ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૨૯
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ગુરુવારના રોજ ૯૨ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. કેશુભાઈ પટેલને શ્વાસ લેવામાં તકલીફ થતા અમદાવાદની ખાનગી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમને ગત મહિને કોરોના સંક્રમણ થયું હતું. છેલ્લા ઘણા સમયથી ઉંમરને લગતી તકલીફોનો પણ તેઓ સામનો કરી રહ્યા હતા. ૯૨ વર્ષીય કેશુભાઈ પટેલની કોરોનાની સારવાર ચાલી રહી હતી અને તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે ઓક્સિજન લેવામાં તેમને તકલીફ પડતી હોવાની ફરિયાદને પગલે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ કેશુભાઈ પટેલનું નિધન કાર્ડિયાક એરેસ્ટને પગલે થયું હતું. કેશુભાઈ પટેલના નિધનને પગલે ભાજપે પેટા ચૂંટણી માટેના તમામ પ્રચારકાર્યો અને જાહેરસભા મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ ગાંધીનગર આવવા રવાના થયા છે. સીએમ રૂપાણી દ્વારા ગાંધીનગરમાં કેબિનેટમાં કેશુભાઈ પટેલના નિધન બદલ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે અને તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે આજે સાંજે ગાંધીનગર ખાતે કરાશે.

 

કેશુબાપા સમાજના દરેક માનવીની સંભાળ લેતા દિગ્ગજ નેતા : મોદી

પૂર્વ મુખ્યમંત્રીને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોની અંજલિ

સમાચાર મળવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઈના પુત્રને ફોન કરી દીલસોજી વ્યક્ત કર્યા બાદ તેમના ફોટા સાથે ટ્વીટ કરીને શ્રધ્ધાંજલિ આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૯
પીએમ મોદીએ કેશુભાઈ પટેલના અવસાન પર ઉંડું દુઃખ વ્યક્ત કરતા સ્વર્ગસ્થના પુત્ર ભરત પટેલ સાથે વાત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમે એમ પણ જણાવ્યું હતું કે મારા જેવા કેટલાય યુવા કાર્યકર્તાઓ કેશુભાઈના હાથ નીચે તૈયાર થયા છે. ગુજરાતમાં ભાજપનો પાયો નાખનારા કેશુભાઈ પટેલનો આજે ૯૨ વર્ષની વયે સ્વર્ગવાસ થયો છે. કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેઓ કેશુભાઈની વિદાયથી ખૂબ જ દુઃખી છે. કેશુભાઈને આલા દરજ્જાના નેતા ગણાવતા મોદીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ સમાજના દરેક માનવીની સંભાળ લેતા હતા. કેશુભાઈનું જીવન ગુજરાતના વિકાસને સમર્પિત હતું તેમ જણાવતા પીએમે કહ્યું હતું કે દરેક ગુજરાતીને સશક્ત બનાવવાની દિશામાં તેમણે સિંહફાળો આપ્યો હતો. કેશુભાઈના ભાજપમાં પ્રદાન અંગે પીએમે કહ્યું હતું કે તેઓ જનસંઘ અને ભાજપને મજબૂત બનાવવા ગુજરાતના ગામડેગામડાંમાં ફર્યા હતા. કેશુભાઈએ ઈમરજન્સીનો પૂરી ક્ષમતાથી પ્રતિકાર કર્યો હતો. ખેડૂતોનું કલ્યાણ હંમેશા તેમના હ્રદયમાં રહેતું. એક ધારાસભ્ય તરીકે તેમજ સીએમ તરીકે તેમણે હંમેશા ખેડૂતો માટે હિતકારી પગલાં સરકાર લેતી રહે તે સુનિશ્ચિત કર્યું હતું. કેશુભાઈને પોતાના ગુરુ ગણાવતા પીએમે લખ્યું હતું કે તેમણે મારા જેવા અનેક યુવા કાર્યકર્તાઓને તૈયાર કર્યા છે. દરેક વ્યક્તિને તેમનો સાલસ સ્વભાવ પસંદ પડતો. તેના અવસાનથી ક્યારેય પૂરી ના શકાય તેવી ખોટ પડી છે. ઉલ્લેખનીય છે કે, મોદી ૨૦૦૧માં ગુજરાતના સીએમ બન્યા ત્યારથી લઈને તેઓ પીએમ બન્યા ત્યાં સુધી ચૂંટણીમાં વિજય મળ્યા બાદ તેઓ કેશુબાપાના આશિર્વાદ લેવા માટે ભૂલ્યા વિના જતા હતા. પીએમ બન્યા બાદ તેઓ ગાંધીનગર આવ્યા હોય ત્યારે લગભગ કેશુભાઈને મળવાનું નહોતા ચૂકતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ પીએમ મોદી ગુજરાત આવ્યા ત્યારે મહાત્મા મંદિરમાં તેમના સમ્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેશુબાપા પણ હાજર હતા. તે વખતે મોદી કેશુબાપાનો હાથ પકડી તેમને સ્ટેજ પર લાવ્યા હતા, અને ખુરશી પર બેસાડ્યા હતા. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ટ્વીટ પર કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે લખ્યું કે કેશુભાઈ પટેલના નિધનથી રાષ્ટ્રે એક મોટા ગજાના નેતા ગુમાવી દીધા છે. કેશુબાપાના નિધન પર લાલકૃષ્ણ અડવાણીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાતની પ્રગતિમાં તેમનું યોગદાન વિશેષ હતું. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કેશુભાઈ અંગે કહ્યું કે
તેમનું જીવન જનતાની સેવામાં સમર્પિત રહ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, તેમનું રાજ્યના વિકાસમાંનું યોગદાન ક્યારેય ભૂલી શકાશે નહીં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતની પ્રગતિમાં કેશુબાપાનું યોગદાન ખાસ હોવાનું કહ્યું હતું. કેન્દ્રીય સુરક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, કેશુભાઈ ભાજપના સન્નિષ્ઠ નેતા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ કેશુબાઈને અંજલિ આપી હતી.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સાથીદાર એવા શંકરસિંહ વાઘેલાએ પણ ટિ્વટ કેશુબાપા…
(આગળના પાનાનું ચાલુ)
કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે ટિ્વટમાં લખ્યું કે, પરમ મિત્ર અને જનસંઘના સમયથી સાથી રહેલા આદરણીય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનના સમાચારથી અત્યંત દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. પરમાત્મા સદગત આત્માને ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે તેવી પ્રાર્થના. ગણપત વસાવાએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પી આદરણીય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ આપણી સૌની વચ્ચેથી વિદાય લીધી છે, એમના દિવ્ય આત્માને પરમકૃપાળુ શાંતિ આપે એજ પ્રાર્થના. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી આપી છે. સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, કેશુભાઈ અનેક કાર્યકર્તાઓ માટે અને સમગ્ર પાર્ટી માટે એક વડીલ પિતૃતુલ્ય માર્ગદર્શક રહ્યા હતા. કેશુભાઈ ધરાતલ સાથે જોડાયેલા નેતા તરીકે સૌ માટે પ્રેરણારૂપ રહેશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ફેસબુક પર પોસ્ટ કરીને કેશુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર, ખેડૂત નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના નિધનના સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા સદ્દગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના.
—————————————————————————————————————–

