All posts by Sampurna Samachar

રખિયાલ : હિંસા બાદ સુરક્ષા વધારાઈ, અજંપાભરી શાંતિ

અમદાવાદ,શહેરના રખિયાલ વિસ્તારમાં મોડી રાત્રે સુરક્ષા જવાનો અને સ્થાનિક લોકો વચ્ચે જોરદાર સંઘર્ષ બાદ આજે અજંપાભરી શાંતિ રહી હતી. સઘન સુરક્ષા વ્યવસ્થા હિંસાગ્રસ્ત વિસ્તારમાં રાખવામાં આવી હતી. આજે સમગ્ર મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવ્યા બાદ ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે જુદી જુદી કલમો લાગૂ કરવામાં આવી છે. બીજી બાજુ ૭૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. હિંસાના પરિણામ સ્વરુપે રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઈ જેડી ડાંગરવાલાની બદલી તાત્કાલિક ધોરણે કરવામાં આવી છે જ્યારે અહીંની જવાબદારી એલિસબ્રિજના પીઆઈ બીપી સોનારાને સોંપવામાં આવી છે. ગઇકાલે રાત્રે વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. આ મુદ્દે કમિશનર શિવાનંદ ઝાએ રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઈ જેડી ડાંગરવાલાની તાત્કાલિક બદલી કરી હતી.

રખિયાલ પોલીસ સ્ટેશનમાં પીઆઈ બીપી સોનારાને સોપાઈ હતી. જ્યારે જેડી ડાંગરવાલાને સ્પેશિયલ બ્રાંચ ખાતે સોંપાઈ હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી. ક્રાઈમ બ્રાચે ૧૦થી વધુ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે ૨૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ સુત્રો મુજબ, શહેરના રખિયાલ વિસ્તારમાં મોરારજી ચોક નજીક એક મેદાન આવેલું છે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત થોડા દિવસ અગાઉ ત્યાં ખાત મૂહુર્ત કરાયું હતું. આ અંગે સ્થાનિક રહીશોએ કોર્ટમાં અરજી કરી હતી. આ અંગે કોર્ટ સ્ટે પણ આપ્યો હતો. સ્થાનિક રહીશોના આ વિરોધ ને લઈ એક એસઆરપીની પોઈન્ટ ગોઠવી દેવાયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા પોતાને માલ સામાન મૂકી પતરાં ગોઠવી દીધા હતા. તે દરમ્યાન મંગળવારે રાત્રે મેદાનમાં વાહનો પાર્ક કરવા મુદ્દે સ્થાનિકોએ એસઆરપી જવાનો સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝધડો કર્યો હતો. મામલો વધુ બિચકતાં અચાનક ૨૫૦૦ થી ૩૦૦૦ લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા.

એસઆરપીના પોઈન્ટને તોડી નાખ્યો હતો. એસઆરપીના તંબુ ચોકી અને પોલીસનાં ચારથી પાંચ વાહનો આગચાપી કરી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા મુકેલા માલ સામાનમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટના બનતા તંગદિલી છવાઈ હતી. ટોળાની આક્રમકતા જોઈને જવાનોને ભાગવવું પડ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં રખિયાલ, બાપુનગર, ગોમતીપુર અને ક્રાઈમબ્રાંચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે મોડીરાત્રે પોલીસ કમિશનર શિવાનંદ ઝા, જેસીપી ક્રાઈમ જે કે ભટ્ટ અને ડીવાઈએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. આ અંગે પોલીસે કમિશનર શિવાનંદ ઝા એ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોપી હતી. આ અંગે ટોળા વિરુદ્વ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ અંગે ક્રાઈમ બ્રાંચે ૭૦થી વધુ લોકોની અટકાયત કરી હતી. જ્યારે ૧૦થી વધુ આરોપીઓ વિરુદ્વ ૧૦ જેટલી કલમો નોંધવામાં આવી હતી. આ અંગે સ્થાનિકોએ પૂર્વ આયોજીત કાવતરૃ રચી અને હમલો કરી તોડફોડ મચાવી હોવાની પોલીસને આશંકા વ્યક્ત કરી હતી. આ મુદ્દે પોલીસ કમિશનર શિવાનંદ ઝા એ જેડી ડાંગરવાલાની તાત્કાલિક બદલી કરી હતી. રખિયાલ પોલીસના નવા પીઆઈ તરીકે બીપી સોનારાની નિમણૂક કરાઈ હતી. હાલ સમગ્ર વિસ્તારમાં ૧ પીઆઈ, ૨ પીએસઆઈ, ૫૨ એસઆરપી અને ૩૫ પોલીસ જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

લોકશાહીમાં વિશ્વાસ બંને દેશને એક સાથે જોડે છે : નરેન્દ્ર મોદી

નવી દિલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમેરિકી કોંગ્રેસના સત્રને ઐતિહાસિકરીતે સંબોધન કર્યું હતું જેમાં મોદીએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નવી ઉંચાઈ પર લઇ જવાની વાત કરી હતી. મોદીએ લોકશાહીના મુદ્દા ઉપર વિશેષ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમેરિકા સાહસી અને વીર લોકોની ભૂમિ છે. એક લોકશાહીથી બીજી લોકશાહીને તાકાત મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, અમેરિકી કોંગ્રેસને સંબોધન તેમના માટે ગર્વની વાત છે. મોદી તેમના સંબોધનમાં ભારતના બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકરની પણ વાત કરી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બાબાસાહેબ વર્ષો સુધી કોલમ્બિયા યુનિવર્સિટીમાં રહ્યા હતા અને અમેરિકી બંધારણને લઇને અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ભારતનું બંધારણ તૈયાર કરાયું ત્યારે તેમાં પણ તેની છવી દેખાઈ આવી હતી. તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, પ્રમુખ બરાક ઓબામાના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઉંચાઈ ઉપર પહોંચ્યા છે.

ભારતની વાત કરતા તેમણે કહ્યું હતું કે, જાતિ, ધર્મ અને ભાષા અનેક હોવા છતાં ભારત એક છે. અભિવ્યક્તિની આઝાદી અમારો મુળ અધિકાર છે. અમારા બંધારણમાં ભેદભાવ નથી. જરૃરી સમયમાં મદદ કરવા બદલ અમેરિકી કોંગ્રેસ અને અમેરિકાનો મોદીએ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, મુંબઈમાં હુમલો થયો હતો ત્યારે અમેરિકાએ જે સાથ આપ્યો તેને ભારતના લોકો ક્યારેય ભુલશે નહીં. મોદીએ ભરચક કાર્યક્રમ વચ્ચે સૌથી પહેલા કોલમ્બિયા શટલ દુર્ઘટનામાં મૃત્યુ પામી ચુકેલી કલ્પના ચાવલા અને અન્ય લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. વોશિંગ્ટન પહોંચ્યા બાદ મોદી અર્લિંગ્ટન નેશનલ સિમેટ્રીમાં ભારતીય અમેરિકી અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ટૂમ ઓફ અનનોન સોલ્જર્સ ખાતે પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરુપે માહિતી આપતા કહ્યું હતું કે, બલિદાનને સન્માન, વિરતાને સલામ છે. પવિત્ર સમારોહમાં ભાગ લીધા બાદ ઔપચારિક કાર્યક્રમોની શરૃઆત થઇ હતી.

મોદીએ સ્પેશ શટલ કોલમ્બિયા મેમોરિયલમાં ચાવલાના પતિ, પરિવારના સભ્યો, નાસાના અધિકારીઓ, ભારતીય અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પરિવાર સાથે વાત કરી હતી. નરેન્દ્ર મોદી ગઇકાલે તેમની વિદેશ યાત્રાના અંતિમ તબક્કામાં અમેરિકા પહોંચી ગયા હતા. અમેરિકા પહોંચ્યા બાદ તેમનુ ભવ્યરીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમની અમેરિકાની યાત્રા સૌથી મહત્વપૂર્ણ રહી છે. ગઇકાલે મોડી રાત્રે ૧૨.૨૦ વાગ્યાની આસપાસ મોદી વોશિગ્ટન પહોંચી ગયા હતા. બે વર્ષમાં મોદીની આ અમેરિકાની ચોથી યાત્રા છે. જોઇન્ટ એરબેસ એન્ડ્રુસ પર મોદી પહોંચ્યા તે પહેલા જ ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. એરબેઝ પર હાજર રહેલા ભારતીય સમુદાયના લોકો સાથે મોદીએ વાતચીત કરી હતી. તેમનો આભાર માન્યો હતો. સૌથી મોટી બાબત એ છે કે આ વખતે તેમની યાત્રા અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના અંગત આમંત્રણના આધાર પર છે. ઓબામા પ્રમુખ તરીકે પોતાની અવધિ હવે પૂર્ણ કરનાર છે.

 

ઇંતજારનો અંત આવ્યો : કેરળમાં મોનસુનની એન્ટ્રી, ભારે વરસાદ

થિરુવનંતપુરમ,કેરળમાં મોનસુનની એન્ટ્રી આખરે થઇ ગઇ છે. આની સાથે જ લોકોના ઇંતઝારનો અંત આવ્યો છે. અતિભારે વરસાદના પરિણામ સ્વરુપે એકનું મોત થયું છે. ઇડ્ડુકી જિલ્લામાં ભેખડ ધસી પડતા એકનું મોત થયું હતું. હવામાન વિભાગના ક્ષેત્રીય સેન્ટરના વડા કે સંતોષનું કહેવું છે કે, દક્ષિણ પશ્ચિમ મોનસુન કેરળ અને લક્ષ્યાદ્વીપમાં સક્રિય થઇ ચુક્યું છે. ગઇકાલ મોડી રાતથી જ રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. આઈએમડી દ્વારા અગાઉ ૯મી જૂને કેરળમાં મોનસુનની એન્ટ્રી થશે તેવી વાત કરી હતી. થિરુવંતનપુરમના જિલ્લા સત્તાવાળાઓએ ભારે વરસાદના અનુસંધાનમાં પોનમુડી જેવા હિલસ્ટેશનો ખાતે પ્રવાસીઓના ધસારાને કાબૂમાં લેવા માટે સાવચેતીના પગલા લીધા છે. લોકોને પહાડી ભાગો ઉપર રાત્રિગાળા દરમિયાન મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. મોનસુની વરસાદની શરૃ થતાં લોકોને મોટી રાહત થઇ ગઇ છે. હવે દેશના અન્ય ભાગોમાં પણ મોનસુનની એન્ટ્રી થશે. મુંબઈ અને ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં વરસાદની રાહ જોવામાં આવી રહી છે. સૌથી પહેલા મોનસુનની શરૃઆત કેરળમાં થાય છે. ત્યારબાદ દેશના અન્ય ભાગોમાં મોનસુનની શરૃઆત થાય છે.

ગુજરાતમાં પણ ટૂંકમાં જ મોનસુનની એન્ટ્રીની શક્યતા દેખાઈ રહી છે. વાણિજ્ય પાટનગર મુંબઈમાં ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આ વખતે કાળઝાળ ગરમીના કારણે જનજીવન સંપૂર્ણ ખોરવાઈ ગયું હતું. ગરમીના નવા રેકોર્ડ સર્જાયા હતા. પારો ૫૦ની આસપાસ પહોંચ્યો હતો. અગાઉ ભારતીય હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ મોનસુન કેરળમાં આગામી બે ત્રણ દિવસમાં બેસી જશે અને તેની આગાહી મુજબ જ કેરળમાં મોનસુનની એન્ટ્રી થઇ છે. હવામાન વિભાગે અગાઉ કહ્યું હતું કે, કેરળમાં નવમી જૂનના દિવસે મોનસુનની એન્ટ્રી થઇ જશે. મોનસુન પહેલા પશ્ચિમ બંગાળ, સિક્કિમ, દરિયા કાંઠાના આંધ્રપ્રદેશ અને છત્તીસગઢ અને આસામ, મેઘાલય અને કેરળના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ ચુક્યો છે. છેલ્લા થોડાક દિવસથી કેરળમાં પણ વરસાદ થઇ રહ્યો છે.

હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, લક્ષ્યદ્વીપ, કેરળ, મેંગ્લોરમાં સ્થિત ૧૪ હવામાન સ્ટેશનના ડેટા એકત્રિત કરી લેવામાં આવ્યા છે. પરિસ્થિતિ દર્શાવે છે કે, સતત બે દિવસના ગાળા દરમિયાન મોનસુની વરસાદ પહેલાનો વરસાદ થયો છે. ગયા વર્ષે પણ આઇએમડી દ્વારા ૩૦મી મે સુધી દક્ષિણ પશ્ચિમ મોનસુન બેસી જવાની જાહેરાત કરી હતી. હકીકતમાં પાંચમી જૂન સુધી આ તમામ વિસ્તારોમાં મોનસુન બેસી જાય છે. ૨૦૦૫ બાદથી આઈએમડી દ્વારા સ્વદેશીરીતે વિકસિત કરવામાં આવેલા મોડલના આધાર પર કેરળમાં મોનસુન બેસી જવાની તારીખ જાહેર કરવામાં આવે છે. આ વખતે આઈએમડી અને ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા મોનસુનની સિઝનમાં સામાન્ય કરતા વધુ એટલે કે ૧૦૬ ટકાથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે તમામ લોકો અને સરકાર માટે પણ મોટી રાહતના સમાચાર છે.

 

સીટીએમ ચાર રસ્તા પાસે બે બીઆરટીએસ બસ ટકરાઈ

અમદાવાદ,શહેરના સીટીએમ ચાર રસ્તા પાસે આજે બે બીઆરટીએસ બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બનતા આસપાસના લોકો એકઠા થયા હતા. આ ઘટનામાં ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બસ રેલીંગ પર ચઢી ગઈ હતી. આ ઘટનાની જાણ ટ્રાફીક ડીવીઝન પોલીસને કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને તપાસ શરૃ કરી આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુત્રો મુજબ શહેરના આરટીઓથી નરોડા તરફ જતી એક બીઆરટીએસ બસ સીટીએમ ચાર રસ્તા પર ઉભી હતી. તે દરમ્યાન એ જ રૃટની અન્ય એકબીઆર ટીએસ બસે આગળની બસને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વાતાવરણમાં ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, પાછળવાળી આખી બસ કોરીડોરની રેલીંગ તોડી ઉપર ચઢી ગઈ હતી.

આ ઘટનાની જાણ બીઆરટીએસના અધિકારીઓને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટનામાં બે બસોના ડ્રાઈવર સહિત ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એલ જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ટ્રાફીક આઈ ડીવીઝન પોલીસને કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને તપાસ શરૃ કરી હતી. આ ઘટના બનતા ટ્રાફીક જામની સમસ્યા સર્જાઈ હતી. આ ઘટનામાં તંત્રના અધિકારીઓ એ ક્રેઈનની મદદથી રેલીંગ પર ચઢેલી બસને ઉતારીને કોરીડોર ખુલ્લો કર્યા હતા. જોકે, પેસેન્જર બસના પાછળથી અથડાયેલી બસ સર્વિસ કરાવીને આવી રહી હતી. તે જ દરમ્યાન બ્રેક ફેઈલ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે ઈજાગ્રસ્ત ડ્રાઈવરોના નિવેદન લઈને અકસ્માત માનવીને ભુલ કે ટેકનીકલ ભુલથી થયો તે અંગે તપાસ શરૃ કરી છે.

 

૨૦૨૩ સુધી બુલેટ ટ્રેન દોડાવી દેવાશે : ૧૨ પ્રોજેક્ટોને બહાલી

મહેસાણા,રેલવે મંત્રી સુરેશ પ્રભુ આજે શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને ૧૨ જેટલા રેલ પ્રોજેક્ટોને લીલીઝંડી આપી હતી. સુરેશ પ્રભુએ આ પ્રસંગે પત્રકાર પરિષદને સંબોધતા કેટલીક જાહેરાતો કરી હતી. પત્રકાર પરિષદમાં પ્રભુએ કહ્યું હતું કે, સરકાર ૨૦૨૩ સુધી અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનને દોડાવવા માટે પ્રયાસ કરી રહી છે. તેમની સાથે ગુજરાતના પ્રધાન નીતિન પટેલ, ભાજપના અન્ય આગેવાનો પણ રહ્યા હતા. પ્રભુએ કહ્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં રેલવેનો વધારે વિકાસ થશે. બે વર્ષમાં ઘણું કામ કરવામાં આવ્યું છે. વિકાસના કામો અવિરતપણે જારી રહેશે.

પ્રભુએ આજે મહેસાણા તારંગા હિલ પ્રોજેક્ટ, મિયાગામ-સમલાયા, ભુજ-નલિયા ગેજ પરિવર્તનની સાથે સાથે અમદાવાદ મહેસાણા વિધુતીકરણ સહિતની ગેજ પરિવર્તન, વટવા અમદાવાદ ત્રીજી રેલ લાઈન, સોમનાથ-કોડીનાર, મોડાસા-શામળાજી નવી રેલ લાઈન, સુરેન્દ્રનગર-રાજકોટ રેલ લાઈન સહિતના પ્રોજેક્ટ શિલાન્યાસ કર્યો હતો. મહેસાણાની મુલાકાતે આવેલા રેલ મંત્રીએ જણાવ્યું હતું કે, ૨૦૨૩ સુધીમાં અમારો પ્રયાસ છે કે બુલેટ ટ્રેન દોડવા લાગે. અમે તેના પર હાલ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. તેમજ રેલવેના આધુનિકરણ માટે તમામ પ્રકારના પ્રયાસ થઈ રહ્યા છે. કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ગુજરાત માટે મહત્વના કાર્યો આજે કર્યા છે.

મહેસાણામાં તેમણે રેલવે પરિવહન માટેની નવી સાત યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજનાઓનો લાભ મળતાં અમદાવાદ થી મુંબઈ અને દિલ્હી તેમ જ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે મુસાફરીના સમયમાં ઘટાડો થશે અને વેપાર અને વાણિજ્યને ઉત્તજન મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મહેસાણામાં આ પરિયોજનાઓનો શિલાયાન્સ કરાવતા કેન્દ્રીય રેલવેપ્રધાન સુરેશ જરૃરી છે કારણે કે રેલવે વિકાસની સાથે દેશનો વિકાસ સંકળાયેલો છે. રેલવે વિભાગ દ્વારા દેશના વિકાસના ફળો છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેતો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાતમાં રેલવેના વિકાસકાર્યો વિશે પ્રભુએ મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે, વડોદરામાં રેલવે યુનિવર્સિટી શરૃ કરાશે. ગાંધીનગર અને સુરેશ પ્રભુએ સુરત રેલવે સ્ટેશનોને વિકસાવવાની ગુજરાતની વર્ષો જુના માંગને પૂર્ણ કરતાં તેમણે વચન આપ્યું કે, આ બંને સ્ટેશનને વધુ આધુનિક બનાવવામાં આવશે.

હાલમાં કુલ ૩૫ રેલવે પ્રોજેક્ટો ગુજરાતમાં ચાલી રહ્યા છે. સુરેન્દ્રનગર, વિરમગામ, રાજકોટ, ગોધરા, વગેરે સ્થળે કરવામાં આવી રહેલા કામોની વિગતો પણ આપવામાં આવી હતી. કેન્દ્રીય રેલવે પ્રધાન પ્રભુએ જે શિલાન્યાસ કાર્યો કર્યાં તેમાં મહેસાણાથી તારંગા વચ્ચે તથા મિયાંગામ અને સમલાયા વચ્ચે, ભુજ અને નલીયા વચ્ચે ગેજ પરિવર્તન સોમનાથ અને કોડીનાર, મોડાસાથી શામળાજી વચ્ચે નવી રેલવે લાઈનની યોજના, સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે ડબલિંગ રેલવેલાઈન અને અમદાવાદ વટવા વચ્ચે ત્રીજી રેલવેલાઈન માટે વિવિધ કામોનો શિલાન્યાસ કર્યો હતો.

 

મોદી આજે અમેરિકી કોંગ્રેસના સત્રને સંબોધશે : ભારે ઉત્સુકતા

નવી દિલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યા બાદ જુદા જુદા કાર્યક્રમોમાં આજે વ્યસ્ત રહ્યા હતા. મોદી હવે આવતીકાલે પણ વ્યસ્ત કાર્યક્રમો ધરાવે છે જેના ભાગરુપે ઇતિહાસ સર્જીને મોટી આવતીકાલે અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કરનાર છે જેના ઉપર તમામની નજર રહેશે. આજે દિવસ દરમિયાન મોદી જુદા જુદા કાર્યક્રમોમાં રહ્યા હતા. જે પૈકી થીંક ટેંક સાથે વાતચીત કરી હતી. વોશિંગ્ટન પહોંચ્યા બાદ ભવ્ય સ્વાગત થયા પછી મોદી વોશિંગ્ટનમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતની કિંમતી ચીજવસ્તુઓની આપલે થઇ હતી. ત્યારબાદ મોદીએ કોલમ્બિયા શટલ દુર્ઘટનામાં મૃત્યુ પામી ચુકેલી કલ્પના ચાવલા અને અન્ય લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

વોશિંગ્ટન પહોંચ્યા બાદ મોદી અર્લિંગ્ટન નેશનલ સિમેટ્રીમાં ભારતીય અમેરિકી અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ટૂમ ઓફ અનનોન સોલ્જર્સ ખાતે પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરુપે માહિતી આપતા કહ્યું હતું કે, બલિદાનને સન્માન, વિરતાને સલામ છે. પવિત્ર સમારોહમાં ભાગ લીધા બાદ ઔપચારિક કાર્યક્રમોની શરૃઆત થઇ હતી. મોદીએ સ્પેશ શટલ કોલમ્બિયા મેમોરિયલમાં ચાવલાના પતિ, પરિવારના સભ્યો, નાસાના અધિકારીઓ, ભારતીય અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પરિવાર સાથે વાત કરી હતી. તે ગાળામાં તેમની સાથે અમેરિકાના વિદેશમંત્રી કાર્ટર પણ હતા.

અમેરિકામાં ભારતના રાજદૂત અરુણ સિંહ, વિદેશ સચિવ એસ જયશંકર, ભારતમાં અમેરિકાના રાજદૂત રિચર્ડ વર્મા, વિદેશી બાબતોના અધિકારી લિસા દેસાઈ પણ હાજર રહ્યા હતા. મોદીએ સુનિતાના પિતા સાથે ગુજરાતમાં વાત કરી હતી અને તેમને ભારત આવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમની છ દિવસીય વિદેશ યાત્રાના અંતિમ તબક્કામાં અમેરિકા પહોંચી ગયા હતા. અમેરિકા પહોંચ્યા બાદ તેમનુ ભવ્યરીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમની આ અમેરિકાની યાત્રા સૌથી મહત્વપૂર્ણ છે.

મોડી રાત્રે ૧૨.૨૦ વાગ્યાની આસપાસ મોદી વોશિગ્ટન પહોંચી ગયા હતા. બે વર્ષમાં મોદીની આ અમેરિકાની ચોથી યાત્રા છે. જોઇન્ટ એરબેસ એન્ડ્રુસ પર મોદી પહોંચ્યા તે પહેલા જ ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. મોદી પહોંચ્યા બાદ ત્યા મોદી મોદીના નારા લગાવાયા હતા. મોદીએ પણ પોતાના કાફલાની ગાડીને હાથથી રોકાવવાનો ઇશારો કર્યો હતો અને લોકોને મળવાનો નિર્ણય કર્યો હતો. એરબેઝ પર હાજર રહેલા ભારતીય સમુદાયના લોકો સાથે મોદીએ વાતચીત કરી હતી. તેમનો આભાર માન્યો હતો.

છ દિવસની અંદર મોદી પાંચ દેશોમાં જઇ આવ્યા છે. અમેરિકા ચોથા દેશ તરીકે છે. મોદી અમેરિકામાં હવે બે દિવસ રોકાનાર છે. તેમની અમેરિકાની યાત્રાને ઐતિહાસિક ગણવામા ંઆવી રહી છે. સૌથી મોટી બાબત એ છે કે આ વખતે તેમની યાત્રા અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના અંગત આમંત્રણના આધાર પર છે. ઓબામા પ્રમુખ તરીકે પોતાની અવધિ હવે પૂર્ણ કરનાર છે. તેમના સંબંધોમાં નવી ઉંચાઇ જોવા મળી શકે છે. બે વર્ષના ગાળા દરમિયાન મોદી અને ઓબામા વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી રહી છે. ઓબામા કેટલાક પસંદગીના નેતાના જ મહેમાન બની રહ્યા છે. મોદી હવે આજે અને આવતીકાલે એટલે કે આઠમીએ અમેરિકામાં રહેશે. આ ગાળા દરમિયાન તેઓ બે ઇવેન્ટમાં ભાગ લેનાર છે.

મોદી આજે તેમની ઓવલ ઓફિસમાં ઓબામાની સાથે લંચ પર વાતચીત કરનાર છે. આઠમી જુનના દિવસે મોદી અમેરિકી કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધન કરનાર છે. મોદી મોટા કારોબારીઓ અને થિંક ટેન્ક સાથે જોડાયેલા લોકોને પણ મળનાર છે. મોદી આ પ્રવાસના બાગરૃપે હજુ સુધી અફઘાનિસ્તાન, કતાર, સ્વીસની યાત્રા કરી ચુક્યા છે. અમેરિકા પણ સાથ આપવા માટે  તૈયાર છે.

 

રાજ્યભરમાં હિટવેવ : પારો ૪૬થી ઉપર, વધુ એકનું મોત

અમદાવાદ,સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર હિટવેવનું મોજુ ફરી વળ્યું છે. હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ દિવસ માટે હિટવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. અમદાવાદ અને રાજ્યના અન્ય ભાગોમાં તાપમાનને લઇને પણ હવે લોકોમાં ચર્ચા છે. કારણ કે, પારો વધુ હોવાની વાત લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી તાપમાન અમદાવદામાં આજે ૪૪.૫થી વધુ આંકવામાં આવ્યું છે. આજે રાજ્યના જે ભાગોમાં પારો ૪૪થી ઉપર રહ્યો હતો તેમાં ડિસા, ગાંધીનગર, ઇડર, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. બીજી બાજુ અમદાવાદ શહેરના તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો થવા પામ્યો છે.

શહેરમાં તાપમાનનો પારો આગામી બે દિવસ દરમિયાન ૪૫ ડીગ્રી સેલ્સિયસ પર પહોંચવાની હવામાન વિભાગની આગાહીની વચ્ચે તંત્ર દ્વારા રેડએલર્ટ જારી કરવામાં આવ્યું છે.ત્યાં શહેરમાં હીટસ્ટ્રોકની અસરથી દાખલ કરવામાં આવેલા એક વૃધ્ધનું મોત થતાં શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૮ લોકોના મોત થવા પામ્યા છે.આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થવિભાગ તરફથી જાણવા મળ્યા મુજબ,શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા એક ૭૦ વર્ષના વૃધ્ધને હીટસ્ટ્રોકની અસરને પગલે વી.એસ.હોસ્પિટલમાં સારવાર માટે ગઈકાલે દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું મોત થવા પામતા શહેરમાં હીટસ્ટ્રોકને કારણે કુલ મૃત્યુઆંક ૧૮ ઉપર પહોંચવા પામ્યો છે.

અત્યારસુધીમાં લૂ લાગવાના  કારણે શહેરની હોસ્પિટલોમાં કુલ ૯૫ જેટલા દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.જે પૈકી ૮૭ દર્દીઓ અમદાવાદ શહેરના અને ૮ દર્દીઓ અમદાવાદ બહારથી સારવાર માટે આવેલા હતા.મ્યુનિસિપલ હેલ્થવિભાગ તરફથી આગામી બે દીવસ દરમિયાન તાપમાનનો પારો ૪૫ ડીગ્રી સેલ્સિયસ પર પહોંચવાની આગાહીને પગલે લોકોને વધુ પ્રમાણમાં પાણી પીવા ઉપરાંત છાશ અથવા અન્ય પ્રવાહનું સેવન કરવાની સાથે લાંબો સમય તડકામાં ન રહેવા,હળવા સુતરાઉ કપડા પહેરવા,ઠંડકવાળા સ્થળો પર સમય-સમય પર આરામ કરવા અને બાળકો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે.

અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં હિટવેવના કારણે આજે જનજીવન ખોરવાઈ ગયું હતું. બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બન્યા હતા. ગરમીના પ્રમાણમાં વધારો થયા બાદ ફરી એકવાર તકેદારી રાખવા માટેની જરૃર દેખાઇ રહી છે. હાલમાં ગરમીનો પારો ૪૮ સુધી પહોંચી ગયો હતો. લુ લાગવાના અથવા તો હિટ સ્ટ્રોકના કેટલાક બનાવો બન્યા હતા. મોત પણ અમદાવાદમાં થયા હતા. ગરમીથી બચવા માટે વધુ પાણી અને છાશનો ઉપયોગ કરવા માટેની સલાહ તંત્ર દ્વારા આપવામાં આવી છે. નિષ્ણાંત તબીબો પણ આવી જ સલાહ આપે છે. ગરમીના પ્રમાણમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો થાય છે. જેમાં પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે. જાણકાર લોકોના કહેવા મુજબ હજુ થોડાક દિવસ સુધી ઉંચુ તાપમાન રહી શકે છે. બપોરના ગાળામાં ૪૬થી ઉપર તાપમાન અમદાવાદમાં પહોંચ્યું હોવાની બાબત જોવા મળી હતી.

 

ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨માં સેમેસ્ટર પદ્ધતિ અંતે નાબૂદ થઈ

અમદાવાદ,શિક્ષણના ક્ષેત્રમાં અનેક પ્રકારની દુવિધાઓ અને માંગ વચ્ચે આજે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨માં સેમેસ્ટર પદ્ધતિ નાબૂદ કરવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ ૨૦૧૭માં લેવામાં આવનાર નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઇપણ મુશ્કેલી ન પડે તે માટે પુરતા અભ્યાસક્રમની પુરવણી વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં જ આપવામાં આવશે. ધોરણ ૧૨ પછીના ઇજનેરી, ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વર્ષ ૨૦૧૭-૧૮થી કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ તરીકે જેઇઇ મેઇનને મરજિયાત કરવાનો અને ગુજકેટ દાખલ કરવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય આજે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો અને આ સંદર્ભમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ધોરણ – ૯,૧૦,૧૧ અને ૧૨માં હાલમાં ચાલતી સેમેસ્ટર પધ્ધતિ નાબુદ કરવાનો રાજય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાની જાહેરાત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે કરી છે.

ઉચ્ચ ટેકનીકલ શિક્ષણ રાજયમંત્રી વસુબેન ત્રિવેદી અને પ્રાથમિક શિક્ષણ રાજયમંત્રી નાનુભાઈ વાનાણીની ઉપસ્થિતિમાં આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ વિભાગનાં આ નિર્ણયના સંદર્ભમાં જણાવ્યું હતું કે, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની વાર્ષિક પરીક્ષા ગુજરાત રાજય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ લેશે. ધોરણ-૧૧ની અને ધોરણ-૧૨ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા જે તે શાળા ધ્વારા લેવાશે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, શૈક્ષણિક સંગઠનો, શિક્ષણ વિષયના તજજ્ઞો, વાલીઓ વગેરે ધ્વારા સેમેસ્ટર પધ્ધતિ નાબુદ કરવાની વારંવાર રજુઆતો થતી હતી. વ્યાપક પ્રમાણમાં મળેલ આ રજુઆતોના સંદર્ભમાં શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો હોવાનું શિક્ષણમંત્રીએ જણાવ્યું છે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, હાલ ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ મળી વિજ્ઞાન પ્રવાહમાં સી બી એસસી મુજબનો અભ્યાસક્રમ છે. પરંતુ ફીઝીક્સ અને મેથ્સમાં નહીંવત ફેરફાર છે. જ્યારે કેમેસ્ટ્રીમાં ૫ ટકા અને બાયોલોજીમાં ૨૦ ટકા ફેરફાર છે.

નીટની ૨૦૧૭માં લેવાનાર પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે ધ્યાનમાં લઈને આ અભ્યાસક્રમ તૈયાર કરીને ટૂંક સમયમાં પુરવણી પુસ્તકો વિદ્યાર્થીઓને આપવાનું શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે. આ અભ્યાસક્રમ શિક્ષણ વિભાગે સી બી એસસી અને ગુજરાતના ૧૫-૧૫ તજજ્ઞો સાથે બેસીને પુરવણી તૈયાર કરાઈ છે. હાલ ચાલુ વર્ષે ધોરણ-૧૨માં જે વિદ્યાર્થીઓ પ્રવેશ્યા છે તેમને બાકી રહેલો પુરવણી અભ્યાસક્રમ આ વર્ષે જ ભણાવવામાં આવશે. જેથી નીટની ૨૦૧૭ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે. નીટની તૈયારી માટે બાયસેગ મારફત શાળાઓમાં તેમજ ઘેરબેઠા ટેલીવીઝન મારફત શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. ધોરણ-૧૨ પછીના ઈજનેરી ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વર્ષ ૨૦૧૭-૧૮થી કોમન એન્ટ્રસ ટેસ્ટ તરીકે જેઈઈ મેઈનને મરજીયાત કરવાનો અને ગુજકેટ દાખલ કરવાનો નિર્ણય કરેલ છે.

મેડિકલમાં પ્રવેશ માટે નીટ ફરજિયાત કરવાની સુપ્રીમ કોર્ટના આદેશ બાદથી ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસની સ્થિતિમાં દેખાઈ રહ્યા હતા. આ વિશે અનેક કારણો પૈકીનું એક કારણ ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં દાખલ કરવામાં આવેલી સેમેસ્ટર સિસ્ટમ હોવાનું વાલીઓ અને નિષ્ણાતો જણાવી રહ્યા હતા. ગુજરાતના વિદ્યાર્થીઓએ ગુજકેટ માટે માત્ર બે સેમેસ્ટર ત્રણ અને ચાર એટલે કે એક વર્ષની તૈયારી કરવી પડે છે જ્યારે નીટ માટે બે વર્ષ ધોરણ ૧૧ અને ૧૨ની તૈયારી કરવી પડતી હોવાથી ગુજરાતના વિદ્યાર્થીઓ નીટમાં સારો દેખાવ કરવાની સ્થિતિ દેખાઈ રહી ન હતી. આખરે સરકારે કેટલાક મહત્વના નિર્ણય લેતા ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨માં સેમેસ્ટર પદ્ધતિ નાબૂદ કરવાનો આજે નિર્ણય લીધો હતો.

વિદ્યાર્થીઓને ધોરણ-૧૦થી ૧૨ એટલે કે સળંગ ૩ વર્ષ માનસિક તાણનો સામનો કરવો પડે છે. સત્ર શરૃ થયાના દિવસે જ જાહેરાત કરનાર સરકારે આ માટે પહેલીથી જ તૈયારીઓ શરૃ કરી દીધી હતી. આ માટે નવા સત્રથી નવા પુસ્તકો, તેને આધારિત કેળવણીના મોડયુલ અને પરિક્ષાના કાર્યક્રમો તૈયાર કરવા ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડને આદેશો આપી દેવાયા હતા. સવારે નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં આ વર્ષથી જ સેમેસ્ટર પ્રથા બંધ થવાની વાત કરી હતી. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને તેમની નીચેના રાજ્યકક્ષાના મંત્રીઓ પ્રો.વસુબહેન ત્રિવેદી અને નાનુ વાનાણીએ અત્યાર સુધીસ્પષ્ટતા ન કરતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.

 

વેકેશન પૂર્ણ : શાળાઓમાં શૈક્ષણિક સત્રની શરૃઆત

અમદાવાદ,રાજયભરની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતા આજે નવા શૈક્ષણિક સત્રની વિધીવત શરૃઆત થઇ ગઇ હતી. સવારમાં જ વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહ સાથે શાળાઓમાં પહોંચ્યા હતા. મોટા ભાગના બાળકો આજે પ્રથમ દિવસે તેમના વાલીઓ સાથે શાળાઓમાં પહોંચ્યા હતા. ખાસ કરીને નાના માસુમ બાળકો તેમના માતાપિતા સાથે નજરે પડ્યા હતા. નવા શૈક્ષણિક સત્રની આજે શરૃઆત થયા બાદ આ નવા શૈક્ષણિક સત્રની પ્રક્રિયા હવે શરૃ થશે.  રાજયમાં પ્રથમ સત્રનો પ્રારંભ આજે સવારે થયો હતો અને હવે પ્રથમ સત્ર  નવેમ્બર સુધી ચાલશે.જ્યારે બોર્ડની પરીક્ષાઓ માર્ચથી શરૃ કરવાનું આયોજન હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭નાં પ્રથમ સત્રમાં  શૈક્ષણિક કાર્યમાં એક દિવસની સ્થાનિક રજાને બાદ કરતા શિક્ષણ કામગીરી ચાલશે. ઉનાળા વેકેશનની પૂર્ણાહૂતિ બાદ શાળાઓ ખુલી જતાં શિક્ષકો અન ેવિદ્યાર્થીઓ સમયસર પહોંચ્યા હતા. હાલમાં તીવ્ર ગરમી પડી રહી છે ત્યારે કેટલીક સ્કૂલોએ પોતાનીરીતે ટાઇમ ટેબલ નક્કી કર્યા છે. આજે પ્રથમ દિવસે મોટાભાગની શાળાઓને વહેલીતકે છોડી દેવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસથી સૂમસામ બનેલા શાળાઓના કેમ્પસ વિદ્યાર્થીઓના શોરબકારથી ગૂંજી ઉઠ્યા હતા.   આજે આ વેકેશન પૂર્ણ થતા છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી સૂમસામ બનેલા શાળાઓના કેમ્પસ વિદ્યાર્થીઓના શોરબકોરથી ગૂંજી ઉઠ્યા હતા. રાજયમાં પ્રાથમિકની ૪૦ હજાર, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની ૧૦,૫૦૦થી વધુ શાળાઓના ૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ આજથી નવા શૈક્ષણિક સત્રમાં જોડાયા છે.

 

અમદાવાદ સહિત રાજ્યમાં ફરીવખત કાળઝાળ ગરમી

અમદાવાદ,ગરમીના પ્રમાણમાં ફરી એકવાર તીવ્ર વધારો થયો છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ફરી એકવાર ૪૩થી ઉપર પહોંચી ગયો હતો જ્યારે ઇડરમાં તો પારો ૪૬ ડિગ્રી નોંધાયો હતો. બીજી બાજુ અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૪.૯ ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગ તરફથી ફરી એકવાર ઉત્તર ગુજરાત અને કચ્છના જુદા જુદા ભાગોમાં હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. આગામી બે દિવસ માટે હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી ચુકી છે. આજે રાજ્યના જે ભાગોમાં પારો ૪૪થી ઉપર રહ્યો હતો તેમાં પાટનગર ગાંધીનગરમાં ૪૫, ડિસામાં ૪૪.૯, ઇડરમાં ૪૬, વડોદરામાં ૪૪.૧, અમરેલીમાં ૪૪.૫, સુરેન્દ્રનગરમાં ૪૬.૩, કંડલા એરપોર્ટ ખાતે ૪૪.૧નો સમાવેશ થાય છે. કાળઝાળ ગરમીના કારણે આજે રવિવારના દિવસે લોકો ત્રાસી ગયા હતા અને જનજીવન ખોરવાઈ ગયું હતું. બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બન્યા હતા. ગરમીના પ્રમાણમાં વધારો થયા બાદ ફરી એકવાર તકેદારી રાખવા માટેની જરૃર દેખાઇ રહી છે. હાલમાં ગરમીનો પારો ૪૮ સુધી પહોંચી ગયો હતો. લુ લાગવાના અથવા તો હિટ સ્ટ્રોકના કેટલાક બનાવો બન્યા હતા. મોત પણ અમદાવાદમાં થયા હતા.

ગરમીથી બચવા માટે વધુ પાણી અને છાશનો ઉપયોગ કરવા માટેની સલાહ તંત્ર દ્વારા આપવામાં આવી છે. નિષ્ણાંત તબીબો પણ આવી જ સલાહ આપે છે. ગરમીના પ્રમાણમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો થાય છે. જેમાં પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે. જાણકાર લોકોના કહેવા મુજબ હજુ થોડાક દિવસ સુધી ઉંચુ તાપમાન રહી શકે  છે. લોકોને વધુ તાપનો અનુભવ થશે. તાપમાનમાં ફરી વધારો થતા લોકો સાવધાન થઇ ગયા છે.  ભારતમાં છેલ્લા બે વર્ષથી દુષ્કાળની સ્થિતિ જોવા મળી રહી હતી. આ વખતે ૯૬ ટકા મોનસુનની આગાહી કરવામાં આવી છે. મોનસુન સમાન્ય રહેશે અને પોતાની ગતિ કરતા આગળ વધશે. આઈએમડી દ્વારા સારા વરસાદની આગાહી બાદ મોનસુનની રાહ જોવામાં આવી રહી છે. ગુજરાતમાં મોનસુનને લઇને હજુ પણ અટકળોનો દોર ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં હિટસ્ટ્રોકની અસરથી ૯૪ દર્દીઓ દાખલ થયેલા છે. અમદાવાદ શહેરમાં ૮૬ અને આઠ કેસ અમદાવાદ બહારના નોંધાયા છે. અમદાવાદમાં હિટસ્ટ્રોકના કારણે ૧૬ લોકોના મોત થયા છે જે પૈકી અમદાવાદ શહેરમાં ૧૨ અને અમદાવાદ બહારના ચાર દર્દીઓનો સમાવેશ થાય છે. આવનાર દિવસોમાં વધી રહેલા તાપમાનના અનુસંધાનમાં કેટલીક સલાહ પણ આપવામાં આવી છે.