગયો છે. ૩૭ વર્ષીય બ્રાવો અનેક વર્ષોથી સુપર કિંગ્સની ટીમનો મહત્વપુર્ણ પ્લેયર રહ્યો છે. તે ૧૭ ઓક્ટોબરે શારજાહમાં દિલ્હી કેપિટલ્સની સામે અંતિમ ઓવરમાં બોલિંગ માટે ઉતરી શક્યો ન હતો. કેપ્ટન ધોનીએ તે બાદ બોલિંગ રવિન્દ્ર જાડેજાને સોંપી હતી. જેની ઓવરમાં અક્ષર પટેલે ૩ સિક્સ લગાવીને દિલ્હીને જીત અપાવી હતી. બ્રાવો સુપર કિંગ્સ તરફથી છ મેચ રમ્યો અને બે ઈનિંગમાં સાત જ રન બનાવી શક્યો હતો. તેણે જો કે છ વિકેટ લીધી હતી અને આ દરમિયાન ૮.૫૭ રન પ્રતિ ઓવરની એવરેજથી રન આપ્યા. સુપર કિંગ્સની ટીમ ૧૦ મેચોમાંથી સાત મેચોમાં હાર સાથે પ્લે ઓફમાંથી લગભગ બહાર થઈ ચૂક્યું છે. અને હાલ તે પોઈન્ટ ટેબલ પર અંતિમ સ્થાન પર છે. આ પહેલાં સુપર કિંગ્સના સીનિયર ખેલાડીઓ સુરેશ રૈના અને હરભજન સિંહ પણ આ સિઝનમાં ન રમવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે પણ ચેન્નાઈની ટીમ નબળી પડી ગઈ હતી. તો સાથે ધોની અને કેદાર જાધવ જેવાં સીનિયર ખેલાડીઓ આ વખતે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે. અને તેનું પરિણામ ટીમને ભોગવવું પડ્યું છે.

 

ફ્લિપકાર્ટ, એમેઝોને ૪ દિ’માં ૨૫૦૦૦ કરોડનો માલ વેચ્યો

ઓનલાઈન શોપિંગનું પ્રમાણ ૨૫-૩૦ ટકા વધ્યું છે

સાત દિવસ ચાલનારા સેલમાં બંને કંપનીઓ ૩૫,૦૦૦ કરોડ રુપિયાનો સામાન વેચે તેવી શક્યતા વ્યક્ત કરાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૨૧
દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટે પોતાના ફેસ્ટિવ સેલના ચાર દિવસમાં ૨૫,૦૦૦ કરોડ રુપિયાનો સામાન વેચ્યો છે. સાત દિવસ ચાલનારા આ સેલમાં ઓનલાઈન સેલને ધાર્યા અનુસાર પ્રતિસાદ મળશે તેવું એક્સપર્ટ્‌સનું માનવું છે. ઈન્ડસ્ટ્રી કન્સલ્ટન્ટ ફોરેસ્ટર રિસર્ચ અને રેડશીર કન્સલ્ટિંગનું અનુમાન છે કે ૧૫થી ૨૨ ઓક્ટોબર દરમિયાન એમેઝોન અને ફ્લિપકાર્ટનું સંયુક્ત વેચાણ ૪.૭ અબજ ડોલર જેટલું રહી શકે છે. એમેઝોન ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ મનિષ તિવારીએ જણાવ્યું હતું કે સેલના શરુઆતના દિવસો ધાર્યા અનુસાર નહોતા રહ્યા. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ૧૧૦૦થી વધુ નવી પ્રોડક્ટ્‌સ એમેઝોન પર લોન્ચ થઈ છે. જેમાં સેમસંગ, એપલ, શાઓમી, વનપ્લસ, આસુસ, લેનોવો, એચપી, એલજી, વ્હર્લપુલ અને બજાજ એપ્લાયન્સિસનું સૌથી વધારે વેચાણ થયું છે. ફ્લિપકાર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક્સ સામાનની અડધોઅડધ ખરીદી વર્ક ફ્રોમ હોમ કરતા કસ્ટમર્સે કરી છે. જેમાં મોટી સ્ક્રીનના ટીવી, લેપટોપ, આઈટી એસેસરીઝ અને બીજી વસ્તુઓનો સમાવેશ થાય છે. ૨૦૧૯માં છ દિવસના સેલ દરમિયાન એમેઝોન અને ફ્લિપકાર્ટે ૨.૭ બિલિયન ડોલર (૨૦,૦૦૦ કરોડ)નો સામાન વેચ્યો હતો, જે ૨૦૧૮માં થયેલા ૨.૧ અબજ ડોલરના વેચાણ કરતા ૩૦ ટકા વધારે હતો. જ્યારે આ વર્ષનો આંકડો ૩.૬ અબજ ડોલરને પાર કરી જાય તેવી પૂરી સંભાવના છે. ઈકોમર્સ કંપની અને સ્વતંત્ર એનાલિસ્ટ્‌સનું માનીએ તો, ચાર દિવસમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ ૨૫-૩૦ ટકા વધ્યું છે. ફેસ્ટિવ સેલ દરમિયાનનું સેલિંગ ગયા વર્ષ કરતા આ વખતે ૩૦-૩૬ ટકા વધવાની શક્યતા છે. નવાઈની વાત એ છે કે, આ વખતે એવરેજ ડિસ્કાઉન્ટ ગયા વર્ષ કરતા ઓછું હોવા છતાંય વેચાણ વધ્યું છે. આ વર્ષે જે વસ્તુઓનો વેચાયા વિનાનો મોટો હિસ્સો પડી રહ્યો છે તેના પર સારું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં મોંઘા સ્માર્ટફોન, ફર્નિચર અને કપડાંનો સમાવેશ થાય છે. જ્યારે ટીવી, હોમ એપ્લાયન્સિસ જેવી વસ્તુઓનો સ્ટોક ઓછો હોવાથી તેમના પર ખાસ ડિસ્કાઉન્ટ નથી અપાઈ રહ્યું.

 

પાક. સેના-આઈએસઆઈ સામે સિંધ પોલીસનો બળવો

પાકિસ્તાનમાં ફરી એક વખત અરાજકતા

ભૂતપૂર્વ વડાપ્રધાન નવાજ શરીફના જમાઈની ધરપકડને લઈને લોકોમાં ભારે રોષ, સેનાએ પણ તપાસ શરૂ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈસ્લામાબાદ, તા.૨૧
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર સામે વિપક્ષનો ગુસ્સો સતત વધી રહ્યો છે. અનેક સભાઓ મારફતે ઈમરાન સરકારની સામે લોકોને એકજૂટ કરવામાં આવી રહ્યા છે. તો હવે આ રેલીઓને કારણે પાકિસ્તાનમાં બબાલ વધી રહી છે. ગત દિવસોમાં કરાચીમાં થયેલ રેલી બાદ પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફના જમાઈ મોહમ્મદ સફદરની ધરપકડ કરી લેવામાં આવી હતી. જો કે, બાદમાં તેઓને છોડી દેવામાં આવ્યા હતા. પણ હવે આ વાતને લઈ લોકોમાં ગુસ્સો ફેલાયો છે અને હવે દબાણમાં આવીને સેનાએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
પાકિસ્તાની સેનાના પ્રમુખ કમર જાવેદ બાઝવાએ મંગળવારે આદેશ આપ્યો કે મોહમ્મદ સફદરની ધરપકડ કેમ અને કેવી પરિસ્થિતિઓમાં થઈ, તેની તપાસ કરવામાં આવે. મરિયમ નવાઝે આરોપ લગાવ્યો હતો કે, તેઓને હોટેલના રૂમમાં ઘૂસીને તોડફોડ કરવામાં આવી અને સફદરને લઈને જતા રહ્યા. જેના પર ખુબ જ હંગામો થયો હતો. જે બાદ હવે સેના તેની તપાસ કરાવશે.
આ ઘટના બાદ પાકિસ્તાનમાં બગાવતી સૂર ઉઠ્‌યા છે અને સિંધ પોલીસે સેના અને આઈએસઆઈ સામે જંગ શરૂ કરી દીધી છે. સિંધ પોલીસે કહ્યું કે, મોહમ્મદ સફદરની તેઓની જાણકારી વગર ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે જ જ્યારે તેઓની ધરપકડ કરાઈ ત્યારે સિંધ પોલીસના ચીફને ક્યાંક ઘેરી લેવામાં આવ્યા હતા. તે બાદ પાકિસ્તાની આર્મીએ સીધા સફદરની ધરપકડ કરી લીધી હતી.
જે બાદ નારાજ સિંધ પોલીસના આઈજીએ છૂટ્ટી પર જતા રહેવાનું એલાન કર્યું હતું. તેના કારણે સિંધ પોલીસનાં હજારો જવાનો રજા પર જતાં રહ્યા છે અને અમુક ડ્યુટી જોઈન કરી રહ્યા નથી. જેના કારણે વિસ્તારમાં પણ ખુબ જ હંગામો મચી રહ્યો છે અને લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. આ દબાણમાં આવીને સેનાએ અંતે સફદરની ધરપકડના આદેશ આપવા પડ્યા છે.
જો કે બાદમાં સિંધ પ્રાંતની સરકારે પોલીસને અપીલ કરીકે રજાઓ વાપસ લઈ લે. જે બાદ મોટાભાગના અધિકારીઓએ પોતાની રજા વાપસ પણ લઈ લીધી છે. ઇઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ઈમરાન સરકાર સામે બગાવતના સૂર તેજ રહ્યા છે અને વિપક્ષી પાર્ટીઓ સતત રેલીઓ કરી રહ્યા છે. હાલમાં જ કરાચીની રેલીમાં મરિયમ નવાઝે ઈમરાન સરકાર સામે મોરચો ખોલ્યો હતો.

 

કરાંચીમાં બ્લાસ્ટમાં ત્રણનાં મોત, ૧૫થી વધુને ઈજા થઈ

પ્રચંડ વિસ્ફોટમાં આસપાસના મકાનોને પણ નુકશાન

બે માળના બિલ્ડિંગમાં થયેલા વિસ્ફોટનું કારણ હજુ પણ જાણી શકાયું નથી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કરાચી, તા.૨૧
પાકિસ્તાનના કરાચીમાં મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. ગુલશન-એ-ઈકબાલમાં મસકન ચૌરંગીમાં બે માળની બિલ્ડિંગમાં વિસ્ફોટ થયો જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ધમાકો એટલો પ્રચંડ હતો કે આસપાસની બિલ્ડિંગ્સ પણ તૂટી ગઈ હતી. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે આ બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૫થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતા અધિકારીઓએ કહ્યું કે તમામ ઈજાગ્રસ્ત અને મૃતકોને પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
વિસ્ફોટ થવાનું કારણ હજી સુધી જાણવા મળી શક્યું નથી. જોકે, મુબીના ટાઉન પોલીસ એસએચઓના જણાવ્યા પ્રમાણે આ એક સિલિન્ડર બ્લાસ્ટ હોય તેવું લાગે છે. બોમ્બ સ્ક્વોડ બ્લાસ્ટ થયો તેની પાછળના કારણ વિશે શોધખોળ કરી રહી છે.
ઘટનાની જાણ થતાની સાથે જ કાયદા અમલીકરણ એજન્સીઓ અને બચાવ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એલએએએસે આ વિસ્તારની નાકાબંધી કરીને બંધ કરી દીધો છે. વિસ્ફોટ બિલ્ડિંગના બીજા માળ પર થયો હોવાની આશંકા છે. પ્રત્યક્ષદર્શિઓના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટના કારણે આસપાસની બિલ્ડિંગની બારીઓ અને કેટલાક વાહનોને પણ નુકશાન પહોંચ્યું છે.
નોંધનીય છે કે મંગળવારના રોજ જ કરાચીના શીરીન જિણા કોલોની પાસે એક બસ ટર્મિનલના પ્રવેશ દ્વારા પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

 

કેન્દ્રના ૩૦ લાખથી વધુ કર્મીઓનેે દશેરાએ દિવાળી, બોનસ અપાશે

કેન્દ્ર સરકારની દિવાળી પહેલાં કર્મચારીઓને ભેટ

સરકારી ખજાના પર ૩૭૩૭ કરોડ રૂપિયાનો બોજો પડશે, દિવાળીમાં અર્થતંત્રને વેગવંતુ બનાવવા સરકારનો પ્રયાસ : કેન્દ્રી કેબિનેટનો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલ કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે ૩૦ લાખ સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની જાહેરાત કરી છે.
મળતી માહિતી મુજબ કેબિનેટ બેઠકમાં થયેલ નિર્ણયોની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સરકારી કર્મચારીઓના ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે તરત જ પૈસા ટ્રાન્સફર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ પહેલા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સરકારી કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાંસ સ્કીમ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
કોવિડ ૧૯ના કારણે ભાંગી પડેલ અર્થતંત્રને ફરી વેગવાન કરવા સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. જે હેઠળ આજે કેબિનેટની બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે પ્રોડક્ટિવિટી અને નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસની જાહેરાત કરવામાં આવી છે. સરકારની આ જાહેરાતથી ૩૦ લાખ ૬૭ હજાર નોન-ગજેટેડ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને લાભ મળશે. જોકે, આ જાહેરાત બાદ સરકારી ખજાના પર ૩,૭૩૭ કરોડ રૂપિયાનો બોજો વધશે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે બોનસને સિંગલ ઇન્સ્ટોલમેન્ટમાં જાહેર કરવામાં આવશે. આ મૂડી ડીબીટીના માધ્યમથી વિજયાદશમી પહેલા જારી કરવામાં આવશે. આ પહેલા સરકારે એલટીસી કેશ વાઉચર સ્કીમની જાહેરાત પણ કરી હતી. જે હેઠળ લીવ ટ્રાવેલ્સ કંપેનસેશનનો ત્રણ ગણો ખર્ચ કરી આનો લાભ લઈ શકાશે.
જેમને બોનસનો લાભ મળવાનો છે તેમાં રેલવે, પોસ્ટ ઓફિસ, ઈપીએફઓ અને ઈએસઆઈસીના ૧૭ લાખ કર્મચારીનો સમાવેશ થાય છે. તેને પ્રોવક્ટિવિટી લિંક્ડ બોનસ આપવામાં આવશે. અન્ય ૧૩ લાખ કેન્દ્રીય કર્મચારીઓને નોન- પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ મળશે. સરકારનો આ નિર્ણય એટલા માટે મહત્વનો છે કારણ કે તહેવારોની સિઝનમાં લોકો વધારે ખર્ચ કરી શકે. સરકારનું કહેવું છે કે મધ્યમ વર્ગના હાથમાં પૈસા આવવાથી બજારમાં માંગ વધશે અને અર્થતંત્રને ફાયદો થશે.

 

સુરત ખાતે કાકાના મિત્રએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

તરુણીએ બાળકને જન્મ આપતા ભાંડો ફૂટ્યો
કાકાના મિત્રએ એકલતાનો લાભ ઉઠાવીને વારંવાર દુષ્કર્મ આચરતા ૧૭ વર્ષની તરુણીની તબિયત બગડી ગઈ હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૨૧
સુરતમાં ફરી એક વખત શરમજનક ઘટના બની છે. જેમાં એક કુંવારી તરુણીએ જ બાળકને જન્મ આપ્યો છે. બાળકના જન્મ બાદ તેણી પર બળાત્કાર થયાનો ખુલસો થયો છે. સુરતના ઉધના ખાતે પિતા સાથે રહેતી ૧૭ વર્ષીય તરૂણીની તબિયત અચાનક બગડી હતી. જે બાદમાં સગીરાને હૉસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલ ખાતે તરુણીએ એક બાળકને જન્મ આપતા તરુણી સાથે તેના કાકાના એક મિત્રએ બળાત્કાર ગુજાર્યો હોવાનું ખુલ્યું હતું. જે બાદમાં પરિવારે આ યુવાન વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં ફરી એકવાર માનવતાને શરમાવવું પડે તેવી ઘટના સામે આવી છે. પીડિત તરુણી મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી છે અને હાલમાં સુરત ખાતે આવેલા ઉધનાના હરિનગર ખાતે પિતા સાથે રહેતી છે. ૧૭ વર્ષીય તરૂનીના પિતા રીક્ષા ચલાવી પરિવારનું આર્થિક ભરણ પોષણ કરે છે. તરુણીના કાકાનો એક મિત્રો તેમના ઘરની નજીક રહેતો હતો. તે અવારનવાર ઘરે પણ આવતો હતો. આ દરમિયાન તરૂણીને ઘરે એકલી જોઈને કાકાના મિત્રની દાનત બગડી હતી અને તેમી પર દુષ્કર્મ આચર્યું હતું. અવારનવાર દુષ્કર્મ ગુજારવા છતાં તરુણીએ આ અંગે ડરના માર્યા પરિવારને જાણ કરી ન હતી. જોકે, બે દિવસ પહેલા તરુણીની તબિયત બગડતા તેણીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હૉસ્પિટલ ખાતે ડૉક્ટરે તરુણી પ્રેગનેન્ટ હોવાનું જણાવ્યું હતું. જેના એક દિવસ બાદ તરુણીએ હૉસ્પિટલ ખાતે એક બાળકને જન્મ આપ્યો હતો. આ બાબતે તરુણીએ પરિવારને જણાવ્યું હતું કે તેના કાકાના મિત્રએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ વાત સાંભળીને તરુણીના પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે આ મામલે કાકાના મિત્રો સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્ત્રી અત્યાચારના બનાવો છેલ્લા થોડા દિવસોથી અટકવાનું નામ નથી લઈ રહ્યા. સૌરાષ્ટ્રમાં એક પછી સામૂહિક દુષ્કર્મના કેસ નોંધાયા હતા. તો સાબરકાંઠામાં એક તરુણીનું ગળું કાપીને તેના નજીકના જ સંબંધીએે હત્યા કરી નાખી હતી.

 

બોલિવૂડ સ્ટાર સંજય દત્તે કેન્સર સામેનો જંગ જીત્યો

બિમારીના લીધે અભિનેતાએ ફિલ્મોથી બ્રેક લીધો હતો
બોલિવૂડ સ્ટાર સંજય દત્તે કેન્સર સામેનો જંગ જીત્યો
અભિનેતા સંજય દત્તે તેના બાળકોના જન્મ દિવસે જ તેના સ્વાસ્થ્યને લઈને સારા સમાચાર આપતા ફેન્સ ખુશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૨૧
બોલીવૂડના મુન્નાભાઈ એટલે કે સંજય દત્તે કેન્સર સામેના જંગમાં તેની જીત થઈ હોવાની વાતનો એકરાર કર્યો છે. સંજય દત્તે જણાવ્યું કે, કેન્સર સામેની લડતમાં આખરે તેની જીત થઈ છે અને તેણે આ કપરી યાત્રામાં સાથ આપવા બદલ શુભચિંતકો તેમજ ફેન્સનો અંતરથી આભાર માન્યો હતો.
સંજુ બાબાએ તેમના બન્ને સંતાનો પુત્ર શાહરાન અને પુત્રી ઈકરાના ૧૦મા જન્મદિવસ નિમિત્તે આ ખુશખબરી ટિ્વટર પર શેર કરી હતી. સંજય દત્તે ટ્વીટ કરીને જણાવ્યું કે, છેલ્લા કેટલાક સપ્તાહ મારા તેમજ પરિવાર માટે ખૂબજ મુશ્કેલીભર્યા રહ્યા હતા. પરંતુ ભગવાન પણ તેમના સૌથી શક્તિશાળી સૈનિકની જ કસોટી કરે છે. આજે મારા સંતાનોના જન્મદિવસ પર, હું મારા જીવનના મુશ્કેલ જંગમાં જીત મેળવીને પરત ફર્યો છું જે તેમના માટે સૌથી શ્રેષ્ઠ ભટે હશે. અમારા પરિવારના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પણ આ એક સારી બાબત છે.
દત્ત પરિવારના નજીકન સૂત્રએ અગાઉ જણાવ્યું હતું કે સંજય દત્ત કેન્સર સામે સારી રીતે પ્રતિસાદ આપી રહ્યા છે. તેમનામાં રિકવરીના લક્ષણો ઘણા સારા હોવાનું જણાયું છે. ત્યારબાદ આજે સંજય દત્તે સ્વયં પોતાના સ્વાસ્થ્યને લઈને સ્પષ્ટતા કરી છે.
૬૧ વર્ષના સંજૂ બાબાએ ઓગસ્ટમાં એક નિવેદન કરીને જણાવ્યું હતું કે તે મેડિકલ ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવા માંગતો હોવાથી હાલ ફિલ્મ ક્ષેત્રે બ્રેક લઈ રહ્યો છે. તે વખતે સંજય દત્તને ફેફસાનું કેન્સર હોવાની અટકળો વહેતી થઈ હતી. સંજય દત્તે આ કપરા સમયમાં તેના મિત્રઓ તેમજ પરિવારનો પણ આભાર માન્યો હતો. સંજય દત્તે મુંબઈ સ્થિક કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર કરાવી હતી અને તેણે ડોક્ટરો તેમજ મેડિકલ ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સંજય દત્તે ખાસ કરીને ડોક્ટર સેવંતી અને તેમના ટીમના અન્ય ડોક્ટર્સનો દિલથી આભાર માન્યો હતો. સંજૂ બાબા છેલ્લે સડક ૨માં જોવા મળ્યા હતા. આગામી સમયમાં મુન્નાભાઈ કેજીએફઃ ચેપ્ટર ૨,માં જોવા મળશે.

 

અભિનેતા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અભિનેતાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા
અભિનેતા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
બોલિવૂડના ઘણાં કલાકારો કોરોના વાયરસ સંક્રમિત થઈ ચૂક્યા છે ત્યારે ગુજરાતી સિનેમામાં પણ વાયરસ ફેલાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૧
બોલિવૂડના ઘણાં કલાકારો કોરોના વાયરસ સંક્રમિત થઈ ચૂક્યા છે ત્યારે ગુજરાતી સિનેમાના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તેઓને વધુ સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના ફેન્સ ચોંકી ગયા છે અને નરેશ કનોડિયા જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ ૨૦ ઓગસ્ટ, ૧૯૪૩ના રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ છે. તેમણે વર્ષ ૧૯૭૦માં આવેલી ગુજરાતી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી એક્ટર તરીકેની શરૂઆત કરી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ ભજવ્યો હતો. નરેશ કનોડિયાનો જન્મ ગરીબ મિલ કામદારના પરિવારમાં થયો, તેમણે સિંગર અને ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરી અને આ સાથે તેમના ભાઈ મહેશ કનોડિયા પણ જોડાયા હતા. તેઓ એટલા સફળ થયા કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં તેઓ મહેશ-નરેશની જોડી તરીકે ઓળખાયા. વર્ષ ૧૯૮૦ના દાયકામાં મહેશ-નરેશની આ જોડીએ આફ્રિકા, અમેરિકા સહિત એશિયાના વિવિધ દેશોમાં સ્ટેજ શો પરફોર્મ કર્યા. નરેશ કનોડિયા અત્યાર સુધી ૩૦૦ કરતા વધારે ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. નરેશ કનોડિયાની સફળ ફિલ્મોમાં જોગ-સંજોગ, હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારૂ, ઊંચી મેડીના ઊંચા મોલ, રાજ રાજવણ, કડલાની જોડ, તમે રે ચંપો ને અમે કેળ, મા-બાપને ભૂલશો નહી વગેરેનો સમાવેશ થાય છે. નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ૪૦ કરતા વધુ વર્ષો સુધી કામ કર્યું અને એક પછી એક સફળ ફિલ્મોમાં એક્ટિંગ કરીને ગુજરાતી પ્રજાને મનોરંજન પૂરુ પાડ્યું. નરેશ કનોડિયાએ તે સમયની ટોચની અભિનેત્રી સ્નેહલતા, રોમા માણેક અને સ્નેહલતા સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું. આ સિવાય ૧૯૮૦ અને ૯૦ના દાયકામાં નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મોના અન્ય અભિનેતાઓ જેવા કે ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણ કુમાર અને ફિરોઝ ઈરાની સાથે કામ કરીને ફિલ્મોમાં સફળતા પ્રાપ્ત કરી.

 

બારાબંકીમાં દલિત બાળકી પર ખેતરમાં દુષ્કર્મ કરી હત્યા

ઉત્તર પ્રદેશમાં હાથરસ કાંડ જેવી ઘટના ફરી બની
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની પપષ્ટી બાદ પોલીસે વધુ કલમો ઉમેરી, પરિવારની સીબીઆઈ તપાસની માગણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનૌ, તા. ૧૬
ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત મહિલા પર કથિત દુષ્કર્મ બાદ બારાબંકીમાં આ પ્રકારની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. અહીંના સતરિખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાંગરની લણણી કરવા ગયેલી ૧૫ વર્ષની દલિત યુવતીની દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. પીડિત પક્ષની ફરિયાદ પર અજાણ્યા સામે કેસ નોંધવામાં આવ્યો છે. હાથરસ કેસમાં સીબીઆઈની તપાસ ચાલી રહી છે, ત્યારે બારાબંકી કેસના આરોપીની શોધ હજી ચાલુ છે.
બારાબંકીના ગ્રામ પંચાયત સતરિખ ગામના સેઠમૌ ગામમાં રહેતી અનુસૂચિત જાતિ કિશોરીની હત્યાના કેસમાં પોલીસે તેના પિતાની ફરિયાદ પર બુધવારે મોડી રાત્રે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. દુષ્કર્મ બાદ કિશોરીની હત્યા કરવામાં આવી હતી. અહીં ડોકટરો અને વીડિયોગ્રાફીની પેનલમાં પોસ્ટમોર્ટમ કરીને દુષ્કર્મની પુષ્ટિ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે દુષ્કર્મની કલમ વધારી છે અને કસ્ટડીમાં રહેલા કેટલાક શકમંદોની પૂછપરછ કરાઈ રહી છે. ઘટના બાદ હાલમાં ગામમાં સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આઈજી અયોધ્યા ડો. સંજીવ ગુપ્તાએ પણ આ ઘટના સથળની મુલાકાત લીધી હતી અને પરિવારના સભ્યોનું નિવેદન નોંધ્યું હતું. બારાબંકીમાં સગીર યુવતી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યાના મામલાની પીડિતાના પરિવારજનોએ હાથરસ કેસની જેમ સીબીઆઈ તપાસની માગ કરી છે. મૃતક યુવતીના પિતાએ જણાવ્યું હતું કે પોલીસે અહીં અમારા પર ખૂબ દબાણ કર્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવે તે પૂર્વે પોલીસે તેની પુત્રીનો અંતિમ સંસ્કાર ગામમાં જ કર્યો હતો. તેમણે કહ્યું કે અમારી પુત્રી સગીર અને કુંવારી હતી, અમે તેને દફનાવવા માંગતા હતા, પરંતુ પોલીસે દબાણ કરીને તેની ચિતાને આગ લગાવડાવી દીધી હતી. તેઓએ અમને પૈસા અને મકાનની લાલચ પણ આપી હતી. અમે ખૂબ ગરીબ છીએ, ન તો રહેવાની જગ્યા છે અને ન ખાવાના પૈસા છે. અમે એવા લોકો છીએ જે સખત મહેનત અને મજૂરી કરીએ છીએ. અમારી પાસે મોટા ધિકારીઓ આવવા લાગ્યા તો અમે ડરી ગયા. અમને પૈસા અને મકાનની લાલચ આપવામાં આવી. દુષ્કર્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ઓછામાં ઓછા ત્રણ લોકો હોવા જોઈએ. હવે પોલીસ આરોપીઓને પકડવાના બદલે અમારા ઘરના લોકોની સતત પૂછપરછ કરી રહી છે. પોલીસ સતત અમારા ભાઇના ઘરે પણ આવી રહી છે. અમને ન્યાય મળે બસ અમે એમ જ ઈચ્છીએ છીએ. પોલીસ શરૂઆતમાં આ કેસને દબાવતી હતી, પરંતુ ગુરુવારે મોડી સાંજે આવેલા પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ ગળું દબાવીને હત્યાની પુષ્ટિ કરવામાં આવી હતી. માતા-પિતાએ જણાવ્યું હતું કે માત્ર મૃતદેહને બાળી નાખવા માટે, પોલીસ અમારી સગીર પુત્રીને પુખ્ત ગણાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ વિસ્તારના એક ગામની રહેવાસી ૧૭ વર્ષીય કિશોરી બુધવારે ડાંગરના ખેતરમાં ડાંગર લણવા ગઈ હતી. મોડી સાંજે તેનો મૃતદેહ ખેતરમાં પડ્યો હતો. એવું કહેવામાં આવે છે કે કિશોરીના હાથ અને પગ બાંધેલા હતા અને કપડા અસ્ત વ્યસ્ત હતા. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ગુરુવારે કિશોરીના પોસ્ટમોર્ટમમાં કિશોરી સાથેની ક્રૂરતાની પુષ્ટિ થઈ હતી. આ ઘટનામાં એકથી વધુ લોકો સંડોવાયેલા હોવાનું જણાવાયું છે. અહેવાલમાં મોઢું દબાવીને મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ફોરેન્સિક ટીમે પુરાવાઓનું સંકલન કર્યું. ઇન્ચાર્જ એસપી આર એસ ગૌતમે જણાવ્યું હતું કે દુષ્કર્મની પુષ્ટિ થયા બાદ કલમોમાં વધારો કરવામાં આવ્યો છે. કેટલાક શકમંદોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ ઘટનામાં રાજકીય પક્ષો પણ સક્રિય હતા. ઝૈદપુરના સપા ધારાસભ્ય ગૌરવ રાવત અને કોંગ્રેસના નેતા તનુજ પુનિયા સમર્થકો સાથે પોસ્ટમોર્ટમ હાઉસ અને ગામ પહોંચ્યા હતા અને પરિવાર સાથે વાત કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. સપાના ધારાસભ્યએ વહીવટ પર આરોપ લગાવ્યો છે કે પીડિતોને પોસ્ટ મોર્ટમ ગૃહમાં આવતાં રોકાયા હતા. ભીમ આર્મીના અધિકારીઓ પણ પીએમ હાઉસ પહોંચ્યા હતા.

 

બડગામમાં અથળામણમાં ૧ ત્રાસવાદી ઠાર, એક ઝડપાયો

કાશ્મીરમાં આતંકવાદ સામેનું ઓપરેશન તેજ
પકડાયેલા આતંકવાદી પાસેથી એકે ૪૭ રાઈફલ પણ જપ્ત કરાઈ : કાશ્મીર ખીણમાં દળોને મોટી સફળતા મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
શ્રીનગર, તા. ૧૬
જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ મોટી સફળતા હાંસલ કરી છે અને એકે૪૭ રાઇફલ સાથે જીવિત આતંકવાદીની ધરપકડ કરી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમના નાપાક ઇરાદા છોડી રહ્યા નથી. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, એન્કાઉન્ટરની શરૂઆત બડગામના ચદુરા વિસ્તારમાં થઈ હતી. બડગામ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકી માર્યો ગયો હતો, પોલીસ અને સુરક્ષાદળો કાર્યવાહી કરી રહી છે. એસઓજી ચૌડોરાની સંયુક્ત ટીમ, ૫૩ આરઆર અને સીઆરપીએફની સંયુક્ત ટીમ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન રોકાઈ ગયું છે. કાશ્મીરના બડગામના ચડૂરામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં મોટી સફળતા હાંસલ કરતી વખતે સુરક્ષા દળોએ ૪૭ રાઇફલ સાથે જીવતા આતંકવાદીની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના બડગામમાં શુક્રવારે આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ફાયરિંગ અટકી ગયું છે. તેમણે કહ્યું કે આતંકીઓએ ચડૂરા વિસ્તારમાં એક બગીચામાંથી સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ વિસ્તારને ઘેરીને આતંકવાદીઓને શોધવાની કામગીરી ચાલી રહી હતી, જે આતંકવાદીની ધરપકડ બાદ પૂર્ણ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના બડગામના ચડૂરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકવાદી માર્યો ગયો છે. આતંકવાદીની ધરપકડ થયા બાદ પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. આ અગાઉ બુધવારે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં બે અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોને આતંકવાદીઓ છુપાયા હોવાની ખાસ માહિતી મળી હતી, જેના આધારે તેમણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા દળોએ આતંકીઓના ઠેકાણાને ઘેરી લેતાં, ત્યાં છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી, એન્કાઉન્ટર શરૂ થયું. બીજી તરફ,સશસ્ત્ર સીમા દળ (એસએસબી)નો એક જવાન કે જે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં પોતાના કેમ્પમાંથી એકે-૪૭ મેગેઝિન સાથે ભાગી ગયો હતો જેની શુક્રવારે રાજૌરી જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. શ્રીનગરના બડગામ જિલ્લાના નગમ ચડૂરા વિસ્તારમાં બે દિવસ પહેલા એક એન્કાઉન્ટરમાં બે સરકારી એસોલ્ટ રાઇફલો લઈને ભાગી ગયેલા જેહાદીઓના જૂથમાં જોડાયેલો પોલીસ એસપીઓ અલ્તાફ હસન, માર્યો ગયો હતો. હાલમાં પોલીસની સત્તાવાર પુષ્ટિની પ્રતીક્ષા છે. ત્રણ દિવસ પહેલા બડગામથી તેની ઓફિશિયલ ઈન્સાસ રાઇફલ અને મેગેઝિન સાથે ફરાર થઈ ગયેલા એસએસબી જવાનને રાજૌરીથી પકડ્યો છે. એસએસબી જવાનની ઓળખ અલ્તાફ તરીકે થઈ છે અને તે રાજૌરીનો રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસ દ્વારા એસએસબી જવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ આ જવાન પાસેથી હથિયાર લઇને ભાગી જવાના કારણની તપાસ કરી રહી છે. એસએસબીની ૧૪ મી કોર્પ્સમાં તૈનાત અધિકારીઓને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે. કાશ્મીર ખીણમાં ૧૩ ઓક્ટોબરે સરહદ સશસ્ત્ર દળ એસએસબીના જવાન સહિત બે સુરક્ષાકર્મીઓ તેમના સરકારી હથિયારો લઇ ફરાર થઈ ગયા હતા. આ બંને મામલાની નોંધ લઈ પોલીસે ગુમ થયેલ સુરક્ષા કર્મચારીઓને શોધવા સઘન શોધખોળ હાથ ધરી હતી. ગુમ થયેલો એસપીઓ કથિત રીતે જૈશ-એ-મોહમ્મદમાં જોડાયો હોવાનું જાણવા મળે છે. આ વર્ષે પોલીસ કર્મચારી હથિયાર સાથે ફરાર થઈ ગયો હોય અને આતંકવાદીઓ સાથે ભળી ગયો હોય તેવો આ પહેલો કિસ્સો છે. ગુમ થયેલ એસપીઓની શોધખોળ માટે પોલીસે આખા કાશ્મીર ખીણમાં કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ એસપીઓનો હજુ સુધી પત્તો લાગ્યો નથી.આ સંદર્ભે સૈન્યના જવાનો દ્વારા મદદ પણ લેવામાં આવી રહી છે. રાજૌરીનો રહેવાસી અલ્તાફ બડગામ જિલ્લાના ચડૂરા વિસ્તારના નાગમમાં એસએસબીની ૧૪ મી કોર્પ્સમાં પોસ્ટ કરાયો હતો. ૧૩ ઓક્ટોબરના રોજ રાત્રે ૯.૧૫ વાગ્યે તે અચાનક તેની છાવણીમાંથી ગાયબ થઈ ગયો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે આઈએનએસએએસ રાઇફલ અને ડીએ મેગેઝિન પણ લઈ ગયો છે. અલ્તાફ હુસેન રાજૌરી જિલ્લાના રેહાન કોટરંકાનો રહેવાસી છે. તેના કોર્પ્સના કમાન્ડન્ટે ગત બુધવારે સવારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને એફઆઈઆર નોંધવાનો આગ્રહ કર્યો હતો.