પ્રમુખપદ માટે અન્ય કોઈ સારો કૅન્ડિડેટ નથી
સૌરવ ગાંગુલી આઈસીસી પ્રમુખ બને તો હું તેમની સમક્ષ મારા પર લાગેલા પ્રતિબંધને સસ્પેન્ડ કરવા અપીલ કરીશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કરાંચી, તા. ૯
પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્પિનર દાનિશ કનેરિયાનું કહેવું છે કે, જો ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી આઈસીસીના પ્રેસિડેન્ટ બને તો હું તેમની સમક્ષ મારા પર લાગેલા પ્રતિબંધને સસ્પેન્ડ કરવાની અપીલ કરીશ.
દાનિશે કહ્યું કે ‘જોે સૌરવ ગાંગુલી આઈસીસીના પ્રેસિડેન્ટ બને તો હું ચોક્કસ મારા પર લાગેલા પ્રતિબંધને સસ્પેન્ડ કરવાની અપીલ કરીશ. મને સંપૂર્ણ ભરોસો છે કે આઈસીસી મને ઉગારવા માટે દરેક પ્રયત્ન કરશે. સૌરવ ગાંગુલી એક એક્સલેન્ટ ક્રિકેટર છે. તેઓ ન્યુસન્સને સમજે છે. તેમના સિવાય આઈસીસીના પ્રેસિડેન્ટપદ માટે અન્ય કોઈ સારો કૅન્ડિડેટ નથી. ગાંગુલીએ ટીમ ઇન્ડિયાને બહુ સારી રીતે લીડ કરી હતી અને તેમના બાદ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીએ એ પરંપરા જાળવી રાખી છે. વર્તમાન સમયમાં તેઓ ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ છે અને મને ભરોસો છે કે આઈસીસીના પ્રેસિડેન્ટ બન્યા બાદ ેઓ ક્રિકેટને નવી દિશામાં લઈ જશે. મને નથી લાગતું કે તેમને કદાચ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સપોર્ટની જરૂર પડે.’ દાનિશ કનેરિયા પર ૨૦૧૨માં સ્પૉટ ફિક્સિંગ કરવાને લીધે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.