ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૨૯
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ગુરુવારના રોજ ૯૨ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. કેશુભાઈ પટેલને શ્વાસ લેવામાં તકલીફ થતા અમદાવાદની ખાનગી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમને ગત મહિને કોરોના સંક્રમણ થયું હતું. છેલ્લા ઘણા સમયથી ઉંમરને લગતી તકલીફોનો પણ તેઓ સામનો કરી રહ્યા હતા. ૯૨ વર્ષીય કેશુભાઈ પટેલની કોરોનાની સારવાર ચાલી રહી હતી અને તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે ઓક્સિજન લેવામાં તેમને તકલીફ પડતી હોવાની ફરિયાદને પગલે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ કેશુભાઈ પટેલનું નિધન કાર્ડિયાક એરેસ્ટને પગલે થયું હતું. કેશુભાઈ પટેલના નિધનને પગલે ભાજપે પેટા ચૂંટણી માટેના તમામ પ્રચારકાર્યો અને જાહેરસભા મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ ગાંધીનગર આવવા રવાના થયા છે. સીએમ રૂપાણી દ્વારા ગાંધીનગરમાં કેબિનેટમાં કેશુભાઈ પટેલના નિધન બદલ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે અને તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે આજે સાંજે ગાંધીનગર ખાતે કરાશે.

 

ચેન્નાઈનો ઓલરાઉન્ડર બ્રાવો ઈજાને કારણે ૈંઁન્ ગુમાવશે

આઈપીએલમાં ચેન્નાઈની ટીમને વધુ એક ફટકો

સ્પર્ધામાં ટકી રહેવા માટે ચેન્નાઈની ટીમ સંઘર્ષ કરી રહી છે ત્યારે તેના માટે વધુ કપરી સ્થિતિ ઊભી થવા પામી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈ, તા.૨૧
ચેન્નાઈ સુપર કિંગ્સનાં ઓલરાઉન્ડર ડ્‌વેન બ્રાવો ઈજાને કારણે આઈપીએલની હાલની સિઝનમાંથી બહાર થઈ ગયો છે. જેનાથી પ્લે ઓફમાંથી બહાર ફેંકાઈ ચૂકેલી ધોનીની ટીમ માટે આ એક મોટો ઝટકો છે. અને હવે તેમની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું કે, ડ્‌વેન બ્રાવો ગ્રોઈનની ઈજાને કારણે આઈપીએલથી બહાર થઈ ગયો છે. ૩૭ વર્ષીય બ્રાવો અનેક વર્ષોથી સુપર કિંગ્સની ટીમનો મહત્વપુર્ણ પ્લેયર રહ્યો છે. તે ૧૭ ઓક્ટોબરે શારજાહમાં દિલ્હી કેપિટલ્સની સામે અંતિમ ઓવરમાં બોલિંગ માટે ઉતરી શક્યો ન હતો. કેપ્ટન ધોનીએ તે બાદ બોલિંગ રવિન્દ્ર જાડેજાને સોંપી હતી. જેની ઓવરમાં અક્ષર પટેલે ૩ સિક્સ લગાવીને દિલ્હીને જીત અપાવી હતી. બ્રાવો સુપર કિંગ્સ તરફથી છ મેચ રમ્યો અને બે ઈનિંગમાં સાત જ રન બનાવી શક્યો હતો. તેણે જો કે છ વિકેટ લીધી હતી અને આ દરમિયાન ૮.૫૭ રન પ્રતિ ઓવરની એવરેજથી રન આપ્યા. સુપર કિંગ્સની ટીમ ૧૦ મેચોમાંથી સાત મેચોમાં હાર સાથે પ્લે ઓફમાંથી લગભગ બહાર થઈ ચૂક્યું છે. અને હાલ તે પોઈન્ટ ટેબલ પર અંતિમ સ્થાન પર છે. આ પહેલાં સુપર કિંગ્સના સીનિયર ખેલાડીઓ સુરેશ રૈના અને હરભજન સિંહ પણ આ સિઝનમાં ન રમવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે પણ ચેન્નાઈની ટીમ નબળી પડી ગઈ હતી. તો સાથે ધોની અને કેદાર જાધવ જેવાં સીનિયર ખેલાડીઓ આ વખતે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે. અને તેનું પરિણામ ટીમને ભોગવવું પડ્યું છે.

 

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી સોશિયલ મીડિયા અને અન્ય રીતે ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છ,તા.૨૯
ભાજપ દ્વારા હાલ પેટાચૂંટણીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. પરંતુ પક્ષપલટાની નીતિને કારણે ભાજપે અનેક વિસ્તારોમાં જાકારો મળી રહ્યો છે. લોકો ખૂલીને વિરોધ કરી રહ્યાં છે. આવામાં ભાજપે ચૂંટણી જીતવા સ્ટાર નેતાઓને પ્રચાર માટે મેદાને મોકલ્યા છે. પક્ષના દિગ્ગજ નેતા રોજ અલગ અલગ બેઠકો પર ચૂંટણી યોજે છે. ત્યારે આજે નીતિન પટેલ કચ્છમાં જ્યાં સભા કરવાના છે ત્યાં ભાજપ વિરોધી બેનર લાગતા ચકચાર મચી ગઈ છે. જ્યારથી અબડાસામાં પેટાચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી સોશિયલ મીડિયા અને અન્ય રીતે ભાજપના ઉમેદવારનો અનેક પ્રકારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ વિથોણ નજીક સભા કરવાના છે. ત્યારે તેમના વિરોધમાં બેનર લાગ્યા છે. પક્ષપલ્ટુ પદ્યુમનસિંહ પ્રજાહિત કે સ્વહિત માટે ગયા છે. તેવા સવાલો સાથે અનેક મુદ્દે ભાજપ સરકારનો જાગૃત નાગરીકના નામે બેનર લગાવી વિરોધ કરાયો છે. તાજેતરમાં જ કરજણમાં એક સભા દરમિયાન નીતિન પટેલ પર જૂતુ ફેંકાયું હતુ, ત્યારે હવે આજે તેમના વિરોધમાં બેનર લાગ્યા છે. તેમની સભા પહેલા જ બેનર અને પોસ્ટ વાયરલ થઈ છે. તો બીજી તરફ ભાજપમાં આંતરિક અસંતોષ કારણભૂત બની રહ્યો છે. અબડાસા ચૂંટણીમાં સ્થાનિક ભાજપના નેતાઓના કાવાદાવા બહાર આવ્યા છે. મુરતિયા વગરની જાનનો અહેસાસ થઈ રહ્યો છે. નખત્રાણા સભામાં સ્ટેજ પરના બેનરમાં ઉમેદવારના ફોટાની બાદબાકીથી ખળભળાટ મચી ગયો છે. કચ્છમા યોજાનાર રૂપાલાની બંને સભામાં ઉમેદવારનો ક્યાંય ફોટો જ જોવા ન મળ્યો. સ્ટેજ પર બેકગ્રાઉન્ડ બેનરમાં પ્રદ્યુમ્નસિંહનો ફોટો જ ન હોવાથી ચકચાર મળી ગઈ છે. આમ સ્ટેજ પરની બેઠકમાં ઉમેદવારને પાછલી હરોળમાં ધકેલાયા હોવાની ચર્ચા ઉઠી છે. તો બીજી તરફ, ભાજપમા અંદરના જ લોકોએ આ વિશે કાવાદાવા કર્યા હોવાની ચર્ચા છે. અબડાસા
(અનુસંધાન નીચેના પાને)
સભા…
(આગળના પાનાનું ચાલુ)
પેટાચૂંટણીમાં રાજકીય ગરમાવો આવ્યો છે. ગદ્દાર હારશે, મતદાર જીતશે વોટ્સ એપ ગ્રૂપ શરૂ થયું છે. પ્રદ્યુમ્નસિંહના હાથમાં નોટોના થપ્પા સાથેનું પ્રોફાઈલ સાથેનું ગ્રૂપ શરૂ કરાતા સનસનાટી મચી ગઈ છે. તો બીજુ એક ગ્રૂપ પણ શરૂ થયું છે.
ગદ્દાર તારું તો ગોઠવાયું, મતદારો નું શુ? ગ્રૂપમાં વધુ પડતા પાટીદારો સભ્ય હોવાથી કચ્છ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. મીડિયા અને આઈબીના કર્મચારીઓ પણ આ ગ્રૂપમાં મેમ્બર છે.
—————————————————————————–

 

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણે રસી પહોંચાડવા માટેની યોજના તૈયાર, રસીના સંગ્રહ માટે કોલ્ડ ચેઈન પર કામ ચાલે છે : નિશુલ્ક કોરોના રસીની વાતને વેગ મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૯
દેશમાં કોરોના કેસ ૮૦ લાખના આંકડે પહોંચ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ખાતરી આપી છે કે કોરોના રસી બનાવવામાં આવ્યા પછી દરેક દેશવાસીને રસી આપવામાં આવશે. કોરોના રસીના રસીકરણ અંગે તેમની સરકારની તૈયારીઓ વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે દેશના છેવાડાના વ્યક્તિ સુધી આ રસી પહોંચાડવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. કોરોન રસીના સંગ્રહ માટે રસીકરણ માટે કોલ્ડ ચેન પર કામ ચાલી રહ્યું છે.
એક મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ આખા દેશને ખાતરી આપવા માંગે છે કે જ્યારે પણ કોરોના રસી મળશે ત્યારે દરેક દેશવાસીને રસી આપવામાં આવશે. કોઈને પણ બાકાત રાખવામાં નહીં. વડાપ્રધાન મોદી દ્વારા દરેક દેશવાસીના રસીકરણની ખાતરીને લઈને ફરી એકવાર નિઃશુલ્ક કોરોના રસીકરણના સમાચારોને વેગ મળ્યો છે. એવું માનવામાં આવે છે કે સરકાર આરોગ્ય યોજના હેઠળ આ રસીકરણ અભિયાન ચલાવી શકે છે. ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ’હું દેશને ખાતરી આપવા માંગું છું કે જ્યારે પણ કોરોના રસી બનાવવામાં આવશે ત્યારે દરેકને રસી આપવામાં આવશે. કોઈને છોડશે નહીં. હા, આ રસીકરણ અભિયાનની શરૂઆતમાં કોરોનાનું જેને સૌથી વધુ જોખમ છે તેવા લોકોને શામેલ કરવામાં આવશે. તેમાં કોરોના સામે યુદ્ધ લડતા ફ્રન્ટલાઈન કર્મચારીઓનો સમાવેશ થશે. વડાપ્રધાનએ કહ્યું કે, ખાસ કરીને કોરોના રસી માટે બનાવવામાં આવેલ રાષ્ટ્રીય નિષ્ણાત જૂથ રસીકરણ કઈ રીતે કરવું તેના પર કામ કરી રહ્યું છે. વડાપ્રધાનએ કહ્યું, આપણે એ જાણી લેવું જોઈએ કે રસી બનાવવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. પરીક્ષણો ચાલી રહ્યા છે. નિષ્ણાતો હજુ સુધી એ કહી શકવાની સ્થિતિમાં નથી કે આ રસી કેવા પ્રકારની હશે, દરેક વ્યક્તિને કેટલા ડોઝ આપવાના રહેશે કે પછી તે એકવાર આપવી પડશે કે એકથી વધુ વાર લેવી પડશે. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ જ અમે દેશમાં રસીકરણ તરફ આગળ વધીશું.
કોરોના રસી માટે સરકારની તૈયારીઓ વિશે માહિતી આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ૨૮ હજારથી વધુ કોલ્ડ ચેઇન પોઇન્ટ કોરોના રસીનો સંગ્રહ કરશે અને દેશના જુદા જુદા ભાગોમાં સપ્લાય ચેઇનનો ભાગ હશે. છેવાડાના દરેક નાગરિકને કોરોના રસી આપવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્ય, જિલ્લા અને સ્થાનિક કક્ષાએ આ અભિયાનને સમર્પિત ટીમો રસી અભિયાનનો ભાગ બનશે.

