All posts by Sampurna Samachar

શહેરમાં વહેલી પરોઢે બે-ચાર ઈંચ વરસાદમાં પાણી ભરાયા

વાસણા બેરેજના બે દરવાજા ખોલવા પડયા

અન્ડરબ્રિજો બંધ કરાયા : ૧૩૨ ફુટનો રીગ રોડ પર પાણી ભરાયા : અખબારનગરમાં હોર્ડિંગ પડતા ઇમારતને નુકસાન

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
શહેરમાં વહેલી સવારે ૪ વાગ્યા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે શરુ થયેલ વરસાદે પૂર્વના અનેક વિસ્તારોને પાણી પાણી કરી દીધા છે. હાટકેશ્વર, અમરાઈવાડી ૧૩૨ ફુટના રિંગરોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો છે. હાટકેશ્વર સર્કલ પર આવેલા આઈશ્રી ખોડિયાર મંદિર સકુંલમા વરસાદી પાણી ભરાઈ ગયું છે. જોકે મંદિર સકુંલમા સમારકામ ચાલુ હોવાથી શ્રદ્ધાળુઓને દર્શન માટે અગાઉથી જ બંધ કર્યુ હતું. હાટકેશ્વર સર્કલ જાણે બેટમાં ફેરવાયુ હતું. ભારે વરસાદથી ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અનેક લોકોના ઘરોમાં ઓટલા સુધી પાણી ભરાયા છે. મણિનગર ગોરના કુવા માર્ગ પરની, જશોદાનગરથી સીટીએમના નેશનલ હાઈવે પરની અને સીટીએમ જામફળવાડી કેનાલ પાસેની અનેક સોસાયટીઓના રસ્તાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. મણિનગરમાં જવાહરચોકથી ભૈરવનાથ અને વટવા જીઆઈડીસી જવાના માર્ગ પર પુનિતનગર રેલવે ફાટક પાસેના નીચાણવાળા વિસ્તારોમા વરસાદી પાણીનો ભરાવો થયો છે. આમ વરસી પડેલા વરસાદે અમદાવાદને ધમરોળી નાંખ્યું છે. નરોડા, મેમકો, દુધેશ્વર તરફ ૧ કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. તો ચકુડિયા, ઓઢવ,ઉસમાનપુરા, રાણીપ, બોડકદેવ, મ્યુનિ.કોઠા, વટવા, સરખેજ અને મણિનગર તરફ પણ દોઢથી ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમા સવારથી પડેલા વરસાદથી શહેર થયુ પાણી-પાણીઅમદાવાદમા સવારથી પડેલા વરસાદથી શહેર થયુ પાણી-પાણી૭ વાગ્યા બાદ વરસાદ બંધ થવાથી પાણીનો નિકાલ પણ શરૂ થયો હતો. વાસણા બેરેજના બે ગેટ ખોલી ૩૦૪૨ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ૨૩ અને ૨૪ નંબરના ગેટ ઓપન કરાયા છે. તો હાટકેશ્વર, ઝ્ર્‌સ્, ખોખરા, સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. તો બીજી તરફ મીઠાખળી અંડરપાસમાં ફરીથી દિવાલ ધસી પડવાનો બનાવ બન્યો હતો. મેઘાણીનગર, નરોડા, ઓઢવ તરફના વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે. હાલ વરસાદ બંધ થતાં પાણી ઉતરવાના શરૂ થયા છે.

 

ગુજરાતમાં કોરોના કેસો

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૪
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૫૧૧ કેસ સપાટી પર આવ્યા હતા. ગુજરાતમાં કોરોનાના આંકડા નીચે મુજબ છે.
શહેર કેસ
અમદાવાદ ૩૩૪
સુરત ૭૬
વડોદરા ૪૨
સુરેન્દ્રનગર ૯
ગાંધીનગર ૮
અરવલ્લી ૬
ભરૂચ ૬
ભાવનગર ૩
મહીસાગર ૩
આણંદ ૩
અમરેલી ૩
મહેસાણા ૨
સાબરકાંઠા ૨
પાટણ ૨
ખેડા ૨
બનાસકાંઠા ૧
રાજકોટ ૧
પંચમહાલ ૧
બોટાદ ૧
નર્મદા ૧
અન્ય રાજ્ય ૫
કુલ ૫૧૧

 

છેલ્લા ૨૪ કલાકમાં ૫૧૧ નવા કેસ : ૨૯ લોકોના મૃત્યુ

અમદાવાદમાં નવા ૩૩૪ કેસ નોંધાયા

કોરોનાથી અત્યાર સુધીમાં ૧૪૭૮ લોકોના મૃત્યુ નિપજ્યા રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૮૮૫૬ ટેસ્ટ કરવામાં આવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૧૧ નવા કેસ કોરોના પોઝિટિવના નોંધાતા સાથે કોરોનાથી સંક્રમિતનો આંકડો ૨૩૫૯૦ થયો છે. જ્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૯ વ્યક્તિઓના કોરોનાને લીધે મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક ૧૪૭૮ નોંધાયા છે. રાજ્યમાં આજે ૬૬ વ્યક્તિઓ વેન્ટીલેટર પર છે. જ્યારે ૪૪૨ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ કેસ એક દિવસમાં નોંધાયા હોય તેવો આજે ત્રીજીવાર બન્યુ છે. અમદાવાદમાં ૩૪૪ કેસ આજે નોંધાતા કોરોના સંક્રમિતનો આંકડો ૧૬૬૪૦ પહોંચ્યો છે. સુરતમાં નવા ૭૬ દર્દીઓ નોંધાતા ૨૫૮૫ કોરોનાના સંક્રમિતનો આંકડો પહોંચ્યો છે. વડોદરામાં આજે કોરોના પોઝિટિવના ૪૨ નવા કેસ આવતા કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૧૫૫૩ થયો છે. જ્યારે ગાંધીનગરમાં ૮ નવા નોંધાતા કોરોના સંક્રમિતનો આંકડો ૪૬૭ થયો છે. જ્યારે સુરેન્દ્રનગરમાં ૯, ગાંધીનગરમાં ૮, અરવલ્લી અને ભરૂચમાં ૬-૬, ભાવનગર, મહિસાગર, આણંદ અને અમરેલીમાં ૩-૩, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને ખેડામાં ૨-૨, બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ, બોટાદ, નર્મદામાં ૧-૧, અન્ય રાજ્યના ૫ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. રાજ્યમાં આજે ૨૯ વ્યક્તિઓના કોરોનાને કારણે નિધન થયા છે. જેમાં અમદાવાદમાં ૨૨, સુરતમાં ૪, અરવલ્લી, મહેસાણા, અને પંચમહાલ ખાતે ૧-૧ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૪૭૮ મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં હાલની સ્થિતિએ ૫૭૭૯ એક્ટીવ કેસ છે. જેમાં ૬૬ દર્દીઓ વેન્ટીલેટર પર અને ૫૭૧૩ સ્ટેબલ છે. આજે ૪૪૨ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા તે સાથે કુલ ડિસ્ચાર્જ ૧૬૩૩૩ દર્દીઓ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૮૮૫૬૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

 

અમદાવાદ સહિત રાજ્યભરમાં ભૂકંપના આંચકા અનુભવાયા

ભચાઉ પાસે કેન્દ્રબિંદુ, ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ

અમદાવાદમાં લોકો ફ્‌લેટમાંથી બહાર નીચે દોડી આવ્યા, કોરોના સંકટમાં નવી આફત : લોકોમાં ભયનો માહોલ

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક શહેરો અને વિસ્તારોમાં રવિવારે રાત્રે સવા આઠના સુમારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમદાવાદ સહિત રાજકોટ અને અંજારમાંથી મળતા અહેવાલો પ્રમાણે ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર ધસી આવ્યા હતા. અમદાવાદમાં ગોતા સહિતના વિસ્તારોમાં કેટલાક ફ્‌લેટોમાંથી લોકો ઘર નીચે દોડી આવ્યા હતા. કોરોના સંકટમાં આવેલી નવી આફતથી લોકો અત્યંત હાંફળાફાંફળા બની ગયા હતા. પ્રાથમિક અહેવાલો પ્રમાણે ભૂકંપની તીવ્રતા ૫.૮ની હતી. અમદાવાદમાં વસ્ત્રાપુર, થલતેજ, પાલડી, ગોતા, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં સાંજે ઘરમાં બેઠા હતા ત્યારે જ આંચકો અનુભવાયો હતો. કેટલાક લોકો પહેલાં શું થયું તે સમજી શક્યા નહોતા પણ આ સમાચાર વાયુવેગે સોશિયલ મીડિયામાં ફેલાઈ ગયા હતા. તે પછી વિવિધ વિસ્તારોમાં આંચકો અનુભવાયો હોવાનું બહાર આવ્યું હતું. અહેવાલો પ્રમાણે રાજકોટથી ૧૧૮ કિમી દૂર ભચાઉ એરિયામાં નોર્થનોર્થવેસ્ટમાં ૧૦ કિમી નીચે આંચકાનું કેન્દ્રબિંદુ હતું. ભચાઉ સામખિયાળી વચ્ચે વાંઢ પાસે સ્ટેટ હાઈવે પાસે ભૂકંપનું કેન્દ્રસ્થાન હોવાનું કહેવાય છે. સિસ્મોગ્રાફ પર નોંધાયેલા સમય પ્રમાણે રાત્રે ૮. ૧૩ કલાક અને આઠમી સેકન્ડે આ આંચકો અનુભવાયો હતો. જુનાગઢમાં પણ આંચકા આવ્યા હતા. રિપોર્ટ પ્રમાણે કેટલીક ઈમારતોમાં તિરાડો પણ પડી ગઈ છે. ભૂકંપ આવ્યા બાદ લોકોમાં એક તરફ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. એક તરફ કોરોના માહામારી ચાલી રહી છે. ત્યારે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભારે ડરનો માહોલ સજાર્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી ૧૧૮ કિમી દૂર ભચાઉ એરિયામાં નોંધાયુ હતું. ત્યારે લોકોને અફવાઓથી દુર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.

 

ગુજરાતમાં કોરોના કેસો

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૩
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૫૧૭ કેસ સપાટી પર આવ્યા હતા. ગુજરાતમાં કોરોનાના આંકડા નીચે મુજબ છે.
શહેર કેસ
અમદાવાદ ૩૪૪
સુરત ૫૯
વડોદરા ૪૦
ગાંધીનગર ૯
ભાવનગર ૭
મહેસાણા ૬
અરવલી ૫
પંચમહાલ ૫
નર્મદા ૫
કચ્છ ૪
ભરૂચ ૪
રાજકોટ ૩
પાટણ ૩
જામનગર ૩
અમરેલી ૩
બનાસકાંઠા ૨
ખેડા ૨
મહીસાગર ૧
આણંદ ૧
બોટાદ ૧
ગીર-સોમનાથ ૧
સુરેન્દ્રનગર ૧
છોટા ઉદેપુર ૧
જુનાગઢ ૧
અન્ય રાજ્ય ૬
કુલ ૫૧૭

 

રાજ્યમાં કુલ ૫૧૭ કોરોના પોઝીટીવ કેસ, ૩૩નાં મોત

અમદાવાદમાં ૩૪૪ પોઝીટીવ કેસ નોંધાયા

ગુજરાતમાં કુલ સંક્રમિતનો આંકડો ૨૩૦૭૯ પર પહોંચ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૩
કોરોના પોઝીટીવના રાજ્યમાં નવા ૫૧૭ દર્દીઓ નોંધાતા અત્યાર સુધીમાં કોરનાથી સંક્રમિતોનો કુલ આંકડો ૨૩ હજારને પાર થઈ ૨૩૦૭૯ થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૬ સહિત રાજ્યમાં ૩૩ વ્યક્તિઓના મોત થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૧૪૪૯ થયો છે. અમદાવાદમાં આજે ૩૪૪ નવા કેસ સામે કુલ સંક્રમિતનો આંકડો ૧૬ હજારને પાર થઈ ૧૬૩૦૬ થયો છે. રાજ્યમાં આજે ૫૪૮૬ ટેસ્ટ થયા અને ૬૧ વ્યક્તિઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં આજે ૧૫૮૯૧ લોકો ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં આજે વિતેલા ચોવીસ કલાકમાં એક દિવસના સૌથી વધારે ૫૧૭ નવા કોવિડ-૧૯ પોઝીટીવ કેસ નોંધાતા ગત ૧૧મી જુને આવેલ સૌથી વધારે ૫૧૭ કેસનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે કોરોના સંક્રમિતનો આંકડો ૨૩૦૭૯ પર પહોંચ્યો છે. રાજ્યમાં ૩૩ દર્દીઓના કોરનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં ૨૬, સુરતમાં ૩, અમરેલીમાં ૨, ભાવનગર અને પાટણ ખાતે ૧-૧ વ્યક્તિઓના મૃત્યુ નિપજતા મોતનો કુલ આંકડો ૧૪૪૯ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે કોરના સંક્રમિતોનો આંકડો ૧૬ હજારને પાર થઈ ગયો અને ૧૬૩૦૬ થયો. ગત ૧૬મીએ કોવિડ-૧૯ના ૮ હજાર કેસ હતા જે ૨૮ દિવસમાં બમણા થયા. અમદાવાદમાં જૂન મહિનામાં ૯ વખત અને ગત મહિનામાં ૭ વખત ૩૦૦ પ્લસ દર્દીઓ રોજના વધ્યા હતા. અમદાવાદમાં આજે ૩૪૪ના નવા કેસ અને ૨૬ મૃત્યુ સાથે મૃત્યુઆંક ૧૧૬૫ પર પહોંચ્યો હતો. જ્યારે સાત વ્યક્તિઓને ડિસ્ચાર્જ આજે કરતા કુલ ડિસ્ચાર્જ ૧૧૪૦૦ થયો હતો. વડોદરામાં આજે ૪૦ વધુ પોઝીટીવ દર્દી આવતા ૧૫૧૧ કુલ કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે સુરતમાં આજે ૫૯ નવા પોઝીટીવ દર્દી સાથે કુલ સંક્રમિતોનો આંકડો ૨૫૦૩ અને વધુ ૩ મૃત્યુ સાથે રાજ્યમાં ૯૭ મોત થયા છે. જ્યારે ગાંધીનગરમાં આજે નવ દર્દી ઉમેરાતા ૪૫૯ દર્દી થયા હતા. રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભાવનગર ૭, મહેસાણા ૬, અરવલ્લી, પંચમહાલ અને નર્મદામાં ૫, કચ્છ અને ભરૂચમાં ૪-૪, રાજકોટ, પાટણ, જામનગર અને અમરેલીમાં ૩, બનાસકાંઠા અને ખેડામાં ૨ તેમજ મહીસાગર, આણંદ, બોટાદ, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, જુનાગઢ ૧ અને અન્ય રાજ્યમાં ૬ વ્યક્તિઓ સંક્રમિત થયા હતા. રાજ્યમાં આજે કોરોનાના ૫૪૮૬ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટ ૨,૮૩,૬૨૩ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજની સ્થિતિએ કુલ ૫૭૩૯ એક્ટીવ કેસ છે. જેમાં ૬૧ વેન્ટીલેટર પર અને ૫૬૭૮ સ્ટેબલ છે. સાથે ૩૯૦ દર્દી સાજા થઈને ઘરે ગયા. કુલ ૧૫૮૯૧ દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઈને ઘરે ગયા છે.

 

કેન્સર હોસ્પિટલમાં દર્દીઓ પર મ્યુઝિકલ થેરપી પ્રયોગ

કોરોનાના દર્દીઓને માનસિક શાંતિ માટે પ્રયોગ

દર્દીઓને અંતાક્ષરી રમાડાય છે, ગીત ગવડાવે છે : વોર્ડમાં ટીવી પર વિવિધ સંગીતના ભજનના વીડિયો બતાવાય છે

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૧૩
અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલ સંકુલમાં પસાર થતા હોય અને વોર્ડની બહાર સંગીત, અંતાક્ષરી સંભળાય તો આશ્ચર્ય પામતા નહીં. વોર્ડમાં મ્યલિઝકલ થેરાપી ચાલતી હશે. કોરોના ગ્રસ્તોની સારવારની સાથે સાથે મનોસ્થિતિ પણ સ્વસ્થ રહે તે માટે હોસ્પિટલના રેસીડન્ટ તબીબોની ટીમ દર્દીઓને મ્યુઝિકલ થેરાપી આપી રહી છે.આ મ્યુઝિકલ થેરાપીમાં તેઓ દર્દીઓને અંતાક્ષરી રમાડે છે. ગીત ગવડાવે છે. વોર્ડમાં લાગેલા ટીવી ઉપર વિવિધ સંગીતના ભજનના વીડિયો બતાવવામાં આવે છે. જેથી વોર્ડનું વાતાવરણ મધુર સંગીતમય બની રહે છે. કેન્સર હોસ્પિટલના નિયામક ડૉ. પંડ્યા કહે છે કે કોરોના સારવાર લેતા દર્દીઓ સ્વાભાવિકપણે એક પ્રકારની નિરાશા અનુભવતા હશે. તેમને અહીં અદ્યતન સારવાર તો અપાય છે પરંતુ તન સાથે તેમનું મન પણ સ્વસ્થ રહે તે માટે અમારા ડૉક્ટરોની ટીમ દ્વારા મ્યુઝિક થેરાપીનો અમલ કર્યો છે. હોસ્પિટલના તમામ વોર્ડ, બિલ્ડીંગના વિવિધ સ્થળોએ સ્પીકર ગોઠવવામાં આવ્યા છે. જેમાં ઈન્સ્ટુમેન્ટલ સંગીત વગાડવામાં આવે છે જે પણ દર્દીઓને માનસિક રીતે શાંતિપૂર્ણ વાતાવરણ આપે છે. કેન્સર હોસ્પિટલના માઈક્રોલોજિકલ ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર પારિજાત ગોસ્વામીના કહેવા મુજબ દિવસ દરમિયાન સવારે ૪ કલાક અને સાંજે ૨ કલાક મળીને કુલ ૬ કલાક તબક્કાવાર વિવિધતા ધરાવતા સંગીતની થેરાપી આપવામાં આવે છે. આ દરમિયાન દર્દીઓ સાથે વાતચીત, ગીત, ભજન, સંગીતનું લાઈવ ડેમો ટીવીમાંથી રીલે કરાય છે. વોર્ડના ૩૩ વર્ષીય ભારતીય આકાશે જણાવ્યું છે કે છેલ્લા ૧૮ દિવસથી મારી સારવાર ચાલી રહી હતી. પહેલા હું બોર થતો હતો પરંતુ જ્યારથી સંગીત થેરાપી ચાલુ થઈ છે ત્યારથી મારૂ મન આનંદિત રહે છે અને ભયજનક વિચારો દુર થાય છે.

 

કોરોનાનો વહેલો ટેસ્ટ થાય તો નેગેટિવ આવી શકે : અભ્યાસ

ટેસ્ટ પછીથી થાય તો જ વાયરસ પોઝિટિવ આવી શકે

કોરોનાના લક્ષણો આવે તેના ત્રણ દિવસ પછી જ કોરોનાનો ટેસ્ટ થાય તો તેનું સાચું નિદાન આવી શકે : રિવ્યૂ રિસર્ચ

(સંપૂર્ણ સમાચાર સેવા) વોશિંગ્ટન, તા. ૧૩
કોરોનાનો ટેસ્ટ પ્રારંભિક તબક્કામાં થાય તો તેનો રિપોર્ટ ખોટો નેગેટિવ નિદાન આવી શકે છે. એ પછી તેઓ એ જ વાયરસ માટે પોઝિટિવ જાહેર થઇ શકે છે તેમ જણાવતાં એક અભ્યાસમાં ઉમેરાયું છે કે કોરોનાના લક્ષણો આવે તેના ત્રણ દિવસ પછી જ કોરોનાનો ટેસ્ટ થાય તો તેનું સાચું નિદાન આવે છે. ઇન્ટરનલ મેડિસિનના જર્નલ એન્નલ્સમાં પ્રકાશિત કરાયેલા રિવ્યૂ રિસર્ચમાં આ બાબત જણાવવામાં આવી છે. હોસ્પિટલમાં દાખલ કેટલાક સહિત આશરે ૧,૩૩૦ દરદીઓના સ્વેબના નમૂનાનું વિશ્લેષણ કરાતા આ બાબત પ્રકાશમાં આવી છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના અભ્યાસના સહ-લેખક લોરેન કુકિર્કાએ જણાવ્યું હતું કે કોઇ વ્યક્તિને કોરોનાના લક્ષણો હોય કે ન હોય તેનો નેગેટિવ ટેસ્ટ એ બાબતની ગેરેન્ટી નથી આપતી કે તેને વાયરસની અસર નથી. કુકિર્કાએ ઉમેર્યું હતું કે આમ આ મામલે પ્રતિસાદ કેમનો કરવો કે કેવીરીતે તેનું અર્થઘટન કરવું તે સમજાતું નથી. એક નકારાત્મક ટેસ્ટ અતિ મહત્વનો છે કેમ કે આ ટેસ્ટ પરફેક્ટ છે તેમ માનીને બેસી રહીએ તો તેનાથી અન્યોને જોખમમાં મુકીએ છીએ. જોકે, વાયરસથી ચેપગ્રસ્ત લોકો હજુ પણ વાયરસ ફેલાવવાની સંભાવના ધરાવે છે.

 

અમેરિકામાં એપ્રિલમાં ૭૭ લાખને જોબમાંથી છૂટા કરાયા

કોરોના મહામારીની ગંભીર અસર

અમેરિકામાં બેરોજગારીનો દર છેલ્લા ૮૦ વર્ષમાં ઉચ્ચ સ્તરે, બેરોજગારોને રૂપયિા ૪૫ હજારનું ભથ્થું મળશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
બાલ્ટિમોર, તા. ૧૩
વિશ્વના તમામ દેશોમાં કોરોના વાયરસ મહામારી વિકરાળ સ્વરુપ ધારણ કરી રહી છે, જેમાં સૌથી વધુ અસર અમેરિકામાં જોવા મળી રહી છે. અમેરિકામાં છેલ્લા મહિનાઓથી ઓફિસો, રેસ્ટોરન્ટો, દુકાનો, સ્કૂલો બંધ છે, જેની અસર આર્થિક ગતિવિધિઓ પર પડી છે, જેના પગલે એપ્રિલ મહિનામાં લગભગ ૭૭ લાખ અમેરિકનોને નોકરીથી છૂટા કરવામાં આવ્યા છે. અમેરિકન શ્રમ વિભાગે જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે એપ્રિલ મહિનામાં નોકરી ખતમ થઈ રહી છે. ઉપલબ્ધ નોકરીઓ પૈકી માર્ચ મહિનામાં ૧૬ ટકાના ઘટાડો થયો, એ સાથે પાંચ લાખ નોકરીઓ છીનવાઈ ગઈ છે. ટૂંકમાં, માર્ચ અને એપ્રિલ મહિનામાં એક અંદાજ અનુસાર ૧.૧૫ કરોડ અમેરિકનોને નોકરીથી છૂટા કરવામાં આવ્યા છે. શ્રમ વિભાગના રિપોર્ટમાં કહેવાયું છે કે, કોરોના વાયરસના કારણે પેદા થયેલાં આર્થિક સંકટમાંથી બહાર આવતા લાંબો સમય લાગશે, જોકે કેટલો સમય લાગશે એ કહેવું મુશ્કેલ છે.
અમેરિકામાં બેરોજગારીનો દર છેલ્લા ૮૦ વર્ષમાં સૌથી ઉચ્ચસ્તર પર છે, એટલે અમેરિકાની સરકારે બેરોજગારોને ૪૫ હજાર રુપિયાનું ભથ્થું આપવાનું નક્કી કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ પછી અમેરીકામાં બેરોજગારી ભથ્થા માટે ૩.૮૬ કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. હાલના સમયે અમેરિકામાં બેરોજગારી દર ૧૪.૭ ટકા જેટલો થઈ ગયો છે, જેના કારણે અમેરિકાની સરકારની મુશ્કેલી વધી છે.

 

રેમ્ડેસિવિર, ટોસિલિઝુમેબના ઓછા ઉપયોગ અંગે વિચારણા

સમયાંતરે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ સુધારવામાં આવે છે

ટ્રીટમેન્ટના પ્રોટોકોલમાંથી એઝીથ્રોમાઇસિનની બાદબાકી કરાઇ, કોરોનાની હાલના તબક્કે કોઇ દવા કે રસી નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૩
હવે કોરોનાના દર્દીઓની સારવારમાં વપરાતી એન્ટિ વાયરલ દવા રેમ્ડેસિવિર અને ટોસિલિઝુમેબના મર્યાદિત ઉપયોગ અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આ દવાઓ ’તાકીદ અને દયાની રીતે’ અત્યંત કટોકટીભરી સ્થિતિમાં હોય તેવા દરદીઓને આપવાની રહેશે. ટૂંક સમયમાં જાહેર થનારી સુધારેલી ક્લીનિકલ મેનેજમેન્ટ માર્ગરેખાઓમાં આ જાહેરાત કરાઇ છે. જોકે તેની સામે અત્યંત ચર્ચાસ્પદ મેલેરિયા વિરોધી દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ ચાલુ રહેશે, જ્યારે ટ્રીટમેન્ટના પ્રોટોકોલમાંથી એઝીથ્રોમાઇસિનની બાદબાકી કરાઇ છે તેમ જાણીતા સૂત્રોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે ૩૧ માર્ચના રોજે જારી ક્લીનિકલ મેનેજમેન્ટ માર્ગરેખામાં આઇસીયુની જરૂર હોય તેવા કોરોનાના દરદીઓને હાઇડ્રોક્સીક્લોરોક્વીનની સાથે એઝિથ્રોમાઇસિનના ઉપયોગની ભલામણ કરાઇ હતી. એક સુત્રે કહ્યું હતું કે ’કોરોના એક નવી બીમારી છે અને હાલના તબક્કે તેની કોઇ દવા કે રસી નથી. મળી આવતાં પૂરાવાને આધારે નિયમિત સમયાંતરે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ સુધારવામાં આવે છે. હવે રોગપ્રતિકારક શક્તિ અથવા તેની કામગીરીને સુધારતી ઇમ્યુનોમોડ્યુલેટરી દવા ટોસિલિઝુમેબનો ઉપયોગ પ્રાયોગિકધોરણે કરાશે. પૂરાવાના આધારે હાઇડ્રોક્સીક્લોરોક્વીન સાથેના સમાયોજનમાં વધુ કેટલીક દવાઓના સમાયોજનને પ્રોટોકોલમાં ઉમેરી શકાય છે. પરંતુ તે અંગે હજુ કોઇ સંમતિ સધાઇ નથી તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.