All posts by Sampurna Samachar

લદ્દાખ સરહદે ભારત-ચીન વચ્ચે તનાતની : ટેન્કો તૈનાત

લડાકુ વિમાનો અને હેલિકોપ્ટર પણ તૈનાત કરાયાં
ભારતે પણ ટેન્ક, હોવિત્સઝર ગન્સ, એન્ટી ટેન્ક મિસાઈલ, સ્નાઈપર રાઈફલ જેવા હથિયારો ગોઠવી દીધા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૩
ભારત અને ચીન વચ્ચે લદ્‌ઘાખ મોરચે ગમે ત્યારે યુધ્ધ થાય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. લદ્દાખમાં સીમાએ બંને તરફ સેનાઓએ ટેન્કો, મશીનગન સહિતના આધુનિક હથિયારોનો ખડકલો કરી દીધો છે. બંને દેશની વાયુસેના પણ આ મોરચે પોતાની તાકાતમાં વધારો કરી રહી છે. બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વાટાઘાટોનુ કોઈ પરિણામ હજી સુધી આવ્યું નથી. બીજી તરફ, આ મોરચા પર ચીને લાઈટ ટેન્ક, ઈન્ફન્ટ્રી ફાઇટિંગ વ્હિકલ્સ, હોવિત્ઝર ગન્સ, એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ્સ, લાઈટ મશિનગન, હેવી મશિનગન, સ્નાઈપર રાઈફ્લ્સ જેવા સરંજામથી સૈનિકોને સજ્જ કરી દીધા છે.
જવાબમાં ભારતે પણ ટેન્ક, હોવિત્સઝર ગન્સ, એન્ટી ટેન્ક મિસાઈલ્સ, સ્નાઈપર રાઈફલ જેવા હથિયારો ગોઠવી દીધા છે. બંને દેશની વાયુસેના પણ સજ્જ છે. ભારત અને ચીનના લડાકુ વિમાનો તેમજ હેલિકોપ્ટર તૈનાત થઈ ગયા છે. ચીને તો પોતાના પાંચમી જનરેશનના લડાકુ વિમાન સરહદ નજીકના એરબેઝ પર તૈનાત કર્યા છે.
પૈંગોંગ લેકના ફિંગર ચાર વિસ્તારમાં તો માત્ર ૧.૭ કિલોમીટરના અંતરે ભારત અને ચીનની સેના આમને સામને છે.તો દક્ષિણ પેંગોંગમાં તો ભારત અને ચીનના સૈનિકો વચ્ચે માત્ર ૧૭૦ મીટરનુ અંતર છે.રેઝાંગ લામાં ૫૦૦ મીટર અને ગોગરા પોસ્ટ પર પણ ૫૦૦ મીટરના અંતરે બંને દેશના સૈનિકો આમને સામને છે. દેપસાંગમાં તો ભારત અને ચીનની ટેન્કો વચ્ચે છ જ કિમીનુ અંતર છે.

 

નોકરી ગુમાવનારા લોકોને હવે રોજગારી ભથ્થું અપાશે

૨૪મી માર્ચ બાદ નોકરી ગુમાવનારાને લાભ
રાજ્ય વીમા નિગમની શાખામાં અરજી કરવાની રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૩
કોરોના લોકડાઉનને કારણે ભારતની અર્થવ્યવસ્થા માંદી પડી છે અને એક રિપોર્ટ પ્રમાણે ૧.૯ કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. અર્થતંત્રમાં પડેલા ગાબડા બદલ સરકારની ટીકાઓ પણ થઈ રહી છે. હવે મોદી સરકારે નોકરી ગુમાવનારીઓની મદદ કરવાની જાહેરાત કરી છે.જે પ્રમાણે કર્મચારી રાજ્ય વીમા નિગમમાં જે કામદારો નોંધાયેલા છે અને આમાંથી જેમણે ૨૪ માર્ચ બાદ નોકરી ગુમાવી છે તેમને મોદી સરકાર અડધો પગાર અનએમ્પોલમેન્ટ બેનિફિટ તરીકે આપશે. જેનો અર્થ એ થાય છે કે, કોરોના સંકટમાં નોકરી ગુમાવનારા ઔદ્યોગિક કામદારોને ત્રણ મહિના સુધી અડધો પગાર બેકારી ભથ્થા તરીકે મળશે. આ ફાયદો એ કામદારોને મળશે જેમની નોકરી આ વર્ષે ૨૪ માર્ચથી ૩૧ ડિસેમ્બર વચ્ચે ગઈ છે. આ પહેલા બેકારી ભથ્થા તરીકે ૨૫ ટકા સેલેરી આપવાની જોગવાઈ હતી. જે હવે વધારીને ૫૦ ટકા કરાઈ છે. નવી જોગવાઈ એક વર્ષ સુધી લાગુ રહેશે. આ સુવિધા મેળવવા માટે કામદારે કર્મચારી રાજ્ય વીમા નિગમની કોઈ પણ શાખામાં અરજી કરવાની રહેશે.ચકાસણી બાદ તેમને અડધો પગાર બેન્ક ખાતામાં આપવામાં આવશે.આ માટે આધાર નંબરની મદદ લેવાશે.આ યોજનાથી કર્મચારી રાજ્ય વીમા નિગમ પર ૬૭૧૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજો આવશે.

 

કોરોનાની દવા ન શોધાય ત્યાં સુધી હળવાશથી ન લોઃ મોદી

સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ખુબ જરૂરી : મોદી
બિહારમાં લોકાર્પણ કાર્યક્રમ વેળા વડાપ્રધાન મોદીનું સૂચન
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૩
કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે અને દેશમાં રોજ એક લાખ જેટલા નવા કેસ સામે આવી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોનાથી સાવચેત રહેવા માટે લોકોને સંદેશો આપ્યો હતો. બિહારમાં પેટ્રોલિયમ યોજનાઓનું લોકાર્પણ કરતી વખતે પીએમ મોદીએ કોરોનાનો ઉલ્લેખ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે, કોરોના આપણી વચ્ચે જ છે. જ્યાં સુધી તેની દવા શોધાય નહીં ત્યાં સુધી તેને હળવાશથી લેવાની જરુર નથી.
તેમણે લોકોને સંદેશો આપ્યો હતો કે, સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવુ જરુરી છે, સાબુથી નિયમિત હાથ ધોવા જોઈએ. ગમે ત્યાં થુંકવુ જોઈએ નહી અને ચહેરા પર માસ્ક પહેરવો જરુરી છે.આ તમામ બાબતોનું પોતે પાલન કરો અને બીજાને પણ તેનુ પાલન કરવા માટે યાદ દેવડાવતા રહો.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.ભારત કોરોનાનુ એપી સેન્ટર બનવા જઈ રહ્યુ હોય તેવી સ્થિતિ છે.હાલમાં ભારતમાં કોરોનાના ૯.૫૮ લાખ એક્ટિવ કેસ છે.જ્યારે ૩૬ .૨૪ લાખ લોકો સાજા થઈ ચુક્યા છે.દેશમાં અત્યાર સુધીમાં ૭૭૦૦૦ લોકો કોરોનાથી જીવ ગુમાવી ચુક્યા છે.

 

રાજ્યપાલે મને દિકરીની જેમ સંભાળી છે : કંગના

કંગનાએ મને ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી
શિવસેના સાથે ચાલી રહેલી ગરમા ગરમી વચ્ચે બોલિવૂડ એક્ટ્રેસ કંગનાએ રાજ્યપાલ કોશ્યારી સાથે મુલાકાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ, તા. ૧૩
મહારાષ્ટ્ર સરકાર અને શિવસેના સાથે ચાલી રહેલી ગરમા ગરમી વચ્ચે કંગના રનૌટ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની રવિવારે મુલાકાત લીધી છે. આ મુલાકાત આશરે ૪૫ મિનિટ ચાલી. આ દરમિયાન એક્ટ્રેસે રાજ્યપાલ સામે તેનો મુદ્દો રાખ્યો હતો. મુલાકાત બાદ કંગના રનૌટે કહ્યું, ’મે મહારાષ્ટ્રનાં રાજ્યપાલની મુલાકાત લીધી હતી. મારી સાથે જે અન્યાય થયો છે મે તેનાં વિશે વાત કરી હતી. મને આશા છે કે, મને ન્યાય મળશે. જેથી અમારા દેશનાં લોકોને સિસ્ટમ પર વિશ્વાસ કાયમ રહે. મારું સૌભાગ્ય છે કે, રાજ્યપાલજીએ મને તેમની દીકરીની જેમ સાંભળી અને સહાનુભૂતિ આપી.’ ઉલ્લેખનીય છે કે, કંગના રનૌટ ૯ સપ્ટેમ્બરનાં મુંબઇવાળા ઘરે આવી હતી અને ૧૪ સપ્ટેમ્બરનાં મુંબઇથી મનાલી પરત જતી રહેશે. એક્ટ્રેસે આરોપ લગાવ્યો હતો કે, શિવસેના સાથે ટકરાવનાં કારણે મહારાષ્ટ્ર સરકાર તેને નિશાન બનાવી રહ્યાં છે. શિવસેના નીત બીએમસીએએ બુધવારે તેનાં બાન્દ્રા સ્થિત ઓફિસમાં કરવામાં આવેલાં અવૈધ નિર્માણને તોડી પાડ્યું છે. જોકે, બોમ્બે હાઇકોર્ટે બાદમાં બીએમસીની કાર્યવાહી પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર અંગે કંગનાનાં એક હાલનાં જ નિવેદને વિવાદ ઉભો કરી દીધો છે. તેણે દાવો કર્યો હતો કે, તે મુંબઇમાં અસુરક્ષિત અનુભવું છું. જે બાદ શિવસેનાનાં નેતા સંજય રાઉતે તેને મુંબઇ પરત ન આવવા કહ્યું, રાઉતનાં આ નિવેદન બાદ એક્ટ્રેસે મુંબઇની સરખામણી પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીર (પોક) સાથે કરી હતી.

 

મૌનને કમજોરી સમજવાની ભૂલ ના કરતા : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેનું રાજ્યના લોકોને સંબોધન
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત સાથેના વિવાદ મામલે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એક શબ્દ ન કહ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૧૩
બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણૌત સાથેના બહુચર્ચિત વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રાજ્યના લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે સંબોધનમાં કંગના-શિવસેના વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે કંઈ જ કહ્યું નહોતું અને શિવસૈનિકો દ્વારા નૌકાદળના પૂર્વ અધિકારી સાથે કરવામાં આવેલી મારપીટ મુદ્દે પણ બોલવાનું ટાળ્યું હતું. સંબોધનના પ્રારંભે જ ઉદ્ધવે સ્પષ્ટતા કરી હતી કે તેઓ રાજકીય મુદ્દા પર કંઈજ ટિપ્પણી નહીં કરે. જો કે તેમણે કોરોના વાયરસના સંદર્ભમાં તેમજ અન્ય વિવાદનો આડકરો ઉલ્લેખ કરીને જણાવ્યું કે મહારાષ્ટ્રની છબિ ખરાબ કરવાનો કારયો ઘડાયો છે. છેલ્લા ઘણા દિવસોથી મે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને આગળ પણ રાજકીય વંટોળનો સામનો કરતો રહીશ, પરંતુ મારી ખામોશીને લોકો મજબૂરીના સમજે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે મરાઠા અનામત મુદ્દે વિધાનસભાએ એકસાથે મળીને મરાઠા સમાજ માટે અનામતની જાહેરાત કરી છે. પહેલા હાઈકોર્ટમાં કેસ ગયો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં ગયો. મરાઠા અનામતને સ્ટે આપવાની જરૂર નહતી, પરંતુ સ્ટે આપવામાં આવ્યો છે. હું તમામ નેતાઓ સાથે આ મુદ્દે સંપર્કમાં છું. સીએમ ઠાકરેએ જણાવ્યું કે હવે સમગ્ર દુનિયામાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ હોવાનું જણાઈ રહ્યું છે. ગામડાઓ સુધી કોરોના પહોંચી ગયો છે. કોરોનાને લઈને કોઈએ ડરવાની જરૂર નથી, તમે બસ સાવચેત રહો, અમે જવાબદારીપૂર્વક કામ કરી રહ્યા છીએ. કેટલીક જવાબદારી તમે ઉપાડો અને કેટલીક અમે ઉપાડીશું. મહારાષ્ટ્રની સ્થિતિ સંપૂર્ણ રીતે ખરાબ નથી થઈ. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે ૧૫ સપ્ટેમ્બરથી અમે એક અભિયાન શરૂ કરી રહ્યા છીએ. જે લોકો મહારાષ્ટ્રને પ્રમે કરે છે, તેઓ આ અભિયાનને આગળ ધપાવવું પોતાની જવાબારી સમજશે. મહારાષ્ટ્ર આપણો પરિવાર છે, તેને સુરક્ષિત રાખવો આપણી જવાબદારી છે. એટલા માટે અભિયાનનું નામ મારો પરિવાર, મારી જવાબદારી રખાયું છે. માસ્ક જ આપણો બ્લેક બેલ્ટ છે અને તે કોરોના સામેના જંગમાં આપણી રક્ષા કરશે.

 

એક સમયે હું ડ્રગ એડિક્ટ હતી : કંગનાનો ખુલાસો

કંગનાનો વિડીયો વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ, તા. ૧૩
અભિનેત્રી કંગના અને શિવસેના વચ્ચે ચાલી રહેલી લડાઈ વચ્ચે કંગનાએ આખા બોલીવૂડને ડ્રગના મામલે નિશાના પર લીધું છે. ૯૦ ટકા બોલિવૂડ ડ્રગ્સ લે છે તેવું અગાઉ કહેનાર કંગનાનો એક જૂનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં કંગના સ્વીકારી રહી છે કે, એક સમયે હું ડ્રગ એડિક્ટ હતી. હું ૧૫ વર્ષની વયે ઘરેથી ભાગી ગઈ હતી.બાદમાં હું ફિલ્મ સ્ટાર બની ગઈ હતી પણ શરુઆતમાં હું ડ્રગ એડિક્ટ હતી.મારી જિદંગીમાં કેટલાય કાંડ થયા છે.હું એવા લોકોની સોબતમાં હતી જેના કારણે મને તકલીફ થઈ હતી.
કંગનાની ડ્રગ એડિક્ટ હોવાની કબૂલાત પણ નવો વિવાદ સર્જે તેમ લાગી રહ્યુ છે.કારણકે આ વિડિયો સામે આવ્યા બાદ લોકો અલગ અલગ રીતે રિએક્ટ કરી રહ્યા છે. કંગના અગાઉ પણ કહી ચુકી છે કે, હું એ પાર્ટીઓમાં જઈ ચુકી છું જ્યાં કોકેનનો વ્યાપક ઉપયોગ થતો હતો.

 

કોરોના : આજથી સંસદના ચોમાસા સત્રનો પ્રારંભ થશે

પૂર્વ સંધ્યાએ કરાયેલા ટેસ્ટમાં પ સાંસદ પોઝિટિવ
સત્રની શરૂઆત પહેલાં દરેક સાંસદોના કોરોના ટેસ્ટ થઈ રહ્યાં છે : સભ્યએ કોરોના દિશાનિર્દેશનું પાલન કરવું પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૩
સંસદના ચોમાસું સત્રનો સોમવારથી પ્રારંભ થશે. આ વચ્ચે લોકસભાના પાંચ સાંસદો કોરોનાથી ચેપગ્રસ્ત બન્યા છે. સત્રની શરૂઆત પહેલાં દરેક સાંસદોના કોરોના ટેસ્ટ થઈ રહ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં પાંચ સાંસદનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હજી અન્ય સાંસદોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
કોરના સંકટના કારણે આ વખતે સંસદ સત્ર ઘણું જ બદલાયેલું રહેશે. સત્ર દરમિયાન સાંસદોએ કોરોના દિશાનિર્દેશનું પાલન કરવું પડશે. આ વખતે લોકસભાની કાર્યવાહી ચાર કલાક ચાલશે, શૂન્યકાળની સમય મર્યાદા ઘટાડીને અડધી કલાકની કરી દીધી છે.
ઉપરાષ્ટ્રપતિના સચિવાલય તરફથી જણાવવામાં આવ્યું કે, સંસદના ચોમાસું સત્ર પહેલાં રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો. દરેક સભ્યો સત્ર શરૂ થવાના ૭૨ કલાક પહેલા પોતાના કોરોના ટેસ્ટ કરાવી રહ્યાં છે . સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા માટે દરેક સભ્યોનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે.
મીડિયા અને પ્રોટોકોલ પ્રભાગના અધ્યક્ષે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ૩૦ ઓગસ્ટના રોજ પોસ્ટ કોવિડ સારવાર બાદ એમ્સમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. એ સમયે આપવામાં આવેલી સલાહ પ્રમાણએ તેમને હવે સંસદના સત્ર પહેલા એક-બે દિવસ માટે પૂર્ણ ટ્રિટમેન્ટ માટે એડમિટ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના સિનિયર નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અમે આગામી સત્રમાં બેરોજગારી, પ્રવાસી મજુરોની સ્થિતિ અને દેશમાં આર્થિક પરિદૃશ્યના મુદ્દે ચર્ચા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. અમે સરકારને આગ્રહ કર્યો છે કે સંસદમાં અમારી અવાજ સાંભળવામાં આવે. અમારા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાને ધ્યાનમાં રાખીને અધ્યક્ષે ૧૫ સપ્ટેમ્બરે વેપાર સલાહકાર સમિતિની વધુ એક બેઠક બોલાવી છે.
ઉલ્લેખનીય છે કે, સંસદનું ચોમાસું સત્ર સોમવારથી શરૂ થવાનું છે. ૧૪ સપ્ટેમ્બરથી ૧લી ઓક્ટોબર સુધી ચાલનારું સંસદનું આ સત્ર સવારે ૯ થી બપોરે ૧ અને સાંજે ૩ થી રાત્રે ૭ વાગ્યા સુધી બે શિફ્ટમાં ચાલવાનું છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે સાવચેતીના ભાગરૂપે બધા જ સાંસદોના કોરોના ટેસ્ટ થયાં બાદ જ સત્ર શરૂ થશે અને કોરોનાના કારણે આ વખતે સત્ર ઘણું જ બદલાયેલું રહેશે.

 

જૂનાગઢના નરસિંહ તળાવમાં હજારો માછલીઓના મોત

બાજુના પેટ્રોલ પંપ પર પાણી પ્રદૂષિત હોવાનો આક્ષેપ
તળાવમા ઓવરફલો પાણીમા માછલીઓ મૃત હાલતમાં જોવા મળતા જીવદયા પ્રેમીઓ સહિત લોકો ઉમટી પડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ,તા.૧૩
જૂનાગઢ શહેરની મધ્યમા આવેલા નરસિંહ મહેતા તળાવમા હજારો માછલીઓના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. નરસિંહ મહેતા તળાવમા આજે વહેલી સવારે ઓવરફલો પાણીમા હજારો માછલીઓ મૃત હાલતમાં જોવા મળતા જીવદયા પ્રેમીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ ને પણ જાણ કરી હતી તે છતાં કોઈ ફરકયુ ના હતું. જીવદયા પ્રેમીઓએ આક્ષેપ કરતા કહ્યું છે કે,બાજુ મા પેટ્રોલ પંપ આવેલો છે તેના ટાંકામાંથી પેટ્રોલ કે ડીઝલ છોડાતા પાણી પ્રદુષિત થતા માછલીઓના મોત થયા છે. વધુમા તેમણે જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા જ અમે ગેરકાયદેસર માછીમારી કરતા લોકોને માછીમારી કરતા રોક્યા હતા. તળાવમાં માછીમારી થતી હોવાનું પણ કોર્પોરેશનનુ ધ્યાન દોર્યું હતુ. પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નરસિંહ તળાવમાં આજે કેમિકલ પેટ્રોલ કે ડીજલને કારણે માછલીઓ મોતને ભેટી છે. મહત્વનું છે કે, નરસિંહ મહેતા સરોવરમાં ગઇકાલે સવારના સમયે એક લાંબો સાપ કિનારે આવી ગયો હતો. રસ્તેથી પસાર થતા લોકોની નજર પડી જતાં લોકો તેને જોવા ઉભા રહી ગયા હતા. જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના કાંઠે સવારના સમયે એક લાંબો સાપ જોવા મળ્યો હતો. અડધો પાણીમાં અને અડધો બહાર આવી ગયેલો સર્પ જોઇ રસ્તેથી પસાર થતા લોકો જોવા ઉભા રહી ગયા હતા અને તેનો ફોટો પાડવા લાગ્યા હતા.

 

પતિએ પત્નીની ફટકારતા હોસ્પિટલમાં દાખલ કરાઈ

પત્નિએ પતિ, સાસુ, સસરા સામે ફરિયાદ નોંધાવી
પતિ મોડા આવતા પત્નિએ સવાલો કર્યા હતા જેમાં પતિ ઉશ્કેરતા પત્નિ ફટકારી : પત્નિને સવાલો કરવા ભારે પડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૩
પતિ મોડા આવતા પત્નીએ પુચ્છા કરી હતી કે, કેમ મોડુ થયું, મારો ફોન કેમ નથી ઉપાડતા. પત્નીની આવી વાત સાંભળી પતિ ઉશ્કેરાયો હતો અને તેને ફટકારી હતી. જેથી પત્નીને સારવાર માટે એલજી હોસ્પિટલમાં જવું પડ્યું હતું. જેથી આ મામલે પત્નીએ પતિ, સાસુ-સસરા સામે ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી યુવતીએ તેના જ વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પતિ સાથે સાસરીમાં રહેવા ગઇ હતી પરંતુ સાસરીયાએ રાખવાનો ઇન્કાર કરતા તે ભાડાના મકાનમાં પતિ સાથે રહેતી હતી. ચાર મહિના પતિ સાથે રહ્યાં બાદ યુવતીની માતાને ફેક્ચર થતા તે પિયર ગઇ હતી. આ દરમિયાન સાસુ-સસરા સહિતના લોકોએ પતિની ચઢામણી કરી હતી. જેથી યુવતિ પિયર હતી ત્યારે પતિએ તેને જાણ કર્યા વગર મકાન ખાલી કરી દીધુ હતુ અને તમામ વસ્તુ લઇ માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો હતો. ત્યારબાદ યુવતી ફરી પતિ સાથે રહેવા આવી હતી. ત્યારે સાસુ-સસરા નીચેના માળે રહેતા અને યુવતી પતિ સાથે ઉપરના માળે રહેતી હતી. યુવતી બીમાર પડતા તેની સારવાર કરાવાની જગ્યાએ સાસુ સસરાએ મારામારી કરી કહ્યું હતું કે, તું કાયમ બીમાર જ રહે છે તારુ અહીંયા કોઇ જ કામ નથી તેમ કહી કાઢી મુકી હતી. જેથી યુવતી પિયર રહેતી હતી. યુવતી સ્વસ્થ થતા પતિ તેને ફરી સાસરીએ લઇ આવ્યો હતો અને તે પરત સાસરે ગઇ હતી. ત્યારે પતિ સહિતના લોકો ત્રાસ આપતા હતા અને મારા મારી કરતા પાસડીમાં ઇજા થઇ હતી. જેથી આ મામલે તેણે મહિલા પોલીસ મથકમાં અરજી કરી હતી. પરંતુ ઘર સંસાર ન બગડે તે માટે સમાધાન કરી લીધુ હતુ અને પરત રહેવા લાગી હતી. ૧૧ સપ્ટેના રોજ રાત્રે પતિ ઘરે પરત આવ્યા ત્યારે યુવતીએ પુચ્છા કરી હતી કે, કેમ મોડુ થયું, મારો ફોન કેમ નથી ઉપાડતા. આટલું કહ્યાં બાદ પતિ ગુસ્સે થયા હતા અને બિભત્સ ગાળો બોલી મારા મારી કરવા લાગ્યા હતા. જેથી ઇજા થતા તેને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેથી આ મામલે ખોખરા પોલીસ મથકમાં પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

 

ફિયાન્સ દ્વારા કિશોરીને ઘરે બોલાવીને વારંવાર દુષ્કર્મ

અપહરણ, બળાત્કાર અને પોક્સો હેઠળ ફરિયાદ
ફિયાન્સ યુવતીને પોતાના ઘરે બોલાવી અને ખેતર લઈ ગયો હતો અને વારંવાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૩
સગાઇ બાદ કિશોરીને ફિયાન્સે પોતાના ગામે બોલાવી હતી. જેથી ફિયાન્સી પરિવારને જાણ કર્યા વગર ત્યાં પહોંચી ગઇ હતી. જ્યાં ફિયાન્સે તેને ખેતર બતાવવા લઇ જાઉ તેમ કહી ખેતરે લઇ ગયો હતો. જ્યાં અવાર નવાર તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ કિશોરીને ફિયાન્સની માતા સરદાનગર આવી મુકી જતી રહી હતી. જેથી કિશોરીની માતાએ આ મામલે ફિયાન્સ સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવની વિગત એવી છે કે શહેરના કુબેરનગર વિસ્તારમાં ૧૭ વર્ષિય કિશોરી પરિવાર સાથે રહે છે. ત્રણ વર્ષ પહેલા કિશોરીની સગાઇની વાત એક યુવક સાથે કરી હતી. ત્યારબાદ કિશોરી અને તેનો પરીવાર યુવકના ગામે ગયા હતા અને સગાઇની વાત પણ કરી હતી. જેથી યુવક અને કિશોરી અવાર નવાર ફોન પર વાત કરતા હતા. ૧૪ ઓગષ્ટના રોજ કિશોરીની માતા બહાર ગઇ હતી. માતા પરત આવ્યા બાદ જોયું તો કિશોરી ઘરે ન હતી. જેથી તેને મોબાઇલ ફોન પર ફોન કર્યો હતો પરંતુ તેને ફોન ઉપાડ્યો ન હતો.
જેથી પરિવારે તેની શોધખોળ કરી હતી. પરંતુ તે મળી આવી ન હતી. બીજા દિવસે વહેલી સવારે કિશોરીએ માતાને ફોન કરી કહ્યું હતું કે, તે તેના ફિયાન્સ સાથે તેના ઘરે રોકાઇ છે. જેથી માતાએ વાંધો લીધો ન હતો. બે ત્રણ દિવસ બાદ ફરી કિશોરીને ફોન કરી માતાએ તેના ખબર અંતર પુછ્યા હતા. ૭ સપ્ટે.ના રોજ કિશોરી ઘરે આવી હતી. ત્યારે માતાએ પુચ્છા કરી હતી કે, કોની સાથે પરત આવી. ત્યારે કિશોરીએ જણાવ્યું હતું કે, ફિયાન્સની માતા નરોડા પાટીયા ખાતે મુકી ગઇ હતી. જ્યાંથી એકલી ઘરે આવી ગઇ છું. જો કે, ઘરે આવ્યા બાદ કિશોરી સુમસામ રહેતી હતી. ત્યારે માતાએ પૃચ્છા કરતા જણાવ્યું હતું કે, તે ફિયાન્સ સાથે તેના ઘરે હતી ત્યારે સાંજે તેનો ફિયાન્સ ખેતર બતાવવા લઇ ગયો હતો. ત્યાં ખેતરમાં એક ઓરડી હતી. જ્યાં રાત્રે તેઓ રોકાયા હતા અને ફિયાન્સે શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અવાર નવાર ફિયાન્સ એ શરીર સબંધ બાંધ્યો હતો. દિકરીની આવી વાત સાંભળ્યા બાદ માતાએ ફિયાન્સ સામે બળાત્કાર અને અપહરણ તથા પોક્સોની વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.