All posts by Sampurna Samachar

નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગ-ધંધાને મુશ્કેલી

પરેશ ધાનાણીનો આક્ષેપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૧
ભાજપ સરકારની મોટા ઉદ્યોગોને મદદ કરવાની નીતિ અને બીજીબાજુ નાના-મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહનના અભાવે સતત આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને અવગણવાના લીધે આર્થિક કટોકટીમાં મુકાયા છે. તેવો આક્ષેપ કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો છે. વિરોધપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ યાદીમાં જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં સામાન્ય અને મધ્યમ વર્ગને સૌથી વધુ નુકસાન થયું છે. લોકડાઉનના ૭૦ દિવસમાં ભાજપના શાસનમાં આર્થિક ચિત્ર ખુલ્લું થઈ ગયું છે. કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને જીએસટી લેણા પેટેના ૧૨ હજાર કરોડની રકમ બાકી રાખી ગુજરાતને અન્યાય કરેલ છે. ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સની આવક કોરોનાને પગલે તળિયે આવી ગઈ છે. કોરોના મહામારીને લીધે રીટેલ બજારોની સાથો સાથ ઓદ્યોગિક ગતિવિધિ ઘટી રહી છે. ટેક્સટાઈલ, કેમીકલ, અને ડાયમંડ ઈન્ડસ્ટ્રી પારાવાર મુશ્કેલમાં છે. પ્રવાસન ઉદ્યોગ અને હોસ્પિટલાટી ઉદ્યોગ સંદતર બંધ છે. ધણા બધા સેક્ટરમાં કર્મચારીઓના કાપ સાથે પગાર કાપમાં ઘટાડો કર્યો છે.

 

પ્રાચીન ઇમારતો હવે બનશે વિશ્વ પ્રવાસનનું આકર્ષણ કેન્દ્ર

સરકાર ૪પ લાખથી ૧૦ કરોડની સહાય આપશે
ગામો-નગરોના રજવાડી મહેલો, કિલ્લા, ઝરૂખા, મિનારા સહિત પ્રાચીન ઇમારતો હવે વિશ્વ પ્રવાસનનું કેન્દ્ર બનશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૧
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને વિશ્વ પ્રવાસન નકશા ઉપર વધુ દમદાર રીતે ચમકતું કરવા રાજ્યની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત-ઇમારતો સ્થળોને હેરિટેજ ટુરિઝમ ડેસ્ટીનેશન તરીકે પ્રોત્સાહિત કરતી હેરિટેજ ટુરિઝમ પોલિસી-ર૦ર૦-રપની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત રણ, દરિયો, પર્વતીય સ્થાનો સાથે પ્રાચીન ઇમારતો, ધર્મસ્થાનકો, ડાયનાસૌર પાર્ક, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રવાસન વૈવિધ્યથી ભરપૂર પ્રદેશ છે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ હવે આમાં એક વધુ આકર્ષણ હેરિટેજ ટુરિઝમ દ્વારા ઊભું કરવાની અભિનવ પહેલ આ હેરિટેજ ટુરિઝમ પોલિસીની જાહેરાતથી કરી છે. ખૂશ્બુ ગુજરાત કીના મંત્ર સાથે ગુજરાતના પ્રવાસન વૈવિધ્યને વર્લ્‌ડ ટુરિઝમ મેપ પર મૂકવાની મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા છે. મુખ્યમંત્રીએ આ નવી હેરિટેજ ટુરિઝમ પોલિસી-ર૦ર૦-રપમાં રાજ્યના નાના ગામો-નગરોમાં સુષુપ્ત અવસ્થામાં અત્યાર સુધી રહેલી પ્રાચિન વિરાસત ઇમારતો, રાજા રજવાડાના મહેલો, ઝરૂખા, મિનારા, કિલ્લાઓ સહિતના સ્થળો હેરિટેજ પ્લેસીસને વિશ્વના પ્રવાસન પ્રેમીઓ માટે સુવિધાસભર સગવડો સાથે ખૂલ્લા મુકવાનો પ્રેરક અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ નાના ગામો-નગરોમાં વર્ષોથી વણવપરાયેલા રાજમહેલો, કિલ્લાઓ, પ્રાચીન સંસ્કૃતિની વિરાસત જાળવતી ઇમારતોની મહત્તા ફરી ઊજાગર થાય, લોકો તેનો ઇતિહાસ જાણી શકે સાથોસાથ આવા સ્થાનોની યોગ્ય માવજત-જાળવણી થાય તે હેતુસર આ હેરિટેજ ટુરિઝમ પોલિસીમાં અનેક પ્રોત્સાહનો આપવાનો પણ નિર્ણય કર્યો છે. વિજય રૂપાણીએ પ્રવાસન-ટુરિઝમ સેકટરને તથા હોટલ ઇન્ડસ્ટ્રીને નવું બળ મળે અને નાના ગામો-નગરોમાં જગ્યાના અભાવે અન્ય સ્થળે હોટલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ શરૂ ન થઇ શકે તો આવી ઐતિહાસિક વિરાસત પ્રોપર્ટીમાં તે શરૂ કરી સ્થાનિક સ્તરે રોજગાર સર્જનને પણ વ્યાપક બનાવવાની નેમ આ પોલિસીમાં રાખેલી છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ હેરિટેજ ટુરિઝમ પોલિસી ર૦ર૦-રપને પ્રવાસન મંત્રી જવાહર ચાવડા સહિતના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતીમાં આખરી ઓપ આપ્યો હતો. તેમણે હેરિટેજ પ્રોપર્ટીઝના મૂળ તત્વ અને સત્વને જાળવીને પ્રવાસન આકર્ષણ ઊભા કરવાની પ્રતિબદ્ધતા સાથે આ પોલિસીમાં સ્પષ્ટપણે સૂચવ્યું છે કે તા. ૧ જાન્યુઆરી-૧૯પ૦ પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યૂઝિયમ, હેરિટેજ બેન્કવેટ હોલ કે હેરિટેજ રેસ્ટોરન્ટ બનાવી શકાશે. એટલું જ નહિ, આવી હેરિટેજ હોટલ, મ્યૂઝિયમ, બેન્કવેટ હોલ કે રેસ્ટોરન્ટનું નિર્માણ કરતી વખતે હેરિટેજ પ્લેસના ઐતિહાસિક વિરાસતના મૂળ માળખા-સ્ટ્રકચર સાથે કોઇ છેડછાડ કરી શકાશે નહિ. મુખ્યમંત્રીએ આઝાદી પછી વિલીનીકરણ થયેલા અનેક નાના-મોટા રજવાડાઓની સમૃદ્ધિ, તેમના મહેલોના મ્યૂઝિયમમાં રહેલી કિમતી ચીજવસ્તુઓ સોગાદ, પોષાક-પહેરવેશ, શસ્ત્રો, ચલણી સિક્કા જેવી પ્રાચીન ધરોહરને વિશ્વની વર્તમાન અને ભાવિ પેઢી નિહાળી-માણી શકે તે માટે હેરિટેજ મ્યૂઝિયમનો કોન્સેપ્ટ હેરિટેજ ટુરિઝમ પોલિસીમાં આમેજ કર્યો છે. ગુજરાતમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશના દેશના પ્રવાસન પ્રેમીઓ પર્યટન-સહેલગાહ માટે આવતા હોય છે. મુખ્યમંત્રીએ હવે, આ હેરિટેજ ટુરિઝમના કન્સેપ્ટથી આવા પ્રવાસીઓને હેરિટેજ પ્લેસીસની મૂલાકાત-પ્રવાસ માટે આકર્ષીને વિદેશી હુંડિયામણ મેળવવાનો, સ્થાનિક રોજગારીનો હોલિસ્ટીક ટુરિઝમ ડેવલપમેન્ટ એપ્રોચ આ પોલિસીમાં સુનિશ્ચિત કર્યો છે. મુખ્યમંત્રીએ હેરિટેજ ટુરિઝમ પોલિસીમાં જે મહત્વપૂર્ણ બાબતો આવરી છે તેમાં, હેરીટેજ ટુરિઝમ પોલીસી અંતર્ગત નવી શરૂ કરવામાં આવેલ હેરીટેજ હોટલ, હેરીટેજ મ્યુઝિયમ, હેરીટેજ બેન્કવટ હોલ અને હેરીટેજ રેસ્ટોરન્ટ યુનિટ તથા હયાત હોટલ અને હેરીટેજ મ્યુઝિયમ, હેરીટેજ બેન્કવટ હોલ અને હેરીટેજ રેસ્ટોરન્ટ યુનિટના રીનોવેશન અને રીપેરીંગ માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. તદઅનુસાર, હોટલ માટે ૨૫ કરોડ રૂપિયા સુધીનું રોકાણ હશે તો ૨૦ ટકા સબસિડી એટલે કે મહત્તમ પ કરોડ રૂપિયા સુધીની સહાય અને ૨૫ કરોડ રૂપિયાથી વધારેના રોકાણ માટે મહત્તમ ૧૦ કરોડ રૂપિયાની નાણાકીય સહાય સરકાર આપશે. ન્યુ હેરીટેજ મ્યુઝિયમ, હેરીટેજ બેન્કવેટ હોલ અને હેરીટેજ રેસ્ટોરન્ટ યુનિટ તથા તેના રીનોવેશન, રીસ્ટોરેશનમાં ૩ કરોડ રૂપિયા સુધીનું રોકાણ હશે તો ૧૫ ટકા લેખે ૪૫ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ૩ કરોડથી વધારે રોકાણ પર ૧૫ લેખે ૧ કરોડ રૂપિયાની સહાય આપવામાં સરકાર આપશે. હેરિટેજ ટુરિઝમ પોલિસીના સમયગાળા દરમ્યાન મંજૂર અને વિતરણ થયેલી લોન ઉપર પાંચ વર્ષ માટે ૭ ટકા વ્યાજ સબસિડી પ્રતિવર્ષ ૩૦ લાખની મર્યાદામાં અપાશે.

