અમદાવાદ શહેરમાં વસવાટ કરતા નાગરિકો માટે આવતીકાલે મુખ્યમંત્રી દ્વારા સ્માર્ટસિટી મિશન પ્રોજેક્ટ અંતર્ગત લોન્ચ કરવામાં આવનારી એપ્લિકેશનની મદદથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાથી જન્મમરણના પ્રમાણપત્રો મળવા શરૃ થઈ જશે. જ્યારે બહારગામના નાગરિકોને આ સેવા કુરિયર દ્વારા આપવાનો આરંભ કરવામાં આવશે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, આવતીકાલે અમદાવાદ શહેર માટે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા વિવિધ પ્રોજેક્ટનો આરંભ કરાવવામાં આવનાર છે. જે પૈકી એક ઓનલાઈન રજિસ્ટ્રેશન દ્વારા જન્મ અને મરણના પ્રમાણપત્રો મેળવવા અંગેની એપ્લિકેશન લોંચિગનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો, સિવીલ હોસ્પિટલ અને અન્ય સરકારી હોસ્પિટલો ઉપરાંત અમદાવાદ શહેરની બધુ મળીને ૭૫૦ જેટલી હોસ્પિટલો સાથે જોડાણ કરવામાં આવ્યું છે. જેના આધાર પર અમદાવાદ શહેરમાં થતા કોઈપણ જન્મ કે મરણના પ્રમાણપત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા દ્વારા સરળતાથી મળી શકશે. અમદાવાદ શહેરમાં દર વર્ષે સરેરાશ સાડા આઠ હજાર જેટલા બાળકોનો જન્મ થાય છે. જ્યારે સાડા ત્રણ હજાર જેટલા લોકોના મૃત્યુ થાય છે. આ તમામના સર્ટીફિકેટ હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાથી સરળતાથી નાગરિકોને મળી શકશે. નાગરિકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવશે એ પછી એક એસએમએસ રજિસ્ટ્રેશનનો તેમના મોબાઈલ ઉપર આવી જશે. આ પછી નાગરિકોને સિવીક સેન્ટરમાં જઈ પચાસ રૃપિયા ભરવાથી પ્રમાણપત્ર મળી શકશે. જે નાગરિકો બહારગામ વસવાટ કરે છે તેઓને જન્મ કે મરણ અંગેના પ્રમાણપત્ર કુરિયરથી મોકલવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારતીય પોસ્ટ સાથે એમઓયુ કરવામાં આવેલ હોઈ તેમને કુરિયરથી પ્રમાણપત્ર મોકલવામાંઆવશે. જોકે આ ્પ્રક્રિયા શરૃ થતા હજુ એકાદ મહીનાનો સમય લાગશે.