 

કોરોનાની વચ્ચે બિહારમાં ૭૧ બેઠક પર ૫૩.૪૬ ટકા મતદાન

બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન

રાજકીય રીતે જાગૃત મનાતા રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ ભાજપ અને નીતિશને મુશ્કેલીના એંધાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પટણા, તા. ૨૮
કોરોના મહામારી દરમિયાન બિહાર દેશનું પહેલું એવું રાજ્ય છે જ્યાં બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે. જો કે બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને એ શંકા હતી કે કોરોના કાળમાં મતદારો ઘરમાંથી નીકળશે કે નહીં.જોકે, કોરોના કાળમાં પણ રાજ્યમાં ૭૧ બેઠકો માટેના પ્રથમ તબક્કામાં સાંજના છ વાગ્યા સુધી ૫૩.૪૬ ટકા મતદાન થયું હતું. ચૂંટણી આયોગ સામે વૉટિંગ પર્સન્ટેજ અને મતદાતાઓની સુરક્ષા એક મોટો પડકાર હતો, પરંતુ ત્રણ તબક્કામાં થનારી બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના વોટિંગ માટે મતદાતાઓનો ઉત્સાહ એ જણાવે છે કે બિહાર રાજકીય રીતે જાગૃત પ્રદેશ છે. કોરોના કાળમાં મતદાતાઓને લઇને બિહારની જનતાનો આ ઉત્સાહ વર્તમાન સરકાર પર ભારે પડશે કે વિપક્ષ પર એ તો ૧૦ નવેમ્બરના જ ખબર પડશે. ચૂંટણી લોકસભાની હોય કે વિધાનસભાની કોઈ પણ ચૂંટણીમાં ક્યારેય ૧૦૦ ટકા મતદાન નથી થતું. મતદાન દરમિયાન એ માનીને ચાલવામાં આવે છે કે સંબંધિત વિધાનસભા અથવા લોકસભા ક્ષેત્રના ૫ ટકા લોકો શહેર અથવા રાજ્યની બહાર હોવાના કારણે મતદાન નથી કરી શકતા, એટલે ૯૫ ટકા મતદારોના આધારે જ વોટિંગ પર્સેન્ટેજ માનવામાં આવે છે. કોઈ પણ ચૂંટણીમાં ૬૦ ટકાથી ઓછું મતદાન થવા પર ઓછું મતદાન, ૬૦થી ૭૦ ટકા મતદાન સારું વોટિંગ અને ૭૦ ટકાથી વધારે મતદાન કરવામાં આવે તો તેને ભારે મતદાન કહેવામાં આવે છે.
વિધાનસભા ચૂંટણીમાં ૧૯૫૨માં ૩૯.૫૧ ટકા, ૧૯૫૭માં ૪૧.૩૭, ૧૯૬૨માં ૪૪.૪૭, ૧૯૬૭માં ૫૧.૫૧, ૧૯૬૯માં ૫૨.૭૯, ૧૯૭૨માં ૫૨.૭૯, ૧૯૭૭માં ૫૦.૫૧, ૧૯૮૦માં ૫૭.૨૮, ૧૯૮૫માં ૫૬.૨૭, ૧૯૯૦માં ૬૨.૦૪, ૧૯૯૫માં ૬૧.૭૯, ૨૦૦૦માં કોરોનાની…
(આગળના પાનાનું ચાલુ)
૬૧.૫૭, ૨૦૦૫ ફેબ્રુઆરીમાં ૪૬.૫૦, ૨૦૦૫ ઑક્ટોબરમાં ૪૫.૮૫, ૨૦૧૦ ઑક્ટોબરમાં ૫૨.૭૩ અને ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં ૫૬.૯૧ ટકા વોટિંગ થયું હતુ. મતદાન દરમિયાન એ માનીને ચાલવામાં આવે છે કે વોટિંગ દરમિયાન મતદાતા વધારે સંખ્યામાં મતાધિકારનો પ્રયોગ કરે છે તો તેનો મતલબ કે તેઓ ત્યાં બદલાવ ઇચ્છે છે. એટલે કે વધારે મતદાન થવા પર એ માનવામાં આવે છે કે તે રાજ્ય અથવા દેશમાં વર્તમાન સરકારથી જનતા નાખુશ છે અને ત્યાં બદલાવ ઇચ્છે છે.
