All posts by Sampurna Samachar

માતાની બાધા સુશાંતે તેમના મૃત્યુના ૧૭ વર્ષ બાદ પુરી કરી

સુશાંત માટે માતાના દરેક શબ્દોનું મહત્વ હતું

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને પિતાની એકલતાની સતત ચિંતા રહેતી, ૪ બહેનો પર આ એકલો ભાઈ હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
સુશાંતસિંહ રાજપૂત માતાના પ્રેમને ક્યારેય ભૂલી શક્યો નહીં. મૃત્યુના ૧૦ દિવસ પહેલાં તેણે ઈંસ્ટાગ્રામ પર તેની માતાને યાદ કરીને જુસ્સાદાર પોસ્ટ લખી હતી. સુશાંત ચાર બહેનોમાં એકમાત્ર ભાઈ હતો. માતા ઉષા સિંહના શબ્દો તેના માટે એક ખૂબજ મહ્ત્વના હતા. માતાએ ઘણા સમય પહેલા પુત્રના મુંડનની માનતા રાખી હતી. તેમણે સંકલ્પ કર્યો હતો કે તે પુત્રને તેમના પિયરનાં મંદિરમાં વાળ ઊતરાવશે. પરંતુ વિવિધ કારણોસર, મુંડનનો કાર્યક્રમ મોકૂફ રહેતો આવ્યો હતો. દરમિયાન ૨૦૦૨ માં તેની માતાનું અવસાન થયું. તે સમયે સુશાંત ૧૬ વર્ષનો હતો. સુશાંત તેની માતાના મૃત્યુથી ઘેરા શોકમાં હતો. પછી તેણે તેની મોટી બહેનમાં માતાની છબી જોવાની શરૂઆત કરી. માતાનું નિધન થયું પણ તે સુશાંતના દીલમાં હંમેશા જીવંત હતી. તે ભૂલી ન શક્યો કે તેની માતાએ તેના માટે મુંડનની માનતા રાખી હતી. પહેલા તો અભ્યાસ દરમિયાન તેને સમય ન મળ્યો. પછી, તેના વ્યસ્ત ટેલિવિઝન અને ફિલ્મોના કારણે, તેનું મુંડન ટળતું રહ્યું. છેવટે ૧૭ વર્ષ પછી ૨૦૧૯ માં, તે પૂર્ણિયાના બદહરવા કોળીમાં તેમના પૂર્વજોના ઘરે પરત ફર્યો. તેના માતુ ખગેરિયા જિલ્લાના ચૌતમ બ્લોકના બોર્ની ગામના હતા. સુશાંતે માતાના પિયરમાં માણસા દેવી મંદિરમાં પોતાનું મુંડન કરાવ્યું હતું. જોકે મુંડનનાં સંસ્કાર બાળપણમાં જ કરવામાં આવે છે, પરંતુ સુશાંતે તે ૩૩ વર્ષની ઉંમરે કરાવ્યા, કારણ કે તે તેની માતાની ઇચ્છા હતી. સુશાંતના પિતાનું નામ કૃષ્ણ કુમાર સિંહ છે, જે હવે સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લીધા બાદ પટનાના રાજીવ નગરમાં રહે છે. સુશાંતની ચાર બહેનો પરિણીત છે અને જુદા જુદા શહેરોમાં રહે છે. સુશાંતના પિતાની સંભાળ પટનામાં લક્ષ્મી નામની નોકરાણી દ્વારા લેવામાં આવે છે. સુશાંત લક્ષ્મીને ખૂબ માન આપતો હતો અને તેને દીદી કહેતો હતો. સુશાંતે આશરે એક અઠવાડિયા પહેલા ઘરે ફોન કર્યો હતો. સુશાંત તેના પિતા એકલા રહેતા હોવાથી ખૂબ ચિંતા કરતો હતો. સુશાંતે પહેલા લક્ષ્મી સાથે વાત કરી. તેણે કહ્યું, દીદી તું સારી રહે અને મારા પપ્પાની સારી સંભાળ લે. તે સમયે લક્ષ્મી કૃષ્ણકુમાર સિંહ માટે રસોઇ બનાવતી હતી. તેણે સુશાંતને કહ્યું, આ પણ કંઈક કહેવાની વાત છે. હવે તમારા પપ્પા સાથે વાત કરો કારણ કે હું રસોઈ બનાવી રહી છું. ત્યારે સુશાંતે હસતા-હસતાં કહ્યું હતું કે, તમારી પાસે મારી સાથે વાત કરવાનો વધુ સમય નથી. તેના પિતાએ વૃદ્ધાવસ્થામાં તેમનો સહારો ગુમાવી દીધો હતો. રવિવારે બપોરે બે વાગ્યે સુશાંતના બહેનનો ફોન આવ્યો. બહેને લક્ષ્મીને સુશાંતની આત્મહત્યાની જાણકારી આપી હતી. કૃષ્ણ કુમાર સિંહ તે સમયે જમતા હતા. તેઓને આખી વાત ખબર ન હતી. પરંતુ તેના મગજમાં કંઈક ચાલતું હતું. તેણે જમતી વખતે લક્ષ્મીને અવાજ આપ્યો અને કહ્યું, મહેરબાની કરીને ટીવી ચાલુ કરો. લક્ષ્મી ઈચ્છતી હતી કે સુશાંતના પિતા જમી લે તે પછી હકીકત જણાવશે. તેણે કહ્યું, તમે ખાઈ લો અને પછી ટીવી ખોલો. પરંતુ તેણે જલ્દી જ ટીવી ખોલવાનું કહ્યું. તેના હાથ ધ્રુજતા હતા. ટીવી ચાલુ થતાં જ સુશાંતની આત્મહત્યાના સમાચાર આવવા લાગ્યા. કૃષ્ણકુમારસિંહ આઘાતમાં ડૂબી ગયા. ઘણા વ્રત રાખ્યા બાદ એક પુત્રનો જન્મ થયો હતો. તેમણે વિચાર્યું કે હવે તેની આખી જિંદગી તેના પુત્રના સહારે વિતી જશે. પરંતુ તેણે પણ છેલ્લી ઘ઼ડીએ વૃદ્ધાવસ્થામાં તેમનો સાથ છોડી દીધો. ભાજપના ધારાસભ્ય નીરજકુમાર બબલુ સુશાંતના પિતરાઇ ભાઇ છે. નીરજ બબલુ સુપૌલમાં ઉમપુરના ધારાસભ્ય છે. સુશાંતનું નીરજ બબલુ સાથે ખૂબ સારું ટયુનિંગ હતું. સુશાંતે ૨૦૧૯ માં પૂર્ણિયાની મુલાકાત લીધી હતી, ત્યારે તે સહર્ષમાં નીરજ બબલુના ઘરે પણ ગયો હતો. ત્યાં તેણે એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મના અનેક દ્રશ્યોને રજૂ કર્યા. નીરજ બબલુના ઘરે ખુરશીને સ્ટંપ બનાવીને ક્રિકેટ રમ્યો હતો. ત્યારબાદ તે ધોની જેવી બાઇક પર સહર્ષની શેરીઓમાં ફર્યો હતો.

 

કોરોના કાળમાં દરેક નાગરિક વોરિયર બને : વિજય રૂપાણી

વિશ્વ પર્યાવરણ દિને પ લાખ તુલસીના છોડનું વિતરણ

કોરોનાની કોઈ દવા નથી ત્યારે તુલસી જેવા આયુર્વેદિક ઉપચારોથી જ કોરોના સામે જંગ જીતી શકશેઃ સીએમ

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૫
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદમાં પાંચ લાખ તુલસીના રોપા વિતરણ કરવાના કાર્યક્રમોનો વિડીયો કોન્ફરન્સ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદના નારણપુરા આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમને વિડીયો સંબોધન કરતા તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વ-દેશ તથા રાજ્ય અને વિશેષ કરીને અમદાવાદ કોરોના સામે જંગ લડી રહ્યું છે. આ રોગની કોઈ અકસીર દવા હજી સુધી શોધાઇ નથી ત્યારે તુલસી જેવા આયુર્વેદિક ઉપચારોથી જ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે. કોરોના સંક્રમણથી બચવાનો તારણોપાય રોગપ્રતિકારક શકિત વધારવી એ જ છે ત્યારે તુલસી પાન ઉકાળો, તુલસી પાન રસ સેવનથી રોગપ્રતિકારક શકિત વધારવા તેમણે પ્રેરણા આપી હતી. તેમણે ઉમેર્યું કે, વિશિષ્ટ સંજોગોને કારણે આપણે સામાજિક અંતર જાળવીને વિશિષ્ટ રીતે આ કાર્યક્રમ ઊજવી રહ્યા છીએ. પ્રતિવર્ષ પાંચમી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે આ વર્ષની થીમ ’બાયોડાઈવર્સિટી જીવ વૈવિધ્ય છે. તેમણે કહ્યું કે, આજે સમગ્ર જગત પર્યાવરણના પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે પ્રકૃતિના વૈવિધ્યને જાળવી પ્રદૂષણ અને પર્યાવરણ વચ્ચે સમતુલા જાળવવાની આજે તાતી જરૂર છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોરોના સંક્રમણ સામે ધન્વંતરી રથ, આયુર્વેદિક ઉકાળા, હોમિયોપેથીક દવાના વિતરણ જેવા બહુઆયામી પગલાઓથી ઝઝૂમી રહ્યું છે ત્યારે તુલસી રોપાનું વિતરણ એ યોગ્ય સમયનો યોગ્ય કાર્યક્રમ છે. રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે. મુખ્યમંત્રીએ કહયું કે, અમદાવાદની ચાલીઓ ફ્‌લેટ કે જ્યાં તુલસી વાવવા શક્ય નથી તેવા લોકો સુધી તુલસીના છોડ પહોંચાડવાથી ત્યાં રહેતા લોકો માટે પ્રવર્તમાન સ્થિતીમાં ઉપયોગી બનશે. તેમણે કહ્યું કે, લોકડાઉન ખુલ્યા બાદ રાજ્યના તમામ લોકોએ કોરોના વાયરસની સામે

કોરોના વોરિયર બનીને ઝઝૂમવાનું છે અને કોરોના સામેનો જંગ જીતવાનો છે. મુખ્યમંત્રીએ કોરોના હારશે, અમદાવાદ-ગુજરાત જીતશેનો કોલ પૂનઃ આપતાં સૌ નાગરિકોને આહવાન કર્યુ કે, કોરોના સામેની લાંબી લડાઇમાં હરેક વ્યકિત સિપાઇ બને-વોરિયર બને. મુખ્યમંત્રીએ કોરોના સામેના જંગમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા વિવિધ પગલાંઓની સરાહના કરી અભિનંદન પણ આપ્યા હતા. અમદાવાદના મેયર બિજલબેન પટેલે જણાવ્યું કે આયુર્વેદમાં તુલસીને પવિત્ર માનવામાં આવે છે ત્યારે વનવિભાગ દ્વારા પુરા પાડવામાં આવેલ પાંચ લાખ તુલસીના રોપાઓનું સૌપ્રથમ કોરોના સંક્રમિત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે ત્યાર બાદ અમદાવાદના અન્ય વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે. તુલસી રથ દ્વારા તુલસી વિતરણ કરવાના આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ દ્વારા સ્થાનિક નિવાસીઓને પ્રતીકરૂપે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક અંતર જાળવીને મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 

બિલ્ડરની માતાનું એફબી એકાઉન્ટ હેક કરનાર ઝડપાયો

સાયબર સેલમાં ફરિયાદ કરતા પોલસે ઝડપી પાડ્યો

નવરંગપુરાના બિલ્ડરની માતાએ પાસવર્ડ ભૂલી જતાં નવું એકાઉન્ટ ખોલી તેનો ઉપયોગ શરૂ કર્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
અમદાવાદમાં સાયબર ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના એક બિલ્ડરની માતાનું ફેસબુક અકાઉન્ટ હેક કરી લોકો પાસે બિભત્સ માંગણી કરતા એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.બિલ્ડરના માતાનું એફબી એકાઉન્ટ હેક કરી તેમની પરિચિત મહિલાઓ સાથે મેસેન્જરના માધ્યમથી બિભસ્ત ભાષામાં વાતચીત તેમજ બિભસ્ત માંગણી કરનારા હીરાઘસુ આરોપીને સાયબર સેલની ટીમે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં મૂળ અમરેલીનો વતની એવો આરોપી હાલ સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે.નવરંગપુરાના બિલ્ડરની માતાએ પાસવર્ડ ભૂલી જતાં નવું એકાઉન્ટ ખોલી તેનો ઉપયોગ શરૂ કર્યો હતો પરંતું જૂના એફબી એકાઉન્ટને ડિએક્ટિવેટ નહોતું કર્યું તેનો લાભ લઇ કોઈ અજાણી વ્યક્તિ આ એકાઉન્ટનો ઉપયોગ કરી બિભત્સ માંગણી કરતો હોવાનું જાણવા મળ્યું કોઈ નબીરો બિલ્ડરની માતાનું જૂનું એફીબી એકાઉન્ટ હેક કરી તેનો ઉપયોગ કરતો હતો. આરોપી મેસેન્જરથી બિલ્ડરની માતાની પરિચિત મહિલાઓ અને સગા સબંધીઓ સાથે અભદ્ર ભાષામાં વાતચીત શરૂ કરી બિભસ્ત માંગણીઓ કરી હતી.આ મુદ્દે બિલ્ડરે સાયબર સેલમાં ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સુરતના ડભોલી ખાતે બાલાજી નગર સોસાયટીમાં રહેતા ૨૭ વર્ષીય પ્રણવ ઉર્ફ પરૂણ જીવણભાઈ સરવૈયા હોવાનું ખુલ્યું હતું જે બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

 

ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ

ચોમાસુ સાત દિવસ પહેલા બેસી ગયુ

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં પ્રી મોંનસુન વરસાદ થઈ રહ્યો છે. હવે ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે. દક્ષિણ ગુજરાતમાંથી મેઘરાજાએ વિધિવત એન્ટ્રી કરી છે. જોકે ચાલુ વર્ષ ચોમાસુ સામાન્ય દિવસ વહેલું આવી ગયું છે. ભારત મૌસમ વિભાગ દ્વારા ૪૦ વર્ષના ડેટા અભ્યાસ બાદ પૂર્વાનુમાન લગાવ્યું હતું કે, ગુજરાત ચોમાસાનું સત્તાવાર ૨૧ જૂનના આગમન થશે. પરંતુ જે રીતે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, અને કેરળમાં ચોમાસુ શરૂ થયા બાદ ઝડપથી આગળ વધી રહ્યું હતું. જેના કારણે ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું થયું છે. ગુજરાતમાં વિધિવત ચોમાસાનો વરસાદ આવે તે પહેલા જ પ્રી મોંનસુનનો સારો વરસાદ થયો છે. હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટ મનોરમાં મોહન્તિએ જણાવયુ હતું કે, ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસુ સુરત ઉપરથી ક્રોસ થયું છે.

 

રાજ્યસભામાં મત આપવા મુદ્દે છોટુ વસાવાએ અંતે મૌન તોડ્યું

કોંગ્રેસે ૬૦ વર્ષમાં કશુ કર્યું નથી અને ભાજપ હિન્દુત્વના રંગે રંગાયુ છે તો અમે ભાજપ-કોંગ્રેસને કેમ મત આપીએ

(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજપીપળા, તા. ૧૪
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ૬ ગામના આદિવાસીઓ પોતાના વિવિધ પ્રશ્નો મુદ્દે ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને એમના પુત્ર મહેશ વસાવા પાસે પહોંંચ્યા હતા. કેવડિયા સહિત આસપાસના આદિવાસીઓએ છોટુભાઈ વસાવાને પોતાની આપવીતી સંભળાવી હતી. દરમિયાન છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર આદિવાસીઓને માણસ સમજતી જ નથી, આવનારા સમયમાં જ્વલંત આંદોલન થશે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે ૫ મી અનુસૂચિ ખતમ નહીં થવા દઈએ. દરમિયાન ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં કોને મત આપવો એ મામલે છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ૬૦ વર્ષમાં કશુ કર્યું નથી અને ભાજપ હિન્દુત્વના રંગે રંગાયુ છે તો અમે ભાજપ-કોંગ્રેસને કેમ મત આપીએ. જેની સરકારમાં આદિવાસીઓને દુઃખ પડતું હોંય, એમની જમીનો છીનવી લેતા હોંય ભૂખે મારતા હોંય તો એ લોકો કેવી રીતે કહી શકે કે અમે એમને મત આપીશું. જે સરકાર સંવિધાનિક બાબતો લાગુ ન કરે અને વિપક્ષ વાળા એ મામલે ન બોલે તો અમે ચૂંટણીમાં શુું કરવા પડીએ. ૭૦ વર્ષમાં કોંગ્રેસ પણ કોઈ કામ નથી કર્યું, જો આમરા પ્રશ્નો હલ થશે તો અમારે મત આપવો કે નહીં એ બાબતે અમે વિચારીશુ બાકી અમને કોઈની લાગણી નથી. અમારા લોકો સાથે જે ધંધો થઈ રહ્યું છે એવુ અત્યાર સુધી થયું જ નથી. જો ભાજપ ખરેખર હિન્દુત્વને માનતા હોંય તો આ લોકો પણ હિંદુ જ છે. કેવડિયા વાળાની જમીન પડાવી લેવાની પોલીસ મોકલી આપવાની, આખી રાત પોલીસ પેહરો ગોઠવી દેવાનો. આદિવાસીઓને માનસિક રીતે ખતમ કરી જમીન સરકારને આપી દેવા દબાણ થઈ રહ્યું છે એવા લોકોને અમે કેવી રીતે ઈચ્છીએ. અમારા માટે ભાજપ-કોંગ્રેસ બન્નેવ સરખા છે, જો કોંગ્રેસે સંવિધાન લાગુ કરી દીધું હોંત તો ભાજપનો જન્મ જ ન થયો હોંત અને ભારત દેશની આવી નોબત જોવા ન મળત. અમારા આદિવાસીઓ સાથે જે ચેનચાળા કરે એને અમે કેવી રીતે ચાહીએ. આદિવાસીઓની જમીન ઝૂંટવી લેવાનો અને ભૂખે મારવાનો વરઘોડો કાઢવો એ યોગ્ય નથી. આદિવાસીઓના નકલી સર્ટિફિકેટ બનાવી નોકરી આપવાનો ધંધો લોકશાહી દેશમાં ચાલે જ નહીંં, એ લોકો લોકશાહીમાં માનતા જ નથી.
અમે કોને મત આપીશું એ જાહેર ન કરવાનું કારણ એ કે અમારા કામ કરે એટલે સકંજામાં લેવા પડે મત તો અમે ઘણા આપ્યા. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં મ્‌ઁ ની મહત્વની ભૂમિકા રહેશે. મ્‌ઁ જો કોંગ્રેસને મત ન આપે તો બીજી બેઠક જીતવાનું કોંગ્રેસનું સપનું ચકનાચૂર થઈ જશે. હવે ચૂંટણીના ગણતરીના દિવસો પેહલા છોટુભાઈ વસાવાના બદલાતા તેવરથી કોંગ્રેસ ચિંતામાં જરૂર મુકાઈ છે.

 

રાજ્યભરના વાલીઓ સ્કૂલોની મનમાનીની સામે મેદાને ઉતર્યાં

વાલીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો

ફી માટે દબાણ, પુસ્તક સહિતની સામગ્રી શાળામાંથી જ લેવા દબાણ કરતી શાળાઓ સામે વાલીઓનું આંદોલન

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૪
ફી માટે દબાણ કરતી, પુસ્તક સહિતની સામગ્રી શાળામાંથી જ લેવા દબાણ કરતી શાળાઓ સામે વાલીઓએ આંદોલન છેડયું છે. આ આંદોલન ઓનલાઈન છે. વાલીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે. આજથી ૨૦ જૂન સુધી વાલીઓ ઘરે રહી સોશિયલ મીડિયાના માધ્યમથી ખાનગી શાળાઓ જે વાલી પર દબાણ કરી રહી છે તેમનો વિરોધ કરશે. આ આંદોલન મામલે વાલીઓએ કહ્યું કે, શાળાઓ ધમકાવે છે કે ફી ભરો નહિ તો માર્કશીટ નહીંં આપીએ. બાળકને ઓનલાઈન અભ્યાસ નહીં કરાવીએ. નવા સત્રના પુસ્તક નહીં આપીએ. કેટલીક શાળાઓની હિંમત એટલી વધી છે કે સ્પષ્ટ વાલીઓને કહે છે કે, જ્યાં કહેવું હોંય કહી દો, જે કરવું હોય કરો પણ ફી પુરી ભરવી જ પડશે. ત્યારે હવે વાલીઓ નિઃસહાય બન્યા છે. આખરે વાલીઓ મેદાનમાં આવ્યા છે અને કાળી પટ્ટીના સહારે વિરોધ દર્શાવી રહ્યાં છે. સ્કુલ સંચાલકો કે જે વર્ષે કરોડોની આવક કરે છે તો પોતાના કર્મચારીઓને પગાર ચુકવવા વાલી પાસે ફી શા માટે ઉઘરાવે છે ? શું આપણે આપણા કર્મચારીઓને પગાર ચૂકવવા આપણા ગ્રાહક પાસે રૂપિયા માંગ્યા છે ખરાં..? ઓનલાઈન પ્લેટફોર્મ પર વાલીઓએ જણાવ્યું કે, જાગો વાલીમિત્રો જાગો. ક્યાં સુધી સંચાલકોની લુંટ મુંગા મોઢે સહન કરશો..? લોકડાઉનના સમયમાં શું તમારા રોજગાર ધંધાની આવક ચાલું હતી…?? જેમનો નાનો-મોટો ટ્રેડિંગનો ધંધો હતો એમને આવક ચાલું હતી…?? જેમનો નાનો-મોટો ફેબ્રિકશનનો ધંધો હતો એમની આવક ચાલું હતી…?? શું જે રોજ સવારે ઊઠીને મજૂરીએ જતાં શ્રમિકોની આવક ચાલું હતી…?? જો કોઈની પણ આવક ચાલુ ના હતી… ! તો પણ તેમણે પોતાની યથા શકતી મુજબ પોતાના કર્મચારીઓને પગાર ચૂકવ્યા છે કે નહીંં..?? જો આપણે નાનીમોટી નોકરી ધંધા વાળા આપણે ત્યાં કામ કરતાં કર્મચારીઓનાં પગાર કોઈ પણ આવક વગર ચૂકવીને માનવતાને માન આપી ન્યાય આપી શકતાં હોંય. તો આ સ્કુલ સંચાલકો કે જે વર્ષે કરોડો રૂપિયાની આવક કરે છે તો પોતાના કર્મચારીઓને પગાર ચુકવવા માટે આપણી પાસે ફી શાં માટે ઉંઘરાવે છે…?

 

શામળાજીમાં ૧૦.૨૯ લાખ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત

બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘૂસાડવા મરણીયા બન્યા

બુટલેગરોનો દારૂ ઘુસાડવા કિમીયો નિષ્ફળ બનાવી ટ્રકથી ડાંગરના ભૂંસાની આડમાં સંતાડેલા લાખોનો દારૂ જપ્ત કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
શામળાજી, તા. ૧૪
લોકડાઉનની સ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુઓની આડમાં લાખ્ખો-કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવ્યા બાદ બુટલેગરો વિવિધ વાહનો મારફતે રાજ્યમાં દારૂ ઠાલવી રહ્યા છે. બુટલેગરોમાં વિદેશી દારૂ ઘુસાડવા સિલ્ક રૂટ તરીકે જાણીતી રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. બુટલેગરો નીતનવા નુસ્ખા અપનાવી રાજ્યમાં દારૂ ઠાલવવા મરણીયા બન્યાં છે. શામળાજી પોલીસે બુટલેગરોનો વિદેશી દારૂ ઘુસાડવાનો વધુ એક કિમીયો નિષ્ફળ બનાવી ટ્રકમાંથી ડાંગરના ભૂંસાની આડમાં સંતાડેલા રૂ.૧૦.૨૯ લાખ રૂપિયાનો વિદેશી દારૂ સાથે ટ્રક ચાલક બુટલેગરને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મોદીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. રાજ્યમાં દારૂબંધી કહેવા પૂરતી રહી ગઈ હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.
શામળાજી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીએસઆઈ કે. કે. રાજપુત અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક આવેલા અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતાં વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાતા રાજ્સ્થાન બાજુથી ડાંગરનું ભુસુ ભરી આવતા ટ્રક (ગાડી.નં-ઈત્ન.૧૯.ય્છ.૩૦૩૫) ની શંકાસ્પદ ઝડપ જોઈ પોલીસે અટકાવી તલાસી લેતા ડાંગરનું ભુસુ હટાવતા ટ્રકમાં ભરેલી વિદેશી દારૂની પેટી-૨૬૮ કુલ બોટલ નંગ-૩૨૧૬ કિંમત રૂા.૧૦૨૯૧૨૦/- નો જથ્થો જપ્ત કરી ટ્રક, મોબાઈલ -૨ મળી કુલ રૂા.૨૦૩૨૬૨૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક ઉધરામ હરજીરામ બિશ્નોઈ (રહે, ભાટીપ, ઝાલોર- રાજસ્થાન)ની ધરપકડ કરી ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

નકલી આરટીઓ અધિકારી બનીને ફરતા ત્રણ ઝડપાયા


એક શખ્સ પોલીસનો દંડો સાથે રાખતો હતો
લોકડાઉનમાં પોલીસ ન રોકે તે માટે આ રીતે ફરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે :પોલીસની ગુનો નોંધ વધુ તપાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
કોમ્બીંગ નાઈટ દરમિયાન નકલી આરટીઓ અધિકારી બનીને ફરતા ત્રણ લોકોની સોલા પોલીસે ધરપકડ કરી છે.લોકડાઉનમાં ફરવા માટે આ ત્રણમાંથી એક શખસ પી કેપ અને પોલીસનો દંડો સાથે રાખીને ફરતો હતો. અન્ય બે લોકો માત્ર તેની સાથે જ નિકળ્યાં હતા. પોલીસે તે લોકોની પણ મદદગારી બદલ ધરપકડ કરી છે. લોકડાઉનમાં પોલીસ ન રોકે તે માટે આ રીતે ફરતા હોવાનું સામે આવ્યું છે. સોલા પોલીસની ટિમ કોમ્બીંગ નાઈટ દરમિયાન પોતાના વિસ્તારમાં હતી. તે સમયે ચાંદલોડિયા પાસેથી ડેશબોર્ડ પર દંડો રાખેલી એક કાર નીકળી હતી. સોલા પોલીસે આ કાર રોકી તેમાં બેઠેલા ત્રણ લોકોની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી અધિકારી પહેરે તેવી પી કેપ, દંડો મળી આવ્યો હતો. કારમાંથી ઘાટલોડિયામાં રહેતા પિંકેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. તેની સાથે કારમાં ફરવા નીકળેલા હરેશ પટેલ અને બળવંતભાઈ પટેલની પણ પોલીસે ધરપકડ કરી હતી. નકલી અધિકારી બનનાર પિંકેશનો આ આઈડિયા હોવાનું સામે આવ્યું છે.લોકડાઉનમાં ફરવા નીકળતા લોકોની પોલીસ ધરપકડ કરતી હોવાથી તેણે આ આઈડિયા અપનાવ્યો હતો. આ બાબતે વધુ તપાસ કરવામાં આવશે અને ટોપી ક્યાં બનાવડાવી તે બાબતે તપાસ કરાશે તેવું સોલા પીઆઇ જે પી જાડેજાએ જણાવ્યું હતું. પોલીસનું કહેવું છે કે આરોપીએ જે કેપ સાથે રાખી હતી તેની પર સત્યમેવ જયતે લખ્યું હતું અને જીએમડીવી લખ્યું હતું. આ કેપ પરથી આરોપી પોતે આરટીઓ અધિકારી બનીને ફરતો હોવાનું જાણવા મળ્યું છે.

 

જમાલપુર ફૂલ બજારમાં કરમાઈ કમાણી : ખરીદીમાં જોરદાર મંદી

૩૦૦ કિલો વેચાતા ગુલાબ ૩૦-૮૦ કિલો વેચાય છે

ધાર્મિક સ્થળોમાં ફૂલો ચડાવવાની મનાઈ હોવાથી ગ્રાહકો ફૂલોની ખરીદી કરતા જ નથી : વેપારીઓ ભારે ચિંતિત

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
સમગ્ર દેશમાં અઢી મહિનાના લૉકડાઉન બાદ આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. જેમાં વિવિધ વસ્તુઓના માર્કેટ પણ ખુલ્યાં છે.જે અંતર્ગત જમાલપુર ખાતે આવેલ ફૂલ બજાર પણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે, ફૂલબજારમાં વેચાણનો પમરાટ જોવા મળી રહ્યો નથી. મંદીના કારણે વેપારીઓના મન મૂરઝાયેલાં છે. ઘંધારોજગાર શરૂ કરવા માટે કોરોના વાઇરસને લઈને કેવી કાળજી રાખવી તે માટેની ગાઈડલાઈન્સ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, તે કાળજી લઇને બજારો શરૂ થઈ ગયા છે. જમાલપુર ફૂલ બજાર પણ સંપૂર્ણ રીતે સેનિટાઈઝ કરીને શરૂ કરાયું છે. અહીં પણ ગ્રાહકો અને વેપારીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે.જો કે, ફૂલબજાર ખુલ્યું હોવા છતાં અત્યારે બજારમાં મંદી જોવા મળી રહી છે. કારણ કે પહેલાંની સરખામણીમાં ફક્ત ૧૦ ટકા ગ્રાહકો જ આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર, રાજસ્થાનની બોર્ડર બંધ હોવાથી ફૂલોની આવક પણ ઓછી છે. અત્યારે લોકલ માર્કેટમાંથી ફૂલો આવી રહ્યાં છે. ધાર્મિક સંસ્થાનોમાં ફૂલો ચડાવવાની મનાઈ હોવાથી ગ્રાહકો ફૂલોની ખરીદી કરતાં નથી.જમાલપુર ફૂલ બજારમાં કરમાઈ કમાણી, શહેર અનલૉક છતાં ખરીદીમાં મંદીઅમદાવાદ ફૂલ બજારમાં કરમાઈ કમાણી, શહેર અનલૉક છતાં ખરીદીમાં મંદીએક સમયે તહેવારોમાં જે ગુલાબ ક્વોલિટી પ્રમાણે ૨૦૦થી ૩૦૦ રૂપિયે કિલો વેચાતાં હતાં. તે અત્યારે ૨૦થી ૮૦ રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યાં છે. વરસાદના કારણે અને હવામાનમાં સતત ફેરફારના કારણે કેટલીક જગ્યાએ ફુલોની ખેતીએ નુકસાન થયું છે. જેથી ગલગોટાની અછત સર્જાઈ છે. જે ૪૦ રૂપિયાની કિલોની આસપાસ વેચાઇ રહ્યાં છે, એટલે કે ગુલાબ અને ગલગોટા બંને સરખા ભાવે વેચાઇ રહ્યાં છે. ડમરો ૨૦ રૂપિયે કિલોની આસપાસ વેચાઈ રહ્યો છે.ફૂલબજારના વેપારીઓ આશા સેવી રહ્યાં છે કે આગામી સમયમાં જ્યારે ધાર્મિક તહેવારો શરૂ થાય છે. ત્યારે આ તહેવારમાં પૂજાનું અને તેમાં ફૂલોનું અનેરું મહત્વ છે. ત્યારે વેચવાલી ખુલશે અને માર્કેટ ફરીથી ખરા અર્થમાં ધમધમી ઉઠશે.

 

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરાશે

વેબસાઇટ પર ઓનલાઈન ચેક કરી શકાશે

પરિણામ જાહેર થયા બાદ આગામી સમયમાં કોલેજમાં એડમિશનની પ્રક્રિયાને પણ શરૂ કરી દેવામાં આવશે

(સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર, તા. ૧૪
ધોરણ ૧૨ સાયન્સ અને ધોરણ-૧૦ બોર્ડના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના ધોરણ-૧૨ના સામાન્ય પ્રવાહના પરિણામોની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાના અંત આવવા જઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામો આવતી કાલે જાહેર કરવામાં આવશે. આવતીકાલે સવારે ૮.૦૦ વાગ્યે ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ ુુુ.ખ્તજીહ્વ.ર્િખ્ત પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે. આ પરિણામ જાહેર થયા બાદ આગામી સમયમાં કૉલેજમાં એડમિશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે. જણાવી દઈએ કે, રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા ગઈકાલે જ રાજ્યમાં હાલની કોરોના મહામારીના પગલે સ્કૂલો અને કૉલેજો આગામી ૧૫ ઓગસ્ટ સુધી નહીં ખોલવાની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. કોરોનાના પગલે આ પરિણામ પણ ઓનલાઈન જ મૂકવામાં આવશે. આ પરિણામ માત્ર આગામી પ્રવેશ પ્રક્રિયા માટે ઉપયોગમાં લઈ શકાશે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં સૌ પ્રથમ ધોરણ-૧૨ સાયન્સ પ્રવાહ અને થોડા દિવસ પહેલા ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ધોરણ ૧૨- સામાન્ય પ્રવાહમાં કુલ ૫,૨૭,૧૪૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેઓ તેમના પરિણામની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં હતા. આથી આવતીકાલે તેમના માટે મોટો દિવસ બની રહેશે.