All posts by Sampurna Samachar

બડગામમાં અથળામણમાં ૧ ત્રાસવાદી ઠાર, એક ઝડપાયો

કાશ્મીરમાં આતંકવાદ સામેનું ઓપરેશન તેજ
પકડાયેલા આતંકવાદી પાસેથી એકે ૪૭ રાઈફલ પણ જપ્ત કરાઈ : કાશ્મીર ખીણમાં દળોને મોટી સફળતા મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
શ્રીનગર, તા. ૧૬
જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ મોટી સફળતા હાંસલ કરી છે અને એકે૪૭ રાઇફલ સાથે જીવિત આતંકવાદીની ધરપકડ કરી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમના નાપાક ઇરાદા છોડી રહ્યા નથી. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, એન્કાઉન્ટરની શરૂઆત બડગામના ચદુરા વિસ્તારમાં થઈ હતી. બડગામ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકી માર્યો ગયો હતો, પોલીસ અને સુરક્ષાદળો કાર્યવાહી કરી રહી છે. એસઓજી ચૌડોરાની સંયુક્ત ટીમ, ૫૩ આરઆર અને સીઆરપીએફની સંયુક્ત ટીમ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન રોકાઈ ગયું છે. કાશ્મીરના બડગામના ચડૂરામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં મોટી સફળતા હાંસલ કરતી વખતે સુરક્ષા દળોએ ૪૭ રાઇફલ સાથે જીવતા આતંકવાદીની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના બડગામમાં શુક્રવારે આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ફાયરિંગ અટકી ગયું છે. તેમણે કહ્યું કે આતંકીઓએ ચડૂરા વિસ્તારમાં એક બગીચામાંથી સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ વિસ્તારને ઘેરીને આતંકવાદીઓને શોધવાની કામગીરી ચાલી રહી હતી, જે આતંકવાદીની ધરપકડ બાદ પૂર્ણ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના બડગામના ચડૂરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકવાદી માર્યો ગયો છે. આતંકવાદીની ધરપકડ થયા બાદ પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. આ અગાઉ બુધવારે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં બે અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોને આતંકવાદીઓ છુપાયા હોવાની ખાસ માહિતી મળી હતી, જેના આધારે તેમણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા દળોએ આતંકીઓના ઠેકાણાને ઘેરી લેતાં, ત્યાં છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી, એન્કાઉન્ટર શરૂ થયું. બીજી તરફ,સશસ્ત્ર સીમા દળ (એસએસબી)નો એક જવાન કે જે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં પોતાના કેમ્પમાંથી એકે-૪૭ મેગેઝિન સાથે ભાગી ગયો હતો જેની શુક્રવારે રાજૌરી જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. શ્રીનગરના બડગામ જિલ્લાના નગમ ચડૂરા વિસ્તારમાં બે દિવસ પહેલા એક એન્કાઉન્ટરમાં બે સરકારી એસોલ્ટ રાઇફલો લઈને ભાગી ગયેલા જેહાદીઓના જૂથમાં જોડાયેલો પોલીસ એસપીઓ અલ્તાફ હસન, માર્યો ગયો હતો. હાલમાં પોલીસની સત્તાવાર પુષ્ટિની પ્રતીક્ષા છે. ત્રણ દિવસ પહેલા બડગામથી તેની ઓફિશિયલ ઈન્સાસ રાઇફલ અને મેગેઝિન સાથે ફરાર થઈ ગયેલા એસએસબી જવાનને રાજૌરીથી પકડ્યો છે. એસએસબી જવાનની ઓળખ અલ્તાફ તરીકે થઈ છે અને તે રાજૌરીનો રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસ દ્વારા એસએસબી જવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ આ જવાન પાસેથી હથિયાર લઇને ભાગી જવાના કારણની તપાસ કરી રહી છે. એસએસબીની ૧૪ મી કોર્પ્સમાં તૈનાત અધિકારીઓને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે. કાશ્મીર ખીણમાં ૧૩ ઓક્ટોબરે સરહદ સશસ્ત્ર દળ એસએસબીના જવાન સહિત બે સુરક્ષાકર્મીઓ તેમના સરકારી હથિયારો લઇ ફરાર થઈ ગયા હતા. આ બંને મામલાની નોંધ લઈ પોલીસે ગુમ થયેલ સુરક્ષા કર્મચારીઓને શોધવા સઘન શોધખોળ હાથ ધરી હતી. ગુમ થયેલો એસપીઓ કથિત રીતે જૈશ-એ-મોહમ્મદમાં જોડાયો હોવાનું જાણવા મળે છે. આ વર્ષે પોલીસ કર્મચારી હથિયાર સાથે ફરાર થઈ ગયો હોય અને આતંકવાદીઓ સાથે ભળી ગયો હોય તેવો આ પહેલો કિસ્સો છે. ગુમ થયેલ એસપીઓની શોધખોળ માટે પોલીસે આખા કાશ્મીર ખીણમાં કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ એસપીઓનો હજુ સુધી પત્તો લાગ્યો નથી.આ સંદર્ભે સૈન્યના જવાનો દ્વારા મદદ પણ લેવામાં આવી રહી છે. રાજૌરીનો રહેવાસી અલ્તાફ બડગામ જિલ્લાના ચડૂરા વિસ્તારના નાગમમાં એસએસબીની ૧૪ મી કોર્પ્સમાં પોસ્ટ કરાયો હતો. ૧૩ ઓક્ટોબરના રોજ રાત્રે ૯.૧૫ વાગ્યે તે અચાનક તેની છાવણીમાંથી ગાયબ થઈ ગયો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે આઈએનએસએએસ રાઇફલ અને ડીએ મેગેઝિન પણ લઈ ગયો છે. અલ્તાફ હુસેન રાજૌરી જિલ્લાના રેહાન કોટરંકાનો રહેવાસી છે. તેના કોર્પ્સના કમાન્ડન્ટે ગત બુધવારે સવારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને એફઆઈઆર નોંધવાનો આગ્રહ કર્યો હતો.

 

સુશાંત કેસની તપાસ હજુ ચાલુ જ છે : સીબીઆઈ

તપાસ પૂરી થઈ ગઈ છે તેવા અહેવાલોને રદીયો
સુશાંતના મોતને ૪ મહિના થઈ ચૂક્યા છે અને પરિવાર, ફેન્સ સીબીઆઈના રિપોર્ટ પર મીટ માંડીને બેઠા છેે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૬
સીબીઆઈએ આજે સ્પષ્ટતા કરી છે કે સુશાંત સિંહ કેસની તપાસ હજુ ચાલુ જ છે. આજે સવારે એવા અહેવાલો આવ્યા હતા કે સીબીઆઈએ આ કેસની તપાસ પૂરી કરી લીધી છે, અને તે જલ્દી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. જોકે, આ અહેવાલોને સીબીઆઈએ ફગાવી દીધા છે. સુશાંત સિંહ રાજપૂતના મોતને ૪ મહિના થઈ ચૂક્યા છે. સુશાંતના પરિવાર અને ફેન્સ સહિત આખો દેશ સીબીઆઈના રિપોર્ટ સામે મીટ માંડીને બેઠો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ એમ્સએ સુશાંતનું મોત ગળે ફાંસો ખાવાથી જ થયું હોવાનું દર્શાવતો રિપોર્ટ સોંપ્યો હતો. સુશાંતના મોતને લઈને જાતભાતની અટકળો હતી, જે તમામને એમ્સએ ફગાવી દીધી હતી અને સુશાંતની હત્યા થઈ હોવાનો પણ સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. સીબીઆઈની સાથે ઈડી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો જેવી કેન્દ્રિય તપાસ એજન્સીઓ પણ આ મામલે તપાસ કરી રહી છે. સુશાંતના પરિવારે આક્ષેપ કર્યો હતો કે તેના અકાઉન્ટમાંથી ૧૫ કરોડ રુપિયા જેટલી રકમની ગોલમાલ થઈ છે. જેની ઈડીએ તપાસ શરુ કરી હતી. આ સિવાય આ કેસમાં ડ્રગ્સ એંગલ નીકળતા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સહિતના કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને જેલ પણ થઈ હતી. હાલ તે જામીન પર મુક્ત છે. જો કે, તેના ભાઈ શોવિક ચક્રવર્તીને હજી જામીન મળ્યા નથી. આ તરફ રિયા ચક્રવર્તીએ જેલમાંથી છૂટ્યા બાદ તેની વિરુદ્ધ ખોટું નિવેદન આપનારી તેની પાડોશી સામે કાયદેસરની કાર્યવાહી લીધી છે. પાડોશીએ દાવો કર્યો હતો કે, તેણે ૧૩ જૂનની રાત્રે સુશાંત અને રિયાને સાથે જોયા હતા. બાદમાં સીબીઆઈની પૂછપરછ દરમિયાન તે ફરી ગઈ હતી.

