All posts by Sampurna Samachar

લારી પર નાસ્તો કરવા માસ્ક ઉતારનારને પોલીસે દંડ કર્યો

અમદાવાદમાં લોકોમાં રોષ ફેલાયો
લારી પર જાવ તો માસ્ક કાઢતા નહીં નહીંતર ૨૦ના વડાપાઉં અને ૧૦ની પાણીપુરી માટે ૧૦૦૦નો દંડ ભરવો પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૫
અંગ્રેજીમાં એક કહેવત છે જેના મુજબ હોઠ અને કપ વચ્ચે ઘણી સ્લિપ હોઈ શકે છે. આ કહેવત બે અમદાવાદી આઈટી પ્રોફેશનલ્સ માટે બિલકુલ સાચી ઠરી જ્યારે તેમણે પાણીપૂરી ખાવા માટે પોતાનું માસ્ક નીચે કર્યું અને પોલીસે તેમને ૧૦૦૦નો દંડ ફટકારી દીધો. કોરોના મહામારીને લઈને પોલીસ અને કોર્પોરેશન જાહેરમાં માસ્ક ન પહેરનારાઓ પર કડક પગલા લઈ રહી છે અને ૧૦૦૦ સુધીનો દંડ કરવામાં આવે છે. આ ઘટના શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ એક જાણીતા પાણીપુરીના સ્ટોલ પાસે ઘટી છે. પોલીસ આઈટી પ્રોફેશનલ્સની એ વાતને માન્ય ન રાખી કે તેઓ પાણીપુરી ખાવા માટે માસ્ક ઉતારીને ઉભા છે. બીજા આવા જ એક કેસમાં ઘાટલોડિયામાં ફિઝિયોથેરાપિસ્ટ મહિલાને વડાપાઉન ખાવાની તેની ઈચ્છા મોંઘી પડી જ્યારે બટરમાં શેકાયેલા વડાપાઉનનો ટેસ્ટ મોઢામાં જાય તે પહેલા જ પોલીસે તેને માસ્ક ન પહેરવા માટે દંડ ફટકારી દીધો. જોકે મહિલાએ તેનો જોરદાર વિરોધ કરતા કહ્યું કે તેણે કોઈ ગુનાનો ભંગ નથી કર્યો અને ફક્ત વડાપાઉં ખાવા માટે તેણે માસ્ક નીચે કર્યું છે. જોકે પોલીસે તેની વાત ન માનતા મહિલા ફિઝિયોથેરાપિસ્ટ સામે કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધી એફઆઈઆર નોંધી છે. નારણપુરા પોલીસ દ્વારા આ દંડની કાર્યવાહીનો ભોગ બનેલી મહિલાએ પૂછ્યું કે મને વડાપાઉની પ્લેટ હજુ હાથમાં મળવાની જ હતી અને પોલીસે માસ્ક ન પહેરવા માટે દંડ કર્યો. માસ્ક પહેરીને હું કઈ રીતે ખાઈ શકું? રાજ્ય સરકાર દ્વારા અનલોકના જુદા જુદા તબક્કા હેઠળ રાજ્યમાં વેપાર ધંધા અને ઉદ્યોગને ખોલવાની મંજૂરી આપતા રાજ્યના અર્થતંત્રને પાટે ચડાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ બીજી તરફ પોતાની ભૂખને શાંત કરવા માટે લારી કે સ્ટોલ પર જતા લોકોને માસ્ક ન પહેરવા માટે દંડવામાં આવી રહ્યા છે. જેના બચાવમાં પોલીસ કહી રહી છે કે આ એક જરુરી પગલું છે. ખાસ કરીને ટી સ્ટોર અને નાસ્તાપાણીની લારીઓ પર વધુ ભીડને જામતી રોકવા અને મહામારીને ફેલાતી રોકવા માટે લોકોમાં કોરોના હાઈજીન પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે કડક નિયમની અમલવારી જરુરી છે.

 

કાકાએ જ ભત્રીજી ઉપર અનેકવાર દુષ્કર્મ આચર્યું

કાકાને પોલીસે ઝડપી પાડ્યો
માનસિક અસ્વસ્થ ભત્રીજી પર તેના જ કૌટુંબિક કાકાએ ખેતરમાં કામના બહાને લઈ જઈ અનેક વખત દુષ્કર્મ આચર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
છોટાઉદેપુર,તા.૧૫
જિલ્લાના કવાંટ તાલુકાનાં એક ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માનસિક અસ્વસ્થ ભત્રીજી પર તેના જ કૌટુંબિક કાકાએ ખેતરમાં કામના બહાને લઈ જઈ તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું છે. જેથી માનસિક અસ્વસ્થ ભત્રીજીએ નવજાતને જન્મ આપતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. પીડિતાના પિતાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે કાકાને થોડા જ કલાકોમાં ઝડપી પાડ્યા હતા. આ મામલે મળતી માહિતી પ્રમાણે, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનાં એક ગામમાં માનસિક અસ્વસ્થ યુવતી તેના પરિવાર સાથે જ રહેતી હતી. ૨૭ વર્ષીય આ યુવતી ભલે માનસિક અસ્વસ્થ હતી પરંતુ તેને કોઈપણ કામ કહો તે હોંશે હોંશે કરી આપતી અને તેના આ સ્વભાવને કારણે કુટુંબ અને ફળીયાના લોકો તેને કંઇકને કંઇક કામ સોંપતા. તેના આ સ્વભાવને લઈ તેના પિતાના ફોઈના દીકરા પ્રવીણ રાઠવા એટલે કે યુવતીના કૌટુંબિક કાકા તેને અવાર નવાર ખેતરમાં કામ માટે લઇ જતા હતા. પરિવારને એમ કે કાકા છે, કામ માટે બોલાવી જાય છે ખેતરમાં કામ કરતાં કરતાં કાકા પ્રવીણની દાનત આ માનસિક અસ્વસ્થ ભત્રીજી ઉપર બગડી અને તેણે ભત્રીજીની મંદ બુદ્ધિનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું. પરંતુ પીડિતા મંદ બુદ્ધિની હોવાને લઈ તેણે આ બાબતે કોઈને કંઇ કહ્યું નહીં. ત્યારબાદ આ હવસખોર કાકાની હિંમત વધી ગઇ. હવસખોર આધેડ કાકાને એમ હતું કે તેની આ કરતૂતની ક્યારેય કોઈને ખબર નહીં પડે. જેથી તે અવાર નવાર તેને પોતાના ખેતરે લઈ જતો અને પોતાની હવસનો શિકાર બનાવતો. પરંતુ કહેવાય છે ને કે પાપ એક દિવસ છાપરે ચડીને પોકારે છે. દુષ્કર્મ આચર્યા બાદ માનસિક અસ્વસ્થ આ યુવતીનું પેટ વધવા લાગ્યું ત્યારે તેના માતા પિતાએ તેની આરોગ્ય તપાસ કરાવતા તે સગર્ભા હોવાની જાણ થતાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ પોતાની માનસિક અસ્વસ્થ દીકરી સાથે કોણે આ કુકર્મ કર્યું હશે તેની ચિંતા તેમણે થવા લાગી. માનસિક અસ્વસ્થ દીકરીને આ વિષે તેઓ પૂછે તો કઈ રીતે પૂછે તે એમના માટે મોટો પડકાર હતો. આખરે પીડિતાની માતાએ તેને તેની સૂઝબૂઝથી પીડિતા પાસેથી આ વિષે પૂછપરછ કરી હતી. પોતાના જ ફળિયામાં રહેતો અને પીડિતાના ફોઈનો દીકરો પ્રવીણ રાઠવા જ તેનો ગુનેગાર હોવાનું સામે આવ્યું. આ દરમિયાન પીડિતાએ એક નવજાતને જન્મ આપ્યો તો પોતાની દીકરીને ન્યાય પણ અપાવવો જરૂરી છે. તેમ વિચારી પીડિતાના પિતાએ નવજાતના જન્મના બે દિવસ બાદ કવાંટ પોલીસમાં પોતાના કૌટુંબિક ભાઈ પ્રવીણ રાઠવા સામે ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ થતાં પોલીસે ગણતરીના કલાકોમાજ નરાધમ પ્રવીણ રાઠવાને ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ પોલીસે આ જઘન્ય દુષ્કર્મના આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવાની સાથે તેનું મેડિકલ અને સાથે નવજાત ના ડીએનએ ની તપાસ કરાવી આરોપીના ગુનાના પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે.

 

બીએઆરસીએ ૧૨ સપ્તાહ માટે રેટિંગ્સ પર રોક લગાવી દીધી

ટીઆરપી સાથે છેડછાડનો વિવાદમાં આકરું પગલું
પોલીસે આ કેસમાં પાંચની ધરપકડ કરી છે અને તપાસ ચાલુ છે ત્યારે રેટિંગ એજન્સીનો મહત્વપૂર્ણ નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૬
રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલે બનાવટી ટીઆરપીને લઈને થયેલા હોબાળા વચ્ચે મોટો નિર્ણય લીધો છે. બીએઆરસીએ હાલમાં ન્યૂઝ ચેનલોના સાપ્તાહિક જાહેર થતા રેટિંગ્સ પર રોક લગાવી દીધી છે. ૧૨ અઠવાડિયા માટે તમામ ભાષાઓમાં ન્યૂઝ ચેનલોના રેટિંગ્સ પર અસ્થાયીરૂપે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બીએઆરસીએ જણાવ્યું છે કે ટીઆરપી ડેટાને માપવાની વર્તમાન સિસ્ટમની સમીક્ષા કરવામાં આવશે. તેમાં વધુ સુધારો કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બનાવટી ટીઆરપીનો આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે બીએઆરસીએ હંસ રિસર્ચ ગ્રુપ દ્વારા ફરિયાદ નોંધાવી હતી કે કેટલીક ટીવી ચેનલો ટીઆરપીમાં ચેડાં કરી રહી છે. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આવા કેટલાક પરિવારોને કોઈ ખાસ ચેનલ ચલાવવા માટે લાંચ આપવામાં આવી હતી, જેમાં તેમના ઘરોમાં ટીઆરપી ડેટા એકત્રિત કરવાના ઉપકરણો લગાવાયેલા હતા.
પોલીસે આ કેસમાં ઓછામાં ઓછા પાંચ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં ન્યૂઝ ચેનલના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ સિવાય અર્ણબ ગોસ્વામીની આગેવાની હેઠળ રિપબ્લિક ટીવીના અધિકારીઓની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. તે જ સમયે, રિપબ્લિક ટીવીએ કોઈપણ ગેરરીતિનો ઈનકાર હતી. ગયા અઠવાડિયે, મુંબઈ પોલીસ કમિશનર (સીપી) પરમબીરસિંહે એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે રિપબ્લિક ટીવી, બોક્સ સિનેમા અને ફક્ત મરાઠી ચેનલોએ જાહેરાતોથી વધુ આવક મેળવવા માટે ટીઆરપીમાં ચેડા કર્યા છે. જો કે, રિપબ્લિક ટીવીએ તેમના દાવાને સંપૂર્ણપણે નકારી દીધો છે.
બીએઆરસી ભારતમાં ટીવી ચેનલો માટે દર અઠવાડિયે રેટિંગ પોઇન્ટ પ્રકાશિત કરે છે. બીએઆરસી એ મીડિયા ઉદ્યોગનું જ એક એકમ છે, જેની રચના સચોટ, વિશ્વસનીય અને સમયસર ટીવી વ્યૂઅરશિપને માપવા માટે કરાઈ છે. તે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) ના માર્ગદર્શન અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની ભલામણો હેઠળ કાર્ય કરે છે.

 

મોદી પાસે ૩૧ હજાર રોકડા, FD અને એનએસસીમાં રોકાણ

પ્રધાનમંત્રીએ તેમની મિલકતોની વિગતો રજૂ કરી
ગાંધીનગરમાં મોદીના નામે એક ઘર-સોનાની ચાર વીંટી છે, જેની કિંમત ૧.૧ કરોડ રૂપિયા છે, કોઈ ઉધારી નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
મોટાભાગના ભારતીયોની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના રુપિયા બેંકમાં રાખે છે. તેમણે પોતાની આવકનો મોટો ભાગ ટર્મ ડિપોઝિટ અને સેવિંગ્સ એકાઉન્ટમાં જમા કર્યો છે. ૧૨ ઓક્ટોબરે પ્રધાનમંત્રીએ પોતાની મિલકતોની વિગતો રજૂ કરી છે. ૩૦ જૂન સુધીમાં વડાપ્રધાન મોદીની કુલ સંપત્તિ ૧,૭૫,૬૩,૬૧૮ રૂપિયા હતી. ૩૦ જૂનના રોજ તેમની પાસે ૩૧,૪૫૦ રૂપિયાની રોકડ રકમ હતી. ગયા વર્ષની સરખામણીએ તેમની ચલ સંપત્તિમાં ૨૬.૨૬ ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ તેમના પગારમાંથી બચત અને ફિક્સ્ડ ડિપોઝિટમાંથી વ્યાજના પુનઃ રોકાણનો સમાવેશ છે.
૩૦ જૂનના રોજ મોદીના બચત ખાતામાં ૩.૩૮ લાખ રૂપિયા હતા. તેમણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)ની ગાંધીનગર શાખામાં ફિક્સ્ડ ડિપોઝિટ કરી છે. ગયા વર્ષે તેની કિંમત ૧, ૨૭, ૮૧,૫૭૪ રૂપિયા હતી. જે વધીને ૩૦ જૂન, ૨૦૨૦ સુધીમાં ૧, ૬૦, ૨૮,૦૩૯ થઈ ગઈ છે. મોદીએ ટેક્સ બચાવવા માટે નાણાં મૂક્યાં છે. તેમનું રોકાણ લાઇફ ઇન્શ્યોરન્સ ઉપરાંત નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્‌સ (એનએસસી) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડમાં છે. તેમણે એનએસસીમાં વધુ પૈસા રોક્યા છે અને તેમનું વીમા પ્રીમિયમ પણ ઘટી ગયું છે. મોદી પાસે ૮,૪૩,૧૨૪ રુપિયાના એનએસસી છે અને વીમા પ્રીમિયમ ૧,૫૦,૯૫૭ રૂપિયા સુધી ભરે છે. જાન્યુઆરી ૨૦૧૨માં તેમણે ૨૦,૦૦૦ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ખરીદ્યા હતા જે હજુ સુધી મેચ્યોર નથી થયા.
વડાપ્રધાનની સ્થાવર મિલકતોમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી. છેલ્લી વિગતો મુજબ ગાંધીનગરમાં તેમના નામે એક ઘર છે, જેની કિંમત ૧.૧ કરોડ રૂપિયા છે. આ ઘરનો માલિકી હક્ક મોદી અને તેમના પરિવારનો છે. મોદી પર કોઈ ઉધારી નથી અને તેઓ પાસે કોઈ કાર પણ નથી. તેમની પાસે સોનાની ચાર વીંટી છે.
ગત વર્ષની લોકસભા ચૂંટણી માટે દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં મોદીએ કુલ ૧.૪૧ કરોડ રૂપિયાની સંપત્તિ બતાવી હતી. ત્યારે બેંકમાં તેમના ૧.૨૭ કરોડ રૂપિયા જમા હતા. કેન્દ્રીય મંત્રીઓએ પોતાની મિલકતોની વિગતો આપવાની પદ્ધતિ ૨૦૦૪માં અટલ બિહારી વાજપેયી સરકારમાં શરૂ કરવામાં આવી હતી. સાંસદોએ પણ દર વર્ષે તેમના પરિવારની આવક જાહેર કરવી પડે છે. લોકપાલ અને લોકાયુક્ત એક્ટ વર્ષ ૨૦૧૩ બાદથી તમામ સરકારી કર્મચારીઓ માટે તેમની વાર્ષિક આવકની માહિતી સાર્વજનિક કરવી ફરજિયાત છે.
વડાપ્રધાન ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત મોટાભાગના વરિષ્ઠ મંત્રીઓએ તેમની સંપત્તિની વિગતો આપી છે. રામદાસ અઠાવલે, બાબુલ સુપ્રિયો સહિત કેટલાક જુનિયર મંત્રીઓએ હજુ સુધી આ માહિતી સાર્વજનિક કરી નથી.

 

આરોપી અલ્વાને ઝડપવા વિવેક ઓબેરોયના ઘરે રેડ

સેન્ડલવૂડ ડ્રગ્સ કેસમાં બેંગલુરૂ સેન્ટ્રલ ક્રાઈમની કાર્યવાહી
અભિનેતનો સાળો ડ્રગ્સ કેસમાં આરોપી હોઈ તેની સામે વોરંટ નિકળતા સીસીબીએ સઘન તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૧૫
બેંગલુરુ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (સીસીબી)એ બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરોયના ઘરે દરોડા પાડ્યા છે. વિવેકની પત્નીના ભાઈ આદિત્ય અલ્વા બેંગલુરુ ડ્રગ્સ કેસમાં આરોપી છે. પોલીસે આદિત્યને શોધવા માટે વિવેકના મુંબઈ સ્થિત નિવાસસ્થાને રેડ પાડી હતી. આદિત્ય વિરુદ્ધ કેસ દાખલ થયો ત્યારથી તે ભાગી છૂટ્યો છે. સીસીબીએ કોર્ટ વોરંટ સાથે વિવેકના ઘરે તપાસ કરી હતી.
સીસીબી દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, કોટનપેટ કેસમાં આદિત્ય અલ્વા ફરાર છે. વિવેક ઓબેરોય તેમના સંબંધી છે, અમને સૂચના મળી હતી કે અલ્વા તેમને ત્યાં સંતાયો છે. તેથી અમે તપાસ કરવા માગતા હતા. જેથી કોર્ટ વોરંટ સાથે સીસીબીની ટીમ મુંબઈમાં વિવેક ઓબેરોયના ઘરે ગઈ હતી.
તમને જણાવી દઈએ કે બોલિવુડ ડ્રગ કેસની જેમ સાઉથમાં છેલ્લા કેટલાક સમયથી સેન્ડલવુડ ડ્રગ કેસમાં ઘણાં મોટાં નામ સામે આવ્યાં છે. આ ડ્રગ કેસમાં રાગિણી દ્વિવેદીનું નામ પણ છે. સીસીબીની ટીમે આદિત્યના ઘરે સીસીબીની ટીમે પહેલા જ દરોડા પાડ્યા હતા.
આ હાઈ પ્રોફાઈલ ડ્રગ કેસમાં ઘણાં મોટાં નામો સામે આવ્યા છે. કેટલાક પેડલર્સની ધરપકડ પણ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા પૈકી એક આરોપીએ આદિત્ય અલ્વાના નામ આપ્યું હતું. તે સમયે હેબ્બલ નજીક આવેલા આદિત્ય અલ્વાના ઘરે તપાસ કરવામાં આવી હતી. આ માહિતી બેંગલુરુના જોઈન્ટ કમિશનર ક્રાઈમ સંદીપ પાટિલે આપી હતી.
આદિત્ય અલ્વા પૂર્વ મંત્રી જીવરાજ અલ્વાનો દીકરો છે. કહેવાય છે કે હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં આદિત્ય મોટાભાગે જોવા મળતો હતો. તેની બહેન પ્રિયંકા અલ્વાના લગ્ન વિવેક ઓબેરોય સાથે થયા છે. સેન્ડલવુડ ડ્રગ કેસમાં અત્યાર સુધી એક્ટ્રેસ રાગિણી દ્વિવેદી ઉપરાંત ડ્રગ્સ પેડલર્સ રવિશંકર, શ્રી પ્રકાશ, રાહુલ શેટ્ટી, વિરેન ખન્નાની ધરપકડ કરવામાં આવી છે. રાગિણીએ ડ્રગ ટેસ્ટ દરમિયાન પેશાબમાં પાણી મિક્સ કરીને સેમ્પલ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફરીથી તેમના નમૂના લીધા.

 

મુલાયમ સિંહ યાદવ કોરોના પોઝિટિવ

મુલાયમ સિંહને હોસ્પિટલમાં દાખલ કરાયા
મુલાયમ સિવાય તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને મુલાયમ હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનઉ,તા.૧૫
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સિંહ સિવાય તેમની પત્ની સાધનાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુલાયમસિંહ યાદવમાં કોરોનાનાં લક્ષણો નથી. જો કે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. તેમની પત્ની સાધનાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જણાવી દઈએ કે ઓગસ્ટની શરૂઆતમાં તબિયત લથડતા મુલાયમસિંહ યાદવને મેદાંતામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૮૦ વર્ષીય મુલાયમને મૂત્રાશયમાં ચેપની સમસ્યા આવ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થિતિ સુધરતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. માજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવ ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન રહ્યા છે. તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૬૦થી કરી હતી. વ્યવસાયે શિક્ષક એવા મુલાયમસિંહે ૧૯૬૭માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. મુલાયમસિંહ યાદવ કટોકટી દરમિયાન પણ ખૂબ સક્રિય રહ્યા હતા અને જેલમાં જતા વિપક્ષી નેતાઓમાં તેમનું નામ હતું. વર્ષ ૧૯૭૭ માં તેઓ પ્રથમ વખત ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રધાન બન્યા. આ પછી, તેમણે યુપીમાં જનતા દળ અને લોકદળના વડા તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો અને ૧૯૮૯ માં પ્રથમ વખત દેશના સૌથી મોટા રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા. ૧૯૯૨માં તેમણે સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી અને ૧૯૯૩ થી ૯૫ દરમિયાન બીજી વખત મુખ્યમંત્રીનો હવાલો સંભાળ્યો. મુલાયમસિંહ યાદવે કેન્દ્ર સરકારમાં પણ તેમની ભૂમિકા ભજવી હતી અને દેશના સંરક્ષણ પ્રધાન પણ હતા. વર્ષ ૨૦૦૩-૦૭ સુધી તેઓ ત્રીજી વખત રાજ્યના મુખ્ય પ્રધાન હતા.

 

બજારમાં કડાકો, રોકાણકારોના એક દિવસમાં જ ૩.૩ લાખ કરોડ ડૂબ્યા

નબળા વૈશ્વિક સંકેતોને લીધે બજારમાં તેજીની ચાલ અવરોધાઈ
લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ઘટની ૧૫૭.૨૨ લાખ કરોડ થઈ, સેન્સેક્સ ૧૦૬૬ અને નિફ્ટી ૨૯૦ પોઈન્ટ તૂટ્યો : એશિયન પેઇન્ટ્‌સ ગ્રીનઝોનમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
લગભગ ૨૦ દિવસ બાદ શેરબજારમાં આજે તીવ્ર ઘટાડો નોંધાયો છે. ૪૧ હજાર તરફ ઝડપથી વધી રહેલો સેન્સેક્સ ૩૯૭૦૦ ની સપાટી પર આવી ગયો છે. નિફ્ટી પણ ૧૧૬૬૦ ની સપાટીએ પહોંચી ગયો છે. તે ૩૦૦ પોઇન્ટની નજીક ગિરાવટ આવી. સેન્સેક્સ ૧૦૬૬ પોઈન્ટ તૂટીને ૩૯૭૨૮ અને નિફ્ટી ૨૯૦ પોઇન્ટના ઘટાડા સાથે ૧૧૬૮૦ પર બંધ થયો છે. અહેવાલો મુજબ, રોકાણકારોના ૩.૩ લાખ કરોડ રૂપિયા આજે ડૂબી ગયા. બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ઘટીને ૧૫૭.૨૨ લાખ કરોડ થઈ ગઈ છે. સેન્સેક્સના ૩૦માં ફક્ત એક જ એશિયન પેઇન્ટના શેર ગ્રીન ઝોનમાં બંધ થયા છે. સૌથી વધુ નુકસાન બજાજ ફાઇનાન્સિયલ સર્વિસીસ, ટેક મહિન્દ્રા અને ઈન્ડસઇન્ડ બેંકને થયું હતું. તેમના શેરમાં ૪ ટકા અને તેથી વધુ ઘટાડો થયો છે. યુ.એસ. દ્વારા ટૂંક સમયમાં જ અન્ય રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી. જો કે, આ સંભાવનાઓ પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે બજારમાં નેગેટિવ સેન્ટિમેટ ગઈ છે. આ સિવાય અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવ ફરીથી ચર્ચામાં છે. યુ.એસ.ના વિદેશ વિભાગે ચાઇનાની એન્ટ જૂથ જેને અલીબાબ કહે છે, તેને વેપાર બ્લેકલિસ્ટમાં મૂકવા હાકલ કરતો ઠરાવ રજૂ કર્યો છે. અલીબાબે હાલમાં આઈપીઓ લાવવાની તેયારી શરૂ કરી છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી શેરબજારમાં સતત વધારો જોવા મળ્યો હતો. ૨૯ સપ્ટેમ્બરના અપવાદ સિવાય સેન્સેક્સ ૨૫ સપ્ટેમ્બરથી સતત તેજી સાથે બંધ થઈ રહ્યો છે. ૨૪ સપ્ટેમ્બરે સેન્સેક્સ ૩૬૫૫૩ ના સ્તરે બંધ રહ્યો હતો. તે ૧૪ ઓક્ટોબરના રોજ ૪૦૭૯૪ ના સ્તરે બંધ રહ્યો હતો. છેલ્લા ત્રણ સપ્તાહમાં તે ૪૨૦૦ પોઇન્ટથી વધ્યો છે. નબળાં ગ્લોબલ સંકેતોને કારણે શેર બજારમાં આજે કડાકો બોલી ગયો છે. કારોબારની શરૂઆતમાં સેંસેક્સમાં મામૂલી વધારો થયો હતો. પણ કારોબારના અંતમાં શેર બજારમાં હડકંપ મચી ગયો હતો. લગભગ ૨૦ દિવસો સુધી શેર બજારમાં આજે જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં ૨.૬૧% ટકાના કડાકો બોલાયો હતો. ૪૧ હજારની સપાટી નજીક પહોંચેલો આજે કડાકાને કારણે ૩૯,૭૨૮.૪૧ના સ્તરે પહોંચી ગયો હતો. તો નિફ્ટી પણ ઊંધા માથે પટકાઈ હતી. નિફ્ટીમાં એટલે કે ૨.૫૨ ટકાના ઘટાડા સાથે ૧૧૬૬૦ના સ્તર પર બંધ થયો હતો. દેશની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસના ત્રિમાસિક પરિણામ જાહેર થયા છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં કંપનીને ૨૦ ટકાથી વધારેનો નફો થયો હતો. ગુરુવારે શરૂઆતના કારોબાર દરમિયાન ઈન્ફોસિસના શેર ૨ ટકાથી વધારે મજબૂત થયા હતા. જો કે, થોડા સમયમાં જ નફો મેળવવાની દોડ મચતાં ઈન્ફોસિસના શેર ૩ ટકાથી વધારે ઘટી ગયા હતા. અન્ય આઈટી કંપનીઓના શેરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. શેર બજારની આ દોડધામથી રોકાણકારોનાં લગભગ ૩ લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. બુધવારે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૧,૬૦,૫૬,૬૦૫.૮૪ કરોડ રૂપિયા હતું. જે આજે ઘટીને ૧,૫૭,૬૫,૭૪૨.૮૯ કરોડ રૂપિયા થઈ ગયું છે. આજના કારોબારમાં આઈટી શેરોમાં જોરદાર વેચાવલી જોવા મળી રહી છે. નિફ્ટી પર ઈન્ડેક્સ ૭૧૮.૩૦ અંક એટલે કે ૩.૨૩ ટકા તૂટી ગયો છે. એચસીએલ ટેક અને માઈન્ડ ટ્રીમાં ૫ ટકા ઘટ્યો છે. ટૂસીએસ અને વિપ્રો ૨ ટકાથી વધારે ઘટ્યો છે. ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસના શેર પણ ૩-૪ ટકા તૂટ્યા છે.

 

નવરાત્રીમાં આરતી માટે પોલીસની મંજૂરી અનિવાર્ય

સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પરવાનગી મળશે
સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી મેળવીને જાહેરમાં ગરબી/મૂર્તિની સ્થાપના, પૂજા અને આરતી કરી શકાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૫
કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન જાહેર અને શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી મેળવીને જાહેરમાં ગરબી/મૂર્તિની સ્થાપના, પૂજા અને આરતી કરી શકાશે. પૂજા અને આરતીના કાર્યક્રમ દરમિયાન ૨૦૦ કરતા વધુ લોકો એકત્રિત થઈ શકશે નહીં. તારીખ ૧૭ ઓક્ટોબર, શનિવારના રોજ નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે સોસાયટી-ફ્લેટમાં આરતી માટે પણ પોલીસની મંજૂરી લેવી પડશે. અમદાવાદમાં નવરાત્રીના તહેવાર સંબંધિત પોલીસની સ્પષ્ટતા સામે આવી છે. નવરાત્રીમાં આરતી માટે પોલીસની મંજૂરી લેવી પડશે. એક કલાકની આરતી અને પૂજાના કાર્યક્રમમાં સોસાયટી અને ફ્લેટમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. પ્રસાદની વહેંચણી પેકેટમાં કરવાની રહેશે. સોસાયટી અને ફ્લેટના પ્લોટની ક્ષમતા પ્રમાણે માણસો ભેગા કરી શકાશે. સરકારે ૨૦૦ લોકોની મંજૂરી આપી છે. જ્યારે કન્ટેઇનમેન્ટ ઝોનમાં આરતી માટે મંજૂરી નહી મળે.સોસાયટી અને ફ્લેટમાં પૂજા અને આરતીના કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવા સહિત કોરોનાની અન્ય ગાઈડલાઈન્સનું લોકોએ પાલન કરવાનું રહેશે. દરેક સોસાયટી-ફ્લેટમાં આરતી અને પૂજાના એક કલાકના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી લેવી પડશે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી આ પરવાનગી મેળવવાની રહેશે. જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી નવરાત્રીમાં આરતી અને પૂજાના કાર્યક્રમ માટેની પરવાનગી મળી શકશે. જે લોકોએ પરમિશન નથી લીધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