આને જો બીજી ભાષામાં સમજીએ તો સરકારના એન્ટીઇનકમ્બેંસી ફેક્ટરના કારણે મતદાનની ટકાવારી વધે છે, પરંતુ દર વખતે એન્ટી ઇનકમ્બેંસીના કારણે જ મતદાનની ટકાવારી વધે તેવું નથી. અનેકવાર વિરોધ પક્ષના વધારે પ્રહાર બાદ પણ કોઈ પ્રદેશ અથવા દેશમાં પ્રો-ઇનકમ્બેંસી ફેક્ટર પણ કામ કરે છે. બિહાર વિધાનસભા ચૂંટણીના અત્યાર સુધીના પરિણામોને જોઇએ તો ૧૯૯૦માં લાલૂ પ્રસાદ યાદવ બિહારની સત્તા પર બિરાજ્યા હતા અને ૧૯૯૦માં ૬૨.૪ ટકા મતદાન થયું હતુ. જે ૧૯૮૫ની વિધાનસભા ચૂંટણીના પરિણામથી ૮ ટકા વધારે હતુ. ત્યારબાદ ૧૯૯૫માં ૬૧.૭૯ ટકા અને ૨૦૦૦માં ૬૨.૫૭ ટકા મતદાન રેકૉર્ડ થયું હતુ. બિહારમાં ૨૦૦૫માં લાલૂ યાદવની સત્તા જતી રહી હતી અને ૨૦૦૫ના ઑક્ટોબરમાં થયેલી ચૂંટણી દરમિયાન ફક્ત ૪૫.૮૫ ટકા જ મતદાન થયું હતુ. ત્યારબાદ બિહારમાં નીતિશ કુમાર સત્તામાં આવ્યા હતા.
૨૦૧૦માં મતદારોએ બમ્પર વૉટિંગ કર્યું હતુ જેનાથી મતદાન ટકાવારી વધીને ૫૨.૭૩ ટકા થઈ ગયું અને ૨૦૬ સીટની સાથે નીતિશ કુમાર ફરીવાર બિહારની ગાદી પર આવ્યા હતા. એટલે કે વોટિંગ વધવાથી એનડીએની સીટોમાં વધારો થયો હતો. એટલે કે વોટિંગ વધવાથી દર વખતે સરકારની વિરુદ્ધ જ હોય તેવું ના કહી શકાય છે. કહેવામાં આવે છે કે બિહારમાં રાજનીતિને લઇને મતદારોનો જે અતિ ઉત્સાહ જોવા મળે છે તે ઇવીએમ સુધી નથી પહોંચી શકતો, કેમકે અતિ ઉત્સાહી લોકો વોટ આપવા જ નથી જતા. બિહારમાં છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં થયેલા મતદાનની સરેરાશ ૫૧ ટકાથી થોડીક વધારે રહી છે, જેનો મતલબ છે કે લગભગ અડધા મતદારોએ પોતાના લોકશાહી મતાધિકારની તાકાતનો પ્રયોગ જ નથી કર્યો.
બિહાર વિશે કહેવામાં આવે છે કે અહીંની પ્રજા રાજનીતિને લઇને ઘણી જાગૃત છે અને લોકો રાજનીતિમાં ઘણો રસ લે છે. જો આ સત્ય છે કે તો શું કારણ છે કે બિહારમાં મતદાનની ટકાવારી હંમેશા ખરાબ રહે છે. પ્રશ્ન એ પણ ઊઠે છે કે અહીંની જનતા વોટ આપવા કેમ નથી જતી? ૧૯૯૫માં તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશ્નર ટી.એન. શેષાનના ચૂંટણી સુધાર બાદ બિહારમાં નીચેના સ્તરે મનાતા મતદારોએ જોરદાર વોટિંગ કર્યું હતું. ત્યારબાદ જ ૧૯૯૫ની ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવની સરકાર બની હતી.

