All posts by news

નરેન્દ્ર ગીરી મોત કેસમાં આનંદગીરી ૧૪ દિવસની કસ્ટડીમાં

મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુ મામલે આનંદ ગિરીને ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અગાઉ મહંતના મોતના કેસમાં આનંદ ગીરીની પોલીસે ૧૨ કલાક સુધી પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સુસાઇડ નોટ બતાવીને આનંદ ગિરીની પોલીસના અલગ-અલગ અધિકારીઓએ પૂછપરછ કરી હતી. આનંદ ગિરીએ કહ્યું કે મને ફસાવવામાં આવી રહ્યો છે. તપાસ થવી જાેઈએ. પ્રયાગરાજની સીજેએમ કોર્ટે આનંદ ગીરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ સિવાય હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યા તિવારીને પણ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બંનેને પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં લાવી રહ્યા છે. પ્રયાગરાજમાં મહંત નરેન્દ્ર ગિરીને તેમની ઈચ્છા મુજબ જમીન સમાધિ આપવામાં આવી હતી. આ દરમિયાન મહંત નરેન્દ્ર ગિરીને જાેવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. મહંત નરેન્દ્ર ગિરીના અવસાનથી બે પ્રશ્નો ઉભા થયા. પહેલો એ છે કે નરેન્દ્ર ગિરીનું મૃત્યુ હત્યા છે કે આત્મહત્યા અને બીજાે પ્રશ્ન એ છે કે મહંત ગિરીની ગાદીનો વારસદાર કોણ હશે? અનુગામી તરીકે જે નામ બહાર આવી રહ્યું છે તે બલવીર ગિરી છે. પરંતુ બલવીર ગિરીના નિવેદન બદલવાને કારણે તેમના પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. અખાડા પરિષદે બલવીર ગિરીના નામની જાહેરાતને સત્તાવાર રીતે મુલતવી રાખી છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે બલવીર ગિરી મઠના નવા અનુગામી હશે કે અન્ય કોઈ? મહંત નરેન્દ્ર ગિરીની સ્યુસાઇડ નોટમાં તેમના શિષ્ય બલવીર ગિરી, જેમણે તેમને તેમના અનુગામી બનાવવા વિશે લખ્યું હતું, તેમના ગુરુના હસ્તાક્ષર અંગે બે અલગ અલગ નિવેદનો આપ્યા છે. ગઈકાલે સુસાઈડ નોટ મળ્યા બાદ બલવીર ગિરીએ કહ્યું કે તે ગુરુજીની હસ્તલિખિત છે. પરંતુ આજે જ્યારે તેને સુસાઈડ નોટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે હસ્તાક્ષરને ઓળખવાની ના પાડી દીધી.

 

૪ વર્ષમાં પાક.માં ૪૦ લાખ ચીનના નાગરિકો કામ કરશે

ચીન સાથે ગાઢ મિત્રતા હોવાનો દાવો કરતુ પાકિસ્તાન હકીકતમાં ચીનનુ આર્થિક ગુલામ બનવા તરફ આગળ વધી રહ્યુ હોય તેમ લાગે છે. પાકિસ્તાનની હેલ્થ સર્વિસેઝ એકેડમીનુ અનુમાન છે કે, આગામી ચારેક વર્ષમાં પાકિસ્તાનમાં ૪૦ લાખ ચીની નાગરિકો કામ કરતા હશે. ચીનની બહાર કદાચ પાકિસ્તાન જ એક માત્ર એવો દેશ હશે જ્યાં ચીનના લોકો આટલી મોટી સંખ્યામાં કાર્યરત હોય. ચીન દ્વારા આ માટે તૈયારી ઓ શરૂ કરી દેવાઈ છે. ચીને પાકિસ્તાનને તેના હેલ્થ સેકટરને સુધારવા માટે કહ્યુ છે. જેથી ચીનના નાગરિકોને ભવિષ્યમાં જરૂર પડે તો સારી રીતે સારવાર મળી શકે. ચીનની સેંકડો કંપનીઓ હાલમાં ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં કામ કરી રહી છે અને આ કંપનીઓની સાથે સાથે તેના કર્મચારીઓ પણ પાકિસ્તાનમાં આવી રહ્યા છે. ચીન આ યોજનામાં ૬૦ અબજ ડોલરનુ રોકાણ કરી રહ્યુ છે. જાેકે આ યોજના હેઠળ પાકિસ્તાન એ ચીનની કોલોની બની જાય તેવો ડર પણ કેટલાકને સતાવી રહ્યો છે. ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ચીનના ડ્રીમ પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડનો મહત્વનો હિસ્સો છે. હાલમાં પાકિસ્તાન પર ૯૦ અબજ ડોલરનુ વિદેશી દેવુ છે અને તેમાંથી ૨૪ અબજ ડોલર તો ખાલી ચીનનુ જ દેવુ છે. જાેકે ચીનને હવે પોતાના નાગરિકો પર આતંકી હુમલાનો પણ ડર લાગી રહ્યો છે અને તે પોતાના નાગરિકો માટે ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડવા માટેની યોજના પર વિચાર કરી રહ્યુ છે. બીજી તરફ ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરની ધીમી કામગીરીથી પણ ચીન નારાજ છે અને આ નારાજગી ચીન વાકિસ્તાન સમક્ષ વ્યક્ત પણ કરી ચુકયું છે.

 

આતંકીઓ સાથે સબંધમાં કાશ્મીરના ૬ કર્મી સસ્પેન્ડ

જમ્મુ-કાશ્મીર સરકારે પોતાના છ કર્મચારીઓને આતંકીઓ સાથે સંબંધ રાખવા અને ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરવાના આરોપમાં બરતરફ કર્યા છે. જમ્મુ કાશ્મીરમાં આતંક પર વધુ એક પ્રહાર કરતા ભારતના બંધારણના કલમ ૩૧૧ (૨) (સી) હેઠળ કેસની તપાસ અને ભલામણ કરવા માટે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં નામિત સમિતિએ આતંકવાદી લિંક રાખવા અને ઓજીડબલ્યુ તરીકે કામ કરવા માટે સરકારી સેવા સાથે ૬ કર્મચારીઓને બરતરફ કરવાની ભલામણ કરી. જે ૬ સરકારી કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવી છે તેમાં કાશ્મીર ખીણના અનંતનાગના અધ્યાપક હમીદ વાની સામેલ છે. વાની પર આરોપ છે કે નોકરીમાં આવ્યા પહેલા તેઓ આતંકી સંગઠન અલ્લાહ ટાઈગરના જિલ્લા કમાન્ડર તરીકે કામ કરી રહ્યા હતા. આ સાથે જ જમાત-એ-ઈસ્લામીના સહયોગથી તેમને આ સરકારી નોકરી મળી હતી. વાની પર એ પણ આરોપ છે કે ૨૦૧૬માં બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ તેઓ દેશ વિરોધી ગતિવિધિઓ માટે કાશ્મીરમાં ચલાવાઈ રહેલા ચલો કાર્યક્રમના મુખ્ય વક્તાઓમાંના એક હતા. આ સાથે જ જમ્મુના કિશ્તવાડ જિલ્લાના જફર હુસૈન ભટ્ટને પણ સરકારી નોકરીમાંથી બરતરફ કરવાની ભલામણ કરવામાં આવી છે. જફર હુસૈન જમ્મુ કાશ્મીર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત છે અને તેને એનઆઈએએ આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ પણ કરી હતી. તેઓ હાલ જામીન પર છુટ્યા છે. તેની પર આરોપ છે કે તેઓ પોતાની કાર હિઝ્‌બુલ મુઝાહિદ્દીનના આતંકીઓને લાવવા અને લઈ જવા માટે વ્યવસ્થા કરાવતા હતા. આ સાથે જ મોહમ્મદ રફી, જે કિશ્તવાડના રહેવાસી છે અને રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ તરીકે જુનિયર આસિસટન્ટ તૈનાત છે, બરતરફ કરવાની ભલામણ કરવામાં આવી છે. મોહમ્મદ રફી ભટ્ટ પર આરોપ છે કે કિશ્તવાડ જિલ્લામાં હિઝ્‌બુલ મુઝાહિદ્દીનના આતંકીઓને પોતાના આતંકી મનસૂબાને અંજામ સુધી પહોંચાડવા માટે જગ્યા આપતો હતો. તેની પર એનઆઈએએ પહેલા જ ચાર્જશીટ દાખલ કરી છે અને ધરપકડ પણ કરી હતી. હાલ તેઓ જામીન પર છૂટ્યા છે.

 

તુર્કીના રાષ્ટ્રપતિએ યુનોમાં ફરી કાશ્મીરનો મુદ્દો ઊઠાવ્યો

પાકિસ્તાનને ખુશ કરવા માટે તુર્કીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ફરી એક વખત પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆને દુનિયાના બીજા દેશોને પોતાના રેકોર્ડ કરેલા વિડિયો થકી કહ્યુ હતુ કે, ૭૪ વર્ષથી ચાલી આવતી કાશ્મીરની સમસ્યાને સંયુક્ત રાષ્ટ્રે મુકેલા પ્રસ્તાવ પ્રમાણે અને તેમાં સામેલ સબંધિત પક્ષકારો વચ્ચે વાતચીતના માધ્યમથી ઉકેલાય તેવુ વલણ તુર્કીનુ છે. જાેકે ભારતે તેનો જાેરદાર વિરોધ પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તુર્કી દ્વારા વારંવાર કાશ્મીર મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆને ગયા વર્ષે પાકિસ્તાન યાત્રા દરમિયાન પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં ભારતે કહ્યુ હતુ કે, એર્દોનનની ટિપ્પણી દર્શાવે છે કે તેમને ઈતિહાસની સમજ પણ નથી અને ડિપ્લોમસી કેવી રીતે કરવી તે પણ તેમને આવડતુ નથી. તુર્કી સાથેના ભારતના સબંધો પર તેના કારણે ગંભીર અસર પડશે. એર્દોઆને ચીનના ઉઈગુર મુસ્લિમો અને મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યુ હતુ કે, ચીન પોતાના મુસ્લિમ સમુદાયોના અધિકારોને જાળવવા માટે વધારે પ્રયાસ કરે તે જરૂરી છે. સાથે સાથે બીજા દેશોમાં રહેતા રોહિંગ્યા મુસ્લિમોની મ્યાનમારમાં વાપસી થવી જાેઈએ.

 

મુંબઈના એરપોર્ટ પર ડ્રગ્સ સાથે વિદેશી માતા -પુત્રીની ધરપકડ

દેશની આર્થિક રાજધાની મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. આ ડ્રગ્સ એરપોર્ટના કસ્ટમ વિભાગે ૨ વિદેશી નાગરિકો પાસેથી જપ્ત કર્યુ છે. જેની કિંમત ૨૫ કરોડ રૂપિયા જણાવાઈ રહી છે. ધરપકડ કરાયેલા બંને વિદેશી નાગરિક સંબંધમાં મા અને પુત્રી છે. માતા અને પુત્રીની આ જાેડી વિદેશી પર્યટક બનીને મુંબઈ આવી હતી. ધરપકડ બાદ મહિલાએ જણાવ્યુ છે કે તે અને તેમની પુત્રી ભારતમાં કેન્સરની સારવાર કરાવવા માટે સાઉથ આફ્રિકાના જાેહાન્સબર્ગથી કતારના દોહા થતા મુંબઈ આવી છે. માતા અને પુત્રીએ સૂટકેસની અંદર ખાસ કેવિટી બનાવીને લગભગ ૫ કિલો હેરોઈનને છુપાવ્યુ હતુ. કાળા રંગના પેકેટમાં ડ્રગ્સને ઘણી જ સાવધાનીથી છુપાવ્યુ હતુ. જે બાદ મુંબઈ એરપોર્ટના સરહદ કર વિભાગે એનડીપીએસ અધિનિયમ હેઠળ ૪.૯૫૩ કિલોગ્રામ હેરોઈનની તસ્કરી કરવાના પ્રયત્નમાં બંનેની ધરપકડ કરી લીધી. કસ્ટમ સૂત્રો અનુસાર આ માતા-પુત્રીને ડ્રગ્સ તસ્કરી કરવા માટે ડ્રગ માફિયા રેકેટ દ્વારા લાલચ આપવામાં આવી હતી, જ્યાં તેમને એક યાત્રા માટે ૫૦૦૦ અમેરિકી ડોલર આપવાનુ વચન આપવામાં આવ્યુ હતુ. બંને મુસાફરની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટે બંનેને ન્યાયિક કસ્ટડી કરી છે. મુંબઈ સીમા શુલ્ક અધિકારી હવે આ મામલે તપાસમાં લાગેલા છે. કસ્ટમ ઈન્ટેલિજન્સ વિંગે હવે આ વાતની જાણકારી મેળવી છે કે ભારતમાં ડ્રગ્સની આ ખેપ કેવી રીતે પહોંચાડવામાં આવી હતી અને ક્યારથી આ ડ્રગ્સની હેરાફેરી ચાલી રહી છે? સાથે જ આ સિન્ડિકેટ સાથે જાેડાયેલા અન્ય લોકોની પણ જાણકારી મેળવાઈ રહી છે.

 

ધર્માંતરણ કેસમાં મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ

ઉત્તર પ્રદેશ એટીએસએ ધર્માંતરણ કેસમાં મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ કરી છે. તે ગ્લોબલ પીસ સેન્ટરનો અધ્યક્ષ છે અને જમીયત-એ-વલીઉલ્લાહનો પણ અધ્યક્ષ છે. તેની મેરઠ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મુફ્તી કાજી અને ઉમર ગૌતમની અગાઉ ધરપકડ થઈ ચુકી છે. બંનેની લિંક કલીમ સિદ્દીકી સાથે મળે છે. એવો આરોપ છે કે, વિદેશથી કરોડો રૂપિયા કલીમ સિદ્દીકીના ખાતામાં આવ્યા હતા. આ મામલે ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, મૌલાના કલીમ સિદ્દીકી પર હવાલા દ્વારા ગેરકાયદેસર ધર્માંતરણ માટે ફન્ડિંગ ભેગું કરવાનો આરોપ છે. આરોપી મૌલાનાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. મૌલીના કલીમ યુટ્યુબ દ્વારા પણ લોકોને ધર્માંતરણ કરવા માટે અને ધર્માંતરણના રેકેટમાં સામેલ થવા માટે પ્રેરિત કરતો હતો. તેણે જ અભિનેત્રી સના ખાનના નિકાહ કરાવ્યા હતા. આરોપ પ્રમાણે મૌલાના કલીમ સિદ્દીકી લોકોને લાલચ આપીને ધર્માંતરણ માટે ઉશ્કેરતો હતો. તે પોતાનું ટ્રસ્ટ ચલાવવાની સાથે તમામ મદરેસાઓને પણ ફન્ડિંગ કરતો હતો. તેને હવાલા અને અન્ય ગેરકાયદેસર રીતે વિદેશથી ભારે ધનરાશિ મોકલવામાં આવતી હતી. ઉત્તર પ્રદેશ એટીએસના કહેવા પ્રમાણે મૌલાના કલીમ સિદ્દીકીના ખાતામાં ૧.૫ કરોડ રૂપિયા બહરીનથી આવ્યા હતા. તેના એકાઉન્ટમાં કુલ ૩ કરોડ રૂપિયા આવ્યા હતા. યુપી એડીજી પ્રશાંત કુમારના કહેવા પ્રમાણે ૨૦ જૂનના રોજ ગેરકાયદેસર ધર્માંતરણ જૂથ ચલાવનારા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉમર ગૌતમ અને તેના સાથીદારોને બ્રિટિશ આધારીત સંસ્થા પાસેથી આશરે ૫૭ કરોડ રૂપિયાનું ફન્ડિંગ મળ્યું હતું જેના ખર્ચનો હિસાબ આપવામાં આરોપી અસમર્થ રહ્યો હતો. આ મામલે અન્ય ૧૦ લોકોની પણ ધરપકડ કરવામાં આવેલી છે જેમાંથી ૬ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ થઈ ચુકી છે અને ૪ વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે. અમાનતુલ્લાહ ખાને પોતાની ધરપકડ મામલે વિરોધ નોંધાવ્યો હતો. તેણે લખ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા હવે મશહૂર ઈસ્લામિક સ્કોલર મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી છે, મુસલમાનો પરનો અત્યાચાર વધી રહ્યો છે. આ મુદ્દે સેક્યુલર પાર્ટીઓનું મૌન ભાજપને વધુ મજબૂત બનાવી રહ્યું છે.

 

ભારત અગ્નિ-૫ મિસાઈલનો આજે ઓપન ટેસ્ટ કરશે

ભારત પોતાની સૌથી ઘાતક અગ્નિ-૫ મિસાઈલનો ૨૩ સપ્ટેમ્બર, ગુરૂવારે ઓપન ટેસ્ટ કરવા જઈ રહ્યુ છે. એ પછી આ મિસાઈલને સેનામાં સામેલ કરી દેવામાં આવશે. આ મિસાઈલ સેનામાં સામેલ થશે તે બાદ ભારત પણ એવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે જેની પાસે ન્યુક્લિયર હથિયારોથી સજ્જ ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ છે. ભારતના ડીઆરડીઓ દ્વારા તેને ડેવપલ કરવામાં આવ્યુ છે. ૨૦૦૮માં તેને વિકસિત કરવાનુ શરૂ કરવામાં આવ્યુ હતુ. ૨૦૧૨માં તેનો સોલિડ ફ્યુલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એ પછી ૨૦૧૩થી લઈને ૨૦૧૮ સુધી તેના અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરાયા છે. હવે ૨૩ સપ્ટેમ્બરે ભારત પહેલી વખત તેનો ઓપન ટેસ્ટ કરવા માટે જઈ રહ્યુ છે. અગ્નિ-૫ દોઢ ટન સુધીના ન્યુક્લિયર વેપન્સનુ વહન કરી શકે છે.તે અવાજ કરતા ૨૪ ગણી ઝડપે ઉડનારૂ મિસાઈલ છે અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી ટ્રાન્સપોર્ટ કરી શકાય છે. તેની રેન્જ ૫૦૦૦ કિલોમીટરની છે. તે એક સાથે ઘણા હથિયારો લઈ જવા માટે પણ સક્ષમ છે. ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ તેનો છેલ્લો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ મિસાઈલના સાત ટેસ્ટ પૈકી તમામ સફળ રહ્યા છે. આમ તો અગ્નિ-૫ને ૨૦૨૦માં જ ઓપન ટેસ્ટ કરીને સેનામાં સામેલ કરવાનુ હતુ પણ કોરોનાના કારણે તેના પરિક્ષણમાં મોડુ થયુ છે. આ મિસાઈલના પગલે ચીનના પેટમાં તેલ રેડાયુ છે. કારણકે એક વખત અગ્નિ-૫ મિસાઈલ સેનામાં સામેલ થશે તે પછી ચીનના મહત્વના શહેરો પણ તેની રેન્જમાં આવી જશે.

 

ભારતના વિરોધ બાદ યુકે ઝૂક્યું : કોવિશિલ્ડ લેનારને એન્ટ્રી માટે યુકેની મંજૂરી

ભારે વિવાદ બાદ યુકેએ કોવિશિલ્ડ વેક્સિન લેનારાને દેશમાં એન્ટ્રી આપવાની મંજૂરી આપી દીધી છે. જાેકે, તેનાથી હાલ ભારતીયોને ક્વોરન્ટાઈન થવામાંથી કોઈ રાહત નહીં મળે. કારણકે, યુકેએ ભારતમાં અપાતા વેક્સિન સર્ટિ. સામે કેટલાક સવાલ કર્યા છે. જેના કારણે, ભારતમાં વેક્સિનના બંને ડોઝ લેનારાને પણ યુકેમાં ક્વોરન્ટાઈન થવું પડશે. યુકેમાં ૦૪ ઓક્ટોબરથી નવા નિયમો અમલી બની રહ્યા છે. જેમાં અગાઉ કોવિશિલ્ડ વેક્સિન લેનારા માટે પણ ૧૦ દિવસ ક્વોરન્ટાઈન રહેવાનું ફરજિયાત કરાતા ભારતે તેના પર જાેરદાર આપત્તિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ યુકેએ નિયમોમાં ફેરફાર કરી કોવિશિલ્ડને મંજૂરી આપી દીધી હતી. જાેકે, હવે તેણે વેક્સિન સર્ટિ. પર શંકા વ્યક્ત કરી છે. બ્રિટિશ સરકારની વેબસાઈટ પર બુધવારે પ્રસિદ્ધ કરાયેલી માહિતી અનુસાર, કોવિશિલ્ડને સ્વીકાર્ય વેક્સિનની યાદીમાં ઉમેરી દેવાઈ છે. જાેકે, દિલ્હી સ્થિત બ્રિટિશ હાઈ કમિશને આ સોમવારે જણાવ્યું હતું કે, ભારતમાં અપાયેલા વેક્સિન સર્ટિને કઈ રીતે માન્યતા આપી શકાય તે માટે યુકે ભારત સરકાર સાથે વાત કરી રહ્યું છે. યુકેની સરકારી વેબસાઈટ અનુસાર, ૪ ઓક્ટોબરથી ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકા, ફાઈઝર, મોડેર્ના વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને ફુલ્લી વેક્સિનેટેડ ગણીને તેમને યુકેમાં પ્રવેશ આપવામાં આવશે. આવા લોકોને ક્વોરન્ટાઈનમાં પણ નહીં રહેવું પડે. આવા દેશોમાં ઓસ્ટ્રરેલિયા, બરમુડા, બાર્બાડોઝ, બહેરિન, બ્રુનેઈ, કેનેડા, ડોમિનિકા, ઈઝરાયેલ, જાપાન, કુવૈત, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, કતાર, સાઉદી, સિંગાપોર, સાઉથ કોરિયા અને તાઈવાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં સેકન્ડ વેવ શરુ થયો તે સમયે ૨૩ એપ્રિલ ૨૦૨૧ના રોજ યુકેએ તેને રેડ લિસ્ટમાં મૂકી દીધું હતું. જેના પરિણામે ભારતીયોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. ભારતમાંથી આવનારા માત્ર બ્રિટિશ નાગરિકોને જ એન્ટ્રી અપાતી હતી, અને તેમના માટે પણ ક્વોરન્ટાઈન હોટેલમાં ૧૦ દિવસ રહેવું ફરજિયા હતું. ૮ ઓગસ્ટે બ્રિટને ભારતને રેડ લિસ્ટમાંથી હટાવી અમ્બર લિસ્ટમાં મૂક્યું હતું. જેમાં ભારતીયોને એન્ટ્રી મળતી હતી, પરંતુ તેમના માટે ૧૦ દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવું ફરજિયાત હતું. જાે યુકેમાં ભારત સરકાર દ્વારા ઈશ્યૂ કરાયેલા વેક્સિન સર્ટિ.ને પણ માન્યતા મળી જાય તો કોવિશિલ્ડના બંને ડોઝ લેનારા વ્યક્તિને યુકે પહોંચી ક્વોરન્ટાઈન થવાની કોઈ જરુર નહીં પડે. ઉલ્લેખનીય છે કે, કોવિશિલ્ડ વેક્સિન યુકેની જ ઓક્સફોર્ડ યુનિ.એ એસ્ટ્રાજેનેકા નામની કંપની સાથે મળીને વિકસાવી છે. જેનું ઉત્પાદન ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે. પરંતુ યુકેએ અગાઉ તેને જ માન્યતા ના આપતા ભારતે સખ્ત શબ્દોમાં વાંધો વ્યક્ત કર્યો હતો.

 

નીતિન પટેલને કારણે સૌની યોજનાનું કામ મોડું થયું : નારણ કાછડિયા

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સાંસદ નારણ કાછડિયા સામસામે આવી ગયા છે. સોશિયલ મીડિયામાં ભાજપના જ બે નેતા સામસામે આવી ગયા છે. નીતિન પટેલે કહ્યું હતું કે ભાજપમાં જ વિભીષણ પણ છે અને મંથરા પણ છે. નીતિન પટેલને જવાબ આપતા નારાણ કાછડિયાએ બળાપો કાઢતા કહ્યું કે, નીતિન પટેલ તો અમારી સામે પણ નહોતા જાેતા. સોશિયલ મીડિયા પર આ રીતે સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સામે આવી જતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ બળાપો કાઢ્યો છે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે, નીતિન પટેલના કારણે સૌની યોજનાનું કામ અટક્યું. નારણ કાછડિયાએ મીડિયા સામે કહ્યું ક, નરેન્દ્ર મોદી તો દિલ્હી જતા રહ્યા હતા, પરંતુ નીતિનભાઈને કારણે સૌની યોજનાનું કામ અટક્યુ છે. નીતિનભાઈને લીધે સૌની યોજના પાઠી ઠેલાઈ હતી. નીતિનભાઈ જે બોલ્યા તે મારા મત વિસ્તાર માટે બોલ્યા હતા. તો તેમણે વધુમાં કહ્યું કે, એકવાર નીતિનભાઈએ કહ્યું હતું કે, તેમણે રાજકીય સફર દરમિયાન ઘણુ બધુ જીવનમાં ગુમાવ્યું. પાર્ટી માટે તેમણે સમય આપ્યો. પાર્ટીનો જ્યારે સુવર્ણકાળ આવ્યો ત્યારે આવા કાર્યકર્તાઓને મહત્વ મળવો જાેઈએ. ત્યારે નીતિનભાઈએ હવે વિચારવુ જાેઈએ કે, હાઈકમાન્ડે જે ર્નિણય લીધો છે તે યોગ્ય છે. તેવા જ લોકોને સ્થાન આપ્યું છે જેઓ યોગ્ય છે. નીતિન પટેલે હવે સામેથી કહેવુ જાેઈએ કે, મેં ૨૫ વર્ષ જવાબદારી નિભાવી છે, તો હવે મારે સેકન્ડ કેડર તૈયાર કરવાની મદદ કરવી જાેઈએ. નીતિન પટેલ ‘કહી પે નજર, કહી પે નિગાહે અને નિશાના કહી પે જેવુ કરી રહ્યાં છે.

 

ફરજિયાત રસીએ AMTS – BRTS ની આવક ઘટાડી

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના આગમનને જાેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સીનેશન ઉપર ખાસ ભાર મૂકાઇ રહ્યો છે. અને તેમાં પણ ૨૦ સપ્ટેમ્બરથી એએમસી સંચાલિત તમામ સેવાઓ અને જાહેર સ્થળો ઉપર વેક્સીન લીધાનુ સર્ટિફિકેટ ન બતાવનારને પ્રવેશબંધી કરાઇ છે. જે અંગે કડક ચેકિંગ પણ શરૂ કરાયુ છે. ત્યારે તંત્રની આ ઝુંબેશની એએમટીએસ અને બીઆરટીએસ જેવી જાહેર પરિવહન સેવા ઉપર વિપરીત અસર થઇ છે. કોરોના સામે લડવા સરકાર દ્વારા વેક્સીનેશન ઉપર ખાસ ભાર મૂકાઇ રહ્યો છે. પરંતુ હજીપણ ઘણા એવા લોકો છે કે જે વિવિધ કારણોસર વેક્સીન લેવાનુ ટાળી રહ્યા છે. ત્યારે આવા લોકોને શોધવા અને અન્ય લોકોને કોરોના સામે રક્ષણ મળે તે હેતુથી ગત ૨૦ સપ્ટેમ્બરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સીન ન લેનારાઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ શરૂ કરાઇ છે. જે અંતર્ગત એએમસીની તમામ ઓફિસ, ગાર્ડન, જિમ્નેશ્યમ, લાઇબ્રેરી, કાંકરીયા અને ઝુ સહિત એએમટીએસ-બીઆરટીએસમાં પ્રવેશ લેવા માંગતા લોકો પાસે ફરજિયાત વેક્સીન સર્ટિફિકેટ માંગવામાં આવી રહ્યુ છે. ત્યારે તંત્રની આ ઝુંબેશની શહેરની જાહેર પરીવહન સેવા, એટલે કે એએમટીએસ-બીઆરટીએસ પર ગંભીર અસર પડી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વેક્સીન સર્ટિફીકટે ચેકીંગના કારણે એએમટીએસ અને બીઆરટીએસમાં મુસાફરોની સંખ્યા સામાન્ય દિવસો કરતા ૩૦ ટકા ઘટી ગઇ છે, જેની સીધી અસર તંત્રની આવક ઉપર પણ પડી રહી છે. ઉલ્લેખનીય છે કે એએમટીએસ અને બીઆરટીએસમાં મુસાફરી કરતા મોટાભાગના મુસાફરો ગરીબ, મધ્યમ વર્ગ અને શ્રમિકો હોય છે. જેઓ વેક્સીન લીધી નથી હોતી અથવા તો તેઓની પાસે સ્માર્ટફોન ન હોવાના કારણે તેઓ વેક્સીન લીધાનુ સર્ટિફીકેટ નથી મેળવી શકતા. ત્યારે ૨૦ સમ્ટેમ્બરથી શરૂ કરાયેલી ચેકીંગ ઝુંબેશ બાદ બન્ને સેવાના દૈનિક મુસાફરો અને આવકમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. એએમટીએસમાં સામાન્ય દિવસોમાં દૈનિક અઢીથી ત્રણ લાખ મુસાફરો થકી ૧૭ થી ૧૮ લાખની આવક થતી હતી, પરંતુ બસમાં બેસતા પૂર્વે વેક્સીન સર્ટિફિકેટ રજૂ કરવુ પડતુ હોવાથી મુસાફરોની સંખ્યા ૨ લાખની આસપાસ અને આવક ઘટીને ૧૧ થી ૧૨ લાખ થઇ ગઇ છે. આવી જ રીતે બીઆરટીએસમાં પણ સામાન્ય દિવસોમાં મુસાફરોની સંખ્યા ૧.૧૫ લાખથી ૧.૨૫ લાખ અને આવક ૧૫ થી ૧૬ લાખ નોંધાતી હતી. જેની સામે વેક્સીન સર્ટિફિકેટ ચેકીંગના કારણે મુસાફરો ઘટીને ૮૦ થી ૯૦ હજાર અને આવક ૧૦ થી ૧૧ લાખ થઇ ગઇ છે. ત્યારે સમગ્ર મામલે એએમસીના ઉચ્ચ અધિકારીઓ પણ ચિંતામાં પડી ગયા છે અને આ બાબતનો શું ઉકેલ લાવવા એ અંગે માથાપચ્ચી કરી રહ્યા છે. એક તરફ કોરોના સામે રક્ષણ અને બીજી તરફ ખોટમાં ચાલતી બન્ને સેવાઓની આવકમાં મોટો ઘટાડો, હવે જાેવાનુ રહે છેકે એએમસીના ઉચ્ચ અધિકારીઓ આ બેમાંથી કયા વિષયને પ્રાથમીકતા આપે છે.