 

ટ્રમ્પનો નાનો પુત્ર પણ કોરોનાનો શિકાર બન્યો હતો

બેરનમાં કોરોનાના લક્ષણો હતા, રિપોર્ટ નેગેટિવ આવ્યો
ંયુએસ રાષ્ટ્રપતિના પત્નીએ પરિવારનાં ત્રણેય સભ્ય એક બીજાનું ધ્યાન રાખતા હોઈ સ્વસ્થ થતા ખુશી વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વાશિંગ્ટન,તા.૧૫
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે જણાવ્યું કે, તેમના ૧૪ વર્ષના દીકરા બેરનને પણ કોરોના થયો હતો. પરંતુ બાદમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. વ્હાઈટ હાઉસ તરફથી શરૂઆતની જાણકારીમાં કેહવાયું હતું કે, બેરનની રિપોર્ટ નેગેટિવ હતી. હકીકતમાં આ મહિનાની શરૂઆતમાં બેરનના પિતા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ફર્સ્‌ટ લડીએ બુધવારે કહ્યું કે, બેરનમાં પણ કોરોનાના લક્ષણો હતો. જોકે તેની રિપોર્ટ નેગેટિવ આવી. મેલાનિયા અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ૧લી ઓક્ટોબરે કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ બાદ મેલાનિયાએ લખ્યું કે, સ્વભાવિક રીતે મારા મનમાં તરત જ દીકરા માટે ચિંતા પેદા થઈ. ટેસ્ટ બાદ તેની રિપોર્ટ નેગેટિવ આવી અને બાદમાં રાહત મળી. જોકે તેઓ આગામી દિવસો વિશે વિચારી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક ભાવુક પત્ર લખતા તેઓ કહે છે, મારો ડર ત્યારે સાચો સાબિત થયો જ્યારે તેનો ફરીથી ટેસ્ટ કરાવાયો અને તે પોઝિટિવ આવ્યો. તેઓ કહે છે, બેરન એક હિંમતવાન છોકરો છે, જેમાં કોરોનાથી સંબંધિત કોઈ લક્ષણો દેખાઈ નથી રહ્યા. મેલાનિયા જણાવે છે કે, આ દરમિયાન અમે ત્રણેય ખુશી અનુભવી રહ્યા હતા, કારણ કે તે સમયે અમે બધા એકબીજાનું ધ્યાન રાખી રહ્યા હતા. આટલું જ નહીં, અમે એકબીજા સાથે સમય પસાર કર્યો. તેઓ કહે છે, આ બાદ તેમના દીકરાની રિપોર્ટ નેગેટિવ આવી. ફર્સ્‌ટ લેડીએ પોતાના દીકરા સંબંધિત રિપોર્ટને ગોપનીયતા બનાવી રાખી હતી. જોકે તેમણે બેરનની પોઝિટિવ રિપોર્ટ સાર્વજનિક કેમ નહોતી કરી તે પાછળનું કોઈ કારણ જણાવ્યું નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ રોજે રેલીઓને સંબોધન કરી રહ્યા છે. જોકે કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમણે પોતાના શિડ્યુલમાં ફેરફાર કરવો પડ્યો હતો. હવે તેઓ એકવાર ફરીથી સ્વસ્થ થઈ જતા પાછા રેલીઓમાં સંબોધન કરવા માટે જઈ રહ્યા છે.

 

ઈજાને લીધે ઋષભ પંત કેટલિક મેચો ગુમાવી શકે છે

ઋષભ પંતના પગના સ્નાયુઓમાં ગ્રેડ એકની ઈજા
પંતની ગેરહાજરીમાં દિલ્હીની ટીમનું સંતુલન બગડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈ,તા.૧૫
દિલ્હી કેપિટલ્સને પોતાના આક્રમક વિકેટકીપર બેટ્‌સમેન ઋષભ પંતની સાતથી દસ દિવસ સુધી સેવાઓ નહીં મળે. મૂળે, તેના પગના સ્નાયુઓમાં ગ્રેડ એકની ઈજા થઈ છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટ શિમરોન હેટમાયરને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે. પંત પોતાની ઈજાના કારણે આ સમગ્ર ટૂર્નામેન્ટથી બહાર થઈ શકે છે. એવામાં દિલ્હી કેપિટલ્સ લલિત યાદવને ટીમમાં સામેલ કરવા પર વિચાર કરી શકે છે. બુધવારે દિલ્હી કેપિટલ્સની મેચ રાજસ્થાન રોયલ્સની સાથે છે. ઈન્ડિયન પ્રિમિયર લીગ માં છેલ્લી વાર જ્યારે બંને ટીમો સામ-સામે આવી હતી તો જીત દિલ્હી કેપિટલ્સની થઈ હતી. અગાઉની મેચમાં કોઈ ભારતીય વૈકલ્પિક વિકેટકીપર નહીં હોવાના કારણે કેપિટલ્સને હેટમાયરને બદલે એલેક્સ કૈરીને ઉતારવા માટે મજબૂર થવું પડ્યું હતું. ટીમે જોકે ઇનિંગના અંતમાં બે આક્રમક બેટિંગની ખોટ વર્તાઈ, કારણ કે શિખર ધવને અણનમ ૬૯ રનની ઇનિંગ ૫૨ બોલમાં રમી. આ મામલાની જાણકારી રાખનારા આઈપીએલના સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, દિલ્હી કેપિટલ્સે સ્કેનનો રિપોર્ટ બીસીસીઆઈની મેડિકલ ટીમને મોકલ્યો છે.
કારણ કે બીસીસીઆઈએ કેન્દ્રીય કોન્ટ્રાક્ટ કરેલા ખેલાડીઓના મામલામાં આવું કરવું અનિવાર્ય કર્યું છે. તેનાથી જાણી શકાય છે કે પંતને ગ્રેડ એકની ઈજા છે. આક્રમક બેટિંગ માટે પંતનો વિકલ્પ લલિત યાદવઋષભ પંતની ગેરહાજરીમાં દિલ્હીની ટીમનું સંતુલન બગડ્યું, કારણ કે તેણે બે આક્રમક ગુમાવ્યા છે. દિલ્હીના હાલના બેટિંગ ક્રમમાં એકમાત્ર વિકલ્પ આક્રમક ઓલરાઉન્ડર લલિત યાદવ છે, જેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-૨૦ ટૂર્નામેન્ટની ૩૦થી વધુ મેચોમાં ૧૩૬થી વધુની સ્ટ્રાઇક રેટથી રન બનાવે છે. આ ઓલરાઉન્ડરને કેપિટલ્સે ૨૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ પર પોતાની ટીમમાં લીધો હતો. નોંધનીય છે કે, એલેક્સી કૈરી વિકેટકીપરના રૂપમાં પ્રબળ દાવેદાર છે, પરંતુ ઓસ્ટ્રેલિયા માટે ૩૦ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં તેઓએ માત્ર ૬ સિક્સર મારી છે. કૈરીને આઈપીએલ ૨૦૨૦ હજારીમાં દિલ્હી કેપિટલ્સે ૪૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

 

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ૧૭ ઑક્ટોબરથી ખુલ્લું મૂકાશે

પ્રવાસીઓ માટે નિયમો તૈયાર કરવામાં આવ્યા
૩૧મી ઑક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે તૈયારીેનો ધમધમાટ : સી-પ્લેનના લેન્ડીંગ માટે જેટી તૈયાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
નર્મદા,તા.૧૫
સ્ટેચ્યુ ઑફ યુનિટી તા.૧૭ ઓક્ટોબરથી ફરી ખુલ્લું મુકાશે. કોવિડ-૧૯ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી. કોવિડ-૧૯ અંતર્ગત સરકારની અનલોક પ્રક્રિયા મુજબ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મુકવા અંગે શ્રેણીબધ્ધ નિર્ણય લેવાયેલ છે. આ નિર્ણયના ભાગરૂપે કેવડીયા ખાતે આવેલા મુખ્ય પ્રવાસન સ્થળો જેવાં કે જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા મોલ, વિગેરે તાજેતરમાં પ્રવાસીઓ માટે ફરી ખુલ્લાં મુકાતાં પ્રવાસીઓ તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો છે. જે જોતાં રાજ્ય સરકારે હવે પ્રવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતાં હતાં તે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને તા. ૧૭ ઓક્ટોબર શનિવારથીએટલે કે પહેલાં નોરતાથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે. આ માટે પ્રવાસીઓની સલામતિની પૂરતી કાળજી લેવા કોવિડ-૧૯ ગાઈડલાઈનના ચુસ્ત પાલન અંગેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સીંગની ચુસ્ત જાળવણી માટે પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત રાખવાનું જરૂરી બનેલ હોવાથી દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓની મર્યાદામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે. જે પૈકી માત્ર ૫૦૦ પ્રવાસીઓને ૧૯૩ મીટરના લેવલ પર આવેલ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટો દર બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે જ અધિકૃત ટીકીટીંગ વેબસાઇટ ઉપરથી મળી શકશે. પ્રવાસીઓને તેમણે જે બે કલાકના સ્લોટની ટીકીટ ખરીદેલ હોય તે જ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ સી-પ્લેન અમદાવાદની સાબરમતીથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર ૩ ખાતે શરૂ થનાર છે, અને આગામી ૩૧ઑક્ટોબરના રોજ સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજનાર છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને ઉદ્દઘાટન કરનાર છે. તો આ સી પ્લેન જે સ્થળે ઉતરવાનું છે, તે તળાવ નંબર ૩ પાસે સીપ્લેન માટેની જેટી બનવવાનું કામ પૂર્ણતાના આરે છે. જે અંગે નર્મદા નિગમ દ્વારા તૈયારી શરૂ કરી દીધી છે. આજે જેટી બનાવવા માટે કોન્ક્રીટનાં ૬ પોન્ટુન, મુંબઈથી લાવવામાં આવ્યા છે જેને જોડીને અહીંયા ફ્લોટિંગ જેટી બનાવવામાં આવી છે.

 

મેડિકલ ઓક્સિજનમાં છેલ્લા પાંચ દિવસમાં ૨૦% ઘટાડો

મહિના પહેલા મેડિકલ ઓક્સિજનની ખૂબ માગ હતી
૭ ઓક્ટોબરે ૨૦૯ મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનનો ઉપયોગ થયો,૧૨ ઓક્ટોબરે ઘટી ૧૬૮ મેટ્રિક ટને પહોંચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૫
લગભગ એક મહિના પહેલા રાજ્યને મેડિકલ ઓક્સિજનની ખૂબ જ જરૂર હતી, જેણે રાજ્ય સરકારને કોવિડ-૧૯ના દર્દીઓ માટે ઓક્સિજનનો જથ્થો સુવ્યવસ્થિત કરવા માટે પ્રેરિત કર્યા હતા. હવે એક મહિનાના સમયગાળામાં ઓક્સિજનની માગમાં ઘટાડો થયો છે. ૭ ઓક્ટોબરે ૨૦૯ મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનનો ઉપયોગ થયો હતો, જે આંકડો ૧૨ ઓક્ટોબરે ઘટીને ૧૬૮ મેટ્રિક ટન પર પહોંચ્યો હતો. ૨૧ સપ્ટેમ્બરની વાત કરીએ તો, પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ગુજરાતમાં એ દિવસે ૨૪૦ મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની જરૂર પડી હતી. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં આ સૌથી ઓછી દૈનિક માગ છે, જ્યાં સરેરાશ દૈનિક માગ આશરે ૨૦૦ મેટ્રિક ટન છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. જેપી મોદીએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના દર્દીઓ માટે ઓક્સિજન મહત્વપૂર્ણ છે કારણ કે, તે દવા જેટલો સારો છે. ’હાલના સમયમાં ઓક્સિજન પર દર્દીઓ હોય તેવા ૫૦ ટકા બેડ છે, જે છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા છે’, તેમ તેમણે કહ્યું હતું. શહેરની હોસ્પિટલોએ બે પરિબળો વિશે વાત કરી હતી- કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં એકંદર ઘટાડો અને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યામાં ઘટાડો-આ બાબત માટે જવાબદાર છે. ’છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોવિડ-૧૯ સંક્રમણની ગંભીરતા થોડી ઓછી થઈ છે, જેના પરિણામરૂપે તેવા દર્દીઓની પણ સંખ્યા ઘટી છે જેમને ઓક્સિજન આપવાની જરૂર હતી’, તેમ શેલ્બીહોસ્પિટલના ગ્રુપ સીઓઓ ડો. નિશિતા શુક્લાએ જણાવ્યું હતું. તેમણે તેમ પણ કહ્યું કે, દેશમાં અન્ય કેટલીક જગ્યાઓમાં પણ આવું વલણ જોવા મળી રહ્યું છે.

 