 

જીવના જોખમને જોઈને ઝેડ પ્લસ સુરક્ષા આપો : સુપ્રીમ

અંબાણી બંધુઓની સુરક્ષા પાછી ખેંચવાની અરજી રદ

અંબાણી બંધુ પોતાના પૈસે સુરક્ષા કરવા સક્ષમ હોવાની દલિલ સાથે તેમને સરકારી સુરક્ષા પાછી ખેંચવા અરજી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૮
સુપ્રીમ કોર્ટે મંગળવારે અંબાણી બંધુઓ- મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પાસેથી ઝેડ પ્લસ સિક્યોરિટી કવર પાછું લેવાની અરજીને રદ કરી નાખી. તેણે બોમ્બે હાઈકોર્ટની તે ટિપ્પણીનું સમર્થન કર્યું છે કે, ઉચ્ચસ્તરીય સુરક્ષા તેમને આપવી જોઈએ જેમના જીવને જોખમ હોય અને જે સુરક્ષાનો ખર્ચ ઉઠાવવા માટે તૈયાર હોય. અરજીકર્તા હિમાંશુ અગ્રવાલે એમ કહીને બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો કે, અંબાણી બંધુઓ પાસેથી સુરક્ષા પાછી લેવાની માગણી કરી હતી કે, તેઓ ધનિક છે અને પોતાના ખર્ચે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં સક્ષમ છે.
બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે, કાયદાનું પાલન સુનિશ્ચિત કરવું રાજ્યની જવાબદારી છે. એમાં એવા નાગરિકોને સુરક્ષા આપવી પણ સામેલ છે જેમના જીવને જોખમ હોય. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ની રેવન્યૂનો ભારતના જીડીપી પર મોટો પ્રભાવ છે. આ લોકોના જીવના ખતરાના હળવાશમાં ન લઈ શકાય. અગ્રવાલે પોતાના વકીલ કરણ ભારીહોકે દ્વારા જસ્ટીસ અશોક ભૂષણ, આર.એસ રેડ્ડી અને એમ.આર શાહની બેંચમાં જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિને જીવનું જોખમ હોવાના કડક પુરાવા ન હોય અને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવી તે પક્ષપાતી વલણ દર્શાવે છે. રાજ્ય સરકાર તરફથી પોતાનો પક્ષ રજૂ કરવા માટે કોર્ટમાં કોઈ ઉપસ્થિત નહોતું. જ્યારે અંબાણી ભાઈઓ તરફથી હાજર રહેલા એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું, બંને ઉદ્યોગપતિ ભાઈઓ અને તેમના પરિવાર પર ખતરો છે. તેમણે કહ્યું, અમે સરકાર તરફથી મળતી સુરક્ષાના બદલામાં પેમેન્ટ કરી રહ્યા છીએ.’ જેના પર અરજીકર્તાના વકીલે કહ્યું હતું કે, આ જીવના જોખમનો પોતાનો દ્રષ્ટિકોણ છે. રાજ્ય માટે કોઈને સિક્યોરિટી કવર આપવા જીવને જોખમ અને સિક્યોરિટી કવર વચ્ચે વાજબી સંબંધ હોવો જોઈએ.જીવના…
(આગળના પાનાનું ચાલુ)
જેના પર કોર્ટે સવાલ કર્યો કે, જો કોઈ નાગરિકને જીવનું જોખમ હોય અને તે પોતાની સુરક્ષાનો ખર્ચ ઉઠાવવા માટે તૈયાર હોય, તો શું સરકાર તરફથી સુરક્ષા પ્રદાન કરવી જોઈએ? સરકાર દ્વારા નાગરિકના જીવનના જોખમના દ્રષ્ટિકોણનું છેલ્લીવાર રિવ્યૂ ક્યારે કરાયું હતું? બેન્ચ દ્વારા અંબાણી બંધુઓની ઝેડ પ્લસ સુરક્ષા કેન્સલ કરવાની અરજી નકારી દેવાઈ. આ સાથે કહેવાયું કે, રાજ્યએ સમય સમય પર અંબાણી ભાઈઓ પર જોખમનું રિવ્યૂ કરવું જોઈએ અને તેમને સુરક્ષા પૂરી પાડવાના સંદર્ભમાં જરૂરી પગલા ભરવા જોઈએ. એડવોકેટ રોહતગીએ કહ્યું, અંબાણી આ માટે પૈસા ચૂકવવા તૈયાર છે. જવાબમાં બેન્ચે કહ્યું, અમને કોઈ શંકા નથી કે તમે તેના માટે ચૂકવી શકો છો..