પાંજરાપોળોને પ૦ લાખ અને મેડિકલ સામાન અર્પણ કરાયા

નમ્રમૂનિ મહારાજના પ૦મા જન્મદિને મુખ્યમંત્રીએ
રાજ્યમાં તાલુકા-ગામોમાં પશુઓને સ્થળ ઉપર સારવાર મળે તે માટે રપ૦ ફરતા પશુ દવાખાના કાર્યરત કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૫
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે જીવદયા રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગાંધી-સરદાર સાહેબનું ગુજરાત અહિંસાને વરેલું રાજ્ય છે, સાથોસાથ અબોલ પશુજીવો સહિત જીવમાત્રનો વિચાર અને સંવેદનાથી ઇઝ ઓફ લીવીંગ, કરૂણા, પ્રેમ, દયા અને અનુકંપાનું વાતાવરણ રાખવું છે. તમામ જીવોને અભયદાન રાજ્યની ફરજ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી રાષ્ટ્રસંત ગુરૂદેવ પૂજ્ય નમ્રમૂનિ મહારાજ સાહેબના પ૦મા જન્મદિન ઉપલક્ષ્યમાં રાજ્યની નાની-નાની પ૦ પાંજરાપોળોને મેડીકલ વેટરનીટી, દવાઓ માટે પ્રત્યેકને રૂ. ૧ લાખના ચેક અર્પણ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરી રહ્યા હતા.સમસ્ત મહારાજનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગિરીશભાઇ શાહ સહિત રાજ્યની વિવિધ પાંજરાપોળના ૯ જેટલા અગ્રણીઓ-પ્રતિનિધિઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીએ પ્રતિકરૂપે વિરમગામ અને ભાણવડ પાંજરાપોળના સંચાલકોને રૂ. ૧-૧ લાખના ચેક અર્પણ કર્યા હતા.વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે જીવદયા અને અબોલ પશુઓની સારવાર-કલ્યાણના અનેક પ્રકલ્પો વેગવાન બનાવ્યા છે. ઘાયલ પશુઓની સારવાર માટે કરૂણા એમ્બ્યુલન્સ અને એનીમલ હેલ્પલાઇન કાર્યરત કરી છે. એટલું જ નહિ, રાજ્યના અંતરિયાળ વિસ્તારોના તાલુકા-ગામોમાં પશુઓને સ્થળ પર સારવાર સુશ્રુષા આપવા રપ૦ એમ્બ્યુલન્સ ફરતા પશુદવાખાના તરીકે શરૂ કરી છે. આ મોબાઇલ એનિમલ ડિસ્પેન્સરીનું સંચાલન પણ આપાતકાલ માનવ સેવામાં શ્રેષ્ઠ પૂરવાર થયેલ ૧૦૮ એમ્બ્યુલન્સના સંચાલક ય્ફદ્ભને આપ્યું છે.મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, કોરોના સંક્રમણના આ કપરાકાળમાં પશુધનને ઘાસચારો મળી રહે તે માટે પશુદીઠ રૂ. રપની સહાય સરકારે મંજૂર કરી છે અને ચૂકવી છે.રાજ્યની પાંજરાપોળોને પોતાની માલિકીની જમીનમાં ઘાસચારો ઉગાડી પશુઓને આપી શકે અને અછતના સમયે ઘાસની તંગી ન પડે તે માટે ઘાસચારો ઉગાડવા ૧૦૦ કરોડ રૂપિયાની કુલ સહાય ટયૂબવેલ, સોલાર ઇલેકટ્રીક પેનલ વગેરે માટે આપીને પશુઓની સેવા-ચિંતાનો ભાવ દર્શાવ્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.મુખ્યમંત્રીએ આ અવસરે એવો ઉલ્લેખ પણ કર્યો કે, ખાસ કરીને કચ્છમાં પશુઓને ઘાસચારાની તંગી ન પડે તે માટે વન વિભાગ દ્વારા નલિયામાં ઘાસના મેદાનો ઊભા કરી ત્યાં પણ ઘાસની ખેતી કરવાનું આયોજન છે. વિજય રૂપાણીએ અબોલ પશુજીવો પ્રત્યે કરૂણા-દયા અને જીવદયાના સંસ્કાર સંતશકિતના આશીર્વાદ અને મહાજનો-સેવા સંગઠનોના સહયોગથી વધુ ઊજાગર કરવાની નેમ પણ દર્શાવી હતી.રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમૂનિ મહારાજ સાહેબે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાણીમાત્રને શાતા, વેદના, પીડામાં રાહત અને અબોલજીવોના જતનની ચિંતા કરનારા સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જીવદયા ભાવ ઊજાળ્યો છે તે માટે અભિનંદન આપ્યા હતા. નમ્રમૂનિ મહારાજ સાહેબે મૂંગા પશુઓના દર્દ, પીડા, વેદનાને ટ્રીટમેન્ટ સારવાર દ્વારા દૂર કરી અનેક અબોલ જીવોના આશીર્વાદ મળે તેવું પૂણ્ય કાર્ય ગુજરાતની ધરતી પર પ્રારંભ થયું છે તેને શ્રેષ્ઠ આશીર્વાદ અને ઉત્તમ મંત્રથી પણ અધિક સેવારૂપ ગણાવ્યા હતા. સમસ્ત મહાજનના ટ્રસ્ટી ગિરીશ શાહે આ સેવાકાર્યની પ્રેરણા પૂજ્ય નમ્રમૂનિ મહારાજ સાહેબના કૃપા આશિષથી મળી છે તેનો ઉલ્લેખ કરતાં નાની પાંજરાપોળોના પશુજીવો માટે આ સારવાર-સેવા મૂંગા પશુજીવો માટે ઉપકારક બનશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

 

ગુજરાતમાં કોરોનાનાં ૧૧૮૫ કેસ : ૧૧ દર્દીનાં મૃત્યુ થયા

૨૪ કલાકમાં ૧૩૨૯ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા
અત્યાર સુધીમાં કુલ ૫૨૧૬૮૮૫ ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ ૧૩૭૮૭૦ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૫
રાજ્યમાં ૧૪મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૧૧૮૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૩૨૯ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૧૧ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને ૧,૫૬,૨૮૩ એ પહોંચી ગયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં સુરતમાં ૨૪૯, અમદાવાદમાં ૧૮૬, વડોદરામાં ૧૧૯, રાજકોટમાં ૧૦૯, જામનગરમાં ૮૨, મહેસાણામાં ૩૩, કચ્છમાં ૩૧, પંચમહાલમાં ૨૩, અમરેલીમાં ૨૪, બનાસકાંઠા ૨૨, સાબરકાંઠામાં ૧૩, મોરબીમાં ૧૯, ભરૂચમાં ૨૮ સુરેન્દ્રનગરમાં ૧૮ કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં ૪૩, જૂનાગઢમાં ૩૪, પાટણમાં ૨૩, ગીરસોમનાથમાં ૧૪, નર્મદામાં ૧૪, ભાવનગરમાં ૧૯, દાહોદમાં ૮, આણંદ ૧૩, બોટાદમાં ૭, ખેડામાં ૭, દેવભૂમિ દ્વારકામાં ૭, છોટાઉદેપુર ૬, મહીસાગરમાં ૧૦, નવસારીમાં ૭, અરવલ્લી ૯, તાપીમાં ૫, વલસાડમાં ૧ મળીને કુલ ૧૧૮૫ કેસ નોંધાયા છે. રાજ્યમાં સરકારી ચોપડે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કુલ ૧૪૮૦૪ દર્દીઓ એક્ટિવ છે, આ પૈકીના ૮૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે ૧૪૭૧૮ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં ૧,૩૭,૮૭૦ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે અત્યારસુધીમાં સરકારી ચોપડે ૩૬૦૦ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દરમિયાન રાજ્યમાં આજે ૫૧,૨૧૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તી જ્યારે રાજ્યનો રિકવરી દર ૮૮.૨૨ ટકાએ પહોચ્યો હતો. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે સાથે ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. દરમિયાન આ બધાની વચ્ચે આજે રાજ્યમાં અમદાવાદમાં ૪, સુરતમાં ૨, વડોદરામાં ૧ અને ગાંધીનગરમાં ૧, પાટણ-મહિસાગર અને તાપીમાં ૧-૧ મળીને કુલ ૧૧ દર્દીના સરકારી ચોપડે નિધન થયા છે. જ્યારે આજે સૌથી વધુ દર્દીઓ સુરત કોર્પોરેશનમાં ૧૭૮ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ સુરતમાં દર્દીઓ અને ડિસ્ચાર્જ ની સંખ્યા સરખી થવા પામી છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૫
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૮૫ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
સુરત કોર્પોરેશન ૧૭૬, અમદાવાદ કોર્પોરેશન ૧૬૮, વડોદરા કોર્પોરેશન ૭૭, રાજકોટ કોર્પોરેશન ૭૫, સુરત ૭૩, જામનગર કોર્પોરેશન ૫૯, વડોદરા ૪૨, રાજકોટ ૩૪, મહેસાણા ૩૩, કચ્છ ૩૧, ભરૂચ ૨૮, અમરેલી ૨૪, ગાંધીનગર કોર્પોરેશન ૨૪, જામનગર ૨૩, પંચમહાલ ૨૩, પાટણ ૨૩, બનાસકાંઠા ૨૨, જુનાગઢ ૨૦, ગાંધીનગર ૧૯, મોરબી ૧૯, અમદાવાદ ૧૮, સુરેન્દ્રનગર ૧૮, ભાવનગર કોર્પોરેશન ૧૫, ગીર સોમનાથ ૧૪, જુનાગઢ કોર્પોરેશન ૧૪, નર્મદા ૧૪, આણંદ ૧૩, સાબરકાંઠા ૧૩, મહીસાગર ૧૦, અરવલ્લી ૯, દાહોદ ૮, બોટાદ ૭, દેવભૂમિ દ્ધારકા ૭, ખેડા ૭, નવસારી ૭, છોટા ઉદેપુર ૬, તાપી ૫, ભાવનગર ૪, પોરબંદર ૨, વલસાડ ૧.