 

એપેડેમિક ભંગ કરવા બદલ PI સહિત ૫ સામે ફરિયાદ

પોલીસ ખુદ બેજવાબદાર બની
સોલા પોલીસે દારૂના આરોપીને ઢોર માર મારી દોરડેથી બાંધી ચાંદલોડિયા વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૧
કોરોનાના કેસો સતત વધતા જાય છે. રાજ્યમાં એપેડેમીક કાયદો અમલમાં છે તેવી સમયે ખુદ પોલીસ દારૂના કેસના આરોપીને દોરડે બાંધી ચાંદલોડિયા વિસ્તારમાં સરઘાસ કાઢી ફેરવવા બદલ સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સહિત પાંચ જણા સામે એપેડેમીક એકટ હેઠળ અમદાવાદ રૂરલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે ખુદ પોલીસે બેજવાબદાર બનીને એપેડેમીક કાયદાના જાહેરનામાનો ભંગ કરે ત્યારે સામાન્ય જનતાને શું સંદેશો આપે. આ અંગે ફરિયાદી આશાબેન દુબે સ્પેલ હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા, પીએસઆઈ ઝાલા, હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિહ, કોન્સ્ટેબલ ગોપાલ સિંહ અને રઘુવીરસિંહ સામે એડવોકેટ અયાઝશેખ મારફતે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના ભત્રીજા સંજય વિજય કુમાર દુબેને ગત ૯મી સપ્ટેમ્બરના રોજ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં અદાલત સમક્ષ રજુ થઈ ૨૫ હજારના જામીન પર મુક્ત કરેલ. જ્યારે બીજા ગુનાની જામીન અરજી પેન્ડીંગ હોવાથી ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી ભત્રીજા સંજયને લઈ આવેલ જેનો કોરોના રિપોર્ટ નેગેટીવ હતો. પોલીસે તા. ૧૦મી સપ્ટેમ્બરે દોરડે બાંધી સંજયને માર મારી ચાંદલોડિયા વિસ્તારમાં કુલ ૯ પોલીસની ગાડી સાથે વરઘોડો કાઢ્યો હતો. જાહેર રોડ શો કરવાને લીધે ૫૦૦-૬૦૦ માણસોનું ટોળુ ભેગુ થયું જેમાં લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા અને સોશીયલ ડિસ્ટનસીંગનો ભંગ થયો હતો. આરોપીના વકીલ અયાઝ શેખ મારફતે કરેલ અરજીમાં પોલીસ ઈન્સ્પેક્ટર જાડેજા સહિત પાંચ જણા સામે આઈપીસીની કલમ-૨૧ મુજબ કોઈપણ રાજ્ય સેવક વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે ન્યાયીક કાર્યવાહીમાં ભ્રષ્ટ પૂર્વક કાયદાથી વિપરીત રીપોર્ટ કરે અને અટકાયત કરવા બદલ આઈપીસીની કલમ-૧૬૬, ૧૬૬(એ), ૨૧૭,૨૧૯,૨૨૦ અને એપેડેમીક કાયદાની કલમ-૩નો ભંગ કરવા અંગે અમદાવાદ ગ્રામ્યમાં ફરિયાદ નોંધાવી છે.

 

છેલ્લાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૩૪૪ કેસ નોંધાયા

રાજ્યમાં એક દિવસમાં ૧૬ લોકોનાં મોત થયા
અત્યાર સુધીમાં ૩૧૮૩ લોકોના મૃત્યુ થયા, ૯૧૪૭૦ લોકો ડિસ્ચાર્જ થયા : કુલ ૯૪ લોકો વેન્ટીલેટર ઉપર છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૧
રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૧,૬૬૮ ટેસ્ટ કરવામાં આવતા ૧૩૪૪ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ સંક્રમિતનો આંકડો ૧ લાખ ૧૦ હજારને પાર થઈ ૧,૧૦,૯૭૧ થયો છે. રાજ્યમાં આજે ૧૬ દર્દીના મોત કોરોનાને લીધે થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૩૧૮૩ થયો છે. રાજ્યમાં આજે ૧૨૪૦ દર્દી સાજા થયા હતા. આ સાથે કુલ ડિસ્ચાર્જનો આંકડો ૯૧ હજારને પાર થઈ ૯૧,૪૭૦ થયો છે. રાજ્યમાં આજની સ્થિતિએ કુલ એક્ટિવ કેસ ૧૬૩૧૮ થયો છે. જેમાં ૯૪ વેન્ટીલેટર પર અને ૧૬૨૨૪ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાનો વ્યાપ સતત વધતો જાય છે. સપ્ટેમ્બર મહિનાના ૧૧ દિવસમાં દસ દિવસ કોરોના પોઝિટિવનો આંકડો ૧૩૦૦ને પાસ જઈ રહ્યો છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ રાજ્યમાં આજે કોવિડ-૧૯ના લીધે ૧૬ જણાના મોત નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં ૩, સુરત શહેરમાં ૩ અને જિલ્લામાં ૨, ભાવનગરમાં ૨, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ શહેર અને જિલ્લા, વડોદરા શહેર અને જિલ્લામાં ૧ મોત નોંધાયા છે. અમદાવાદમાં આજે ૧૫૩ અને જિલ્લાના ૨૧ સાથે ૧૭૪ કોરોનાના કેસ નોંધાયા છે. આજે અમદાવાદ શહેરમાં ૩ મોત સાથે કુલ મૃત્યુઆંક અમદાવાદમાં ૧૭૫૨ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોના આજે ૧૭૪ અને જિલ્લામાં ૧૦૧ સાથે ૨૭૫ કેસ નોંધાતા કુલ કોરોના સંક્રમિતનો આંકડો શહેરમાં ૨૩૭૦૭ છે. જ્યારે આજે ૫ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૬૮૭ થયો છે. વડોદરા શહેરમાં ૯૩ અને જિલ્લામાં ૩૯ સાથે ૧૩૨ કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કોરોના સંક્રમિતનો આંકડો ૯૫૭૧ પહોંચ્યો છે. આજે ૨ મોત નોંધાતા કોરોનાના કુલ મૃત્યુઆંક ૧૪૮ પર પહોંચ્યો છે. રાજકોટ શહેરમાં ૯૯ અને જિલ્લામાં ૫૧ સાથે કોરોનાના ૧૫૦ કેસ નોંધાયા છે. આ સાથે રાજકોટમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૩૪૦૦ પહોંચ્યો છે. આજે વધુ ૨ મોત સાથે રાજકોટમાં કુલ મૃત્યુઆંક ૧૦૭ થયો છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૧
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૩૪૪ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૧૭૪
અમદાવાદ કોર્પોરેશન ૧૫૩
સુરત ૧૦૧
રાજકોટ કોર્પોરેશન ૯૯
જામનગર કોર્પોરેશન ૯૮
વડોદરા કોર્પોરેશન ૯૩
રાજકોટ ૫૧
વડોદરા ૩૯
પાટણ ૩૦
મોરબી ૨૯
પંચમહાલ ૨૯
ભાવનગર કોર્પોરેશન ૨૮
અમરેલી ૨૬
ભરૂચ ૨૫
કચ્છ ૨૫
મહેસાણા ૨૪
ગાંધીનગર ૨૨
સુરેન્દ્રનગર ૨૨
અમદાવાદ ૨૧
દાહોદ ૨૦
બનાસકાંઠા ૧૯
જુનાગઢ કોર્પોરેશન ૧૯
ગાંધીનગર કોર્પોરેશન ૧૮
જામનગર ૧૮
ભાવનગર ૧૭
આણંદ ૧૬
જુનાગઢ ૧૬
મહીસાગર ૧૬
ગીર સોમનાથ ૧૩
સાબરકાંઠા ૧૩
નર્મદા ૧૦
ખેડા ૯
તાપી ૯
બોટાદ ૮
છોટા ઉદેપુર ૮
નવસારી ૮
અરવલ્લી ૬
દેવભૂમિ દ્ધારકા ૫
વલસાડ ૪
પોરબંદર ૨
ડાંગ ૧
કુલ ૧૩૪૪

 

ચીને અરૂણાચલમાંથી લાપતા પાંચ યુવકોને ભારતને સોંપ્યા

પાંચેય યુવકોને ૧૪ દિવસ સુધી કોરેન્ટાઇનમાં રખાશે
પાંચેય યુવકને ચીની સેના સરહદ પરથી ઉઠાવી ગઈ હોવા અંગે અરૂણાચલ પ્રદેશના કોંગ્રેસના એક ધારાસભ્યએ આરોપ લગાવ્યા બાદ તંત્ર એકશનમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૨
ભારત અને ચીનની સેના વચ્ચે લદ્દાખ સરહદ ઉપર ચાલી રહેલા તણાવ વચ્ચે અરૂણાચલ પ્રદેશના પાંચ લાપતા નાગરિકોને ચીન દ્વારા પરત કરાયા હતા હતાં. અરૂણાચલ પ્રદેશના કોંગ્રેસના એક ધારાસભ્યે ચીનના સૈનિકો દ્વારા તેને ઉપાડી જવાનો આરોપ લગાવ્યો હતો કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી હતી. આ અપહ્યત યુવકોને ચીની સેનાએ ભારતને સોંપ્યા છે. ચીનની સેના આજે અરૂણાચલના આ પાંચ નાગરિકોને ભારતીય સેનાને સોંપવામાં આવ્ય હતા. જાણકારી પ્રમાણે ૯.૩૦ વાગ્યાની આસપાસ લગભગ ચીની સેના આ યુવકોને ભારતીય સૈનિકોને સોંપ્યા હતા. ચીનના સૈનિકો આ યુવકોને કિબિતુ બોર્ડરની પાસે વાછા વિસ્તારમાં લઈને આવ્યા હતા. જ્યાંથી ભારતીય સેનાને સોંપી દેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી અને અરૂણાચલ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરનારા કિરણ રિજ્જુએ ટિ્‌વટ કરીને આ વાતની જાણારી આપી છે. કોવિડ-૧૯ના પ્રોટોકોલ અનુસાર પાંચેય યુવક ૧૪ દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેશે. જણાવવામાં આવી રહ્યું હતું કે, યુવક ઉપર સુવાનસિરી જિલ્લામાં ૪ સપ્ટેમ્બરના રોજ ભુલથી એલએસી ઉપર ચાલ્યા ગયા હતાં. જે યુવકોને સોંપવામાં આવ્યા હતા. તેનું નામ તોચ સિંગકમ, પ્રસાત રિંગલિંગ, ડોંગ્ટુ ઈબિયા, તનુ બાકર અને નગારૂ ડિરી, આ વર્ષમાં આ બીજી એવી તક છે. સરહદ પાસેના ગામમાંથી ચીને યુવકોનું અપહરણ કર્યુ હતું. ચીન પર દબાણ થતા યુવકો પોતાની પાસે હોવાનુ સ્વીકાર્યું હતું. પાંચેય યુવકો શિકાર કરવા જંગલમાં ગયા હતા. પાંચેય યુવકોને ચીનની સેના ગશ્તી સેક્ટર સેરા-૭થી લઇ ગયા હતા. રશિયાની રાજધાની મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠક થઈ હતી. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રીએ આ મુલાકાતમાં બંને દેશોમાં ચાલી રહેલા તણાવ ઉપર વાત કરી હતી. બંને દેશોના વિદેશ મંત્રીઓએ તણાવને પૂર્ણ કરવા મુદ્દે ચર્ચા કરી હતી.

 

ઉલ્કાપાતથી ૧૦ કરોડ વર્ષ પહેલાં બનેલો ખાડો મળ્યો

ઇલેક્ટ્રોમેગ્નેટિક-ગ્રેવિમેટ્રિક મેપિંગની મદદ લેવાઈ
આ ક્રેટર દુનિયાના સૌથી મોટા ઉલ્કા ક્રેટરમાંથી એક છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મેલબોર્ન, તા. ૧૧
ઓસ્ટ્રેલિયામાં સોનાની ખાણના ખોદકામ દરમિયાન ઉલ્કાથી બનેલો એક મોટો ખાડો મળી આવ્યો છે. જીયોલોજીસ્ટની ટીમે એવો દાવો કર્યો છે કે, આ ક્રેટર દુનિયાના સૌથી મોટા ઉલ્કા ક્રેટરમાંથી એક હોઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ઉલ્કા આશરે ૧૦ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર પડી હશે. ઉલ્કાપાતથી બનેલા ખાડો પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ઓરા બાંદાના ગોલ્ડફિલ્ડ્‌સની નજીક છે. આશરે પાંચ કિમીના વિસ્તારમાં ફેલાયેલા આ ક્રેટરને ઇલેક્ટ્રોમેગ્નેટિક અને ગ્રેવિમેટ્રિક મેપિંગની મદદથી શોધવામાં આવ્યો છે. જીયોલજીસ્ટ ટીમનું નેતૃત્વ કરી રહેલા ડો. જેસન મેયર્સુનું કહેવું છે કે, જે એસ્ટેરોઇડથી આ ક્રેટર બન્યો છે તેની સાઇઝ ૧૦૦ મીટરની હશે. તેની સ્થિતિ અને ગાયબ થયેલા એલિમેન્ટ તથા કિનારે મળી આવેલી માટીના આધારે અંદાજો મેળવી શકાય કે, આ ક્રેટર ૧૦ કરોડ વર્ષ પહેલાંનો હશે. મેયર્સના મુજબ તપાસમાં જે સેમ્પલ્સ મળ્યા હતાં એ માત્ર ન્યૂક્લિયર બ્લાસ્ટ કે ઉલ્કાપાતથી પેદા થતાં ઘટકો હતા. ટેકનિકલી આ બાબત સાબિત થાય છે કે એસ્ટેરોઇડ આ જગ્યા પર પડ્યું હશે. સોના સાથે આ ઘટનાનો કોઇ સંબંધ નથી, પરંતુ ઉલ્કાપાતની આ ઘટનાને લીધે સોનુ આસપાસ વેરાઇ ગયું હોવાની સંભાવના છે.

 

શૂટિંગ ન કરવું તે કાળાપાણીની સજા સમાન : અરવિંદ વૈદ્ય

અનુપમાના સેટ પર અરવિંદ વૈદ્ય પાછા ફર્યા
અગાઉ મહારાષ્ટ્ર સરકારે ૧૦ વર્ષથી નાના અને ૬૫ વર્ષથી વધુના એક્ટર્સના શૂટિંગ કરવા ઉપર રોક લગાવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૨
અગાઉ મહારાષ્ટ્ર સરકારે ૧૦ વર્ષથી નાના અને ૬૫ વર્ષથી વધુના એક્ટર્સના શૂટિંગ કરવા પર રોક લગાવી હતી. જો કે, બાદમાં બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારની આ ગાઈડલાઈન્સ ફગાવી હતી અને ૬૫ વર્ષથી વધુના એક્ટર્સને શૂટિંગ માટે મંજૂરી આપી હતી. કેટલાક સીનિયર એક્ટરે શૂટિંગ શરુ કરી દીધું છે ત્યારે સીરિયલ ’અનુપમામાં મોજીલા બાપુજીનો રોલ પ્લે કરી રહેલા એક્ટર અરવિંદ વૈદ્ય પર સેટ પર પાછા ફર્યા છે. પાંચ મહિના બાદ સેટ પર પાછા ફરવાના અનુભવ વિશે વાત કરતાં એક્ટરે કહ્યું કે, હું આનંદિત છું અને મારી ખુશી કેવી રીતે વ્યક્ત કરું તે સમજાતું નથી. કોઈ પણ એક્ટર માટે શૂટિંગ ન કરવું તે કાળા પાણીની સજા સમાન છે, અને છેલ્લા કેટલાક અઠવાડિયાથી મને આવું જ કંઈક લાગી રહ્યું હતું. જો કે, હું ઘરેથી શૂટિંગ કરી રહ્યો હતો. પ્રોડક્શન હાઉસ ખૂબ જ સપોર્ટિવ છે. તેઓ ટેકનિકલ વ્યક્તિને મારા ઘરે મોકલતા હતા, જ્યાં અમે ફોન પર મારો શોટ રેકોર્ડ કરતાં હતા. પરંતુ એક્ટિંગ કરતું હોય તેવું જરાય લાગતું નહોતું અને કો-ઓર્ડિનેશનમાં પણ ખૂબ જરુર પડતી હતી. સેટ પર લેવામાં આવેલી રહેલા સાવચેતીના પગલા વિશે વાત કરતાં એક્ટરે ઉમેર્યું કે, સેટ પર ખૂબ જ સુરક્ષા છે. જ્યારે મેં શૂટિંગ શરુ કર્યું ત્યારે મારી દીકરી વંદના પાઠકને (એક્ટ્રેસ) ચિંતા થતી હતી. તેણે સેટ પર રાખવામાં આવતી સુરક્ષા અને હાઈજીન ચેક કરવા માટે ફોન પણ કર્યો હતો. જ્યારે હું સેટ પર પહોંચ્યો ત્યારે મને બધું વ્યવસ્થિત જોવા મળ્યું. તેઓ ખૂબ કેરફુલ હતા. મારી ટીમે વેલકમ હગ પણ મને આપ્યું નહીં. તેમની ખુશીમાં સૌથી વધારો કોઈએ કર્યો હોય તો તે છે તેમના કો-એક્ટર્સ રુપાલી ગાંગુલી અને પારસ કલનાવત. ’મેં રુપાલી સાથે ’બા બહૂ ઔર બેબી’માં કામ કર્યું છે અને અમારું સ્પેશિયલ કનેક્શન છે. મારું પારસ સાથેનું બોન્ડિંગ પણ ગજબનું છે, કારણ કે તે રિયલ લાઈફમાં પણ મારો રિલેટિવ છે. બંને સેટ પર મારુ ધ્યાન રાખે છે. હકીકતમાં શોની ટીમ અમને તીન તીગડા કહીને બોલાવે છે’, તેમ એક્ટરે અંતમાં જણાવ્યું હતું.

 

ન્યૂઝ ચેનલો ઉપર સરકારનું નિયંત્રણ કેમ ના હોવું જોઈએ?

સુશાંતના મોતના કવરેજ મામલે હાઈકોર્ટ ખફા
બેન્ચે માહિતી-પ્રસારણ મંત્રાલયને પણ પક્ષકાર બનાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૧૧
બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે સવાલ કરતાં જણાવ્યું કે, તેઓ આ વાત જાણીને હેરાન છે કે ઈલેક્ટ્રોનિક મીડિયા પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. કોર્ટે સવાલ પૂછ્યો કે સરકાર તરફથી ટીવી ન્યૂઝ ચેનલો પર કેમ નિયંત્રણ નહીં હોવું જોઈએ. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જી એક કુલકર્ણીની બેંચે કેટલીક અરજીઓ પણ સુનાવણી કરતાં આ ટિપ્પણી કરી છે. આ અરજીઓમાં એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે સંલગ્ન વિવિધ રાહતની સાથે જ કેસના કવરેજમાં પ્રેસને સંયમ વર્તવા માટે આદેશ આપવાની અપીલ કરવામાં આવી છે. બેંચે માહિતી અને પ્રસારણ મંત્રાલયને પણ એક પક્ષકાર બનાવ્યો છે.
બેંચે મંત્રાલયને જવાબ દાખલ કરીને જણાવવા માટે કહ્યું છે કે સમાચાર પ્રકાશિત કરવામાં કેટલી મર્યાદા સુધી સરકારનેં નિયંત્રણ હોવું જોઈએ, ખાસ કરીને એવા સમાચાર જેની અસર વ્યાપક હોય છે. બેંચે કેસમાં તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સીઓ જેવી કે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) અને ઈડીને પણ પક્ષકાર બનાવ્યા છે.

 

ચીનને સખણું રાખવા ભારતની જાપાન સાથે સૈન્ય સહાય ડિલ

મ્યુચ્યુઅલ લોજિસ્ટિક સપોર્ટ એરેન્જમેન્ટનો કરાર
કરાર હેઠળ ભારતને અમેરિકાના સુબિક, ડિયાગો ગાર્સિયા, ગુઆમ બેઝ પર ફ્યુલ ભરવા, અવર જવર કરવા મંજૂરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૧
ચીનના અડપલાંના જવાબમાં ભારતે હવે જાપાન સાથેના સંબંધો વધારવા નક્કી કર્યું છે. આ સંદર્ભમાં ભારતે જાપાન સાથે કરેલો કરાર બહુ મહત્વનો અને ચીનનું ટેન્શન વધારવાનારો મનાઈ રહ્યો છે. ભારત અને જાપાન વચ્ચે જે કરાર થયો છે તે પ્રમાણે યુધ્ધ જેવી સ્થિતિમાં બંને દેશ એક બીજાને સૈન્ય સહાય પૂરી પાડશે. આ જ પ્રકારની ડીલ ભારત અમેરિકા, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા સાથે કરી ચુક્યું છે.
ભારત અને જાપાન વચ્ચેના કરારને મ્યુચ્યુઅલ લોજિસ્ટિક સપોર્ટ એરેન્જમેન્ટ નામ અપાયું છે.આ પ્રકારની ડીલ ભારતે ૨૦૧૬માં અમેરિકા સાથે કરી હતી.જે હે્‌ઠળ ભારત અને અમેરિકા એક બીજાના લશ્કરી થાણાનો ઉપયોગ કરવા માટે સંમત થયા હતા.આ કરાર હેઠળ ભારતને અમેરિકાના ગુઆમ, ડિયાગો ગાર્સિયા અને સુબિક બેઝ પર ફ્યુલ ભરવા અને અવર જવર કરવા માટે અનુમતિ છે.
હવે ભારત અને જાપાન વચ્ચે થયેલા કરારને પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.જે પ્રમાણે ભારતીય સેનાને જાપાની સેના પોતાના બેઝ પરથી જરુરુ સપ્લાય, સામાન અને સર્વિસિંગની સુવિધા પણ આપશે અને આ જ સુવિધા જાપાનને ભારતના બેઝ પર પણ મળશે. જાપાનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે, બંને દેશની સેનાઓ વચ્ચે આ કરારથી લશ્કરી ક્ષેત્રે સહયોગ વધશે. ભારતે ૨૦૧૮માં આ પ્રકારનો કરાર ફ્રાંસ સાથે કર્યો છે.ઓસ્ટ્રેલિયા સાથે પણ ઈન્ડિયન ઓસન અને પેસિફિક સમુદ્રમાં આવેલા બેઝના ઉપયોગ માટે કરાર થયા છે. ચીને પાકિસ્તાન, કમ્બોડિયા જેવા દેશો સાથે આ પ્રકારના કરાર કરી રાખ્યા છે.હવે ભારત પણ ચીનને તે જ પ્રમાણે જવાબ આપીને ઘેરી રહ્યું છે.

 

ઉલ્ટા ચશ્માના નટુકાકાના ગળાથી કાઢવામાં આવી ૮ ગાંઠ

નટુકાકાની ૪ કલાક સર્જરી ચાલી
પહેલાં ત્રણ દિવસ ખૂબ કઠિન હતા, પરંતુ હવે હું જીવનમાં આગળ જોઈ રહ્યો છું : તારક મહેતાના નટુકાકા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૨
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુ કાકાનો રોલ પ્લે કરનાર સીનિયર એક્ટર ઘનશ્યામ નાયકની આ અઠવાડિયાની શરુઆતમાં ગળાની સર્જરી કરવામાં આવી હતી. હોસ્પિટલમાંથી વાત કરતાં ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટરે કહ્યું કે, હવે મારી તબિયત ઘણી સારી છે. મને મલાડની સુચક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સર્જરી બાદ આજે પહેલો એવો દિવસ છે જ્યારે હું જમ્યો. મારી સર્જરી સોમવારે કરવામાં આવી હતી. પહેલા ત્રણ દિવસ ખૂબ જ કઠિન હતા, પરંતુ હવે હું જીવનમાં આગળ જોઈ રહ્યો છું. સીનિયર એક્ટરના ગળામાં ગઠ્ઠા જેવું કંઈ થઈ ગયું હતું અને તેને તાત્કાલિક કાઢવું જરૂરી હતું. ગળામાંથી આઠ ગાંઠ કાઢવામાં આવી છે અને મને ખરેખર નથી ખબર કે આ કેવી રીતે થઈ. આ ગાંઠોને આગળ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી છે, પરંતુ મને ભગવાન પર પૂરો વિશ્વાસ છે. તે જે કરશે સારું જ કરશે’, તેમ ઘનશ્યામ નાયકે જણાવ્યું હતું. એક્ટરની સર્જરી ૪ કલાક સુધી ચાલી હતી. ઘનશ્યામ નાયકે ઉમેર્યું કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેમની સાથે કામ કરી રહેલા ઘણા કલાકારોએ તેમને ફોન કર્યો હતો અને તેમની સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. તેમણે મને ફોન પર કહ્યું કે તેઓ સેટ પર મારા પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ મને એક મહિના સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ઓછામાં ઓછું નવરાત્રિ પહેલા હું શૂટિંગ શરુ કરી શકીશ તેમ મને લાગતું નથી.