જૂનાગઢ : ૨૪મી ઓક્ટોમ્બરે ગિરનાર રોપ-વેનું લોકાર્પણ

ગિરનાર રોપ-વેના લોકાર્પણની તારીખ નક્કી
ગગનચૂંટબી ગિરનાર પરથી એશિયાનો સૌથી મોટો રોપવે ખૂલ્લો મૂકવાની તૈયારીઓ પૂર દોરમાં ચાલી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ,તા.૧૫
જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ગિરનાર રોપ-વેના લોકાર્પણનો દિવસ નજીક આવી ગયો છે. આગામી ૨૪મી ઑક્ટોબરને ગિરનાર રોપવેના લોકાર્પણની તારીખ નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીના સ્વપ્નનો આ પ્રોજેક્ટ વર્ષો સુધી અટવાયા બાદ પૂરજોશમાં ચાલી રહ્યો હતો ત્યારે આગામી ૨૪મી ઑક્ટોબરે ગિરનાર રોપૃવે પ્રોજેક્ટને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે. વડાપ્રધાન મોદી ગિરનાર રોપ-વે પ્રોજેકટનું ઇ લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે ગિરનારના અંબાજી સુધીનો આ રોપવે જૂનાગઢ – એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેકટ છે. અંબાજી સુધીનું અંતર જ ૫૦૦૦ કરતાં વધુ પગથિયાનું છે ત્યારે આ રોપવે એક બેંચ માર્ક સાબિત થશે. હાલમાં ગિરનાર રોપ-વે માટે આવેલી ટ્રોલીનું ટ્રાયલ રોજ કરવામાં આવે છે. લોડ ટ્રાયલ સાથે એર વેન્ટિલેશન વગેરેનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. ગિરનાર રોપ-વેની ઊંચાઇ અને હવાના દબાણને ધ્યાનમાં રાખતા આ રોપ-વેની ટ્રોલી કાચ વાળી પેક રાખવામાં આવશે. રોપ-વેમાં સેફ્ટિની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને કોઈ હોનારત થાય તો રેસ્ક્યૂ માટેના કેટલાક પોઇન્ટ નક્કી કરવાં આવ્યા છે. ગિરનાર રોપવે માટે વર્ષો સુધી રાહ જોવામાં આવી હતી. રોપવેના પ્રથમ નક્કી કરાયેલા રૂટમાં ગિરનારી ગીધના માળા આવતા હોવાથી તે રૂટ પડતો મૂકવાની ફરજ પડી હતી. એક સમયે તો કેન્દ્રની યુપીએ સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, વડાપ્રધાન મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શિલાન્યાસ કરવામાં આવેલા પ્રોજેક્ટને પર્યાવરણની લીલી ઝંડી મળ્યા બાદ નવો રૂટ પસંદ કરવામાં આવ્યો હતો. નિયત સમય મુજબ ગત વર્ષે દિવાળીએ જ પ્રોજેક્ટ શરૂ કરવાની ગણતરી હતી પરંતુ ગિરનાર રોપવની ટેકિનિકલ ચેલેન્જીસ અને ત્યાર બાદ કોરોના વાયરસના કારણે આવેલા લોકડાઉનના લીધે આ પ્રોજેક્ટ અટવાયા કર્યો હતો. જોકે, પ્રાપ્ત અહેવાલો મુજબ આગામી ૨૪મી ઑક્ટોબરે આ રોપવે વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે.

 

નવરાત્રીના દિવસો દરમિયાન અંબાજી મંદિર ખુલ્લું રહેશે

અંબાજી મંદિર અને ગબ્બર બંને ખુલ્લા રહેશે
કોરોનાના લીધે ચાલુ વર્ષે મંદિરના દર્શન ચાલુ રહેશે પરંતુ ગરબાનું આયોજન નહીં કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અંબાજી,તા.૧૫
કોરોનાકાળમાં અનેક મંદિરો નવરાત્રિમાં બંધ રહેવાના છે. તો બીજી તરફ, સરકારે ગરબાના આયોજન પર મુકેલા પ્રતિબંધથી માતાજીના આરાધકોમાં નિરાશા જોવા મળી છે. પરંતુ આ વચ્ચે એક સારા સમાચાર એ છે કે, ૫૧ શક્તિપીઠમાંથી એક એવા આદ્યશક્તિ મા અંબાનું મંદિર અને તેમનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ધામ નવરાત્રિમાં ભાવિક ભક્તો માટે ખુલ્લું રહેશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બરની ફરતે સ્થાપિત કરાયેલી ૫૧ શક્તિપીઠોની પ્રતિકૃતિને કારણે ભક્તોને અહીં એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શનનો દુર્લભ લ્હાવો સાંપડે છે. રાજ્ય સરકારની સુચના અનુસાર ચાલુ વર્ષે અંબાજીમાં ગરબાનું આયોજન રદ્દ કરાયું છે, પરંતુ નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. કોરોનાના પગલે અંબાજી દર્શન માટે પધારતા ભક્તોના આરોગ્યની સલામતી પર વિશેષ ભાર મુકતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકારની કોવિડ ૧૯ અંગેની માર્ગદર્શિકા મુજબની તમામ સુવિધા અને વ્યવસ્થા મંદિર પરિસર અને મૂળ સ્થાન શક્તિપીઠ ગબ્બર પર્વતે કરવામા આવી છે. આ ઉપરાંત સ્થાનિક લોકો, ઓટો અને ટેક્સી ચાલકો, ધર્મશાળા અને હોટલો દ્વારા દર્શનાર્થીઓને કોરોનાથી બચાવવા માટેના સ્વાસ્થ્ય સંબંધી પગલાં લેવામાં આવી રહ્યા છે. ૧૬૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું માં અંબાનું મૂળ સ્થાન શક્તિપીઠ ગબ્બર પર્વત અંબાજી ધામ પણ ભાવિકભક્તો માટે ખુલી ગયું છે. માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન ગબ્બર પર્વત અંબાજીથી ત્રણ કિમીના અંતરે સ્થિત છે. માતાજીના ૫૧ શક્તિપીઠોમા પ્રમુખ શક્તિપીઠ મૂળ સ્થાન ગબ્બર પર્વત ઉપર મા અંબાજીના અખંડ જ્યોતના સંપૂર્ણ દર્શન માટે રોપવે (ઉડનખટોલા) યાત્રિકોની સેવામાં તકેદારી અને સભાનતાની સાથે કાર્યરત રહેશે. અરવલ્લીની ગિરિમાળામા ગબ્બર પર્વત વર્ષો જુનો છે. દેવી સતીનું હૃદય આ સ્થાન પર પડેલ હોવાથી હદયપીઠ પણ કહેવામાં આવે છે. ગબ્બર પર્વત ઉપર હજારો વર્ષોથી માં ની અખંડ જ્યોત પ્રજ્વલિત છે. માં અંબાના પવિત્ર પ્રાગટ્ય સ્થાને માંના પગલા અને રથના નિશાન આજે પણ મોજુદ છે. માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણનો ચૌલકર્મ (બાબરી) વિધિ ગબ્બર પર્વત ઉપર થઇ હતી. ગબ્બર પર્વત સ્થિત પારસ પીપળીના વૃક્ષ પર મહિલાઓ અખંડ સૌભાગ્યની રક્ષા માટે દોરો અને બંગડી બાંધે છે. અતિ પ્રાચીન સમયમા રાવણને મારવા માટે માં અંબાએ પવિત્ર પ્રાગટ્ય સ્થાન ગબ્બર ઉપર રામને અજય બાણ આપ્યું હતું, જે બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. આ પવિત્ર સ્થાન ૫૧ શક્તિપીઠોમાં હૃદયસમાન છે. ગબ્બર ઉપર માં અંબાની અખંડ જ્યોત પ્રજ્વલિત હોય છે, જે હાલના અંબાજી મંદિરથી સીધી લીટીમા દેખાય છે. તો બીજી તરફ, ખેડબ્રહ્મામાં અંબિકા માતાજી મંદિરના ચોકમાં નવરાત્રિમાં ગરબા નહિ યોજવાનુ નક્કી કરાયુ છે. મંદિરના ટ્રસ્ટીઓએ કોરોનાની મહામારીને લઈને ગરબા નહિ કરવા નિર્ણય લીધો છે. નવરાત્રિમાં મંદિરમાં માતાજીનું ઘટ સ્થાપન, પૂજન અને આરતી થશે. પરતુ માતાજીના દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. ભક્તો નવરત્રિમાં માતાજીના દર્શન કરી શકશે. ભક્તો ઘેર બેઠા પણ માતાજીના દર્શન સોશિયલ મીડિયા દ્વારા કરી શકશે.

 

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ભાજપમાં જોડાયા

પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં ભંગાણ
પોતે પ્રબળ દાવેદાર હોવા છતાં ટિકિટ ન મળતા કિશોર ચીખલિયાએ કૉંગ્રેસથી નારાજ થતા પક્ષ પલટો કરી લીધોે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબી,તા.૧૫
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવામાં થોડા જ દિવસો બાકી છે ત્યારે આજે મોરબી કૉંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. ટિકિટ વહેંચણીથી નારાજ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલિયાએ બીજેપીનો ખેસ ધારણ કર્યો છે. પોતે પ્રબળ દાવેદાર હોવા છતાં, ટિકિટ ન મળતા કિશોર ચીખલિયા કૉંગ્રેસથી નારાજ થતા આ પગલું ભર્યું છે. મોરબી બેઠક પર કૉંગ્રેસે જયંતિ જેરાજને ટિકિટ આપતા કિશોર ચીખલિયા નારાજ થયા હતા. ત્યારે આજે જ્યારે ભાજપ કાર્યાલયના ઉદ્ધાટન સમયે કિશોર ચીખલિયા ભાજપમાં જોડાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કિશોર ચીખલીયા પર એસીબીમાં થયેલ કેસ પાછો ખેંચવા અને જિલ્લા પંચાયતમાં ફરી પ્રમુખ બનાવવા માટેની ભાજપે કમિટમેન્ટ કર્યું છે. કિશોર ચીખલીયા અને જ્યંતી જેરાજ પટેલના નામમાંથી કોંગ્રેસે જયંતિ પટેલને ઉમેદવાર બનાવતા કિશોર ચીખલીયા સંપર્ક વિહોણા બન્યા છે. ગત મોડી રાત્રીથી કિશોર ચીખલીયા કોંગ્રેસથી સંપર્ક વિહોણા બન્યા છે. પાર્ટીના સિનિયર નેતાઓ કિશોર ચીખલીયાને મનાવવા માટે આતુર હતા. પરંતુ કિશોર ચીખલીયા સંપર્ક વિહોણા થતા સિનિયર નેતાઓ પણ મુંઝવણમાં મુકાયા છે. પ્રદેશ કોંગ્રેસ નેતાના મતે કિશોર ચીખલીયા પ્રબળ ઉમેદવાર હતા. જ્યારે સ્થાનિક કોંગ્રેસના નેતાના મતે જ્યંતિ જેરાજ પટેલ પ્રબળ ઉમેદવાર માનવામાં આવતા હતા. આજ કારણને લઈને પ્રદેશ અને સ્થાનિક નેતાઓ વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ૧૬ ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ૧૭ ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. ૧૯ ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. ૩ નવેમ્બરે મતદાન થશે અને ૧૦ નવેમ્બરે પરિણામ જાહેર થશે.

 

કોરોનાના કારણે ગુજરાત હાઇકોર્ટ ચાર દિવસ બંધ

સ્ટાફનો એન્ટીજન ટેસ્ટ કરાશે
ચીફ જસ્ટિસ દ્વારા જાહેર કરાયેલા સર્ક્‌યુલર મુજબ ૧૬ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર સુધી હાઇકોર્ટ બંધ રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૫
ગુજરાતમાં કોરોના સંક્રમણનાં કેસોને કારણે ચિંતાજનક સ્થિતિ છે. બુધવારે મળતા આંકડા પ્રમાણે, રાજ્યમાં ૧૧૭૫ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ ૧૪૧૪ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે ૧૧ લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોના મહામારીને પહોંચી વળવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ફરી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી ગુજરાત હાઈકોર્ટની કામગીરી ૪ દિવસ એટલે ૧૬થી ૧૯ ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ દ્વારા જાહેર કરાયેલા સર્ક્‌યુલર મુજબ, ૧૬ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર સુધી હાઇકોર્ટ બંધ રહેશે. આ દિવસોમાં હાઇકોર્ટના અધિકારીઓ, રજીસ્ટ્રી સ્ટાફ સહિતના કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઉચ્ચ ન્યાયાલયના રેકોર્ડ રૂમ, વોશરૂમ, ચેમ્બર, ઓફિસ સહિત સંપૂર્ણ કેમ્પસની સાફ સફાઈ કરાશે. તમામ પ્રકારનું જ્યુડિશિયલ અને વહીવટી કામ ચાર દિવસ બંધ રહેશે. આ સિવાય એડવોકેટ જનરલ, સરકારી વકીલો વગેરેની ઓફિસ બંધ રાખવા આદેશ કરાયો છે. કોર્ટ પરિસરમાં આવેલી સરકારી ઓફિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસ વગેરે બંધ રહેશે. આ ઓફિસો પણ સેનેટાઇઝ કરાશે. ૧૬ ઓક્ટોબરના કેસ લિસ્ટ ૨૦ ઓક્ટોબરથી લેવામાં આવશે. ૧૯, ૨૦ અને ૨૧ ઓક્ટોબરથી ફિક્સ મેટર ૨૧ ઓક્ટોમ્બરે લેવાશે. ફિઝિકલ ફાઇલીગ ૨૦ ઓક્ટોબરથી શરૂ થશે. જો કે આ દરમિયાન ઇ- ફાઇલીગ શરૂ રહેશે. તેમજ નવા કેસો ૨૦ ઓક્ટોબરથી લેવાશે. આ સાથે આદેશ જાહેર કરાયો છે કે, સર્ક્‌યુલરમાં એસીએસ હોમ અને રાજ્ય પોલીસ વડાને જાણ કરી કહેવામાં આવ્યું છે કે, હાઇકોર્ટમાં ફરજ પર રહેલા સિક્યુરિટી સ્ટાફ જે જગ્યાએ ડ્યુટી પર છે તેમણે તે જગ્યાએ જ હાજર રહેવાનું રહેશે અલગ અલગ જગ્યાએ ફરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.