પોલીસ અને ફરિયાદી વચ્ચે સમાધાન થઇ ગયાની ચર્ચા
સ્થાનિક લેવલે પીઆઈ અને કોન્સ્ટેબલ સામે પગલા લેવાયા હોવાની ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓડી કાર પૈસાની લેવડ દેવડના એક કેસમાં રાજકોટ શહેર પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગના પીઆઇ જે.એમ. કૈલાને લીવ રિઝર્વમાં મુકાયા છે અને કોન્સ્ટેબલ જગદીશ વાંકની પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. ચર્ચા મૂજબ કારખાનેદારની કિંમતી ઓડી કાર પૈસાની લેવડ દેવડના એક કેસમાં EOW ની ટીમ લઈ આવી હતી. જે મામલે ફરિયાદીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે મામલે PI ને ૨૬ નવેમ્બર હાજર રહેવા હાઇકોર્ટે હૂકમ કરેલો છે. જે પહેલા જ કડક પગલા લેવામાં આવ્યા છે.
ચર્ચાતી વિગતો મુજબ એક કારખાનેદારની કિંમતી ઓડી કાર શો રૂમમાંથી બારોબાર EOW ની ટીમ લઈ આવી હતી. જે મામલો હાઈકોર્ટ સુધી પહોચ્યો હતો. અત્યારે પોલીસ અને ફરિયાદી વચ્ચે સમાધાન થઇ ગયુ હોવાનુ જાણવા મળી રહ્યું છે. પરંતુ તારીખ ૨૬ના રોજ આ ફરિયાદ સંદર્ભે હાઇકોર્ટમાં સુનાવણી હોવાથી હાઇકોર્ટ કોઈ આકરૂ પગલુ ભરે તે પહેલા સ્થાનિક લેવલે પીઆઈ અને કોન્સ્ટેબલ સામે પગલા લેવાયા હોવાની ચર્ચા છે. અત્યારે ચાર્જ SOG પીઆઇ એસ.એમ.જાડેજાને સોંપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના એક અરજદારે અગાઉ હાઇકોર્ટમાં અરજી કરી હતી કે પૈસાની લેવડ દેવડના એક કેસમાં તેને રાજકોટ DCB પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં તેની સામે ફરિયાદ મળી છે તેમ જણાવવામાં આવ્યું હતું. તેને કલાકો બેસાડી રાખ્યા બાદ ફરિયાદીઓ આવ્યા હતા. જેમને અરજદારે ૨૩ લાખ રૂપિયા ચૂકવવાના છે તેમ પોલીસે જણાવ્યું હતું. અરજદારે વધુમાં પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, DCB ના PI એ તેને રિવોલ્વર બતાવીને ધમકી આપી હતી. તેમજ ૦૨ લાખ રૂપિયા માંગ્યા હતા. જાે કે તેને ૧.૫ લાખની વ્યવસ્થા કરી દીધી હતી. તેને PI ની હાજરીમાં હેડ કોન્સ્ટેબલને ૧.૫ લાખ રૂપિયા આપ્યા હતા. અરજદારની ઓડી ગાડી જે રિપેર માટે શો રૂમમાં આપી હતી. ત્યાંથી ઓડી ગાડી પણ તેને સાથે લઈ જઈને સામા પક્ષકારને આપી દેવાઈ હતી.
સામા પક્ષે કોઈ FIR નોંધાવવમાં આવી ન હતી. આ ઘટના સંદર્ભે અરજદારે રાજકોટ શહેર પોલીસ કમિશનર, ગૃહ વિભાગ અને હ્યુમન રાઇટ કમિશનને રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા ન હતા. એટલું જ નહિ એક કાગળ ઉપર અરજદારની જબરદસ્તી સહી લેવામાં આવી હતી. અરજદારના વકીલની રજૂઆત ઉપર હાઈકોર્ટે ઘટના સ્થળ સંદર્ભના CCTV સાચવીને કોર્ટ સમક્ષ રજૂ કરવા, તેમજ રાજકોટ DCB ના સંબંધિત PI ને ૨૬ નવેમ્બરે કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેવા અને રાજકોટ DCP ને એફિડેવિટ કરવા હુકમ કર્યો હતો. જોકે તે અગાઉ પીઆઇને લીવ રિઝર્વમાં મુકવાના આકરા પગલાં લેવાયા છે. જેથી હવે કદાચ ૨૬ તારીખના રોજ હાઇકોર્ટમાં ફરિયાદી ફરિયાદ પાછી ખેચી લે અને સમગ્ર મામલો સમેટાઈ જાય તો પીઆઈ કૈલા EOW માં પરત ફરે તેવી સંભાવના અને ચર્ચા ચાલી રહી છે.