 

સુરત ખાતે કાકાના મિત્રએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

તરુણીએ બાળકને જન્મ આપતા ભાંડો ફૂટ્યો
કાકાના મિત્રએ એકલતાનો લાભ ઉઠાવીને વારંવાર દુષ્કર્મ આચરતા ૧૭ વર્ષની તરુણીની તબિયત બગડી ગઈ હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૨૧
સુરતમાં ફરી એક વખત શરમજનક ઘટના બની છે. જેમાં એક કુંવારી તરુણીએ જ બાળકને જન્મ આપ્યો છે. બાળકના જન્મ બાદ તેણી પર બળાત્કાર થયાનો ખુલસો થયો છે. સુરતના ઉધના ખાતે પિતા સાથે રહેતી ૧૭ વર્ષીય તરૂણીની તબિયત અચાનક બગડી હતી. જે બાદમાં સગીરાને હૉસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલ ખાતે તરુણીએ એક બાળકને જન્મ આપતા તરુણી સાથે તેના કાકાના એક મિત્રએ બળાત્કાર ગુજાર્યો હોવાનું ખુલ્યું હતું. જે બાદમાં પરિવારે આ યુવાન વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં ફરી એકવાર માનવતાને શરમાવવું પડે તેવી ઘટના સામે આવી છે. પીડિત તરુણી મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી છે અને હાલમાં સુરત ખાતે આવેલા ઉધનાના હરિનગર ખાતે પિતા સાથે રહેતી છે. ૧૭ વર્ષીય તરૂનીના પિતા રીક્ષા ચલાવી પરિવારનું આર્થિક ભરણ પોષણ કરે છે. તરુણીના કાકાનો એક મિત્રો તેમના ઘરની નજીક રહેતો હતો. તે અવારનવાર ઘરે પણ આવતો હતો. આ દરમિયાન તરૂણીને ઘરે એકલી જોઈને કાકાના મિત્રની દાનત બગડી હતી અને તેમી પર દુષ્કર્મ આચર્યું હતું. અવારનવાર દુષ્કર્મ ગુજારવા છતાં તરુણીએ આ અંગે ડરના માર્યા પરિવારને જાણ કરી ન હતી. જોકે, બે દિવસ પહેલા તરુણીની તબિયત બગડતા તેણીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હૉસ્પિટલ ખાતે ડૉક્ટરે તરુણી પ્રેગનેન્ટ હોવાનું જણાવ્યું હતું. જેના એક દિવસ બાદ તરુણીએ હૉસ્પિટલ ખાતે એક બાળકને જન્મ આપ્યો હતો. આ બાબતે તરુણીએ પરિવારને જણાવ્યું હતું કે તેના કાકાના મિત્રએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ વાત સાંભળીને તરુણીના પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે આ મામલે કાકાના મિત્રો સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્ત્રી અત્યાચારના બનાવો છેલ્લા થોડા દિવસોથી અટકવાનું નામ નથી લઈ રહ્યા. સૌરાષ્ટ્રમાં એક પછી સામૂહિક દુષ્કર્મના કેસ નોંધાયા હતા. તો સાબરકાંઠામાં એક તરુણીનું ગળું કાપીને તેના નજીકના જ સંબંધીએે હત્યા કરી નાખી હતી.

 

કેશુબાપા સમાજના દરેક માનવીની સંભાળ લેતા દિગ્ગજ નેતા : મોદી

પૂર્વ મુખ્યમંત્રીને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોની અંજલિ

સમાચાર મળવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઈના પુત્રને ફોન કરી દીલસોજી વ્યક્ત કર્યા બાદ તેમના ફોટા સાથે ટ્વીટ કરીને શ્રધ્ધાંજલિ આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૯
પીએમ મોદીએ કેશુભાઈ પટેલના અવસાન પર ઉંડું દુઃખ વ્યક્ત કરતા સ્વર્ગસ્થના પુત્ર ભરત પટેલ સાથે વાત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમે એમ પણ જણાવ્યું હતું કે મારા જેવા કેટલાય યુવા કાર્યકર્તાઓ કેશુભાઈના હાથ નીચે તૈયાર થયા છે. ગુજરાતમાં ભાજપનો પાયો નાખનારા કેશુભાઈ પટેલનો આજે ૯૨ વર્ષની વયે સ્વર્ગવાસ થયો છે. કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેઓ કેશુભાઈની વિદાયથી ખૂબ જ દુઃખી છે. કેશુભાઈને આલા દરજ્જાના નેતા ગણાવતા મોદીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ સમાજના દરેક માનવીની સંભાળ લેતા હતા. કેશુભાઈનું જીવન ગુજરાતના વિકાસને સમર્પિત હતું તેમ જણાવતા પીએમે કહ્યું હતું કે દરેક ગુજરાતીને સશક્ત બનાવવાની દિશામાં તેમણે સિંહફાળો આપ્યો હતો. કેશુભાઈના ભાજપમાં પ્રદાન અંગે પીએમે કહ્યું હતું કે તેઓ જનસંઘ અને ભાજપને મજબૂત બનાવવા ગુજરાતના ગામડેગામડાંમાં ફર્યા હતા. કેશુભાઈએ ઈમરજન્સીનો પૂરી ક્ષમતાથી પ્રતિકાર કર્યો હતો. ખેડૂતોનું કલ્યાણ હંમેશા તેમના હ્રદયમાં રહેતું. એક ધારાસભ્ય તરીકે તેમજ સીએમ તરીકે તેમણે હંમેશા ખેડૂતો માટે હિતકારી પગલાં સરકાર લેતી રહે તે સુનિશ્ચિત કર્યું હતું. કેશુભાઈને પોતાના ગુરુ ગણાવતા પીએમે લખ્યું હતું કે તેમણે મારા જેવા અનેક યુવા કાર્યકર્તાઓને તૈયાર કર્યા છે. દરેક વ્યક્તિને તેમનો સાલસ સ્વભાવ પસંદ પડતો. તેના અવસાનથી ક્યારેય પૂરી ના શકાય તેવી ખોટ પડી છે. ઉલ્લેખનીય છે કે, મોદી ૨૦૦૧માં ગુજરાતના સીએમ બન્યા ત્યારથી લઈને તેઓ પીએમ બન્યા ત્યાં સુધી ચૂંટણીમાં વિજય મળ્યા બાદ તેઓ કેશુબાપાના આશિર્વાદ લેવા માટે ભૂલ્યા વિના જતા હતા. પીએમ બન્યા બાદ તેઓ ગાંધીનગર આવ્યા હોય ત્યારે લગભગ કેશુભાઈને મળવાનું નહોતા ચૂકતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ પીએમ મોદી ગુજરાત આવ્યા ત્યારે મહાત્મા મંદિરમાં તેમના સમ્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેશુબાપા પણ હાજર હતા. તે વખતે મોદી કેશુબાપાનો હાથ પકડી તેમને સ્ટેજ પર લાવ્યા હતા, અને ખુરશી પર બેસાડ્યા હતા. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ટ્વીટ પર કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે લખ્યું કે કેશુભાઈ પટેલના નિધનથી રાષ્ટ્રે એક મોટા ગજાના નેતા ગુમાવી દીધા છે. કેશુબાપાના નિધન પર લાલકૃષ્ણ અડવાણીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાતની પ્રગતિમાં તેમનું યોગદાન વિશેષ હતું. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કેશુભાઈ અંગે કહ્યું કે
તેમનું જીવન જનતાની સેવામાં સમર્પિત રહ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, તેમનું રાજ્યના વિકાસમાંનું યોગદાન ક્યારેય ભૂલી શકાશે નહીં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતની પ્રગતિમાં કેશુબાપાનું યોગદાન ખાસ હોવાનું કહ્યું હતું. કેન્દ્રીય સુરક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, કેશુભાઈ ભાજપના સન્નિષ્ઠ નેતા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ કેશુબાઈને અંજલિ આપી હતી.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સાથીદાર એવા શંકરસિંહ વાઘેલાએ પણ ટિ્વટ કેશુબાપા…
(આગળના પાનાનું ચાલુ)
કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે ટિ્વટમાં લખ્યું કે, પરમ મિત્ર અને જનસંઘના સમયથી સાથી રહેલા આદરણીય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનના સમાચારથી અત્યંત દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. પરમાત્મા સદગત આત્માને ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે તેવી પ્રાર્થના. ગણપત વસાવાએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પી આદરણીય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ આપણી સૌની વચ્ચેથી વિદાય લીધી છે, એમના દિવ્ય આત્માને પરમકૃપાળુ શાંતિ આપે એજ પ્રાર્થના. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી આપી છે. સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, કેશુભાઈ અનેક કાર્યકર્તાઓ માટે અને સમગ્ર પાર્ટી માટે એક વડીલ પિતૃતુલ્ય માર્ગદર્શક રહ્યા હતા. કેશુભાઈ ધરાતલ સાથે જોડાયેલા નેતા તરીકે સૌ માટે પ્રેરણારૂપ રહેશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ફેસબુક પર પોસ્ટ કરીને કેશુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર, ખેડૂત નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના નિધનના સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા સદ્દગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના.
—————————————————————————————————————–

 

કોરોનાની વચ્ચે બિહારમાં ૭૧ બેઠક પર ૫૩.૪૬ ટકા મતદાન

બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન

રાજકીય રીતે જાગૃત મનાતા રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ ભાજપ અને નીતિશને મુશ્કેલીના એંધાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પટણા, તા. ૨૮
કોરોના મહામારી દરમિયાન બિહાર દેશનું પહેલું એવું રાજ્ય છે જ્યાં બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે. જો કે બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને એ શંકા હતી કે કોરોના કાળમાં મતદારો ઘરમાંથી નીકળશે કે નહીં.જોકે, કોરોના કાળમાં પણ રાજ્યમાં ૭૧ બેઠકો માટેના પ્રથમ તબક્કામાં સાંજના છ વાગ્યા સુધી ૫૩.૪૬ ટકા મતદાન થયું હતું. ચૂંટણી આયોગ સામે વૉટિંગ પર્સન્ટેજ અને મતદાતાઓની સુરક્ષા એક મોટો પડકાર હતો, પરંતુ ત્રણ તબક્કામાં થનારી બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના વોટિંગ માટે મતદાતાઓનો ઉત્સાહ એ જણાવે છે કે બિહાર રાજકીય રીતે જાગૃત પ્રદેશ છે. કોરોના કાળમાં મતદાતાઓને લઇને બિહારની જનતાનો આ ઉત્સાહ વર્તમાન સરકાર પર ભારે પડશે કે વિપક્ષ પર એ તો ૧૦ નવેમ્બરના જ ખબર પડશે. ચૂંટણી લોકસભાની હોય કે વિધાનસભાની કોઈ પણ ચૂંટણીમાં ક્યારેય ૧૦૦ ટકા મતદાન નથી થતું. મતદાન દરમિયાન એ માનીને ચાલવામાં આવે છે કે સંબંધિત વિધાનસભા અથવા લોકસભા ક્ષેત્રના ૫ ટકા લોકો શહેર અથવા રાજ્યની બહાર હોવાના કારણે મતદાન નથી કરી શકતા, એટલે ૯૫ ટકા મતદારોના આધારે જ વોટિંગ પર્સેન્ટેજ માનવામાં આવે છે. કોઈ પણ ચૂંટણીમાં ૬૦ ટકાથી ઓછું મતદાન થવા પર ઓછું મતદાન, ૬૦થી ૭૦ ટકા મતદાન સારું વોટિંગ અને ૭૦ ટકાથી વધારે મતદાન કરવામાં આવે તો તેને ભારે મતદાન કહેવામાં આવે છે.
વિધાનસભા ચૂંટણીમાં ૧૯૫૨માં ૩૯.૫૧ ટકા, ૧૯૫૭માં ૪૧.૩૭, ૧૯૬૨માં ૪૪.૪૭, ૧૯૬૭માં ૫૧.૫૧, ૧૯૬૯માં ૫૨.૭૯, ૧૯૭૨માં ૫૨.૭૯, ૧૯૭૭માં ૫૦.૫૧, ૧૯૮૦માં ૫૭.૨૮, ૧૯૮૫માં ૫૬.૨૭, ૧૯૯૦માં ૬૨.૦૪, ૧૯૯૫માં ૬૧.૭૯, ૨૦૦૦માં કોરોનાની…
(આગળના પાનાનું ચાલુ)
૬૧.૫૭, ૨૦૦૫ ફેબ્રુઆરીમાં ૪૬.૫૦, ૨૦૦૫ ઑક્ટોબરમાં ૪૫.૮૫, ૨૦૧૦ ઑક્ટોબરમાં ૫૨.૭૩ અને ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં ૫૬.૯૧ ટકા વોટિંગ થયું હતુ. મતદાન દરમિયાન એ માનીને ચાલવામાં આવે છે કે વોટિંગ દરમિયાન મતદાતા વધારે સંખ્યામાં મતાધિકારનો પ્રયોગ કરે છે તો તેનો મતલબ કે તેઓ ત્યાં બદલાવ ઇચ્છે છે. એટલે કે વધારે મતદાન થવા પર એ માનવામાં આવે છે કે તે રાજ્ય અથવા દેશમાં વર્તમાન સરકારથી જનતા નાખુશ છે અને ત્યાં બદલાવ ઇચ્છે છે.
આને જો બીજી ભાષામાં સમજીએ તો સરકારના એન્ટીઇનકમ્બેંસી ફેક્ટરના કારણે મતદાનની ટકાવારી વધે છે, પરંતુ દર વખતે એન્ટી ઇનકમ્બેંસીના કારણે જ મતદાનની ટકાવારી વધે તેવું નથી. અનેકવાર વિરોધ પક્ષના વધારે પ્રહાર બાદ પણ કોઈ પ્રદેશ અથવા દેશમાં પ્રો-ઇનકમ્બેંસી ફેક્ટર પણ કામ કરે છે. બિહાર વિધાનસભા ચૂંટણીના અત્યાર સુધીના પરિણામોને જોઇએ તો ૧૯૯૦માં લાલૂ પ્રસાદ યાદવ બિહારની સત્તા પર બિરાજ્યા હતા અને ૧૯૯૦માં ૬૨.૪ ટકા મતદાન થયું હતુ. જે ૧૯૮૫ની વિધાનસભા ચૂંટણીના પરિણામથી ૮ ટકા વધારે હતુ. ત્યારબાદ ૧૯૯૫માં ૬૧.૭૯ ટકા અને ૨૦૦૦માં ૬૨.૫૭ ટકા મતદાન રેકૉર્ડ થયું હતુ. બિહારમાં ૨૦૦૫માં લાલૂ યાદવની સત્તા જતી રહી હતી અને ૨૦૦૫ના ઑક્ટોબરમાં થયેલી ચૂંટણી દરમિયાન ફક્ત ૪૫.૮૫ ટકા જ મતદાન થયું હતુ. ત્યારબાદ બિહારમાં નીતિશ કુમાર સત્તામાં આવ્યા હતા.
૨૦૧૦માં મતદારોએ બમ્પર વૉટિંગ કર્યું હતુ જેનાથી મતદાન ટકાવારી વધીને ૫૨.૭૩ ટકા થઈ ગયું અને ૨૦૬ સીટની સાથે નીતિશ કુમાર ફરીવાર બિહારની ગાદી પર આવ્યા હતા. એટલે કે વોટિંગ વધવાથી એનડીએની સીટોમાં વધારો થયો હતો. એટલે કે વોટિંગ વધવાથી દર વખતે સરકારની વિરુદ્ધ જ હોય તેવું ના કહી શકાય છે. કહેવામાં આવે છે કે બિહારમાં રાજનીતિને લઇને મતદારોનો જે અતિ ઉત્સાહ જોવા મળે છે તે ઇવીએમ સુધી નથી પહોંચી શકતો, કેમકે અતિ ઉત્સાહી લોકો વોટ આપવા જ નથી જતા. બિહારમાં છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં થયેલા મતદાનની સરેરાશ ૫૧ ટકાથી થોડીક વધારે રહી છે, જેનો મતલબ છે કે લગભગ અડધા મતદારોએ પોતાના લોકશાહી મતાધિકારની તાકાતનો પ્રયોગ જ નથી કર્યો.
બિહાર વિશે કહેવામાં આવે છે કે અહીંની પ્રજા રાજનીતિને લઇને ઘણી જાગૃત છે અને લોકો રાજનીતિમાં ઘણો રસ લે છે. જો આ સત્ય છે કે તો શું કારણ છે કે બિહારમાં મતદાનની ટકાવારી હંમેશા ખરાબ રહે છે. પ્રશ્ન એ પણ ઊઠે છે કે અહીંની જનતા વોટ આપવા કેમ નથી જતી? ૧૯૯૫માં તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશ્નર ટી.એન. શેષાનના ચૂંટણી સુધાર બાદ બિહારમાં નીચેના સ્તરે મનાતા મતદારોએ જોરદાર વોટિંગ કર્યું હતું. ત્યારબાદ જ ૧૯૯૫ની ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવની સરકાર બની હતી.

 

ચીન-પાક. ઘૂરકિયાં કરે છે અને મોદી ચૂંટણીમાં તલવાર ફેરવે છે

મોઢવાડિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ
ચીન-પાક. ઘૂરકિયાં કરે છે અને મોદી ચૂંટણીમાં તલવાર ફેરવે છે
રાજ્યમાં આઠ પેટા ચૂંટણી માટેનો પ્રચાર જંગ પૂર જોરમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગર,તા.૨૬
હાલ ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ પાર્ટી તરફથી તમામ બેઠકો પર પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે ઉતારી દેવામાં આવ્યા છે. આ પહેલા આ તમામ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારો વિજેતા હતા. તમામ ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા બાદ આ બેઠકો પર ચૂંટણી યોજાઈ છે, ત્યારે લીંબડી બેઠક પર બે ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે ટક્કર છે. આ બેઠક પર પણ બંને પક્ષોએ સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યાં છે. ત્યારે આ બેઠક પરથી ચૂંટણી પ્રચાર કરતા કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. અર્જુન મોઢવાડિયાએ પીએમ મોદી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, ચીન ભારતમાં ઘૂસી ગયું, પાકિસ્તાન દરરોજ ઘુરકિયાં કરે છે અને મોદી સાહેબ ચૂંટણી આવે એટલે તલવારો ફેરવે છે. મને મૂકી દો નહીં તો હું મારી આવીશ, મને મૂકી દો. પણ તમને પકડ્યા છે કોણે એ તો કહો? મારી આવો. ચૂંટણી પર આપણને એમ થાય કે તેઓ હમણા જ તલવાર લઈને પાકિસ્તાન પહોંચી જશે. ગામડામાં ઘણા એવા હોય છે કે જેઓ કહેતા હોય છે કે મને મૂકી દો. આમનું (મોદી સાહેબ) એવું છે. અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હું કે, રસ્તા અને એસટી બસ સ્ટોપ કૉંગ્રેસે બનાવ્યા છે. ૨૫ વર્ષ પહેલા ૧૦ હજાર એસટી બસ દોડતી હતી, આજે છ હજાર જ દોડે છે. વસ્તીમાં ત્રણ ગણો વધારે થયો પરંતુ બસની સંખ્યા ઓછી થઈ ગઈ. ખાનગી બસો શરૂ થઈ ગઈ. બધા જ રેલવે સ્ટેશન અને એરપોર્ટ કૉંગ્રેસે બનાવ્યા છે. તમે એસટી ડેપો વેચવાનું કામ કર્યું છે. આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા કૉંગ્રેસ નેતા મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી વહિવટી તંત્રનો દુરૂઉપયોગ કરીને સામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરી રહ્યું છે. પાસામાં પૂરાયેલા ઘણા અસામાજિક તત્વોને ચૂંટણી માટે જેલ બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ નિર્દોષ લોકોને પાસા જેવા ખોટા કેસમાં ફિટ કરીને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, અનેક અધિકારીઓ ભાજપનું પીઠું બનીને કામ કરી રહ્યા છે. આ તમામ વિરુદ્ધ અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું.
(અનુસંધાન નીચેના પાને)
મને…
(આગળના પાનાનું ચાલુ)
લૉકડાઉનની અંદર પ્રજાએ ખૂબ ભોગવ્યું છે, ખેડૂતો પરેશાન છે, શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે, યુવાનો બેરોજગાર છે, પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ખરીદ-વેચાણ સંઘ ઊભો કરીને ધારાસભ્યોને લલચાવીને રાજીનામા અપાવ્યા છે. આથી આ ચૂંટણીમાં કૉંગ્રેસના નિષ્ઠાવાન ઉમેદવારોની જીત નિશ્ચિત છે. આ પ્રસંગે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું શરૂઆતથી જ કહું છું કે લીંબડી બેઠક પર ભારતીય જનતા પાર્ટી પાસે બિલકુલ જનાધાર નથી. એમને એમના સંગઠન પર વિશ્વાસ નથી. માત્ર વહિવટી તંત્રના જોરે તેઓ ચૂંટણી જીતવા માંગે છે. કચ્છની અંદર પાસામાં ધકેલાયા આરોપીને ચૂંટણી માટે મુક્ત કરવામાં આવ્યા છે. લીંબડી બેઠક પર ટાર્ગેટ કરીને કેટલાક ઇસમોને પાસાના નામે ધરપકડ કરવામાં આવી છે. મારી પાસે તો ત્યાં સુધીની માહિતી છે કે સાયલા તાલુકાના મોરસલ ગામે ખાતે ચોક્કસ જ્ઞાતિને દબાવવા માટે ખાણ-ખનીજના દરોડાં કરવામાં આવ્યા છે. જે સમાજ ટેકો નથી આપતો તેમને દબાવીને ભાજપ ટેકો લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.
———————————————————————————————————-
મને…
(આગળના પાનાનું ચાલુ)
લૉકડાઉનની અંદર પ્રજાએ ખૂબ ભોગવ્યું છે, ખેડૂતો પરેશાન છે, શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે, યુવાનો બેરોજગાર છે, પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ખરીદ-વેચાણ સંઘ ઊભો કરીને ધારાસભ્યોને લલચાવીને રાજીનામા અપાવ્યા છે. આથી આ ચૂંટણીમાં કૉંગ્રેસના નિષ્ઠાવાન ઉમેદવારોની જીત નિશ્ચિત છે. આ પ્રસંગે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું શરૂઆતથી જ કહું છું કે લીંબડી બેઠક પર ભારતીય જનતા પાર્ટી પાસે બિલકુલ જનાધાર નથી. એમને એમના સંગઠન પર વિશ્વાસ નથી. માત્ર વહિવટી તંત્રના જોરે તેઓ ચૂંટણી જીતવા માંગે છે. કચ્છની અંદર પાસામાં ધકેલાયા આરોપીને ચૂંટણી માટે મુક્ત કરવામાં આવ્યા છે. લીંબડી બેઠક પર ટાર્ગેટ કરીને કેટલાક ઇસમોને પાસાના નામે ધરપકડ કરવામાં આવી છે. મારી પાસે તો ત્યાં સુધીની માહિતી છે કે સાયલા તાલુકાના મોરસલ ગામે ખાતે ચોક્કસ જ્ઞાતિને દબાવવા માટે ખાણ-ખનીજના દરોડાં કરવામાં આવ્યા છે. જે સમાજ ટેકો નથી આપતો તેમને દબાવીને ભાજપ ટેકો લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.

 

ટ્રમ્પનો નાનો પુત્ર પણ કોરોનાનો શિકાર બન્યો હતો

બેરનમાં કોરોનાના લક્ષણો હતા, રિપોર્ટ નેગેટિવ આવ્યો
ંયુએસ રાષ્ટ્રપતિના પત્નીએ પરિવારનાં ત્રણેય સભ્ય એક બીજાનું ધ્યાન રાખતા હોઈ સ્વસ્થ થતા ખુશી વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વાશિંગ્ટન,તા.૧૫
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે જણાવ્યું કે, તેમના ૧૪ વર્ષના દીકરા બેરનને પણ કોરોના થયો હતો. પરંતુ બાદમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. વ્હાઈટ હાઉસ તરફથી શરૂઆતની જાણકારીમાં કેહવાયું હતું કે, બેરનની રિપોર્ટ નેગેટિવ હતી. હકીકતમાં આ મહિનાની શરૂઆતમાં બેરનના પિતા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ફર્સ્‌ટ લડીએ બુધવારે કહ્યું કે, બેરનમાં પણ કોરોનાના લક્ષણો હતો. જોકે તેની રિપોર્ટ નેગેટિવ આવી. મેલાનિયા અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ૧લી ઓક્ટોબરે કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ બાદ મેલાનિયાએ લખ્યું કે, સ્વભાવિક રીતે મારા મનમાં તરત જ દીકરા માટે ચિંતા પેદા થઈ. ટેસ્ટ બાદ તેની રિપોર્ટ નેગેટિવ આવી અને બાદમાં રાહત મળી. જોકે તેઓ આગામી દિવસો વિશે વિચારી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક ભાવુક પત્ર લખતા તેઓ કહે છે, મારો ડર ત્યારે સાચો સાબિત થયો જ્યારે તેનો ફરીથી ટેસ્ટ કરાવાયો અને તે પોઝિટિવ આવ્યો. તેઓ કહે છે, બેરન એક હિંમતવાન છોકરો છે, જેમાં કોરોનાથી સંબંધિત કોઈ લક્ષણો દેખાઈ નથી રહ્યા. મેલાનિયા જણાવે છે કે, આ દરમિયાન અમે ત્રણેય ખુશી અનુભવી રહ્યા હતા, કારણ કે તે સમયે અમે બધા એકબીજાનું ધ્યાન રાખી રહ્યા હતા. આટલું જ નહીં, અમે એકબીજા સાથે સમય પસાર કર્યો. તેઓ કહે છે, આ બાદ તેમના દીકરાની રિપોર્ટ નેગેટિવ આવી. ફર્સ્‌ટ લેડીએ પોતાના દીકરા સંબંધિત રિપોર્ટને ગોપનીયતા બનાવી રાખી હતી. જોકે તેમણે બેરનની પોઝિટિવ રિપોર્ટ સાર્વજનિક કેમ નહોતી કરી તે પાછળનું કોઈ કારણ જણાવ્યું નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ રોજે રેલીઓને સંબોધન કરી રહ્યા છે. જોકે કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમણે પોતાના શિડ્યુલમાં ફેરફાર કરવો પડ્યો હતો. હવે તેઓ એકવાર ફરીથી સ્વસ્થ થઈ જતા પાછા રેલીઓમાં સંબોધન કરવા માટે જઈ રહ્યા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope