ભારતીય હવામાન વિભાગના ૧૫૦ વર્ષ પૂરા થયાના અવસરે છે ખાસ આયોજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ બંને દેશ એવા છે કે ભારત હિસ્સો રહી ચૂક્યા છે. પરંતુ આ બંને દેશ સાથે ભારતની કંઇક અલગ જ નાતો છે. એટલું જ નહીં ભારત હંમેશાથી એવું ઈચ્છે છે કે આ બંને દેશોનું ભલું થાય અને આ કડીમાં ભારત સરકારે ભારતીય હવામાન વિભાગના ૧૫૦ વર્ષ પૂરા થયાના અવસરે અખંડ ભારત સેમિનારનું આયોજન કર્યું છે. જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અન્ય પાડોશી દેશોને પણ આમંત્રણ અપાયું છે. આ પહેલ જોઈન્ટ ઈતિહાસને મનાવવા અને મતભેદોને બાજુ પર મૂકીને એકજૂથતા દર્શાવવા માટે કરાઈ છે.
વાત જાણે એમ છે કે રિપોર્ટ્સ મુજબ આ આયોજનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, અફઘાનિસ્તાન, મ્યાંમાર, માલદીવ, શ્રીલંકા, અને નેપાળ સહિત અનેક દેશોને આમંત્રણ અપાયું છે. આ ઉપરાંત મધ્ય એશિયા અને દક્ષિણ-પશ્ચિમ એશિયાના કેટલાક દેશોના અધિકારીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
ખાસ વાત એ છે કે પાકિસ્તાને આ કાર્યક્રમમાં પોતાની ભાગીદારીની પુષ્ટિ કરી છે, જ્યારે બાંગ્લાદેશની પુષ્ટિની હજુ રાહ જોવાય છે. જો બાંગ્લાદેશ આ કાર્યક્રમમાં સામેલ થશે તો આ ઐતિહાસિક પળ હશે. IMD ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તે તમામ દેશોના અધિકારીઓ આ આયોજનનો ભાગ બને જે IMD ની સ્થાપના સમયે અખંડ ભારતનો ભાગ હતા. આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે ભારત સરકારના અનેક મંત્રાલયોએ યોગદાન આપ્યું છે.
નાણા મંત્રાલયે ૧૫૦ રૂપિયાના વિશેષ સ્મારકનો સિક્કો બહાર પાડવાનો ર્નિણય લીધો છે. જ્યારે ગૃહ મંત્રાલયે ગણતંત્ર દિવસ પર IMD ની ૧૫૦મી વર્ષગાંઠના ઉપક્રમે એક વિશેષ ઝાંખીની મંજૂરી આપી છે. હાલના સમયમાં IMD એ પ્રમુખ હવામાન વિભાગોમાંથી એક છે. સ્વતંત્રતા બાદ IMD એ હવામાન વિજ્ઞાન, સંચાર અને વૈજ્ઞાનિક નવાચારમાં મોટી પ્રગતિ કરી છે. ઈસરોના સહયોગથી IMD એ INSAT ઉપગ્રહના માધ્યમથી ૨૪X૭ હવામાન નિગરાણી અને ચક્રવાતી તોફાનની ચેતવણી સિસ્ટમ સ્થાપિત કરી, જેનાથી તે હવે દુનિયાની અગ્રણી હવામાન વિભાગોમાં સામેલ થઈ ગયું.
ભારતીય હવામાન વિભાગની સ્થાપના ૧૫ જાન્યુઆરી ૧૮૭૫ના રોજ થઈ હતી જોકે તે કહેલા પણ હવામાન કેન્દ્ર સ્થાપિત કરાયા હતા. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની તરફથી કલકત્તાનું કેન્દ્ર ૧૭૮૫માં, મદ્રાસનું ૧૭૯૬માં અને બોમ્બેનું ૧૮૨૬માં બનાવવામાં આવ્યું હતું. પછી છેલ્લે આઈએમડીનું નિર્માણ ૧૮૭૫માં ત્યારે થયું જ્યારે કલકત્તામાં ૧૮૬૪માં વાવાઝોડું આવ્યું અને ત્યારબાદ ૧૮૬૬ અને ૧૮૭૧માં બે ઘાતક હવામાન નિષ્ફળતાઓ સામે આવી જેના કારણે બંગાળમાં દુષ્કાળ આવ્યો.
૧૮૭૫માં સ્થાપના બાદથી આઈએમડીનું હેડક્વાર્ટર કલકત્તામાં હતું. ૧૯૦૫માં તેને શિમલા ખસેડાયું. પછી ૧૯૨૮માં પુણે અને છેલ્લે ૧૯૪૪માં નવી દિલ્હીમાં. જ્યાં અત્યારે પણ છે. સ્વતંત્રતા બાદ આઈએમડીએ હવામાન વિજ્ઞાન, સંચાર અને વૈજ્ઞાનિક નવાચારમાં ખુબ પ્રગતિ કરી.