અત્યાર સુધી બે મહિલા સહીત ૨૭ લોકોની ધરપકડ કરાઈ
અથડામણ મામલે કુલ ૧૨ FIR નોંધાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સરવે મામલે થયેલી અથડામણમાં ચાર લોકોના મોત નીપજ્યા હતાં. આ સરવે વખતે તોડફોડ અને આગચંપીની ઘટના બની હતી, જેમાં અનેક પોલીસકર્મી પણ ઘાયલ થયા હતાં. જોકે, હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. હવે પોલીસ પથ્થરમારો કરનારા અસામાજિક તત્ત્વોને શોધીને ધરપકડ પણ કરી રહી છે. આ તત્ત્વો સામે યોગી સરકારે આકરૂ વલણ અપનાવવાનો આદેશ આપ્યો છે.
યોગી સરકારે કહ્યું છે કે, અમે સંભલમાં પથ્થરમારો કરનારા અસામાજિક તત્ત્વોના પોસ્ટર દરેક ચાર રસ્તા પર લગાવવાનું નક્કી કર્યું છે. અમે તેમની પાસેથી નુકસાનનું વળતર વસૂલવાનો પણ આદેશ આપ્યો છે. જે અસામાજિક તત્ત્વો હજુ ઝડપાયા નથી, તેમની ઓળખ આપનારા માટે ઈનામ પણ જાહેર કરવાનું વિચારાણા હેઠળ છે. સંભલના ગુનેગારોને આકરી સજા આપીને આ પ્રકારનો તણાવ અને તંગદિલીનો માહોલ ઊભો કરનારા માટે એક ઉદાહરણ પૂરું પડાશે.
સંભલની શાહી જામા મસ્જિદના સરવે દરમિયાન સર્જાયેલી હિંસામાં મેજિસ્ટ્રેટે તપાસના આદેશ આપ્યા છે. પોલીસે પણ પથ્થરમારો કરનારા ૧૦૦ લોકોની ઓળખ કરી છે અને અત્યાર સુધી ૨૭ લોકોની ધરપકડ કરી છે. જેમાં બે મહિલાઓ પણ સામેલ છે.
બીજી તરફ, સંભલની શાહી જામા મસ્જિદના સરવે દરમિયાન સર્જાયેલી હિંસામાં મેજિસ્ટ્રેટે તપાસના આદેશ આપ્યા છે. પોલીસે પણ પથ્થરમારો કરનારા ૧૦૦ લોકોની ઓળખ કરી છે, જ્યારે અત્યાર સુધી ૨૭ લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં બે મહિલા પણ સામેલ છે.
આ અથડામણ મામલે કુલ ૧૨ FIR નોંધાઈ છે. તે અંતર્ગત ૧૪ વર્ષથી માંડી ૭૨ વર્ષના આરોપીઓની ધરપકડ થઈ છે. પોલીસે ગંભીર કલમો લગાવી આકરી કાર્યવાહી હાથ ધરી છે. FIR માં પોલીસે સાંસદ જિયા ઉર્ર રહમાન બર્ક અને સ્થાનિક ધારાસભ્યના પુત્ર સુહેલ ઈકબાલ પર લોકોને ભડકાવવાનો આરોપ મૂક્યો છે.
કોર્ટે અહીંની જામા મસ્જિદનો બીજી વાર સરવે કરવા આદેશ આપતાં રવિવારે એક ટીમ ત્યાં પહોંચી હતી. જાે કે, આ સરવેથી સ્થાનિકો નારાજ હતા અને ધીમે ધીમે લોકો ત્યાં ભેગા થઈ ગયા. આ દરમિયાન અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો. દેખાવકારોએ પોલીસ વાહનોની પણ આગચંપી કરી, જેમાં એસપી, સીઓ સહિત અનેક પોલીસ કર્મી ઘાયલ થયા હતા. આ સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ પણ કરવો પડ્યો.