 

મોદી પાસે ૩૧ હજાર રોકડા, FD અને એનએસસીમાં રોકાણ

પ્રધાનમંત્રીએ તેમની મિલકતોની વિગતો રજૂ કરી
ગાંધીનગરમાં મોદીના નામે એક ઘર-સોનાની ચાર વીંટી છે, જેની કિંમત ૧.૧ કરોડ રૂપિયા છે, કોઈ ઉધારી નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
મોટાભાગના ભારતીયોની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના રુપિયા બેંકમાં રાખે છે. તેમણે પોતાની આવકનો મોટો ભાગ ટર્મ ડિપોઝિટ અને સેવિંગ્સ એકાઉન્ટમાં જમા કર્યો છે. ૧૨ ઓક્ટોબરે પ્રધાનમંત્રીએ પોતાની મિલકતોની વિગતો રજૂ કરી છે. ૩૦ જૂન સુધીમાં વડાપ્રધાન મોદીની કુલ સંપત્તિ ૧,૭૫,૬૩,૬૧૮ રૂપિયા હતી. ૩૦ જૂનના રોજ તેમની પાસે ૩૧,૪૫૦ રૂપિયાની રોકડ રકમ હતી. ગયા વર્ષની સરખામણીએ તેમની ચલ સંપત્તિમાં ૨૬.૨૬ ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ તેમના પગારમાંથી બચત અને ફિક્સ્ડ ડિપોઝિટમાંથી વ્યાજના પુનઃ રોકાણનો સમાવેશ છે.
૩૦ જૂનના રોજ મોદીના બચત ખાતામાં ૩.૩૮ લાખ રૂપિયા હતા. તેમણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)ની ગાંધીનગર શાખામાં ફિક્સ્ડ ડિપોઝિટ કરી છે. ગયા વર્ષે તેની કિંમત ૧, ૨૭, ૮૧,૫૭૪ રૂપિયા હતી. જે વધીને ૩૦ જૂન, ૨૦૨૦ સુધીમાં ૧, ૬૦, ૨૮,૦૩૯ થઈ ગઈ છે. મોદીએ ટેક્સ બચાવવા માટે નાણાં મૂક્યાં છે. તેમનું રોકાણ લાઇફ ઇન્શ્યોરન્સ ઉપરાંત નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્‌સ (એનએસસી) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડમાં છે. તેમણે એનએસસીમાં વધુ પૈસા રોક્યા છે અને તેમનું વીમા પ્રીમિયમ પણ ઘટી ગયું છે. મોદી પાસે ૮,૪૩,૧૨૪ રુપિયાના એનએસસી છે અને વીમા પ્રીમિયમ ૧,૫૦,૯૫૭ રૂપિયા સુધી ભરે છે. જાન્યુઆરી ૨૦૧૨માં તેમણે ૨૦,૦૦૦ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ખરીદ્યા હતા જે હજુ સુધી મેચ્યોર નથી થયા.
વડાપ્રધાનની સ્થાવર મિલકતોમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી. છેલ્લી વિગતો મુજબ ગાંધીનગરમાં તેમના નામે એક ઘર છે, જેની કિંમત ૧.૧ કરોડ રૂપિયા છે. આ ઘરનો માલિકી હક્ક મોદી અને તેમના પરિવારનો છે. મોદી પર કોઈ ઉધારી નથી અને તેઓ પાસે કોઈ કાર પણ નથી. તેમની પાસે સોનાની ચાર વીંટી છે.
ગત વર્ષની લોકસભા ચૂંટણી માટે દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં મોદીએ કુલ ૧.૪૧ કરોડ રૂપિયાની સંપત્તિ બતાવી હતી. ત્યારે બેંકમાં તેમના ૧.૨૭ કરોડ રૂપિયા જમા હતા. કેન્દ્રીય મંત્રીઓએ પોતાની મિલકતોની વિગતો આપવાની પદ્ધતિ ૨૦૦૪માં અટલ બિહારી વાજપેયી સરકારમાં શરૂ કરવામાં આવી હતી. સાંસદોએ પણ દર વર્ષે તેમના પરિવારની આવક જાહેર કરવી પડે છે. લોકપાલ અને લોકાયુક્ત એક્ટ વર્ષ ૨૦૧૩ બાદથી તમામ સરકારી કર્મચારીઓ માટે તેમની વાર્ષિક આવકની માહિતી સાર્વજનિક કરવી ફરજિયાત છે.
વડાપ્રધાન ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત મોટાભાગના વરિષ્ઠ મંત્રીઓએ તેમની સંપત્તિની વિગતો આપી છે. રામદાસ અઠાવલે, બાબુલ સુપ્રિયો સહિત કેટલાક જુનિયર મંત્રીઓએ હજુ સુધી આ માહિતી સાર્વજનિક કરી નથી.

 

મુલાયમ સિંહ યાદવ કોરોના પોઝિટિવ

મુલાયમ સિંહને હોસ્પિટલમાં દાખલ કરાયા
મુલાયમ સિવાય તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને મુલાયમ હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનઉ,તા.૧૫
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સિંહ સિવાય તેમની પત્ની સાધનાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુલાયમસિંહ યાદવમાં કોરોનાનાં લક્ષણો નથી. જો કે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. તેમની પત્ની સાધનાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જણાવી દઈએ કે ઓગસ્ટની શરૂઆતમાં તબિયત લથડતા મુલાયમસિંહ યાદવને મેદાંતામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૮૦ વર્ષીય મુલાયમને મૂત્રાશયમાં ચેપની સમસ્યા આવ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થિતિ સુધરતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. માજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવ ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન રહ્યા છે. તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૬૦થી કરી હતી. વ્યવસાયે શિક્ષક એવા મુલાયમસિંહે ૧૯૬૭માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. મુલાયમસિંહ યાદવ કટોકટી દરમિયાન પણ ખૂબ સક્રિય રહ્યા હતા અને જેલમાં જતા વિપક્ષી નેતાઓમાં તેમનું નામ હતું. વર્ષ ૧૯૭૭ માં તેઓ પ્રથમ વખત ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રધાન બન્યા. આ પછી, તેમણે યુપીમાં જનતા દળ અને લોકદળના વડા તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો અને ૧૯૮૯ માં પ્રથમ વખત દેશના સૌથી મોટા રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા. ૧૯૯૨માં તેમણે સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી અને ૧૯૯૩ થી ૯૫ દરમિયાન બીજી વખત મુખ્યમંત્રીનો હવાલો સંભાળ્યો. મુલાયમસિંહ યાદવે કેન્દ્ર સરકારમાં પણ તેમની ભૂમિકા ભજવી હતી અને દેશના સંરક્ષણ પ્રધાન પણ હતા. વર્ષ ૨૦૦૩-૦૭ સુધી તેઓ ત્રીજી વખત રાજ્યના મુખ્ય પ્રધાન હતા.

 

૧૪ મહિના પછી મહેબુબા મુફ્તિની નજરબંદી હટાવાઈ

પુત્રી ઈલ્તિજાએ ટિ્‌વટ કરીને જાણકારી આપી
હું તે બધાને ધન્યવાદ આપવા માગું છું જેમણે આ મુશ્કેલ સમયમાં મારું સમર્થન કર્યું છે : પીડીપી પ્રમુખ મહેબુબા
(સંપૂર્ણ સમાચાર સેવા)
શ્રીનગર,તા.૧૪
જમ્મુ કાશ્મીરના પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબુબા મુફ્તિને ૧૪ મહિના નજરબંદ રાખ્યા પછી છોડવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પ્રશાસનના પ્રવક્તા રોહિત કંસલે મંગળવારે આ જાણકારી આપી હતી. મહેબુબાની ગત વર્ષે ૫ ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા પછી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યાના એક દિવસ પહેલા અટકાયત કરી હતી. છુટકારા પછી મહેબુબા મુફ્તિના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટથી તેમની પુત્રી ઇલ્તિજા મુફ્તિએ ટિ્‌વટ કર્યું હતું કે જેમ કે શ્રીમતી મુફ્તિની અવૈધ અટકાયત સમાપ્ત થઈ ગઈ છે. હું તે બધાને ધન્યવાદ આપવા માંગું છું જેમણે આ મુશ્કેલ સમયમાં મારું સમર્થન કર્યું છે. હવે હુ ઇલ્તિજા તમારાથી વિદાય લઉ છું. અલ્લાહ તમારી રક્ષા કરે. મહેબુબાની અટકાયત કરાયા પછી ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૯થી ઇલ્તિજા તેમના ટિ્‌વટર એકાઉન્ટથી ટિ્‌વટ કરતી હતી. ઉલ્લેખનીય છે કે લગભગ એક વર્ષ કરતા વધારે સમયથી નજરબંદ મહેબુબા મુફ્તિના છોડાવવા માટે તેની પુત્રી ઇલ્તિજા સુપ્રીમ કોર્ટમાં પણ ગઈ હતી. ૨૯ સપ્ટેમ્બરે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે કેન્દ્ર જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તિને કેટલા સમય સુધી અને કયા આદેશથી અટકાયતમાં રાખવા માંગે છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના નેતા ફારુક અબ્દુલા અને તેમના પુત્ર ઓમર અબ્દુલાની પણ પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત અટકાયત કરી હતી. આ વર્ષે ૧૩ માર્ચે ફારુક અબ્દુલાને અને ૨૪ માર્ચે ઉમર અબ્દુલાને છોડવામાં આવ્યા હતા.

 

સરકાર લોકોની દિવાળી સુધારે : સુપ્રીમ કોર્ટની ટકોર

સામાન્યજનને રાહત આપતો સુપ્રીમનો ચુકાદો
મોરટોરિયમ સુવિધાનો લાભ લેનારાએ ૧૫મી નવેમ્બર ૨૦૨૦ સુધી વ્યાજ પર વ્યાજ નહીં ચૂકવવું પડે : સુપ્રીમ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૪
સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ મામલે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મોરટોરિયમ સુવિધાનો લાભ લેનારા લોકોને ૧૫ નવેમ્બર ૨૦૨૦ સુધી વ્યાજ પર વ્યાજ નહીં ચૂકવવું પડે. આ સાથે એમ પણ કહ્યું કે કોઈપણ લોન એકાઉન્ટને ૧૫ નવેમ્બર સુધી નોન-પરફોર્મિંગ એસેટ તરીકે જાહેર કરી શકાશે નહીં. કારણે કે અમે આને પ્રતિબંધિત કરી રહ્યા છીએ. આ પહેલા સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તુત સોલિસીટર જનરલ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને બેંકોના વકીલ હરીશ સાલ્વેએ આ મામલે સુનાવણી ટાળવા વિનંતી કરી હતી. એ પછી કેસની સુનાવણી ૨ નવેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે વ્યાજ પર વ્યાજ માફી સ્કીમને તાત્કાલિક ધોરણે લાગૂ કરવી જોઈએ. આ માટે કેન્દ્રને એક મહિનાની મુદ્દત શું કામ જોઈએ? કોર્ટે કહ્યું કે જો સરકાર આ અંગે નિર્ણય લઈ લે તો અમે તરત જ આદેશ આપી દઈશું.
આ સાથે સુપ્રીમ કોર્ટે સરકારને નિર્દેશ આપ્યા કે વ્યાજ પર વ્યાજ માફી સ્કીમને લઈ ૨ નવેમ્બર સુધી સર્કુલર લાવે. જેના પર સોલિસિટર જનરલે કહ્યું કે સરકાર ૨ નવેમ્બર સુધી વ્યાજ પર વ્યાજ માફી સ્કીમને લઈ સર્કુલર જાહેર કરી દેશે. કોરોના મહામારીના કારણે આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. તેથી ઉદ્યોગો સંપૂર્ણ રીતે બંધ થતા ઉદ્યોગપતિઓ અને કંપનીઓ માટે મુશ્કેલીઓ ઉભી થઈ હતી. કેટલાક લોકોએ નોકરી પણ ગુમાવી હતી.
આ પરિસ્થિતિઓમાં લોનના હપ્તાની ચુકવણી મુશ્કેલ બની હતી. તેથી આવી સ્થિતિને જોતા ઇમ્ૈંએ લોન મોરટોરિયમની સુવિધા આપી હતી. એટલે કે, લોનની હપ્તા મુલતવી રાખવામાં આવી હતી. કોઈ લોન પર મોરેટોરિયમનો લાભ લઈ હપ્તાની ચુકવણી નહીં કરી તો તે સમયગાળા માટેનું વ્યાજ મૂળમાં ઉમેરવામાં આવશે. એટલે કે હવે મુખ્ય રકમ વ્યાજ પર વ્યાજ લાગશે. આ વ્યાજ પર વ્યાજનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે.

 

પંજાબમાં સરકારી નોકરીમાં મહિલાને ૩૩ ટકા અનામત

કેપ્ટન અમરિન્દરસિંહનો ઐતિહાસિક નિર્ણય
પંજાબ કેબિનેટ બેઠકમાં મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય : ૨૦૨૨ સુધીમાં એક લાખને નોકરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચંદીગઢ, તા. ૧૪
પંજાબની કોંગ્રેસ સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી પંજાબ કેબિનેટની બેઠકમાં મહિલાઓને સરકારી નોકરીઓમાં ૩૩ ટકા અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. પંજાબ સરકારે મહિલા સશક્તીકરણની દિશામાં મહત્વનો નિર્ણય લેતા સરકારી નોકરીઓમાં ૩૩ ટકા મહિલા અનામતને મંજૂરી આપી છે. પંજાબ સીએમ ઓફિસ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે મંત્રી પરિષદે પંજાબ સિવિલ સર્વિસની સીધી ભરતી પ્રક્રિયામાં મહિલાઓના અનામતને મંજૂરી આપી છે. ખુદ અમરિંદર સિંહે ટિ્‌વટ કરીને આ બાબતની જાણકારી આપી હતી. પંજાબની કેપ્ટન અમરિંદર સિંહ સરકારે આજે સીએમે સ્ટેટ રોજગાર યોજના, ૨૦૨૦-૨૦૨૨ને પણ મંજૂરી આપી છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨ સુધી પ્રદેશના ૧ લાખથી વધુ યુવાનોને રોજગાર આપવાનું કામ કરવામાં આવશે. આ યોજના હેઠળ જુદા જુદા સરકારી વિભાગોમાં ખાલી પડેલા પદો પર ઝડપથી નિમણૂક કરવામાં આવશે. પંજાબ કેબિનેટે પંજાબ સિવિલ સર્વિસ (રિઝર્વેશન ઓફ પોસ્ટ્‌સ ફોર વુમેન) રૂલ્સ ૨૦૨૦ને મંજૂરી આપી છે. મહિલાઓને સરકારી નોકરીઓમાં સીધી ભરતી, બોર્ડ અને કોર્પોરેશનના ગ્રુપ છ, મ્, ઝ્ર અને ડ્ઢના પદો પર ભરતીમાં ૩૩ ટકા અનામત આપવામાં આવશે. પંજાબ સરકારે આ નિર્ણયને રાજ્યમાં મહિલા સશક્તીકરણની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પંજાબ પહેલા બિહારમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને અનામત આપવામાં આવી છે. નીતીશ સરકારે સરકારી નોકરીઓના તમામ પદો પર સીધી ભરતી માટે મહિલાઓને ૩૫% અનામત આપવાની જોગવાઇ કરી છે. આ નિર્ણય લેનારૂ બિહાર દેશનું પ્રથમ રાજ્ય હતું.

 

સ્વાસ્થ્ય મંત્રાલયને સુશાંતના રિપોર્ટ અંગે માહિતી ન હતી

સ્વામીની એક ટ્‌વીટે ખળભળાટ મચાવ્યો
સુશાંતના મૃત્યુ મામલે થઈ રહેલી તપાસ સંબંધિત એમ્સના રિપોર્ટ અંગે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનો દાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૪
ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલે થઈ રહેલી તપાસ સંબંધિત એમ્સના રિપોર્ટ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયને કોઈ જાણકારી અપાઈ નથી. સ્વામીએ મંગળવારે એક ટ્‌વીટ કરીને કહ્યું કે, મેં એમ્સ ટીમના કથિત રિપોર્ટ સંલગ્ન મારા ૫ સવાલો પર સવાસ્થ્ય સચિવ સાથે વાતચીત પૂરી કરી લીધી છે. એક સમાચાર ચેનલે આ રિપોર્ટને લઈને દાવો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. આ મામલે મંત્રાલયને કોઈ જાણકારી અપાઈ નથી. હવે હું સંબંધિત વિશેષજ્ઞો સાથે વાત કરીશ. સ્વામીએ સવાલ ઉઠાવ્યા છે કે શું એમ્સની ટિમે સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું કે પછી માત્ર કૂપર હોસ્પિટલના ડોક્ટરોના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી પોતાનો મત બનાવ્યો? શું ડોક્ટર સુધીર ગુપ્તાને ઉચ્ચ અધિકારીઓએ કહ્યું હતું કે એમ્સની વિશેષ ટીમ દ્વારા રિપોર્ટ રજુ કરતા પહેલા તેઓ ઈન્ટરવ્યુ આપે? શું એમ્સની ટીમે પુરાવા નાશ કરવા અંગે તપાસ કરી? શું મોતના કારણો પર એક નિશ્ચિત મત બનાવવા માટે ફોરેન્સિક મેડિકલના દ્રષ્ટિકોણથી સામગ્રી અપૂરતી હતી? અને શું સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ કેસને મંત્રાલયના મેડિકલ બોર્ડને મોકલવા પર વિચાર કરશે? અત્રે જણાવવનું કે સ્વામીની ટ્‌વીટ એવા સમયે આવી છે કે જ્યારે થોડા દિવસો પહેલા જ એમ્સની પેનલના રિપોર્ટમાં સુશાંતની હત્યા હોવાની શંકાને ફગાવીને આત્મહત્યાનો કેસ ગણાવવામાં આવ્યો છે.

 

નવી શિક્ષણ નીતિ માટેના ૫૭૧૮ કરોડના સ્ટાર્સ પ્રોજેક્ટને બહાલી

વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ
હાલમાં સ્ટાર્સ પ્રોજેક્ટનો છ રાજ્યોમાં અમલ કરાશે, જમ્મુ-કાશ્મીર અને લદાખ માટે ૫૨૯ કરોડના વિશેષ પેકેજને પણ કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૪
કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ હેઠળ નવી યોજના તરીકે સ્ટાર્સ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. છ રાજ્યો તેના કાર્યક્ષેત્રમાં આવશે. આ પ્રોજેક્ટ માટે ૫૭૧૮ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો અંગે કેન્દ્રીય પ્રધાનો પ્રકાશ જાવડેકર અને નરેન્દ્રસિંહ તોમારે માહિતી આપી હતી.
જાવડેકરે કહ્યું કે નવી શિક્ષણ નીતિના અમલીકરણ સાથે સંકળાયેલા સ્ટાર્સ પ્રોજેક્ટને આજે મંજૂરી મળી હતી. આ પ્રોજેક્ટ માટે વર્લ્‌ડ બેંક દ્વારા ૫૦૦ મિલિયનની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ પ્રોજેક્ટ કેન્દ્રિય પ્રાયોજિત નવી યોજના અંતર્ગત શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા લાગુ કરવામાં આવશે. હાલમાં હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ અને ઓડિશાને છ રાજ્યો આ પ્રોજેક્ટના ક્ષેત્રમાં લાવવામાં આવશે. આ અંતર્ગત શિક્ષણ માળખું સુધારવા માટે વિકાસ, અમલીકરણ અને મૂલ્યાંકન વગેરે ક્ષેત્રોમાં રાજ્યોને મદદ કરવામાં આવશે.
જાવડેકરે કહ્યું કે આજે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હવે લાગુ કરવામાં આવશે. આ માટે સ્ટાર્સનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. હવે શિક્ષણમાં ઉમંગ દ્વારા શીખવાનું સમજાશે નહીં. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારો તરફના સ્ટાર્સ પ્રોજેક્ટ પર બે હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ જ પ્રકારનો કાર્યક્રમ એશિયન વિકાસ બેંકના સહયોગથી ગુજરાત, ઝારખંડ, ઉત્તરાખંડ, આસામ અને તમિળનાડુમાં હાથ ધરવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેબિનેટ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન ’દીનદયાળ અંત્યોદય યોજના’ હેઠળ કેન્દ્ર સરકારના જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે ૫૨૯ કરોડના વિશેષ પેકેજને પણ મંજૂરી આપવામાં આવી છે. જાવડેકરે કહ્યું કે દીન દયાળ અંત્યોદય રાષ્ટ્રીય આજીવિકા મિશન યોજના દેશના તમામ ગ્રામીણ વિસ્તારોમાં ચાલે છે. ગ્રામીણ કાશ્મીર, લદાખ અને જમ્મુમાં વસતા ૨/૩ લોકો આ યોજનામાં જોડાશે. કેન્દ્રીય પ્રધાનમંડળે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે ૫૨૦ કરોડના વિશેષ પેકેજને મંજૂરી આપી છે. તે પાંચ વર્ષ સુધી ચાલશે. ૧૦,૫૮,૦૦૦ પરિવારોને આનો લાભ મળશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope