ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન વોર્નર નવા લુકમાં
ડેવિડ વોર્નર અને તેની પત્નિ કેન્ડિસ પુત્રી સાથે રામૂલુ રામુલા ગીત પર ડાન્સ કરતો વિડિયો વાયરલ થતાં ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સિડની, તા. ૧૩
ઑસ્ટ્રેલિયાનો પૂર્વ વાઈસ કેપ્ટન ડેવિડ વૉર્નર પોતાની બેટિંગ બાદ હવે એક્ટિંગ અને ડાન્સથી પણ લોકોને પ્રભાવિત કરી રહ્યો છે. અને તેના ટિકટોક વિડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. ઑસ્ટ્રેલિયન ઓપનરે મંગળવારે વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં તે પોતાની પત્ની સાથે ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે.
આ વિડીયોમાં વૉર્નર અને તેની પત્ની કેન્ડિસ ઉપરાંત તેમની દીકરી પણ ડાન્સ કરતી દેખાઈ રહી છે. આ વખતે તેમણે તેલુગુ ફિલ્મના ‘રામૂલુ રામુલા’ ગીત પર ડાન્સ કર્યો હતો. આ ગીત પર ફિલ્મમાં તેલુગુ સ્ટાર અલ્લુ અર્જુને ડાન્સ કર્યો હતો. વૉર્નરે ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયોના કેપ્શનમાં લખ્યું, ‘હી એન્ડ શી આર બેક’ તેણે પત્ની કેન્ડિસ અને અલ્લુ અર્જુનને પણ ટેગ કર્યો અને સાથે જ પૂછ્યું કે આ ક્યું ગીત છે. ઇન્ડિયન પ્રીમિયરલીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ તરફથી રમવાને કારણે ડેવિડ વૉર્નરની હૈદરાબાદમાં ખૂબ ફેન ફોલોઈંગ છે. આના પહેલા તે મહેશ બાબુની ૨૦૦૬માં આવેલી એક્શન થ્રિલર ફિલ્મ ‘પોકિરી’ના એક ડાયલૉગ પર લિપ્સિંગ કરતો દેખાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં તે બોલ ટેમ્પરિંગના મામલામાં એક વર્ષની સજા ભોગવી ચુક્યો છે અને ક્રિકેટ દૂર રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાના આ મહાન ખેલાડી પણ લોકડાઉનમાં ઘરમાં રહે છે. ઓસ્ટ્રેલિયામાં પણ કોરોનાનો આતંક જારી છે ત્યારે ક્રિકેટથી દૂર રહેલા ખેલાડીઓ પણ નવા નવા પ્રયાગો અજમાવી રહ્યા છે.