ધારાસભ્યો-સાંસદો સામેના કેસોનો નિકાલ કરવા આદેશ

૯૨ કેસોનો ઝડપી નિકાલ કરવા હાઈકોર્ટનો નિર્દેશ
સુપ્રીમે કરેલી ટકોર બાદ હાઈકોર્ટે પેન્ડીંગ કેસો ચલાવી નિકાલ કરવાનો આદેશ કરતા રાજકારણીઓમાં હડકંપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૨
રાજ્યના સંસદસભ્યો અને ધારાસભ્યો તેમજ ભૂતપૂર્વ સભ્યો અને રાજ્યની વિવિધ અદાલતોમાં ચાલી રહેલ ૯૨ જેટલા કેસોને ઝડપી ચલાવવા માટે સુપ્રિમ કોર્ટે કરેલ ટકોર બાદ ગુજરાત હાઈકોર્ટે તમામ પેન્ડીંગ કેસો ચલાવી નિકાલ કરવાનો આદેશ કરતા રાજકારણીઓમાં હડકંપ મચી ગયો છે. ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારે ૩૦મી સપ્ટેમ્બરે તમામ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ જજને લખેલ પત્રમાં જણાવ્યું છે કે સુપ્રિમ કોર્ટે ૧૬મી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ આપેલ આદેશ મુજબ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસે આપેલ સૂચના મુજબ તમામ ચાલુ સંસદસભ્ય અને ધારાસભ્યો તેમજ ભૂતપૂર્વ સભ્ય સામેના ક્રિમિનલ પેન્ડીંગ કેસો રોજ ચલાવી તેનો વહેલીતકે કેસોનો નિકાલ લાવો. આ તમામ ચાલી રહેલ કેસની માહિતીનો દરરોજ રિપોર્ટ મેળવો અને કોઈ કેસમાં જો કોઈ કેસ પડતર રાખવામાં આવે તો તેની માહિતી મેળવો. આ અંગે દર પંદર દિવસે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સામે રિપોર્ટ મુકવામાં આવશે. આ સાથે ગુજરાત હાઈકોર્ટે ૧૧મી સપ્ટેમ્બરે રાજ્યની વિવિધ અદાલતમાં ધારાસભ્ય અને સંસદસભ્ય સહિત ભૂતપૂર્વ નેતાઓની સામે ચાલી રહેલ કેસનું લિસ્ટ પણ મોકલી આપેલ છે.
ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ આદેશ બાદ સીટીંગ ધારાસભ્ય, સંસદસભ્યો અને ભૂતપૂર્વ રાજકારણીઓની સામે ૯૨ જેટલા કેસો વિવિધ અદાલતોમાં ચાલી રહ્યા છે. આ સમાચાર વહેતા થતા તમામ રાજકારણીઓમાં હડકંપ મચી ગયો છે. હાઈકોર્ટના રજિસ્ટ્રારે જાહેર કરેલ ૯૨ કેસોમાં ૫૦થી વધુ ધારાસભ્યો અને સાંસદોના નામ લિસ્ટમાં આવ્યા છે.

 

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે કોરોનાને હરાવ્યો

કેશુભાઈ પટેલ ૧૦ દિવસમાં ઘરે પરત ફર્યા
કેશુભાઈ પટેલના કેરટેકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૯
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેઓ હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. આજે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે ૧૦ દિવસમાં કોરોનાને માત આપી છે. કેશુભાઈ પટેલના કેરટેકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘરના અન્ય લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
જે દરમિયાન ગત ૧૮ સપ્ટેમ્બરના રોજ કેશુભાઈ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરની સલાહ મુજબ તેમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની નજર હેઠળ છેલ્લા ૧૦ દિવસથી તેમની સ્વાસ્થ્યની સંભાળ રાખવામાં આવતી હતી. ૧૦ દિવસ બાદ આજ રોજ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કેશુભાઈ ૧૯૯૫ અને ૧૯૯૮ થી ૨૦૦૧ સુધી એમ કુલ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહી ચૂક્યા છે. તેઓ ભાજપના પણ સિનિયર નેતા હોવાથી તેમનો રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પણ તેમના ખબર અંતર પૂછ્યા હતા.

 

સંભવિત ઉમેદવારો અંગે કોંગીમાં બેઠકનો ધમધમાટ

કેન્દ્રિય નિરીક્ષકની હાજરીમાં ચર્ચા થઇ
ત્રીજી નવેમ્બરે યોજાનાર પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસમાં ચૂંટણીલક્ષી બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૯
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકની ૩જી નવેમ્બરે યોજાનારા પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસમાં ચૂંટણીલક્ષી બેઠકોનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે. જેમાં કોંગ્રેસમાં સંભવિત ઉમેદવારોની ચર્ચા થઈ હતી. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ગઢડા, લીંબડી, ડાંગ, ધારી, કરજણ, મોરબી, અબકાસા અને કપરાડામાં બે તબક્કામાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કોંગ્રેસમાં આજે દિવસ દરમિયાન સંભવિત ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા ચાલી હતી. જેમાં દરેક બેઠકમાં શોર્ટ લીસ્ટ કરી પ્રથમ તબક્કામાં પાંચ નામો પર ચર્ચા થઈ હતી. આ બેઠકનો દોર હજુ બુધવારે પણ ચાલશે. પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, કેન્દ્રીય નીરીક્ષક રાજીવ સાતવની અને અન્ય સભ્યની હાજરીમાં યોજાયેલી બેઠખમાં ચર્ચા થઈ હતી. જેમાં કરજણ બેઠક માટે પૂર્વ પ્રદેશમાંથી કિરીટ સિંહ જાડેજા, વડોદરા જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન નીલાબેન ઉપાઘ્યાય, વડોદરા જિલ્લા મહામંત્રી, ભાસ્કર ભટ્ટ, ધર્મેશ પટેલ અને રીતેશ પટેલના નામ પર ચર્ચા થઈ હતી. આ બેઠક પર અક્ષય પટેલે રાજીનામુ આપતા ખઆલી પડી હતી. ગઢડા વિધાનસભા માટે પૂર્વ મંત્રી મોતીભાઈ ચાવડાના દીકરા જગદીશ ચાવડા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના પ્રમુખ ડીજે સોસા, એસપી સેલના પ્રમુખ મોહનભાઈ સોલંકી, પૂર્વ સનદી અધિકારી નટુભાઈ ચાવડાના નામ પર ચર્ચા થઈ હતી. ડાંગ બેઠક માટે આદિવાસી સમાજનો શિક્ષિત ચહેરો સૂર્યકાન્ત ગાવીત, તાલુકા પંચાયત સભ્ય મુકેશ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય ચંદર ગામીત, વધઈ ગ્રામ પંચાયત અને પૂર્વ ધારાસભ્યના ભત્રીજા મોહન અને પૂર્વ ધારાસભ્યના પુત્ર ગમન ગોયાના નામ પર ચર્ચા થઈ હતી. કોંગ્રેસમાં તમામ બેઠકોના ઉમેદવારો પરની ચર્ચા પૂર્ણ થયા બાદ તમામ બેઠકોની પેનલો તૈયાર કરી હાઈ કમાન્ડ મોકલાશે. આવતીકાલે ફરી નીરીક્ષકોની સાથે બેઠક યોજાશે. ઈલેક્શન કમિટીમાં નામો પર ચર્ચા બાદ પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત કરાશે.

 

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ રાજ્યની બહાર નહીં જઈ શકે

હાર્દિકની અરજી સેશન્સ કોર્ટે ફગાવી
રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિક પટેલને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજૂર કર્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૫
હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. હાર્દિકે ત્રણ મહિના સુધી ગુજરાત બહાર જવાની માંગ સાથે અરજી કરી હતી. રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિક ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજૂર કર્યા હતા. ત્યારે હાર્દિકે ફરીવાર અરજી કરતા સેશન્સ કોર્ટે અરજી ફગાવી છે.અરજી કોર્ટે ફગાવતા અવલોકન કર્યું છે કે રાજદ્રોહ કેસના આરોપીને રાજય ની બહાર જવાની પરવાનગી યોગ્ય નથી. નોંધપાત્ર છે કે હાર્દિકે ૯૦ દિવસ માટે રાજ્ય બહાર જવા અરજી કરી હતી. જેના વિરોધમાં સરકારે દલીલ કરી છે કે હાર્દિક સામે ગંભીર ગુનો છે. માત્ર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હોવાથી તેમને રાજ્ય બહાર જવા દેવા મંજૂરી આપવી યોગ્ય નથી. સાથે જ હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન મુક્ત કર્યો હતો.
અગાઉ રાજદ્રોહના કેસમાં તેની સતત ગેરહાજરી બદલ કોર્ટના વૉરંટ પર ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટે જામીન પર મુક્ત કર્યા બાદ કોર્ટ તરફથી હાર્દિક પટેલના રાજદ્રોહના કેસમાં શરત લાગુ કરી હતી. પાટીદાર અનામાત આંદોલન સમિતિના પૂર્વ સાથીઓ રાજદ્રોહના આરોપોનો સામનો કરી રહ્યા છે. પાટીદાર ક્વોટા માટેના આંદોલન દરમિયાન થયેલી હિંસા બાદ ૨૦૧૫માં તેમની સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. કૉંગ્રેસ પક્ષ દ્વારા હાર્દિકને રાજ્યમાં કાર્યકારી પ્રમુખના પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા હતા તે દિવસે હાર્દિક પટેલે કોર્ટને પૂર્વ મંજૂરીની શરતમાંથી મુક્ત કરવા માટેની વિનંતી કરી હતી. વિનંતીનો વિરોધ કરતાં સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે વિગતવાર જવાબ રજૂ કર્યો હતો. તેમણે દલીલ કરી કે હાર્દિકનો રાજદ્રોહના કેસમાં સુનાવણીમાં હાજર ન રહેવાનો ઇતિહાસ ધરાવે છે.

 

નેતા મધુ શ્રીવાસ્તવનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો

ભાજપના નેતા માસ્ક વગર ટોળામાં ઝૂમ્યા
હાલમાં મધુ કોરોનાથી મુક્ત થયા છે, ત્યારે હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ ભજન કાર્યક્રમમાં હાજરી આપી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા, તા.૨૦
ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને તાજેતરમાં કોરોના થયો હતો. વાઘોડિયાનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જેથી તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે હવે તો તેઓ રિકવર થઈ ગયા છે. પરંતુ હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ તરત જ આ વિવાદિત ધારાસભ્યએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા. જેનો પુરાવો આપતો વીડિયો પણ સામે આવ્યો છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું કોરોના સામે પણ શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે. બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ટોળાની વચ્ચે ઉભા રહીને ડાન્સ કરી રહ્યાં છે. હાલમાં જ મધુ શ્રીવાસ્તવ કોરોનાથી મુક્ત થયા છે. ત્યારે હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ તેઓએ એક ભજન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમેય ધારાસભ્ય ભાન ભૂલી ડાન્સ કરવા લાગ્યા હતા. એટલુ જ નહિ, તેઓ માસ્ક પહેર્યા વગર ટોળામાં ઝૂમ્યા હતા. તેમના સમર્થકો પણ માસ્ક વગર ધારાસભ્ય સાથે ઝૂમ્યા હતા. વિડિયો સોશિયલ મીડિયામાં વાયલ થયેલા વીડિયો મામલે મધુ શ્રીવાસ્તવે સ્પષ્ટતા કરીને કહ્યું કે, મારા ઘરની પાસે આવેલું હનુમાનજીનું મંદિર મેં બનાવડાવ્યુ છે. તેથી ઘરના મંદિરમાં માસ્ક પહેરવાની જરૂર રહેતી નથી. દર શનિવારે હું હનુમાન ચાલીસાના પાઠ કરું છું. તેઓ શનિવારે વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં દર્શન માટે ગયા હતા. ત્યાં ભજનનો કાર્યક્રમ હોવાથી મધુ શ્રીવાસ્તવ ડાન્સ કરવા લાગ્યા હતા. જોકે તાજેતરમાં જ કોરોનામુક્ત થયા હોવા છતાં તેમણે માસ્ક ન પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવીને પોતાની સાથે બીજા લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. તાજેતરમાં જ કોરોનાથી સંક્રમિત થયા બાદ મધુ શ્રીવાસ્તવનાં સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા હતા. આ પહેલા તેમનાં પીએ વિજય પરમારનું પણ કોરોનાને લીધે મૃત્યુ થયું હતું. અત્યારસુધીમાં વડોદરા જિલ્લાના બે ધારાસભ્યો અને ત્રણ પૂર્વ ધારાસભ્યો કોરોનાને માત આપી ચૂક્યા છે.

 

કોરોનાથી મોતના આંકડા છુપાવાય છે : મોઢવાડિયા

રાજ્ય સરકાર પર કોંગ્રેસના આકરા પ્રહાર
સરકાર કોરોનાના સાચા આંકડા નહીં આપે તો સીટીઝન કમિશન બનાવી જાહેર કરીશું : કોંગ્રેસના વરિષ્ઠ નેતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૬
ગુજરાતમાં કોરોનાનો વ્યાપ અને વિસ્ફોટ વધી રહ્યો છે. પરંતુ કાગળ ઉપર સારા દેખાવા સરકાર મૃત્યુના આંકડાઓ છુપાવી રહી છે. રાજ્ય સરકાર આંકડાઓ છુપાવી લોકોમાં કોરનાની ગંભીરતા ઓછી કરી રહી છે. તેવો આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સરકાર કોરોનાના સાચા આંકડા નહીં આપેતો અમે સીટીઝન કમીશન બનાવી આંકડા જાહેર કરીશું. કોંગ્રેસના પ્રદેશ નેતા અર્જુન મોઢવાડિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોરોનાના સંક્રમણ અને મૃત્યુના આંકડા છુપાવી રહી છે. મે મહિનામાં રોજના ૨૦૪ લોકોના મૃત્યુ સ્મશાનમાં નોંધાયા છે. પરંતુ સરકારી ચોપડે ૧૫-૨૦ લોકોના જ મોત કોરોનાને લીધે થયા હોવાનું બતાવે છે. સ્મશાન ગૃહમાં દર્શાવાતા આંકડા કરતા હકીકતમાં ૩ થી ૪ ગણા વધારે મૃત્યુ થાય છે. સુરતમાં રોજના ૧૦૦ કોરોનાના લીધે મોત સ્મશાનગૃહમાં નોંધાયા છે. જુલાઇ મહિનામાં ૧૩ દિવસમાં રાજકોટમાં સરકારી આંકડા મુજબ કોરોનાથી ૯૨ મોત અને મહાનગર પાલિકમાં આકડા મુજબ ૭૯૮ કોરાનાગ્રસ્ત દર્દીઓના મોત થયા છે. જામનગર મહાનગર પાલિકામાં સારકારી આંકડા મુજબ ૨૬ મૃત્યુઆંક અને સ્મશાન ગૃહ મુજબ ૧૮૨ કોરોનાગ્રસ્ત દર્દીના મોત થયાં છે. નમસ્તે ટ્રમ્પ થી લઇને નમસ્તે પાટીલ થી ભાજપે કોરોના ફેલાવ્યો તેવો આક્ષેપ કરતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પાટીલભાઉની આગેવાની હેઠળ ભાજપ સુપર સ્પ્રેડર બન્યું. શરમની વાત એ છેકે મુખ્યમંત્રી ભાઉને સ્પ્રેડર બનતા રોકી ના શક્યા.તેઓ એ કહ્યું કે સરકારને મારી વિનંતી છે કે સરકાર સાચા આંકડા જાહેર કરે.

 

ધારાસભ્ય સહિત ૧૭ લોકો સામે ભ્રષ્ટાચારનો આરોપ

લિંબાયતના ધારાસભ્ય સંગીતાની પણ સંડોવણી
આનંદીબેન પટેલના હસ્તે ભૂમિપુજન થયેલ મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટમાં નાણાંકીય ગેરરીતિનો વિવાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧૬
સુરત લિંબાયત વિસ્તારમાં વર્ષ ૨૦૧૫માં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ભૂમિપુજન થયેલ મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. સ્મશાન ભૂમિ ટ્રસ્ટને મનપા દ્વારા ફાળવવામાં આવેલ નાણાની ગેરરીતિ થયાનો આક્ષેપ કરતી પોલીસ અરજી કોગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા નીતિન ભરૂચા દ્વારા કરવામાં આવી છે. આ અરજીમાં સ્મશાન ભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી લીંબાયતશ્વના ધારાસભ્ય સંગીતા પાટીલશ્વશ્વ, ભાજપના અગ્રણી, મનપાના અધિકારી સહિત ૧૭ લોકો સામે ગુનો નોદ્વધવા માગ કરી છે. લિંબાયત વિસ્તારમાં આવેલી મુક્તિધામ સ્મશાન ભુમિના બાંધકામ માટે રૂ.૬.૪૦ કરોડનું અનુદાન સુરત મહાનગર પાલિકોએ આપવાનો ઠરાવ કર્યો હતો. જેમાંથી ૪.૪ કરોડ મુક્તિધામ હિન્દુ સ્મશાન ભુમિ ટ્રસ્ટને ચૂકવી દેવામાં આવ્યા હતા. અરજદાર નિતીન ભરૂચાએ એડવોકેટ ઝમીર ઝેડ.શેખ મારફતે આ અંગે પોલીસ કમિશનરને અરજી કરી જણાવ્યું છે કે, ચેરીટી કમિશનરમાં જે ઓડીટ રિપોર્ટ ફાઇલ થયા છે. તેમાં ચાર્ટડ એકાઉન્ટન્ટની સહિ નથી. ઉપરાંત કોર્પોરેશનનાં લિંબાયત ઝોનનાં એક્ઝીક્યુટીવ એન્જીનિયરે સમયાંતરે સ્મશાન ભૂમિના સ્થળનું નિરીક્ષણ કરીને તેનો રિપોર્ટ પાલિકાના એકાઉન્ટ વિભાગને મોકલવાનો હતો તેના રિપોર્ટના આધારે જ એકાઉન્ટ વિભાગે અનુદાન આપવાનું હતું. આ રિપોર્ટ વગર કેવી રીતે રૂપિયા ચુકવાઇ ગયા. એડવોકેટ ઝમીર શેખે વધુમાં જણાવ્યું હતું કે, પાલિકાએ ટ્રસ્ટને અગાઉ પત્ર લખ્યો હતો કે એસ ઓઆર (શિડ્યુઅલ ઓફ રેટ) કરતા ટ્રસ્ટ જે સામગ્રી વપરાઇ તેનો ભાવ વધારે દર્શાવી રહ્નાં છે. એક તરફ ટ્રસ્ટને પાલિકાએ અનુદાન પણ આપ્યું અને ઠપકો પણ આપ્યો. ટ્રસ્ટ દ્વારા વધુ ૧૨ કરોડનું અનુદાન માંગવામાં આવ્યું છે. ત્યારે અગાઉના ૪.૪ કરોડ ક્યાં ગયા તે અંગે અરજી કરવામાં આવી છે. આ મામલે આસિસ્ટન્ટ પો.કમિશનરે અરજદાર નિતીન ભરૂચાને નિવેદન નોંધવા બોલાવી આ બાબતની તપાસ શરૂ કરી છે.

 

યુવા નેતા રાદડિયાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

પાટીલ સાથે સૌરાષ્ટ્ર પ્રવાસમાં હાજર હતા
મારા રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ હું હોમ ક્વોરન્ટાઈન થયેલો છું, મારી તબિયત સારી છે : જયેશ રાદડિયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૫
ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોના સંક્રમણનાં આંકડામાં વધારો થઇ રહ્યો છે. આ સાથે જ્યારથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ગુજરાતનો પ્રવાસ અને રેલી કરીને આવ્યાં છે ત્યારથી ગુજરાત ભાજપનાં નેતાઓ અને કાર્યકર્તાઓ પણ કોરોના સંક્રમણનાં ભરડામાં ધીરે ધીરે આવી રહ્યાં છે. ત્યારે યુવા નેતા અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાદડિયાનાં પીએ વિપુલ બાલઘાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત જામનગરનાં ધારાસભ્ય રાઘવજી પટેલનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ટિ્‌વટ કરીને પોતે કોરોના સંક્રમિત થયાની જાણકારી આપી છે. જયેશ રાદડિયાએ ટિ્‌વટ કરતા જણાવ્યું કે, મને કોરોના વાયરસના સામાન્ય લક્ષણો જણાતા આજે સ્વેચ્છાએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. મારા કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ હું હોમ ક્વોરન્ટાઈન થયેલો છું અને મારી તબિયત સારી છે. છેલ્લા અઠવાડિયામા મારા સંપર્કમા આવેલ લોકોએ સ્વેચ્છાએ કોરોના ટેસ્ટ કરાવવા વિનંતી. આ ઉપરાંત જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા છે. ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, જયેશ રાદડિયાના પીએ વિપુલ બાલધાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે રેલી અને સભામાં રાદડિયા પણ હાજર હતા. મહત્વનું છે કે, હાલમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની કોરોનાની સારવાર અપોલો હોસ્પિટલમાં ચાલી રહી છે.

 

સપ્તાહની સારવાર બાદ ભાજપ પ્રમુખ પાટીલ હવે કોરોના મુક્ત

પ્રમુખ બન્યા બાદ રેલીઓથી વિવાદમાં સપડાયા હતા
ભાજપ પ્રદેશ પ્રમુખે પોતે જ ટિ્‌વટ કરીને તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવોની માહિતી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા. ૧૫
સીઆર પાટીલનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ ખાનગી સારવાર હેઠળ રહેલા પાટીલને આતવીકાલે રજા આપી દેવામાં આવશે. પાટીલે ટ્‌વીટ કરીને જાણકારી આપતા કહ્યું હતું કે તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, અને આવતીકાલે તેમને ડિસ્ચાર્જ મળી જશે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાના દર્દી બન્યા છે. તેવામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જંગી રેલીઓ કરનારા પાટીલ પણ તેમાંથી બચી શક્યા નહોતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન પાટીલનો ગઈકાલે પણ ટેસ્ટ કરાયો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, ઈન્ફેક્શનનું પ્રમાણ ઘટ્યું હતું. પાટીલને ૯ સપ્ટેમ્બરના રોજ તબિયત બગડતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, પાટીલનો વાયરલ લોડ ઓછો હોવાથી તેમની સ્થિતિ ખાસ ચિંતાજનક નહોતી બની. પાંચ દિવસની સારવાર બાદ આજે હવે તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.
સીઆર પાટીલ પ્રમુખ બન્યા બાદ પોતે કરેલી રેલીઓને કારણે ખાસ્સા ચર્ચામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં થયેલી આ રેલીઓમાં હજારો લોકોની ભીડ ઉમટી હતી, અને તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. આ રેલીઓમાં ભાજપના અનેક કાર્યકરો સાથે નેતાઓએ પણ હાજરી આપી હતી. ઉત્તર ગુજરાતની રેલીમાં તો નીતિન પટેલ પણ પાટીલ સાથે હાજર રહ્યા હતા.
રાજ્યમાં હાલની તારીખે રોજના સરેરાશ ૧૩૦૦ની આસપાર નવા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતાં મેડિકલ ઓક્સિજનની માગમાં જોરદાર વધારો થતાં તેની કિંમત વધી ગઈ છે, અને હોસ્પિટલોને તેનો સ્ટોક કરવાની તેમજ દર્દીઓને કોઈ તકલીફ ના પડે તેની આગોતરી વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ છે. રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યા પણ ખૂબ જ વધારાઈ છે, અને હાલ રોજના ૭૦ હજારની આસપાસ ટેસ્ટ કરાઈ રહ્યા છે.

 

નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગ-ધંધાને મુશ્કેલી

પરેશ ધાનાણીનો આક્ષેપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૧
ભાજપ સરકારની મોટા ઉદ્યોગોને મદદ કરવાની નીતિ અને બીજીબાજુ નાના-મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહનના અભાવે સતત આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને અવગણવાના લીધે આર્થિક કટોકટીમાં મુકાયા છે. તેવો આક્ષેપ કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો છે. વિરોધપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ યાદીમાં જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં સામાન્ય અને મધ્યમ વર્ગને સૌથી વધુ નુકસાન થયું છે. લોકડાઉનના ૭૦ દિવસમાં ભાજપના શાસનમાં આર્થિક ચિત્ર ખુલ્લું થઈ ગયું છે. કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને જીએસટી લેણા પેટેના ૧૨ હજાર કરોડની રકમ બાકી રાખી ગુજરાતને અન્યાય કરેલ છે. ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સની આવક કોરોનાને પગલે તળિયે આવી ગઈ છે. કોરોના મહામારીને લીધે રીટેલ બજારોની સાથો સાથ ઓદ્યોગિક ગતિવિધિ ઘટી રહી છે. ટેક્સટાઈલ, કેમીકલ, અને ડાયમંડ ઈન્ડસ્ટ્રી પારાવાર મુશ્કેલમાં છે. પ્રવાસન ઉદ્યોગ અને હોસ્પિટલાટી ઉદ્યોગ સંદતર બંધ છે. ધણા બધા સેક્ટરમાં કર્મચારીઓના કાપ સાથે પગાર કાપમાં ઘટાડો કર્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope