દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણે રસી પહોંચાડવા માટેની યોજના તૈયાર, રસીના સંગ્રહ માટે કોલ્ડ ચેઈન પર કામ ચાલે છે : નિશુલ્ક કોરોના રસીની વાતને વેગ મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૯
દેશમાં કોરોના કેસ ૮૦ લાખના આંકડે પહોંચ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ખાતરી આપી છે કે કોરોના રસી બનાવવામાં આવ્યા પછી દરેક દેશવાસીને રસી આપવામાં આવશે. કોરોના રસીના રસીકરણ અંગે તેમની સરકારની તૈયારીઓ વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે દેશના છેવાડાના વ્યક્તિ સુધી આ રસી પહોંચાડવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. કોરોન રસીના સંગ્રહ માટે રસીકરણ માટે કોલ્ડ ચેન પર કામ ચાલી રહ્યું છે.
એક મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ આખા દેશને ખાતરી આપવા માંગે છે કે જ્યારે પણ કોરોના રસી મળશે ત્યારે દરેક દેશવાસીને રસી આપવામાં આવશે. કોઈને પણ બાકાત રાખવામાં નહીં. વડાપ્રધાન મોદી દ્વારા દરેક દેશવાસીના રસીકરણની ખાતરીને લઈને ફરી એકવાર નિઃશુલ્ક કોરોના રસીકરણના સમાચારોને વેગ મળ્યો છે. એવું માનવામાં આવે છે કે સરકાર આરોગ્ય યોજના હેઠળ આ રસીકરણ અભિયાન ચલાવી શકે છે. ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ’હું દેશને ખાતરી આપવા માંગું છું કે જ્યારે પણ કોરોના રસી બનાવવામાં આવશે ત્યારે દરેકને રસી આપવામાં આવશે. કોઈને છોડશે નહીં. હા, આ રસીકરણ અભિયાનની શરૂઆતમાં કોરોનાનું જેને સૌથી વધુ જોખમ છે તેવા લોકોને શામેલ કરવામાં આવશે. તેમાં કોરોના સામે યુદ્ધ લડતા ફ્રન્ટલાઈન કર્મચારીઓનો સમાવેશ થશે. વડાપ્રધાનએ કહ્યું કે, ખાસ કરીને કોરોના રસી માટે બનાવવામાં આવેલ રાષ્ટ્રીય નિષ્ણાત જૂથ રસીકરણ કઈ રીતે કરવું તેના પર કામ કરી રહ્યું છે. વડાપ્રધાનએ કહ્યું, આપણે એ જાણી લેવું જોઈએ કે રસી બનાવવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. પરીક્ષણો ચાલી રહ્યા છે. નિષ્ણાતો હજુ સુધી એ કહી શકવાની સ્થિતિમાં નથી કે આ રસી કેવા પ્રકારની હશે, દરેક વ્યક્તિને કેટલા ડોઝ આપવાના રહેશે કે પછી તે એકવાર આપવી પડશે કે એકથી વધુ વાર લેવી પડશે. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ જ અમે દેશમાં રસીકરણ તરફ આગળ વધીશું.
કોરોના રસી માટે સરકારની તૈયારીઓ વિશે માહિતી આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ૨૮ હજારથી વધુ કોલ્ડ ચેઇન પોઇન્ટ કોરોના રસીનો સંગ્રહ કરશે અને દેશના જુદા જુદા ભાગોમાં સપ્લાય ચેઇનનો ભાગ હશે. છેવાડાના દરેક નાગરિકને કોરોના રસી આપવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્ય, જિલ્લા અને સ્થાનિક કક્ષાએ આ અભિયાનને સમર્પિત ટીમો રસી અભિયાનનો ભાગ બનશે.

 

કેશુબાપા સમાજના દરેક માનવીની સંભાળ લેતા દિગ્ગજ નેતા : મોદી

પૂર્વ મુખ્યમંત્રીને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોની અંજલિ

સમાચાર મળવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઈના પુત્રને ફોન કરી દીલસોજી વ્યક્ત કર્યા બાદ તેમના ફોટા સાથે ટ્વીટ કરીને શ્રધ્ધાંજલિ આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૯
પીએમ મોદીએ કેશુભાઈ પટેલના અવસાન પર ઉંડું દુઃખ વ્યક્ત કરતા સ્વર્ગસ્થના પુત્ર ભરત પટેલ સાથે વાત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમે એમ પણ જણાવ્યું હતું કે મારા જેવા કેટલાય યુવા કાર્યકર્તાઓ કેશુભાઈના હાથ નીચે તૈયાર થયા છે. ગુજરાતમાં ભાજપનો પાયો નાખનારા કેશુભાઈ પટેલનો આજે ૯૨ વર્ષની વયે સ્વર્ગવાસ થયો છે. કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેઓ કેશુભાઈની વિદાયથી ખૂબ જ દુઃખી છે. કેશુભાઈને આલા દરજ્જાના નેતા ગણાવતા મોદીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ સમાજના દરેક માનવીની સંભાળ લેતા હતા. કેશુભાઈનું જીવન ગુજરાતના વિકાસને સમર્પિત હતું તેમ જણાવતા પીએમે કહ્યું હતું કે દરેક ગુજરાતીને સશક્ત બનાવવાની દિશામાં તેમણે સિંહફાળો આપ્યો હતો. કેશુભાઈના ભાજપમાં પ્રદાન અંગે પીએમે કહ્યું હતું કે તેઓ જનસંઘ અને ભાજપને મજબૂત બનાવવા ગુજરાતના ગામડેગામડાંમાં ફર્યા હતા. કેશુભાઈએ ઈમરજન્સીનો પૂરી ક્ષમતાથી પ્રતિકાર કર્યો હતો. ખેડૂતોનું કલ્યાણ હંમેશા તેમના હ્રદયમાં રહેતું. એક ધારાસભ્ય તરીકે તેમજ સીએમ તરીકે તેમણે હંમેશા ખેડૂતો માટે હિતકારી પગલાં સરકાર લેતી રહે તે સુનિશ્ચિત કર્યું હતું. કેશુભાઈને પોતાના ગુરુ ગણાવતા પીએમે લખ્યું હતું કે તેમણે મારા જેવા અનેક યુવા કાર્યકર્તાઓને તૈયાર કર્યા છે. દરેક વ્યક્તિને તેમનો સાલસ સ્વભાવ પસંદ પડતો. તેના અવસાનથી ક્યારેય પૂરી ના શકાય તેવી ખોટ પડી છે. ઉલ્લેખનીય છે કે, મોદી ૨૦૦૧માં ગુજરાતના સીએમ બન્યા ત્યારથી લઈને તેઓ પીએમ બન્યા ત્યાં સુધી ચૂંટણીમાં વિજય મળ્યા બાદ તેઓ કેશુબાપાના આશિર્વાદ લેવા માટે ભૂલ્યા વિના જતા હતા. પીએમ બન્યા બાદ તેઓ ગાંધીનગર આવ્યા હોય ત્યારે લગભગ કેશુભાઈને મળવાનું નહોતા ચૂકતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ પીએમ મોદી ગુજરાત આવ્યા ત્યારે મહાત્મા મંદિરમાં તેમના સમ્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેશુબાપા પણ હાજર હતા. તે વખતે મોદી કેશુબાપાનો હાથ પકડી તેમને સ્ટેજ પર લાવ્યા હતા, અને ખુરશી પર બેસાડ્યા હતા. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ટ્વીટ પર કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે લખ્યું કે કેશુભાઈ પટેલના નિધનથી રાષ્ટ્રે એક મોટા ગજાના નેતા ગુમાવી દીધા છે. કેશુબાપાના નિધન પર લાલકૃષ્ણ અડવાણીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાતની પ્રગતિમાં તેમનું યોગદાન વિશેષ હતું. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કેશુભાઈ અંગે કહ્યું કે
તેમનું જીવન જનતાની સેવામાં સમર્પિત રહ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, તેમનું રાજ્યના વિકાસમાંનું યોગદાન ક્યારેય ભૂલી શકાશે નહીં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતની પ્રગતિમાં કેશુબાપાનું યોગદાન ખાસ હોવાનું કહ્યું હતું. કેન્દ્રીય સુરક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, કેશુભાઈ ભાજપના સન્નિષ્ઠ નેતા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ કેશુબાઈને અંજલિ આપી હતી.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સાથીદાર એવા શંકરસિંહ વાઘેલાએ પણ ટિ્વટ કેશુબાપા…
(આગળના પાનાનું ચાલુ)
કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે ટિ્વટમાં લખ્યું કે, પરમ મિત્ર અને જનસંઘના સમયથી સાથી રહેલા આદરણીય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનના સમાચારથી અત્યંત દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. પરમાત્મા સદગત આત્માને ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે તેવી પ્રાર્થના. ગણપત વસાવાએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પી આદરણીય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ આપણી સૌની વચ્ચેથી વિદાય લીધી છે, એમના દિવ્ય આત્માને પરમકૃપાળુ શાંતિ આપે એજ પ્રાર્થના. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી આપી છે. સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, કેશુભાઈ અનેક કાર્યકર્તાઓ માટે અને સમગ્ર પાર્ટી માટે એક વડીલ પિતૃતુલ્ય માર્ગદર્શક રહ્યા હતા. કેશુભાઈ ધરાતલ સાથે જોડાયેલા નેતા તરીકે સૌ માટે પ્રેરણારૂપ રહેશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ફેસબુક પર પોસ્ટ કરીને કેશુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર, ખેડૂત નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના નિધનના સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા સદ્દગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના.
—————————————————————————————————————–

 

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ૧૭ ઑક્ટોબરથી ખુલ્લું મૂકાશે

પ્રવાસીઓ માટે નિયમો તૈયાર કરવામાં આવ્યા
૩૧મી ઑક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે તૈયારીેનો ધમધમાટ : સી-પ્લેનના લેન્ડીંગ માટે જેટી તૈયાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
નર્મદા,તા.૧૫
સ્ટેચ્યુ ઑફ યુનિટી તા.૧૭ ઓક્ટોબરથી ફરી ખુલ્લું મુકાશે. કોવિડ-૧૯ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી. કોવિડ-૧૯ અંતર્ગત સરકારની અનલોક પ્રક્રિયા મુજબ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મુકવા અંગે શ્રેણીબધ્ધ નિર્ણય લેવાયેલ છે. આ નિર્ણયના ભાગરૂપે કેવડીયા ખાતે આવેલા મુખ્ય પ્રવાસન સ્થળો જેવાં કે જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા મોલ, વિગેરે તાજેતરમાં પ્રવાસીઓ માટે ફરી ખુલ્લાં મુકાતાં પ્રવાસીઓ તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો છે. જે જોતાં રાજ્ય સરકારે હવે પ્રવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતાં હતાં તે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને તા. ૧૭ ઓક્ટોબર શનિવારથીએટલે કે પહેલાં નોરતાથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે. આ માટે પ્રવાસીઓની સલામતિની પૂરતી કાળજી લેવા કોવિડ-૧૯ ગાઈડલાઈનના ચુસ્ત પાલન અંગેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સીંગની ચુસ્ત જાળવણી માટે પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત રાખવાનું જરૂરી બનેલ હોવાથી દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓની મર્યાદામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે. જે પૈકી માત્ર ૫૦૦ પ્રવાસીઓને ૧૯૩ મીટરના લેવલ પર આવેલ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટો દર બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે જ અધિકૃત ટીકીટીંગ વેબસાઇટ ઉપરથી મળી શકશે. પ્રવાસીઓને તેમણે જે બે કલાકના સ્લોટની ટીકીટ ખરીદેલ હોય તે જ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ સી-પ્લેન અમદાવાદની સાબરમતીથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર ૩ ખાતે શરૂ થનાર છે, અને આગામી ૩૧ઑક્ટોબરના રોજ સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજનાર છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને ઉદ્દઘાટન કરનાર છે. તો આ સી પ્લેન જે સ્થળે ઉતરવાનું છે, તે તળાવ નંબર ૩ પાસે સીપ્લેન માટેની જેટી બનવવાનું કામ પૂર્ણતાના આરે છે. જે અંગે નર્મદા નિગમ દ્વારા તૈયારી શરૂ કરી દીધી છે. આજે જેટી બનાવવા માટે કોન્ક્રીટનાં ૬ પોન્ટુન, મુંબઈથી લાવવામાં આવ્યા છે જેને જોડીને અહીંયા ફ્લોટિંગ જેટી બનાવવામાં આવી છે.

 

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ભાજપમાં જોડાયા

પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં ભંગાણ
પોતે પ્રબળ દાવેદાર હોવા છતાં ટિકિટ ન મળતા કિશોર ચીખલિયાએ કૉંગ્રેસથી નારાજ થતા પક્ષ પલટો કરી લીધોે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબી,તા.૧૫
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવામાં થોડા જ દિવસો બાકી છે ત્યારે આજે મોરબી કૉંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. ટિકિટ વહેંચણીથી નારાજ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલિયાએ બીજેપીનો ખેસ ધારણ કર્યો છે. પોતે પ્રબળ દાવેદાર હોવા છતાં, ટિકિટ ન મળતા કિશોર ચીખલિયા કૉંગ્રેસથી નારાજ થતા આ પગલું ભર્યું છે. મોરબી બેઠક પર કૉંગ્રેસે જયંતિ જેરાજને ટિકિટ આપતા કિશોર ચીખલિયા નારાજ થયા હતા. ત્યારે આજે જ્યારે ભાજપ કાર્યાલયના ઉદ્ધાટન સમયે કિશોર ચીખલિયા ભાજપમાં જોડાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કિશોર ચીખલીયા પર એસીબીમાં થયેલ કેસ પાછો ખેંચવા અને જિલ્લા પંચાયતમાં ફરી પ્રમુખ બનાવવા માટેની ભાજપે કમિટમેન્ટ કર્યું છે. કિશોર ચીખલીયા અને જ્યંતી જેરાજ પટેલના નામમાંથી કોંગ્રેસે જયંતિ પટેલને ઉમેદવાર બનાવતા કિશોર ચીખલીયા સંપર્ક વિહોણા બન્યા છે. ગત મોડી રાત્રીથી કિશોર ચીખલીયા કોંગ્રેસથી સંપર્ક વિહોણા બન્યા છે. પાર્ટીના સિનિયર નેતાઓ કિશોર ચીખલીયાને મનાવવા માટે આતુર હતા. પરંતુ કિશોર ચીખલીયા સંપર્ક વિહોણા થતા સિનિયર નેતાઓ પણ મુંઝવણમાં મુકાયા છે. પ્રદેશ કોંગ્રેસ નેતાના મતે કિશોર ચીખલીયા પ્રબળ ઉમેદવાર હતા. જ્યારે સ્થાનિક કોંગ્રેસના નેતાના મતે જ્યંતિ જેરાજ પટેલ પ્રબળ ઉમેદવાર માનવામાં આવતા હતા. આજ કારણને લઈને પ્રદેશ અને સ્થાનિક નેતાઓ વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ૧૬ ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ૧૭ ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. ૧૯ ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. ૩ નવેમ્બરે મતદાન થશે અને ૧૦ નવેમ્બરે પરિણામ જાહેર થશે.

 

પાંજરાપોળોને પ૦ લાખ અને મેડિકલ સામાન અર્પણ કરાયા

નમ્રમૂનિ મહારાજના પ૦મા જન્મદિને મુખ્યમંત્રીએ
રાજ્યમાં તાલુકા-ગામોમાં પશુઓને સ્થળ ઉપર સારવાર મળે તે માટે રપ૦ ફરતા પશુ દવાખાના કાર્યરત કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૫
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે જીવદયા રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગાંધી-સરદાર સાહેબનું ગુજરાત અહિંસાને વરેલું રાજ્ય છે, સાથોસાથ અબોલ પશુજીવો સહિત જીવમાત્રનો વિચાર અને સંવેદનાથી ઇઝ ઓફ લીવીંગ, કરૂણા, પ્રેમ, દયા અને અનુકંપાનું વાતાવરણ રાખવું છે. તમામ જીવોને અભયદાન રાજ્યની ફરજ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી રાષ્ટ્રસંત ગુરૂદેવ પૂજ્ય નમ્રમૂનિ મહારાજ સાહેબના પ૦મા જન્મદિન ઉપલક્ષ્યમાં રાજ્યની નાની-નાની પ૦ પાંજરાપોળોને મેડીકલ વેટરનીટી, દવાઓ માટે પ્રત્યેકને રૂ. ૧ લાખના ચેક અર્પણ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરી રહ્યા હતા.સમસ્ત મહારાજનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગિરીશભાઇ શાહ સહિત રાજ્યની વિવિધ પાંજરાપોળના ૯ જેટલા અગ્રણીઓ-પ્રતિનિધિઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીએ પ્રતિકરૂપે વિરમગામ અને ભાણવડ પાંજરાપોળના સંચાલકોને રૂ. ૧-૧ લાખના ચેક અર્પણ કર્યા હતા.વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે જીવદયા અને અબોલ પશુઓની સારવાર-કલ્યાણના અનેક પ્રકલ્પો વેગવાન બનાવ્યા છે. ઘાયલ પશુઓની સારવાર માટે કરૂણા એમ્બ્યુલન્સ અને એનીમલ હેલ્પલાઇન કાર્યરત કરી છે. એટલું જ નહિ, રાજ્યના અંતરિયાળ વિસ્તારોના તાલુકા-ગામોમાં પશુઓને સ્થળ પર સારવાર સુશ્રુષા આપવા રપ૦ એમ્બ્યુલન્સ ફરતા પશુદવાખાના તરીકે શરૂ કરી છે. આ મોબાઇલ એનિમલ ડિસ્પેન્સરીનું સંચાલન પણ આપાતકાલ માનવ સેવામાં શ્રેષ્ઠ પૂરવાર થયેલ ૧૦૮ એમ્બ્યુલન્સના સંચાલક ય્ફદ્ભને આપ્યું છે.મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, કોરોના સંક્રમણના આ કપરાકાળમાં પશુધનને ઘાસચારો મળી રહે તે માટે પશુદીઠ રૂ. રપની સહાય સરકારે મંજૂર કરી છે અને ચૂકવી છે.રાજ્યની પાંજરાપોળોને પોતાની માલિકીની જમીનમાં ઘાસચારો ઉગાડી પશુઓને આપી શકે અને અછતના સમયે ઘાસની તંગી ન પડે તે માટે ઘાસચારો ઉગાડવા ૧૦૦ કરોડ રૂપિયાની કુલ સહાય ટયૂબવેલ, સોલાર ઇલેકટ્રીક પેનલ વગેરે માટે આપીને પશુઓની સેવા-ચિંતાનો ભાવ દર્શાવ્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.મુખ્યમંત્રીએ આ અવસરે એવો ઉલ્લેખ પણ કર્યો કે, ખાસ કરીને કચ્છમાં પશુઓને ઘાસચારાની તંગી ન પડે તે માટે વન વિભાગ દ્વારા નલિયામાં ઘાસના મેદાનો ઊભા કરી ત્યાં પણ ઘાસની ખેતી કરવાનું આયોજન છે. વિજય રૂપાણીએ અબોલ પશુજીવો પ્રત્યે કરૂણા-દયા અને જીવદયાના સંસ્કાર સંતશકિતના આશીર્વાદ અને મહાજનો-સેવા સંગઠનોના સહયોગથી વધુ ઊજાગર કરવાની નેમ પણ દર્શાવી હતી.રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમૂનિ મહારાજ સાહેબે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાણીમાત્રને શાતા, વેદના, પીડામાં રાહત અને અબોલજીવોના જતનની ચિંતા કરનારા સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જીવદયા ભાવ ઊજાળ્યો છે તે માટે અભિનંદન આપ્યા હતા. નમ્રમૂનિ મહારાજ સાહેબે મૂંગા પશુઓના દર્દ, પીડા, વેદનાને ટ્રીટમેન્ટ સારવાર દ્વારા દૂર કરી અનેક અબોલ જીવોના આશીર્વાદ મળે તેવું પૂણ્ય કાર્ય ગુજરાતની ધરતી પર પ્રારંભ થયું છે તેને શ્રેષ્ઠ આશીર્વાદ અને ઉત્તમ મંત્રથી પણ અધિક સેવારૂપ ગણાવ્યા હતા. સમસ્ત મહાજનના ટ્રસ્ટી ગિરીશ શાહે આ સેવાકાર્યની પ્રેરણા પૂજ્ય નમ્રમૂનિ મહારાજ સાહેબના કૃપા આશિષથી મળી છે તેનો ઉલ્લેખ કરતાં નાની પાંજરાપોળોના પશુજીવો માટે આ સારવાર-સેવા મૂંગા પશુજીવો માટે ઉપકારક બનશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

 

નવરાત્રીમાં મંદિરમાં પ્રસાદ બંધ પેકિંગમાં આપવો પડશે

તહેવાર અંગે ભારે મૂંઝવણ બાદ સરકારની સ્પષ્ટતા
રાજ્યમાં સરકારે કોઈ મંદિર બંધ નથી કર્યા, મંદિર બંધ કરવાનો નિર્ણય જે-તે મંદિર ટ્રસ્ટો દ્વારા લેવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૪
નવરાત્રિમાં મંદિર અને પ્રસાદ મુદ્દે ફરી એકવાર રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મંદિરોમાં પ્રસાદ આપી શકાશે. કોરોના વાયરસના સંક્રમણને કારણે પ્રસાંદ બંધ પેકિંગમાં આપવામાં આવે તેવી રાજ્ય સરકાર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. મંદિરમાં દર્શન બંધ અંગે પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, સરકારે મંદિર બંધ નથી કર્યા. મંદિર બંધ કરવાનો નિર્ણય જે-તે મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતમાં તમામ મંદિરો દર્શન માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે નવરાત્રિમાં કોઈપણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી. ભીડ નહીં થાય તે માટે જે તે મંદિરના ટ્રસ્ટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મંદિરમાં પ્રસાદ બંધ પેકિંગમાં આપવાનો રહેશે. અગાઉ રાજ્ય સરકારે રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મુક્યો હતો. જેની ગાઈડલાઈનમાં નવરાત્રી દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટે જણાવવામાં આવ્યું હતું. જો કે, આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, નવરાત્રીમાં પ્રસાદ માટેની એસઓપીમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે. એક તરફ રાજ્ય સરકાર ૧૭મી ઓક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, ગીર અભ્યારણ, દાંડી ગાંધી સ્મારક વગેરેને ખોલી રહી છે તો બીજી તરફ નવરાત્રિ દરમિયાન રાજ્યના કેટલાંક પ્રસિદ્ધ મંદિરો બંધ રહેશે. જેમાં પાવાગઢ ખાતે આવેલું પ્રસિદ્ધ મહાકાળી મંદિર નવરાત્રિ દરમિયાન બંધ રહેશે. મીડિયા રિપોર્ટ મુજબ ઋષિ વિશ્વામિત્રના સમયનું આ મંદિર ઇતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં બંધ રહેશે. જોકે, અંબાજી મંદિર નવરાત્રિ દરમિયાન દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. પરંતુ ચાચર ચોકમાં કોઈપણ ગરબાનું આયોજન નહીં થાય તેવું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

ઝાલોદના પૂર્વ કાઉન્સિલરની હત્યા માટે ૪ લાખની સોપારી

ઝાલોદના પૂર્વ કાઉન્સિલરના મોતનો ભેદ ઉકેલાયો
હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરતા વધુ તપાસમાં અન્યોના નામ આવવાની શક્યતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૪
ઝાલોદ નગરમાં ભાજપના અગ્રણી અને પાલિકાના પૂર્વ કાઉન્સિલર હિરેનભાઈ પટેલ ૨૭ સપ્ટેમ્બરનાં રોજ પોતાના મુવાડા પાણીની ટાંકી પાસે આવેલા ઘરેથી વહેલી સવારે નિયત ક્રમ મુજબ ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે તેમનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જેમા એક ખુલાસો થયો છે. પાલિકાનાં કાઉન્સીલર સાથે બનેલી ઘટના અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજીત કાવતરું હોવાનું બહાર આવ્યું છે. ઝાલોદનાં જ અજય કલાકે ચાર લાખ આપીને હિરેનભાઇ પટેલની હત્યા કરાવી હતી. આ અંગે દાહોદ એલસીબી, ગોધરા સાયબર ક્રાઈમ સહિતની ટિમોએ પર્દાફાશ કર્યો છે. હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. હજી તપાસમાં વધુ નામ આવવાની શક્યતા છે. મૃતક હિરેનભાઇ પટેલનાં પરિવારે મોત નીપજતા આક્ષેપ કર્યો હતો કે, રાજકીય અદાવતમાં તેમની હત્યા થઇ છે. ઝાલોદના અજય કલાલે ચાર લાખ આપી હત્યા કરાવી હતી. જેમાં ગોધરાકાંડનો આરોપી ઈરફાન પાડાએ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, ૨૭ સપ્ટેમ્બરે ઝાલોદ નગર પાલિકાના ભાજપના કાઉન્સિલર મોર્નિંગ વોકમાં નીકળ્યા બાદ રસ્તાની નજીકની ઝાડીઓમાંથી ઘાયલ અવસ્થામાં મળ્યા હતાં.સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થઇ ગયું હતું. ઝાલોદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા હિરેનભાઇ પટેલ નગરની સહકારી બેન્કો, માર્કેટ યાર્ડ, કેળવણી મંડળ સહિતની તમામ સંસ્થાઓમાં જોડાયેલા હતા. સતત ત્રણ ટર્મથી નગર પાલિકામાં ચૂંટાઈ આવતા હતા.

 

સરકાર અને હિન્દુસ્તાન ઝિંક લિમિટેડની વચ્ચે એમઓયુ

રપ હજારથી વધુ લોકોને રોજગારી મળશે
નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ના કારણે આદિજાતિ વિસ્તારમાં પ્લાન્ટની સ્થાપના માટે હિન્દુસ્તાન ઝિંકે રસ દાખવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૪
દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લાના દોસવાડામાં વિશ્વના સૌથી મોટા ઝિંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષની સ્થાપના માટેના ર્સ્ેં ગુજરાત સરકાર અને વેદાન્તા ગૃપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તથા હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના સી.ઇ.ઓ અરૂણ મિશ્રાએ આ ર્સ્ેં પર હસ્તાક્ષર કર્યા હતા. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે આ પ્રોજેકટસના પરિણામે રાજ્યના આદિજાતિ વિસ્તારની આર્થિક-સામાજીક વિકાસની ગતિ વધુ વેગવાન બનશે તેની ભૂમિકા આપી હતી. વેદાન્તા ગૃપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ આ પ્લાન્ટ માટે રૂ. ૧૦ હજાર કરોડનું રોકાણ દોસવાડામાં કરશે તેમજ એશિયા અને મિડલ ઇસ્ટના દેશોમાં ઝિંકની મોટાપાયે નિકાસ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રિય સ્તરે વધતી જતી માંગને પહોચી વળવા પર આ પ્લાન્ટ દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રીત કરશે. વેદાન્તા ગૃપનું ગુજરાતમાં આ પ્રથમ મોટું સાહસ છે. હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના અગ્રવાલે આ પ્રોજેકટ ગુજરાતમાં શરૂ થવાની પહેલના મૂળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારનો સકારાત્મક પ્રતિસાદ રહેલો છે તેમ જણાવ્યું હતું.મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી નવી ઔદ્યોગિક નીતિ-ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો લાભ લઇને આ આદિજાતિ વિસ્તારમાં સ્ટેટ ઓફ ધ આર્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર પણ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ દ્વારા શરૂ કરાશે. આ સેન્ટરના પરિણામે આ વિસ્તારના કુદરતી સંશાધનોનું ટેકનોલોજી અને ઇનોવેશનથી સંવર્ધન-સંરક્ષણ થઇ શકશે. તેમણે કહ્યું કે, દેશના અન્ય કોઇ પણ રાજ્યમાં આ પ્રકારની પારદર્શી અને ગતિશીલતાનો અનુભવ તેમને થયો નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણાથી ર્સ્ેંની આ પ્રક્રિયા બે જ મહિનાના ટુંકાગાળામાં પૂર્ણ થઇ તેનો તેમણે આનંદ વ્યકત કર્યો હતો. ૩૦૦ દ્ભ્‌ઁછની ઉત્પાદન ક્ષમતા સાથે આદિજાતિ ક્ષેત્ર તાપી જિલ્લામાં સ્થપાનારા હિન્દુસ્તાન ઝિંક લીમીટેડના આ સાહસને પરિણામે પાંચ હજારથી વધુ સ્થાનિક યુવાઓને રોજગાર અવસર તેમજ રપ હજારથી વધુ લોકોને જીવનનિર્વાહનો આર્થિક આધાર મળતો થવાનો છે.અગ્રવાલે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારના આ પોઝિટીવ એપ્રોચના પરિણામે આગામી ભવિષ્યમાં ગુજરાતમાં હજુ વધુ મોટા પ્રોજેકટ અને વધુ મૂડીરોકાણો માટે તત્પરતા દર્શાવી હતી.

 

દૂધના પાવડરની નિકાસ માટે કિલોએ ૫૦ રૂપિયાની સહાય

પશુપાલકોને આ નિર્ણય થી સીધો લાભ થશે
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટતાં દૂધ સંઘોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૩
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના ખેડૂતો-પશુપાલકોના હિતને વરેલી રાજ્ય સરકારે રાજ્યના પશુપાલકોને મદદરૂપ થવા માટે દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો રૂ.૫૦ ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સ્કીમ મિલ્ક પાવડર (દૂધનો પાવડર) ના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરની નિકાસ ઘટી છે રાજ્યના સહકારી દૂધ સંઘો પાસે હાલ અંદાજે રૂ. ૧૮૫૦ કરોડની કિંમતનો ૯૦,૦૦૦ મેટ્રીક ટન દૂધ પાવડરનો જથ્થાનો ભરાવો થયો છે. અને દૂધ સંઘોની મોટા પ્રમાણમાં મૂડી રોકાઇ ગઇ છે અને તેના પર વ્યાજનું ભારણ વધી રહ્યું છે. અને આનું સીધુ નુકશાન દૂધ ઉત્પાદકો એટલે કે પશુપાલકોને થાય છે. પશુપાલકો અને જિલ્લા સંઘોને થતું આ નુકશાન અટકાવવા માટે દૂધના પાવડરની નિકાસ થાય તે જરૂરી છે. તેમણે ઉમેર્યુ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા દૂધના પાવડર કરતાં અન્ય દેશોના દૂધનો પાવડર સસ્તા ભાવે વેચાઇ રહ્યો છે જેથી આપણા દૂધના પાવડરની નિકાસ કરવી હોય તો નીચા ભાવે દૂધનો પાવડર વેચવો પડે અને જો દૂધ સંઘો નીચા ભાવે દૂધના પાવડરની નિકાસ કરે તો ખૂબ મોટું આર્થિક નુકશાન કરવુ પડે તેમ છે. જે દૂધ સંઘો ઉપાડી શકે તેમ નથી તેને ધ્યાને લઇ અમૂલ ફેડરેશનના ચેરમેન શામળ પટેલ, વાઇસ ચેરમેન વલમજી હુંબલ, એમ.ડી. આર.એસ.સોઢી અને જિલ્લાના અન્ય દૂધ સંઘોના ચેરમેનઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીને દૂધના પાવડરની નિકાસ માટે રાજ્ય સરકાર સહાય આપે તેવી રજુઆત કરી હતી. તેને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, તા.૦૧.૧૧.૨૦૨૦ થી છ મહિના સુધી અમૂલ દ્વારા જેટલા દૂધના પાવડરની નિકાસ કરવામાં આવશે તે પાવડર પર પ્રતિ કિલો ૫૦ રૂપિયા રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવશે અને રૂ.૧૫૦ કરોડની મર્યાદામાં રાજ્ય સરકાર આ સહાય દૂધ સંઘોને આપશે જેના કારણે લગભગ ૫૦ હજાર મેટ્રીક ટનથી વધુ દૂધના પાવડરની નિકાસ થઇ શકશે જેથી દૂધના પાવડરના સ્ટોકમાં ઘટાડો થતા દૂધની ડેરીની રકમ છૂટી થશે અને વ્યાજનું ભારણ ઘટશે અને દૂધ સંઘોની આવક વધશે.નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતના પશુપાલકોને દૂધના પ્રતિ લિટર ૮ થી ૧૦ રૂપિયા વધુ ભાવ મળે જ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી પ્રવર્તતા રાજ્ય સરકારની આ સમયસર મદદ મળતાં દૂધના ભાવો ઘટાડવા નહી પડે જેનો સીધો લાભ ૩૬ લાખ પશુપાલક પરિવારોને થશે.

 

ગાંધી જયંતીની સાદગીથી ઊજવણી કરવામાં આવી

રૂપાણીએ ડિજિટલ માધ્યમથી હાજરી આપી
બાપુના જન્મસ્થળ પોરબંદરમાં પણ તેમની ૧૫૧મી જન્મ જયંતીની સાવ સાદગીથી ઉજવણી કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨
આજે ગાંધી જયંતી છે. આપણા લાડીલા પ્રિય બાપુનો જન્મદિવસ, પરંતુ ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર ગાંધી જયંતિની સાદગીપૂર્વક ઉજવણી થઈ રહી છે તેવુ બન્યું છે. કોરોનાના કપરા કાળમાં જાહેર કાર્યક્રમો પર રોક લાગી છે. તેથી બાપુના જન્મદિવસને પણ ગુજરાતીઓને સાદગી રીતે ઉજવવો પડી રહ્યો છે. બાપુના જન્મસ્થળ પોરબંદરમાં પણ તેમના ૧૫૧મા જન્મજયંતીની સાદગીથી ઉજવણી કરવામાં આવી છે. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સવારે સર્વધર્મ પ્રાર્થના સભા આયોજિત કરાઈ હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિજીટલ પ્લેટફોર્મના માદ્યમથી હાજરી આપી હતી. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સવારે ૮ વાગ્યે સર્વધર્મ પ્રાર્થના સભા આયોજિત કરાઈ હતી. કોરોના વાયરસને કારણે પહેલીવાર રાજ્યના મુખ્યમંત્રી ગાંધી જયંતી પર આવી શક્યા નથી. ત્યારે તેઓએ ઓનલાઈન હાજરી આપીને બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સમયે કીર્તિ મંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ જવાહર ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. પહેલીવાર અમદાવાદનું ગાંધી આશ્રમ ગાંધી જયંતી પર સૂનુ સૂનુ જોવા મળ્યું હતું. ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. સર્વધર્મ પ્રાર્થના સભા સિવાય કોઈ કાર્યક્રમોનું આજે આશ્રમમાં આયોજન કરાયું નથી. પ્રાર્થના સભામાં ફક્ત ૫૦ લોકોને હાજર રાખવામાં આવ્યા હતા. જાહેર જનતા માટે પ્રાર્થના સભામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કોરોનાકાળ વચ્ચે આશ્રમમાં સાદગીપૂર્વક ગાંધી જયંતીની ઉજવણી કરાઈ. પરંતુ આ પ્રાર્થના સભામાં લોકો ઓનલાઇન જોડાઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી. આજે ૧૫૧ મી ગાંધી જ્યંતીને લઈને અમદાવાદમાં સાયકલ રેલીનું આયોજન કરાયુ હતુ. જેમાં ૩૫ જેટલા સાહસિકો નિકોલ ડી માર્ટથી નીકળી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. તમામ લોકોએ સ્વચ્છ ભારત, ફિટ ભારતનો સંદેશ આપ્યો છે. ગુજરાત સાઈકલિંગ ક્લબ દ્વારા ૫૧ કિમી સાઈકલ રાઈડ દ્વારા બાપુના સંદેશાને લોકો વચ્ચે મૂકાયા હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope