All posts by news

કોરોના વાયરસ હવે મહામારી રહ્યો નથી : RANDEEP GULARIA

દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે અને મંગળવારે સંક્રમણના ૨૬ હજાર નવા કેસ આવ્યા તથા ૨૫૨ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા. એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યાં મુજબ કોરોના વાયરસ હવે મહામારી રહ્યો નથી. જાે કે તેમણે સાવધ કર્યા કે જ્યાં સુધી ભારતમાં દરેક વ્યક્તિને રસી ન મળી જાય ત્યાં સુધી સાવધ રહેવાની જરૂર છે. ખાસ કરીને તહેવારો પર બધાએ ભીડથી બચવાની જરૂર છે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં નોંધાઈ રહેલા આંકડા હવે ૨૫ હજારથી ૪૦ હજારની વચ્ચે આવી રહ્યા છે. જાે લોકો સાવધ રહે તો આ કેસ ધીમે ધીમે ઓછા થતા જશે. જાે કે કોરોના સંપૂર્ણ રીતે ખતમ થશે નહીં. પરંતુ ભારતમાં જેટલી ઝડપથી વેક્સિનેશન થઈ રહ્યું છે તેને જાેતા હવે કોરોનાનું મહામારી સ્વરૂપ લેવું કે મોટા પાયે ફેલાવવું મુશ્કેલ છે. એમ્સ ડાયરેક્ટર ગુલેરિયાનું કહેવું છે કે કોરોના વાયરસ જલદી સામાન્ય ફ્લૂ એટલે કે સાધારણ ઉધરસ, શરદી જેવો થઈ જશે કારણ કે લોકોમાં હવે આ વાયરસ વિરુદ્ધ ઈમ્યુનિટી તૈયાર થઈ ગઈ છે. પરંતુ બીમાર અને નબળી ઈમ્યુનિટીવાળા લોકો માટે આ વાયરસ હજુ જીવનું જાેખમ બની રહેશે. રસી લેનારા લોકોના મનમાં હજુ પણ એ સવાલ છે કે રસી શું જીવનભર સુરક્ષા આપશે કે પછી થોડી સમય પછી ફરીથી બુસ્ટર ડોઝ લેવાની જરૂર પડશે. આ સવાલના જવાબમાં ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં પ્રાથમિકતા એ છે કે બધા લોકોને રસીને બે ડોઝ આપવામાં આવે. બાળકોને પણ રસી લગાવવામાં આવે. ત્યારબાદ જ બુસ્ટર ડોઝ પર ભાર મૂકાવવો જાેઈએ. તેમણે કહ્યું કે દુનિયાના તમામ દેશોમાં બધા રસી મૂકાવી લે, તેને ધ્યાનમાં રાખતા ભારત સરકારે વેક્સીન મૈત્રી કાર્યક્રમને ઓક્ટોબરમાં ફરીથી શરૂ કરવાની વાત કરી છે. એપ્રિલ મહિનામાં ભારત સરકારે ભારતીયોને પ્રાથમિકતા આપતા થોડા સમય માટે બીજા દેશોને રસી ડોનેટ કરવાનું કામ અટકાવ્યું હતું પરંતુ એમ્સ ડાયરેક્ટરના જણાવ્યાં મુજબ દુનિયાના કોઈ પણ દેશમાં લોકો રસી ન લઈ શકતા હોય તો તેનાથી દરેક દેશને જાેખમ રહેલું છે. ડોક્ટર ગુલેરિયાનું કહેવું છે કે વાયરસ ગમે ત્યાંથી ફરીથી ફેલાઈ શકે છે. આ દિશામાં દુનિયાને રસી વહેંચીને ભારત પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે. જાે કે થોડા સમય બાદ બીમાર, વૃદ્ધો કે નબળી ઈમ્યુનિટીવાળા લોકોને બુસ્ટર ડોઝ આપી શકાય છે. એ પણ જરૂરી નથી કે બુસ્ટર ડોઝ તે જ રસીને મળો જે રસી પહેલા લીધી હોય. કોઈ નવી રસીનો પણ બુસ્ટર ડોઝ લઈ શકાય છે. જાે કે આ અંગે પહેલા એક પોલીસી બનાવવામાં આવશે. તેમનું કહેવું છે કે કેટલાક લોકોને બુસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. આ બુસ્ટર ડોઝ બીજી રસીનો પણ લાગી શકે છે. પરંતુ તેના પર ર્નિણય લેવામાં આવશે, પહેલા બધાને રસી આપવી જરૂરી છે. પછી બુસ્ટર ડોઝનો વારો આવશે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે ડિસેમ્બર સુધીમાં બધાને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

 

કોવિડ – ૧૯નાં દેશમાં ૨૬૯૬૪ નવા પોઝિટિવ કેસ નોંધાયા

ભારતમાં હાલ કોરોના સંક્રમણની સ્પીડ ઘટતી હોય એવું લાગી રહ્યું છે. આ ઉપરાંત એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. ૧૮૬ દિવસ બાદ આજે સૌથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા છે. દેશમાં હાલ ૩ લાખ ૧ હજાર એક્ટિવ કેસ છે. ભારતમાં કોવિડ-૧૯ દર્દીઓના રિકવરી રેટમાં પણ ઘણો સુધારો જાેવા મળી રહ્યો છે. હાલ રિકવરી રેટ ૯૭.૮ ટકા થયો છે. બુધવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૬,૯૬૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩૮૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૫,૩૧,૪૯૮ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૮૨,૬૫,૧૫,૭૫૪ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૫,૫૭,૫૨૯ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૭ લાખ ૮૩ હજાર ૭૪૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૪,૧૬૭ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૩,૦૧,૯૮૯ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૫,૭૬૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૫,૬૭,૫૪,૨૮૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૫,૯૨,૩૯૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૪ કેસ નોંધાયા છે. જેની સામે ૧૪ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજયમાં ૨૧મી સપ્ટેમ્બર ૨૦૨૧ની સાંજે રાજ્યના ૩૧ જિલ્લા અને ૪ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત ૨ જિલ્લા અને ૪ શહેરમાં નોંધાયા છે, જેમાંથી સુરત શહેરમાં ૪, રાજકોટ શહેરમાં ૩, વડોદરા શહેરમાં ૩, વલસાડ જિલ્લામાં ૨, ગાંધીનગર શહેરમાં ૧, નવસારી શહેરમાં ૧ કેસ નોંધાયો છે.

 

હરિયાણામાં સીઆરપીએફ જવાને પુત્રને ગોળી મારી કર્યો આપઘાત

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં આંતરિક બોલાચાલીને લઈને સીઆરપીએફના જવાને દીકરાને પગમાં ગોળી મારીને પોતાના માથામાં પણ ગોળી મારી દીધી. આ ઘટનામાં પિતા અને પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાંથી ડૉક્ટરોએ બંનેને રોહતક પીજીઆઇ રેફર કરી દીધા છે. દુર્ઘટનાની જાણ થતા પૂર્વ મંત્રી સતપાલ સાંગવાન પણ હૉસ્પિટલ પહોંચ્યા અને ડૉક્ટરો સાથે વાત કરી. જવાનની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ, સિટી પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી તપાસ શરુ કરી દીધી છે. નોંધનીય છે કે, ઝજ્જર જિલ્લાના ઝાસવા ગામના રહેવાસી સંજય કુમાર પોતાના પરિવાર સહિત દાદરી શહેરની એમસી કોલોનીમાં રહી રહ્યા છે અને હાલ દિલ્હીના ઝાડસા ક્ષેત્રમાં સીઆરપીએફમાં તૈનાત છે. સંજય થોડા દિવસ પહેલા જ રજા પર ઘરે આવ્યા હતા. મંગળવાર બપોરે સંજયનો પોતાના ઘરે પત્નીની સાથે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો. ઝઘડામાં સંજયનો ૧૭ વર્ષીય દીકરા હેપ્પીએ વચ્ચે પડી ઝઘડો ઉકેલવાનો પ્રયાસ કર્યો તો સંજય પિસ્તોલથી દીકરાના પગમાં ગોળી મારી પોતાને પણ માથામાં ગોળી મારી દીધી. ગોળી વાગવાથી પિતા-પુત્રને ઘાયલ અવસ્થામાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાની સૂચના મળતાં સિટી પોલીસ અને પૂર્વ મંત્રી સતપાલ સાંગવાન હોસ્પિટલ પહોંચ્યા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ડૉક્ટરોએ બંનેની ગંભીર સ્થિતિ જાેઈને રોહતક પીજીઆઇ રેફર કરી દીધા છે. બીજી તરફ, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વજીર સિંહે જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે સંજય તથા તેની પત્નીનો એકબીજા સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. જ્યારે ઝઘડો ઉકેલવા માટે દીકરો વચ્ચે પડ્યો તો સંજયે પહેલા તેના પગમાં ગોળી મારી દીધી અને પછી પોતાના માથામાં ગોળી મારી દીધી. તેમણે વધુમાં જણાવ્યું કે દુર્ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ લાઇસન્સવાળી હતી કે ગેરકાયદેસર, તેની તપાસ કરવામાં આવશે. વજીર સિંહે કહ્યું કે, પોલીસ દ્વારા મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

 

Ahmedabad : દહેજ માંગીને ત્રાસ આપતા સાસરિયા સામે ફરિયાદ

અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસુ-સસરા અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ યુવતીનો પતિ સટ્ટો રમવા લાગ્યો હતો. સટ્ટામાં તે હારી જત સસરા પાસેથી પૈસા લાવવા પત્નીને દબાણ કરતા પત્નીએ પૈસા લાવી આપ્યા હતાં. ફરીવાર પણ આવું જ થયું અને પત્નીને પૈસા લાવવાનું કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સટ્ટામાં દેવું થઈ જતા યુવતીને ત્રાસ અને દુઃખ સહન કરવાનો વારો આવ્યો હતો. સમગ્ર બાબતોથી કંટાળી યુવતીએ પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષીય યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૭માં નિકોલ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતીને માલુમ પડ્યું કે તેનો પતિ સટ્ટો રમવાની ટેવ ધરાવે છે. લગ્નના ત્રણેક માસ બાદ યુવતીના પતિએ સટ્ટામાં દેવું થઈ ગયું હોવાનું જણાવી સસરા પાસે પૈસા માંગ્યા હતા. યુવતીના પિતાએ દીકરીના ઘરને સાચવવા માટે જમાઈએ કરેલું દેવું ભરપાઈ કરી આપ્યું હતું. થોડા સમય બાદ યુવતીને તેનો પતિ નાની નાની બાબતોમાં માર મારવા લાગ્યો હતો. યુવતી તેની સાસુ-સસરાને ફરિયાદ કરે તો તેઓ કહેતા કે, અમારો દીકરો તો સીધો છે. તારો જ કોઈ વાંક હશે. એટલું જ નહીં યુવતીના સસરાએ નવો ધંધો શરૂ કરવો છે તેમ કહીને પિયરમાંથી બે લાખ લઈ આવવા આ યુવતીને જણાવ્યું હતું. જેથી યુવતીએ કહ્યું કે અગાઉ તેના પિતાએ દેવું ભરપાઈ કરી આપ્યું છે. વારંવાર તે પિતા પાસે પૈસાની માંગણી નહીં કરે. જેથી સાસુ-સસરા અને પતિએ યુવતીને ત્રાસ આપવાનું શરૂ કરી તેણીને એકવાર ઘરમાંથી કાઢી મૂકી હતી. પૈસા લઈને આવીશ તો જ રાખીશું, નહીં તો ભવિષ્યમાં ઘણું ભોગવવા તૈયાર રહેજે’ એવું કહી યુવતીને ધમકી આપી હતી. સોમવારે યુવતીના પતિએ ઘરે આવવાનું કહેવા ફોન કર્યો તો યુવતીએ માતા-પિતાને પૂછ્યા વગર ન આવી શકું તેમ કહેતા તેનો પતિ આવેશમાં આવી ગયો અને યુવતીના પિતાને મારી નાંખવાની ધમકી આપવા લાગ્યો હતો. જેથી યુવતીએ કંટાળી આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા કૃષ્ણનગર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

 

ગુજરાતમાં પાણી અને સિંચાઇની ચિંતા દૂર થઇ

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનનો સરેરાશ ૭૮.૭૫ ટકા વરસાદ નોંધાયો છે.જાે કે સપ્ટેમ્બર માસમાં પડેલા વરસાદે રંગ રાખ્યો છે. સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થાય છે. પરંતુ ચાલુ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં સરેરાશ ૪૩.૧૪ ટકા જ વરસાદ નોંધાયો હતો. જાેકે, સપ્ટેમ્બર માસમાં એક પછી એક સિસ્ટમ બની. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થયો. છેલ્લા ૨૨ દિવસમાં જે વરસાદ પડ્યો તેના કારણે ડેમ ઓવરફ્લો થયા, નદી બે કાંઠે વહી, કૂવામાં નવા નરી આવ્યા અને જગતનો તાત ખુશ થયો. રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદી માહોલ યથાવત રહશે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તિએ જણાવ્યું કે, આગામી ૨૪ કલાક વરસાદનું જાેર યથાવત રહશે. જેમા પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુરના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દિવમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૪ સપ્ટેમ્બરના આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ૨૫ સપ્ટેમ્બરના વડોદરા,છોટા ઉદેપુર,સુરત,ડાંગ,નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૫ વર્ષમાં ચાલુ વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં માત્ર સિઝનનો સરેરાશ ૪૩.૧૪ ટકા વરસાદ થયો છે.જે છેલ્લા ૫ વર્ષમાં સૌથી ઓછો વરસાદ છે.જ્યારે ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ થયો.જે છેલ્લા ૫ વર્ષના સપ્ટેમ્બર માસના ૨૨ દિવસ સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.ચાલુ વર્ષે સપ્ટેમ્બરના ૨૨ દિવસમાં ૩૫ ટકા વરસાદ નોંધાયો છે.અને હજી આગામી ૫ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સપ્ટેમ્બર માસમાં સારા વરસાદના કારણે ગુજરાતમાં વરસાદની ઘટ છે તે કવર થઈ ગઈ અને ગુજરાત વરસાદની સ્થિતિ સામાન્ય થઈ છે. ગુજરાતમાં પીવા અને સિંચાઈના પાણીની ચિંતા દૂર થઈ છે. આગામી ૫ દિવસ વરસાદી માહોલ યથાવત રહશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

 

ફૂલગામમાંથી લાપતા જવાનનો મૃતદેહ મળ્યો

જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી એક વ્યક્તિનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે અને આ મૃતદેહ એક વર્ષ પહેલા લાપતા થયેલા ટેરિટોરિયલ આર્મીના જવાનનો છે. આ જવાનનુ આતંકીઓએ ગયા વર્ષે અપહરણ કર્યુ હતુ. પોલીસનુ કહેવુ છે કે, કુલગામ જિલ્લામાંથી મળી આવેલો મૃતદેહ શાકિર મંજૂર વાગેનો હોઈ શકે છે. ગયા વર્ષે મંજૂર વાગેનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. બકરી ઈદ નિમિત્તે ઘરે આવેલા આ જવાનને આંતકીઓએ ઉઠાવી લીધો હતો અને તેની કાર પણ ફૂંકી મારી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયુ હતુ. જાેકે એ પછી પણ તેનો પતો લાગ્યો નહોતો. હવે એક વર્ષ પછી તેનો મૃતદેહ મળી આવ્યો છે અને આ મામલામાં પોલીસે તપાસ શરૂ કરી છે. લાપતા જવાન વાગેના પરિવારજનોનુ કહેવુ છે કે ,અમે મૃતદેહની ઓળખ કરી છે અને આ મૃતદેહ શાકીર મંજૂર વાગેનો જ છે.

 

મોદી સરકાર મિત્રો સાથે, હું દેશની સાથે : Rahul Gandhi

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા થકી મોદી સરકારને ઘેરવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. રાહુલ ગાંધીએ આજે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, મોદી સરકાર તેના મિત્રો સાથે છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ત્રણ દિવસની અમેરિકાની યાત્રાએ રવાના થયા છે ત્યારે રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યુ છે. આ પહેલા પણ રાહુલ ગાંધી પીએમ મોદી પર માત્ર પોતાના મિત્રો માટે કામ કરવાનો આરોપ લગાવી ચુકયા છે. રાહુલ ગાંધીએ આજે પોતાના ટિ્‌વટમાં કહ્યુ હતુ કે, મોદી સરકાર માત્ર મિત્રોની સાથે છે પણ દેશ અધિકાર અને આત્મસન્માન માટે સત્યાગ્રહ કરી રહેલા ખેડૂતો, મજૂરો અને વિદ્યાર્થીઓની સાથે છે. હું હંમેશા દેશ સાથે રહીશ.

 

અભિનેત્રી ઈશ્વરી દેશપાંડેનું કાર ખાડીમાં ખાબકતાં મોત

દુખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી ઈશ્વરી દેશપાંડેનું ગોવામાં એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. એક રિપોર્ટ અનુસાર આ અકસ્માત સોમવારે સવારે ગોવાના બરદેજ તાલુકા પાસે અરપોરા અથવા હેડફડે નામના વિસ્તારમાં થયું છે. ઈશ્વરી દેશપાંડેની સાથે કારમાં તેના મિત્ર શુભમ દેડગે પણ હાજર હતા. ઘટનાસ્થળ પર જ તેમણે જીવ ગુમાવી દીધો. રિપોર્ટ અનુસાર, ઈશ્વરી દેશપાંડેની કાર બાગા ક્રીકના ઊંડા પાણીમાં ડૂબી ગઈ. પોલીસને પાણીમાં ડૂબેલી કારમાંથી બન્નેના મૃતદેહ મળી આવ્યા. પ્રાથમિક જાણકારી અનુસાર, જે કારથી ઈશ્વરી પાંડે અને શુભમ જઈ રહ્યા હતા તેની સ્પીડ ઘણી વધારે હતી. જાે કે હજી સુધી જાણવા નથી મળ્યું કે કાર કોણ ચલાવી રહ્યુ હતું. એવી અટકળો ચાલી રહી હતી કે ઈશ્વરી દેશપાંડે અને શુભમ આવતા મહિને સગાઈ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઈશ્વરી અને શુભમ બાળપણના મિત્રો છે. ૧૫મી સપ્ટેમ્બરના રોજ બન્ને ગોવા આવ્યા હતા. રિપોર્ટ્‌સ અનુસાર, થોડા દિવસો પહેલા જ ઈશ્વરી અને શુભમે પોતાના મરાઠી અને હિન્દી પ્રોજેક્ટ્‌સ માટે શૂટિંગ સમાપ્ત કર્યુ હતું. ઈશ્વરી દેશપાંડેની ઉંમર ૨૫ વર્ષ હતી. તે ટુંક સમયમાં સુનિલ ચૌથમલ સાથે ફિલ્મ પ્રેમાચે સાઈડ ઈફેક્ટથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાની હતી. અભિનેતા અભિનય બેરડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઈશ્વરીના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે. રિપોર્ટ્‌સ અનુસાર, જ્યારે આ બન્ને મિત્રો કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર ખાડીમાં પડી ગઈ. કાર સેન્ટ્રલ લોક હોવાને કારણે તેઓ બહાર નહોતા આવી શક્યા અને ડૂબી જવાને કારણે તેમનું મૃત્યુ થયું. અંજુના પોલીસ સ્ટેશનના ઈન ચાર્જ ઈન્સ્પેક્ટર સુરજ જણાવે છે કે, પ્રાથમિક તપાસ પરથી લાગી રહ્યું છે કે ડ્રાઈવરે કાર પરથી કંટ્રોલ ગુમાવી દીધો હોવાને કારણે આ દુર્ઘટના બની છે. કંટ્રોલ ગુમાવી દેવાને કારણે કાર કોરિડોર ક્રોસ કરી ગઈ અને નજીકમાં એક ખાડીમાં પડી ગઈ. સવારે લગભગ ૭ વાગ્યે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી. તેમણે કારને બહાર નીકાળી અને બન્નેના મૃતદેહને પણ બહાર નીકાળવામાં આવ્યા.

 

મેલબોર્નમાં ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ

બુધવારે સવારે ૯ વાગ્યે (સ્થાનિક સમય) ઓસ્ટ્રેલિયાના દક્ષિણ-પૂર્વમાં આવેલા શહેર મેલબોર્નમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ૫.૯ના રિક્ટર સ્કેલના ભૂકંપથી મેલબોર્નની ધરા ધ્રુજી ઉઠી હતી. આ ભૂકંપ એટલો ભયાનક હતો કે, ઈમારતો હલી ગઈ હતી અને દિવાલો ધરાશાયી થઈ હતી. અચાનક આવેલા ભૂકંપના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ભૂકંપના કારણે ઘણી બધી ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી મોટા શહેરમાં આવેલા ભૂકંપના આંચકા સેંકડો કિલોમીટર સુધી અનુભવાયા હતા. મેલબોર્નમાં આવેલો આ ભૂકંપ દુર્લભ કહી શકાય કારણકે અહીં ભાગ્યે જ ભૂકંપ આવે છે. ભૂકંપનું કેંદ્રબિંદુ વિક્ટોરિયા સ્ટેટના મેન્સફિલ્ડમાં નોંધાયું હતું. આ સ્થળ ઉત્તરપૂર્વ મેલબોર્નથી ૨૦૦ કિલોમીટર દૂર છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી ૧૦ કિલોમીટર ઊંડે હતી અને આફ્ટરશૉકનો રેટ ૪.૦ નોંધાયો હતો. ભૂકંપના કારણે ભયભીત લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. ભૂકંપ બાદ મેલબોર્નની ચેપલ સ્ટ્રીટમાં ચારેતરફ કાટમાળ જાેવા મળ્યો હતો. ઈમારતોમાંથી ઈંટો અને પથ્થર તૂટીને રસ્તા પર પડ્યા હતા. સોશિયલ મીડિયા પર અનેક વિડીયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે જેમાં ભૂકંપના કારણે થયેલા નુકસાનનો અંદાજ લગાવી શકાય છે. મેલબોર્નના ઉત્તર ભાગમાં રહેતા લોકોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લોકોને બિલ્ડિંગ ખાલી કરવાની સૂચના અપાઈ હતી. મેલબોર્નથી ૮૦૦ કિલોમીટર દૂર આવેલા એડલિડ અને ૯૦૦ કિલોમીટર દૂર આવેલા સિડનીમાં પણ ભૂકંપ અનુભવાયો હતો. જાેકે, મેલબોર્ન સિવાયના કોઈપણ સ્થળે નુકસાન કે લોકોને ઈજા થયાના અહેવાલો નથી. પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મોરિસને મીડિયાને જણાવ્યું કે, કોઈને ગંભીર ઈજા પહોંચી હોય કે જાનમાલને ભારે નુકસાન થયું હોય તેવી કોઈ માહિતી મળી નથી, જે સારા સમાચાર છે. અમને આશા છે કે, આ સમાચાર જળવાઈ રહેશે. આ તરફ મેલબોર્નમાં ભૂકંપનો અનુભવ કરનારા એક કેફેના માલિક ઝૂમે ફિમે જણાવ્યું, ભૂકંપ આવતાની સાથે જ હું બહાર નીકળી ગયો અને રોડ તરફ દોટ મૂકી હતી. આખી બિલ્ડિંગ ધ્રુજી રહી હતી. બારીઓ અને કાચ હલી રહ્યા હતા. એવું લાગ્યું કે જાણે કોઈ શક્તિશાળી મોજું આવ્યું હોય. મેં પહેલા ક્યારેય આવું નથી અનુભવ્યું. આ ભયભીત કરનારો અનુભવ હતો. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાનો દક્ષિણ-પૂર્વ ભાગ ભૂકંપ માટે જાણીતો નથી. એટલે જ અહીં ભૂકંપ આવવાની ઘટના દુર્લભ કહેવાય છે. મેલબોર્નના એક કેફેમાં કામ કરતાં પાર્કર માયોએ જણાવ્યું, આ ભયાવહ હતું. ભૂકંપ આવતાં અમે સૌ અચંબિત થયા છીએ. અહીં ૧૮૦૦ની સાલમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ કોઈપણ મોટા ભૂકંપે અહીં નુકસાન નથી પહોંચાડ્યું. અહીં ૧૦-૨૦ વર્ષે એકવાર ભૂકંપ આવે છે. છેલ્લે ૨૦૧૨માં અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

 

સેન્સેક્સમાં ૭૮ અને નિફ્ટીમાં ૧૫ પોઈન્ટનું ગાબડું

બુધવારે દિવસ દરમિયાનના કારોબાર બાદ શેરબજાર ગિરાવટ સાથે બંધ થયું. બુધવારે કારોબાર બંધ થવા પર બીએસઈનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૭૭.૯૪ પોઈન્ટ એટલે કે ૦.૧૩ ટકા ગબડીને ૫૮,૯૨૭.૩૩ પર બંધ થયો. સેન્સેક્સની સાથે નિપ્ટી પમ ૧૫.૩૫ પોઈન્ટ એટલે કે ૦.૦૯ ટકા ગબડીને ૧૭,૫૪૬.૬૫ પર બંધ થયો હતો. ૩૦ શેરો વાળો બેન્ચમાર્ક સેન્સેક્સ બુધવારે ઊતાર-ચઢાવ બાદ લગભગ ૭૮ પોઈન્ટ નીચે બંધ થયો. સૂચકાંકમાં સામેલ એચડીએફસી અને એચડીએફસી બેન્ક,આઈસીઆઈસીઆઈ બેન્ક અને કોટક બેન્કમાં ગિરાવટ જાેવા મળી. રોકાણકારો યૂએસ ફેડના નીતિગત ર્નિણયોથી પહેલાં સતર્ક થઈ ગયા હતા. સેન્સેક્સ પેકમાં એચડીએફસી એક ટકાથી વધુની ગિરાવટ સાથે સૌથી વધુ નકશાનમાં રહ્યો એ પછી નેસ્લે ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક બેન્ક અને એચડીએફસી બેન્કનું સ્થાન રહ્યું હતું. તો વળી ટેક મહિન્દ્રા, એમએન્ડએમ, એચસીએલ ટેક અને બજાજ ઓટો લાભ મેળવનારાની કંપનીઓમાં સામેલ છે. આજ રાતે યોજાનારી એફઓએમસીની મહત્વપૂર્ણ બેઠકના પરિણામો પહેલાં સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોએ એક દાયરામાં કારોબાર કર્યો. રિલાયન્સ સિક્યોરિટીસના પ્રમુખ (રણનીતિ) બિનોદ મોદીએ કહ્યું કે વૈશ્વિક બજારોમાં પણ યૂરોપીયન બજારોની સાથે મિશ્ર કારોબાર થયો જેમાં ઝડપથી ઊછાળો જાેવા મળ્યો. તો વળી આજ સવારે કારોબાર શરૂ થતા સમયે સેન્સેક્સ વદારા સાથે ખુલ્યું હતું. બુધવારે સેન્સેક્સ તેજીની સાથે ૫૯,૧૬૬ પોઈન્ટ પર ખુલ્યું હતું. આ દરમિયાન એચસીએલ ટેક, ઈન્ડસઈન્ડ બેન્ક સહિત બીજા શેરોમાં તેજી જાેવા મળી હતી. સેન્સેક્સ ઉપરાંત નિફ્ટી પણ કારોબારની શરૂઆતમાં વધારા સાથે ખુલ્યો હતો. બુધવારે કારોબાર શરૂ થતા સમયે નિફ્ટી ૧૭,૫૮૦ પોઈન્ટ પર ખુલ્યો હતો. આ ઉપરાંત અન્ય મુખ્ય શેર બજારોમાં શાંઘાઈમાં શેર બજાર વધારા સાથે બંધ થયું જ્યારે ટોક્યોના શેર બજારમાં ગિરાવટ જાેવા મળી. હોંગકોંગ અને સિયોલના બજાર રજાઓને લીધે બંધ રહ્યા હતા. બીજી બાજુ યૂરોપના સ્ચોક એક્સચેન્જ મધ્ય સત્રના સોદામાં વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા.