નવરાત્રીના દિવસો દરમિયાન અંબાજી મંદિર ખુલ્લું રહેશે

અંબાજી મંદિર અને ગબ્બર બંને ખુલ્લા રહેશે
કોરોનાના લીધે ચાલુ વર્ષે મંદિરના દર્શન ચાલુ રહેશે પરંતુ ગરબાનું આયોજન નહીં કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અંબાજી,તા.૧૫
કોરોનાકાળમાં અનેક મંદિરો નવરાત્રિમાં બંધ રહેવાના છે. તો બીજી તરફ, સરકારે ગરબાના આયોજન પર મુકેલા પ્રતિબંધથી માતાજીના આરાધકોમાં નિરાશા જોવા મળી છે. પરંતુ આ વચ્ચે એક સારા સમાચાર એ છે કે, ૫૧ શક્તિપીઠમાંથી એક એવા આદ્યશક્તિ મા અંબાનું મંદિર અને તેમનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ધામ નવરાત્રિમાં ભાવિક ભક્તો માટે ખુલ્લું રહેશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બરની ફરતે સ્થાપિત કરાયેલી ૫૧ શક્તિપીઠોની પ્રતિકૃતિને કારણે ભક્તોને અહીં એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શનનો દુર્લભ લ્હાવો સાંપડે છે. રાજ્ય સરકારની સુચના અનુસાર ચાલુ વર્ષે અંબાજીમાં ગરબાનું આયોજન રદ્દ કરાયું છે, પરંતુ નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. કોરોનાના પગલે અંબાજી દર્શન માટે પધારતા ભક્તોના આરોગ્યની સલામતી પર વિશેષ ભાર મુકતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકારની કોવિડ ૧૯ અંગેની માર્ગદર્શિકા મુજબની તમામ સુવિધા અને વ્યવસ્થા મંદિર પરિસર અને મૂળ સ્થાન શક્તિપીઠ ગબ્બર પર્વતે કરવામા આવી છે. આ ઉપરાંત સ્થાનિક લોકો, ઓટો અને ટેક્સી ચાલકો, ધર્મશાળા અને હોટલો દ્વારા દર્શનાર્થીઓને કોરોનાથી બચાવવા માટેના સ્વાસ્થ્ય સંબંધી પગલાં લેવામાં આવી રહ્યા છે. ૧૬૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું માં અંબાનું મૂળ સ્થાન શક્તિપીઠ ગબ્બર પર્વત અંબાજી ધામ પણ ભાવિકભક્તો માટે ખુલી ગયું છે. માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન ગબ્બર પર્વત અંબાજીથી ત્રણ કિમીના અંતરે સ્થિત છે. માતાજીના ૫૧ શક્તિપીઠોમા પ્રમુખ શક્તિપીઠ મૂળ સ્થાન ગબ્બર પર્વત ઉપર મા અંબાજીના અખંડ જ્યોતના સંપૂર્ણ દર્શન માટે રોપવે (ઉડનખટોલા) યાત્રિકોની સેવામાં તકેદારી અને સભાનતાની સાથે કાર્યરત રહેશે. અરવલ્લીની ગિરિમાળામા ગબ્બર પર્વત વર્ષો જુનો છે. દેવી સતીનું હૃદય આ સ્થાન પર પડેલ હોવાથી હદયપીઠ પણ કહેવામાં આવે છે. ગબ્બર પર્વત ઉપર હજારો વર્ષોથી માં ની અખંડ જ્યોત પ્રજ્વલિત છે. માં અંબાના પવિત્ર પ્રાગટ્ય સ્થાને માંના પગલા અને રથના નિશાન આજે પણ મોજુદ છે. માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણનો ચૌલકર્મ (બાબરી) વિધિ ગબ્બર પર્વત ઉપર થઇ હતી. ગબ્બર પર્વત સ્થિત પારસ પીપળીના વૃક્ષ પર મહિલાઓ અખંડ સૌભાગ્યની રક્ષા માટે દોરો અને બંગડી બાંધે છે. અતિ પ્રાચીન સમયમા રાવણને મારવા માટે માં અંબાએ પવિત્ર પ્રાગટ્ય સ્થાન ગબ્બર ઉપર રામને અજય બાણ આપ્યું હતું, જે બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. આ પવિત્ર સ્થાન ૫૧ શક્તિપીઠોમાં હૃદયસમાન છે. ગબ્બર ઉપર માં અંબાની અખંડ જ્યોત પ્રજ્વલિત હોય છે, જે હાલના અંબાજી મંદિરથી સીધી લીટીમા દેખાય છે. તો બીજી તરફ, ખેડબ્રહ્મામાં અંબિકા માતાજી મંદિરના ચોકમાં નવરાત્રિમાં ગરબા નહિ યોજવાનુ નક્કી કરાયુ છે. મંદિરના ટ્રસ્ટીઓએ કોરોનાની મહામારીને લઈને ગરબા નહિ કરવા નિર્ણય લીધો છે. નવરાત્રિમાં મંદિરમાં માતાજીનું ઘટ સ્થાપન, પૂજન અને આરતી થશે. પરતુ માતાજીના દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. ભક્તો નવરત્રિમાં માતાજીના દર્શન કરી શકશે. ભક્તો ઘેર બેઠા પણ માતાજીના દર્શન સોશિયલ મીડિયા દ્વારા કરી શકશે.

 

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ભાજપમાં જોડાયા

પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં ભંગાણ
પોતે પ્રબળ દાવેદાર હોવા છતાં ટિકિટ ન મળતા કિશોર ચીખલિયાએ કૉંગ્રેસથી નારાજ થતા પક્ષ પલટો કરી લીધોે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબી,તા.૧૫
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવામાં થોડા જ દિવસો બાકી છે ત્યારે આજે મોરબી કૉંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. ટિકિટ વહેંચણીથી નારાજ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલિયાએ બીજેપીનો ખેસ ધારણ કર્યો છે. પોતે પ્રબળ દાવેદાર હોવા છતાં, ટિકિટ ન મળતા કિશોર ચીખલિયા કૉંગ્રેસથી નારાજ થતા આ પગલું ભર્યું છે. મોરબી બેઠક પર કૉંગ્રેસે જયંતિ જેરાજને ટિકિટ આપતા કિશોર ચીખલિયા નારાજ થયા હતા. ત્યારે આજે જ્યારે ભાજપ કાર્યાલયના ઉદ્ધાટન સમયે કિશોર ચીખલિયા ભાજપમાં જોડાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કિશોર ચીખલીયા પર એસીબીમાં થયેલ કેસ પાછો ખેંચવા અને જિલ્લા પંચાયતમાં ફરી પ્રમુખ બનાવવા માટેની ભાજપે કમિટમેન્ટ કર્યું છે. કિશોર ચીખલીયા અને જ્યંતી જેરાજ પટેલના નામમાંથી કોંગ્રેસે જયંતિ પટેલને ઉમેદવાર બનાવતા કિશોર ચીખલીયા સંપર્ક વિહોણા બન્યા છે. ગત મોડી રાત્રીથી કિશોર ચીખલીયા કોંગ્રેસથી સંપર્ક વિહોણા બન્યા છે. પાર્ટીના સિનિયર નેતાઓ કિશોર ચીખલીયાને મનાવવા માટે આતુર હતા. પરંતુ કિશોર ચીખલીયા સંપર્ક વિહોણા થતા સિનિયર નેતાઓ પણ મુંઝવણમાં મુકાયા છે. પ્રદેશ કોંગ્રેસ નેતાના મતે કિશોર ચીખલીયા પ્રબળ ઉમેદવાર હતા. જ્યારે સ્થાનિક કોંગ્રેસના નેતાના મતે જ્યંતિ જેરાજ પટેલ પ્રબળ ઉમેદવાર માનવામાં આવતા હતા. આજ કારણને લઈને પ્રદેશ અને સ્થાનિક નેતાઓ વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ૧૬ ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ૧૭ ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. ૧૯ ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. ૩ નવેમ્બરે મતદાન થશે અને ૧૦ નવેમ્બરે પરિણામ જાહેર થશે.

 

કોરોનાના કારણે ગુજરાત હાઇકોર્ટ ચાર દિવસ બંધ

સ્ટાફનો એન્ટીજન ટેસ્ટ કરાશે
ચીફ જસ્ટિસ દ્વારા જાહેર કરાયેલા સર્ક્‌યુલર મુજબ ૧૬ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર સુધી હાઇકોર્ટ બંધ રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૫
ગુજરાતમાં કોરોના સંક્રમણનાં કેસોને કારણે ચિંતાજનક સ્થિતિ છે. બુધવારે મળતા આંકડા પ્રમાણે, રાજ્યમાં ૧૧૭૫ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ ૧૪૧૪ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે ૧૧ લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોના મહામારીને પહોંચી વળવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ફરી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી ગુજરાત હાઈકોર્ટની કામગીરી ૪ દિવસ એટલે ૧૬થી ૧૯ ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ દ્વારા જાહેર કરાયેલા સર્ક્‌યુલર મુજબ, ૧૬ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર સુધી હાઇકોર્ટ બંધ રહેશે. આ દિવસોમાં હાઇકોર્ટના અધિકારીઓ, રજીસ્ટ્રી સ્ટાફ સહિતના કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઉચ્ચ ન્યાયાલયના રેકોર્ડ રૂમ, વોશરૂમ, ચેમ્બર, ઓફિસ સહિત સંપૂર્ણ કેમ્પસની સાફ સફાઈ કરાશે. તમામ પ્રકારનું જ્યુડિશિયલ અને વહીવટી કામ ચાર દિવસ બંધ રહેશે. આ સિવાય એડવોકેટ જનરલ, સરકારી વકીલો વગેરેની ઓફિસ બંધ રાખવા આદેશ કરાયો છે. કોર્ટ પરિસરમાં આવેલી સરકારી ઓફિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસ વગેરે બંધ રહેશે. આ ઓફિસો પણ સેનેટાઇઝ કરાશે. ૧૬ ઓક્ટોબરના કેસ લિસ્ટ ૨૦ ઓક્ટોબરથી લેવામાં આવશે. ૧૯, ૨૦ અને ૨૧ ઓક્ટોબરથી ફિક્સ મેટર ૨૧ ઓક્ટોમ્બરે લેવાશે. ફિઝિકલ ફાઇલીગ ૨૦ ઓક્ટોબરથી શરૂ થશે. જો કે આ દરમિયાન ઇ- ફાઇલીગ શરૂ રહેશે. તેમજ નવા કેસો ૨૦ ઓક્ટોબરથી લેવાશે. આ સાથે આદેશ જાહેર કરાયો છે કે, સર્ક્‌યુલરમાં એસીએસ હોમ અને રાજ્ય પોલીસ વડાને જાણ કરી કહેવામાં આવ્યું છે કે, હાઇકોર્ટમાં ફરજ પર રહેલા સિક્યુરિટી સ્ટાફ જે જગ્યાએ ડ્યુટી પર છે તેમણે તે જગ્યાએ જ હાજર રહેવાનું રહેશે અલગ અલગ જગ્યાએ ફરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

 

લારી પર નાસ્તો કરવા માસ્ક ઉતારનારને પોલીસે દંડ કર્યો

અમદાવાદમાં લોકોમાં રોષ ફેલાયો
લારી પર જાવ તો માસ્ક કાઢતા નહીં નહીંતર ૨૦ના વડાપાઉં અને ૧૦ની પાણીપુરી માટે ૧૦૦૦નો દંડ ભરવો પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૫
અંગ્રેજીમાં એક કહેવત છે જેના મુજબ હોઠ અને કપ વચ્ચે ઘણી સ્લિપ હોઈ શકે છે. આ કહેવત બે અમદાવાદી આઈટી પ્રોફેશનલ્સ માટે બિલકુલ સાચી ઠરી જ્યારે તેમણે પાણીપૂરી ખાવા માટે પોતાનું માસ્ક નીચે કર્યું અને પોલીસે તેમને ૧૦૦૦નો દંડ ફટકારી દીધો. કોરોના મહામારીને લઈને પોલીસ અને કોર્પોરેશન જાહેરમાં માસ્ક ન પહેરનારાઓ પર કડક પગલા લઈ રહી છે અને ૧૦૦૦ સુધીનો દંડ કરવામાં આવે છે. આ ઘટના શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ એક જાણીતા પાણીપુરીના સ્ટોલ પાસે ઘટી છે. પોલીસ આઈટી પ્રોફેશનલ્સની એ વાતને માન્ય ન રાખી કે તેઓ પાણીપુરી ખાવા માટે માસ્ક ઉતારીને ઉભા છે. બીજા આવા જ એક કેસમાં ઘાટલોડિયામાં ફિઝિયોથેરાપિસ્ટ મહિલાને વડાપાઉન ખાવાની તેની ઈચ્છા મોંઘી પડી જ્યારે બટરમાં શેકાયેલા વડાપાઉનનો ટેસ્ટ મોઢામાં જાય તે પહેલા જ પોલીસે તેને માસ્ક ન પહેરવા માટે દંડ ફટકારી દીધો. જોકે મહિલાએ તેનો જોરદાર વિરોધ કરતા કહ્યું કે તેણે કોઈ ગુનાનો ભંગ નથી કર્યો અને ફક્ત વડાપાઉં ખાવા માટે તેણે માસ્ક નીચે કર્યું છે. જોકે પોલીસે તેની વાત ન માનતા મહિલા ફિઝિયોથેરાપિસ્ટ સામે કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધી એફઆઈઆર નોંધી છે. નારણપુરા પોલીસ દ્વારા આ દંડની કાર્યવાહીનો ભોગ બનેલી મહિલાએ પૂછ્યું કે મને વડાપાઉની પ્લેટ હજુ હાથમાં મળવાની જ હતી અને પોલીસે માસ્ક ન પહેરવા માટે દંડ કર્યો. માસ્ક પહેરીને હું કઈ રીતે ખાઈ શકું? રાજ્ય સરકાર દ્વારા અનલોકના જુદા જુદા તબક્કા હેઠળ રાજ્યમાં વેપાર ધંધા અને ઉદ્યોગને ખોલવાની મંજૂરી આપતા રાજ્યના અર્થતંત્રને પાટે ચડાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ બીજી તરફ પોતાની ભૂખને શાંત કરવા માટે લારી કે સ્ટોલ પર જતા લોકોને માસ્ક ન પહેરવા માટે દંડવામાં આવી રહ્યા છે. જેના બચાવમાં પોલીસ કહી રહી છે કે આ એક જરુરી પગલું છે. ખાસ કરીને ટી સ્ટોર અને નાસ્તાપાણીની લારીઓ પર વધુ ભીડને જામતી રોકવા અને મહામારીને ફેલાતી રોકવા માટે લોકોમાં કોરોના હાઈજીન પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે કડક નિયમની અમલવારી જરુરી છે.

 

કાકાએ જ ભત્રીજી ઉપર અનેકવાર દુષ્કર્મ આચર્યું

કાકાને પોલીસે ઝડપી પાડ્યો
માનસિક અસ્વસ્થ ભત્રીજી પર તેના જ કૌટુંબિક કાકાએ ખેતરમાં કામના બહાને લઈ જઈ અનેક વખત દુષ્કર્મ આચર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
છોટાઉદેપુર,તા.૧૫
જિલ્લાના કવાંટ તાલુકાનાં એક ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માનસિક અસ્વસ્થ ભત્રીજી પર તેના જ કૌટુંબિક કાકાએ ખેતરમાં કામના બહાને લઈ જઈ તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું છે. જેથી માનસિક અસ્વસ્થ ભત્રીજીએ નવજાતને જન્મ આપતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. પીડિતાના પિતાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે કાકાને થોડા જ કલાકોમાં ઝડપી પાડ્યા હતા. આ મામલે મળતી માહિતી પ્રમાણે, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનાં એક ગામમાં માનસિક અસ્વસ્થ યુવતી તેના પરિવાર સાથે જ રહેતી હતી. ૨૭ વર્ષીય આ યુવતી ભલે માનસિક અસ્વસ્થ હતી પરંતુ તેને કોઈપણ કામ કહો તે હોંશે હોંશે કરી આપતી અને તેના આ સ્વભાવને કારણે કુટુંબ અને ફળીયાના લોકો તેને કંઇકને કંઇક કામ સોંપતા. તેના આ સ્વભાવને લઈ તેના પિતાના ફોઈના દીકરા પ્રવીણ રાઠવા એટલે કે યુવતીના કૌટુંબિક કાકા તેને અવાર નવાર ખેતરમાં કામ માટે લઇ જતા હતા. પરિવારને એમ કે કાકા છે, કામ માટે બોલાવી જાય છે ખેતરમાં કામ કરતાં કરતાં કાકા પ્રવીણની દાનત આ માનસિક અસ્વસ્થ ભત્રીજી ઉપર બગડી અને તેણે ભત્રીજીની મંદ બુદ્ધિનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું. પરંતુ પીડિતા મંદ બુદ્ધિની હોવાને લઈ તેણે આ બાબતે કોઈને કંઇ કહ્યું નહીં. ત્યારબાદ આ હવસખોર કાકાની હિંમત વધી ગઇ. હવસખોર આધેડ કાકાને એમ હતું કે તેની આ કરતૂતની ક્યારેય કોઈને ખબર નહીં પડે. જેથી તે અવાર નવાર તેને પોતાના ખેતરે લઈ જતો અને પોતાની હવસનો શિકાર બનાવતો. પરંતુ કહેવાય છે ને કે પાપ એક દિવસ છાપરે ચડીને પોકારે છે. દુષ્કર્મ આચર્યા બાદ માનસિક અસ્વસ્થ આ યુવતીનું પેટ વધવા લાગ્યું ત્યારે તેના માતા પિતાએ તેની આરોગ્ય તપાસ કરાવતા તે સગર્ભા હોવાની જાણ થતાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ પોતાની માનસિક અસ્વસ્થ દીકરી સાથે કોણે આ કુકર્મ કર્યું હશે તેની ચિંતા તેમણે થવા લાગી. માનસિક અસ્વસ્થ દીકરીને આ વિષે તેઓ પૂછે તો કઈ રીતે પૂછે તે એમના માટે મોટો પડકાર હતો. આખરે પીડિતાની માતાએ તેને તેની સૂઝબૂઝથી પીડિતા પાસેથી આ વિષે પૂછપરછ કરી હતી. પોતાના જ ફળિયામાં રહેતો અને પીડિતાના ફોઈનો દીકરો પ્રવીણ રાઠવા જ તેનો ગુનેગાર હોવાનું સામે આવ્યું. આ દરમિયાન પીડિતાએ એક નવજાતને જન્મ આપ્યો તો પોતાની દીકરીને ન્યાય પણ અપાવવો જરૂરી છે. તેમ વિચારી પીડિતાના પિતાએ નવજાતના જન્મના બે દિવસ બાદ કવાંટ પોલીસમાં પોતાના કૌટુંબિક ભાઈ પ્રવીણ રાઠવા સામે ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ થતાં પોલીસે ગણતરીના કલાકોમાજ નરાધમ પ્રવીણ રાઠવાને ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ પોલીસે આ જઘન્ય દુષ્કર્મના આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવાની સાથે તેનું મેડિકલ અને સાથે નવજાત ના ડીએનએ ની તપાસ કરાવી આરોપીના ગુનાના પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે.

 

નવરાત્રીમાં આરતી માટે પોલીસની મંજૂરી અનિવાર્ય

સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પરવાનગી મળશે
સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી મેળવીને જાહેરમાં ગરબી/મૂર્તિની સ્થાપના, પૂજા અને આરતી કરી શકાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૫
કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન જાહેર અને શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી મેળવીને જાહેરમાં ગરબી/મૂર્તિની સ્થાપના, પૂજા અને આરતી કરી શકાશે. પૂજા અને આરતીના કાર્યક્રમ દરમિયાન ૨૦૦ કરતા વધુ લોકો એકત્રિત થઈ શકશે નહીં. તારીખ ૧૭ ઓક્ટોબર, શનિવારના રોજ નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે સોસાયટી-ફ્લેટમાં આરતી માટે પણ પોલીસની મંજૂરી લેવી પડશે. અમદાવાદમાં નવરાત્રીના તહેવાર સંબંધિત પોલીસની સ્પષ્ટતા સામે આવી છે. નવરાત્રીમાં આરતી માટે પોલીસની મંજૂરી લેવી પડશે. એક કલાકની આરતી અને પૂજાના કાર્યક્રમમાં સોસાયટી અને ફ્લેટમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. પ્રસાદની વહેંચણી પેકેટમાં કરવાની રહેશે. સોસાયટી અને ફ્લેટના પ્લોટની ક્ષમતા પ્રમાણે માણસો ભેગા કરી શકાશે. સરકારે ૨૦૦ લોકોની મંજૂરી આપી છે. જ્યારે કન્ટેઇનમેન્ટ ઝોનમાં આરતી માટે મંજૂરી નહી મળે.સોસાયટી અને ફ્લેટમાં પૂજા અને આરતીના કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવા સહિત કોરોનાની અન્ય ગાઈડલાઈન્સનું લોકોએ પાલન કરવાનું રહેશે. દરેક સોસાયટી-ફ્લેટમાં આરતી અને પૂજાના એક કલાકના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી લેવી પડશે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી આ પરવાનગી મેળવવાની રહેશે. જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી નવરાત્રીમાં આરતી અને પૂજાના કાર્યક્રમ માટેની પરવાનગી મળી શકશે. જે લોકોએ પરમિશન નથી લીધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

પાંજરાપોળોને પ૦ લાખ અને મેડિકલ સામાન અર્પણ કરાયા

નમ્રમૂનિ મહારાજના પ૦મા જન્મદિને મુખ્યમંત્રીએ
રાજ્યમાં તાલુકા-ગામોમાં પશુઓને સ્થળ ઉપર સારવાર મળે તે માટે રપ૦ ફરતા પશુ દવાખાના કાર્યરત કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૫
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે જીવદયા રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગાંધી-સરદાર સાહેબનું ગુજરાત અહિંસાને વરેલું રાજ્ય છે, સાથોસાથ અબોલ પશુજીવો સહિત જીવમાત્રનો વિચાર અને સંવેદનાથી ઇઝ ઓફ લીવીંગ, કરૂણા, પ્રેમ, દયા અને અનુકંપાનું વાતાવરણ રાખવું છે. તમામ જીવોને અભયદાન રાજ્યની ફરજ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી રાષ્ટ્રસંત ગુરૂદેવ પૂજ્ય નમ્રમૂનિ મહારાજ સાહેબના પ૦મા જન્મદિન ઉપલક્ષ્યમાં રાજ્યની નાની-નાની પ૦ પાંજરાપોળોને મેડીકલ વેટરનીટી, દવાઓ માટે પ્રત્યેકને રૂ. ૧ લાખના ચેક અર્પણ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરી રહ્યા હતા.સમસ્ત મહારાજનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગિરીશભાઇ શાહ સહિત રાજ્યની વિવિધ પાંજરાપોળના ૯ જેટલા અગ્રણીઓ-પ્રતિનિધિઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીએ પ્રતિકરૂપે વિરમગામ અને ભાણવડ પાંજરાપોળના સંચાલકોને રૂ. ૧-૧ લાખના ચેક અર્પણ કર્યા હતા.વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે જીવદયા અને અબોલ પશુઓની સારવાર-કલ્યાણના અનેક પ્રકલ્પો વેગવાન બનાવ્યા છે. ઘાયલ પશુઓની સારવાર માટે કરૂણા એમ્બ્યુલન્સ અને એનીમલ હેલ્પલાઇન કાર્યરત કરી છે. એટલું જ નહિ, રાજ્યના અંતરિયાળ વિસ્તારોના તાલુકા-ગામોમાં પશુઓને સ્થળ પર સારવાર સુશ્રુષા આપવા રપ૦ એમ્બ્યુલન્સ ફરતા પશુદવાખાના તરીકે શરૂ કરી છે. આ મોબાઇલ એનિમલ ડિસ્પેન્સરીનું સંચાલન પણ આપાતકાલ માનવ સેવામાં શ્રેષ્ઠ પૂરવાર થયેલ ૧૦૮ એમ્બ્યુલન્સના સંચાલક ય્ફદ્ભને આપ્યું છે.મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, કોરોના સંક્રમણના આ કપરાકાળમાં પશુધનને ઘાસચારો મળી રહે તે માટે પશુદીઠ રૂ. રપની સહાય સરકારે મંજૂર કરી છે અને ચૂકવી છે.રાજ્યની પાંજરાપોળોને પોતાની માલિકીની જમીનમાં ઘાસચારો ઉગાડી પશુઓને આપી શકે અને અછતના સમયે ઘાસની તંગી ન પડે તે માટે ઘાસચારો ઉગાડવા ૧૦૦ કરોડ રૂપિયાની કુલ સહાય ટયૂબવેલ, સોલાર ઇલેકટ્રીક પેનલ વગેરે માટે આપીને પશુઓની સેવા-ચિંતાનો ભાવ દર્શાવ્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.મુખ્યમંત્રીએ આ અવસરે એવો ઉલ્લેખ પણ કર્યો કે, ખાસ કરીને કચ્છમાં પશુઓને ઘાસચારાની તંગી ન પડે તે માટે વન વિભાગ દ્વારા નલિયામાં ઘાસના મેદાનો ઊભા કરી ત્યાં પણ ઘાસની ખેતી કરવાનું આયોજન છે. વિજય રૂપાણીએ અબોલ પશુજીવો પ્રત્યે કરૂણા-દયા અને જીવદયાના સંસ્કાર સંતશકિતના આશીર્વાદ અને મહાજનો-સેવા સંગઠનોના સહયોગથી વધુ ઊજાગર કરવાની નેમ પણ દર્શાવી હતી.રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમૂનિ મહારાજ સાહેબે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાણીમાત્રને શાતા, વેદના, પીડામાં રાહત અને અબોલજીવોના જતનની ચિંતા કરનારા સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જીવદયા ભાવ ઊજાળ્યો છે તે માટે અભિનંદન આપ્યા હતા. નમ્રમૂનિ મહારાજ સાહેબે મૂંગા પશુઓના દર્દ, પીડા, વેદનાને ટ્રીટમેન્ટ સારવાર દ્વારા દૂર કરી અનેક અબોલ જીવોના આશીર્વાદ મળે તેવું પૂણ્ય કાર્ય ગુજરાતની ધરતી પર પ્રારંભ થયું છે તેને શ્રેષ્ઠ આશીર્વાદ અને ઉત્તમ મંત્રથી પણ અધિક સેવારૂપ ગણાવ્યા હતા. સમસ્ત મહાજનના ટ્રસ્ટી ગિરીશ શાહે આ સેવાકાર્યની પ્રેરણા પૂજ્ય નમ્રમૂનિ મહારાજ સાહેબના કૃપા આશિષથી મળી છે તેનો ઉલ્લેખ કરતાં નાની પાંજરાપોળોના પશુજીવો માટે આ સારવાર-સેવા મૂંગા પશુજીવો માટે ઉપકારક બનશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

 

ગુજરાતમાં કોરોનાનાં ૧૧૮૫ કેસ : ૧૧ દર્દીનાં મૃત્યુ થયા

૨૪ કલાકમાં ૧૩૨૯ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા
અત્યાર સુધીમાં કુલ ૫૨૧૬૮૮૫ ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ ૧૩૭૮૭૦ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૫
રાજ્યમાં ૧૪મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૧૧૮૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૩૨૯ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૧૧ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને ૧,૫૬,૨૮૩ એ પહોંચી ગયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં સુરતમાં ૨૪૯, અમદાવાદમાં ૧૮૬, વડોદરામાં ૧૧૯, રાજકોટમાં ૧૦૯, જામનગરમાં ૮૨, મહેસાણામાં ૩૩, કચ્છમાં ૩૧, પંચમહાલમાં ૨૩, અમરેલીમાં ૨૪, બનાસકાંઠા ૨૨, સાબરકાંઠામાં ૧૩, મોરબીમાં ૧૯, ભરૂચમાં ૨૮ સુરેન્દ્રનગરમાં ૧૮ કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં ૪૩, જૂનાગઢમાં ૩૪, પાટણમાં ૨૩, ગીરસોમનાથમાં ૧૪, નર્મદામાં ૧૪, ભાવનગરમાં ૧૯, દાહોદમાં ૮, આણંદ ૧૩, બોટાદમાં ૭, ખેડામાં ૭, દેવભૂમિ દ્વારકામાં ૭, છોટાઉદેપુર ૬, મહીસાગરમાં ૧૦, નવસારીમાં ૭, અરવલ્લી ૯, તાપીમાં ૫, વલસાડમાં ૧ મળીને કુલ ૧૧૮૫ કેસ નોંધાયા છે. રાજ્યમાં સરકારી ચોપડે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કુલ ૧૪૮૦૪ દર્દીઓ એક્ટિવ છે, આ પૈકીના ૮૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે ૧૪૭૧૮ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં ૧,૩૭,૮૭૦ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે અત્યારસુધીમાં સરકારી ચોપડે ૩૬૦૦ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દરમિયાન રાજ્યમાં આજે ૫૧,૨૧૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તી જ્યારે રાજ્યનો રિકવરી દર ૮૮.૨૨ ટકાએ પહોચ્યો હતો. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે સાથે ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. દરમિયાન આ બધાની વચ્ચે આજે રાજ્યમાં અમદાવાદમાં ૪, સુરતમાં ૨, વડોદરામાં ૧ અને ગાંધીનગરમાં ૧, પાટણ-મહિસાગર અને તાપીમાં ૧-૧ મળીને કુલ ૧૧ દર્દીના સરકારી ચોપડે નિધન થયા છે. જ્યારે આજે સૌથી વધુ દર્દીઓ સુરત કોર્પોરેશનમાં ૧૭૮ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ સુરતમાં દર્દીઓ અને ડિસ્ચાર્જ ની સંખ્યા સરખી થવા પામી છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૫
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૮૫ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
સુરત કોર્પોરેશન ૧૭૬, અમદાવાદ કોર્પોરેશન ૧૬૮, વડોદરા કોર્પોરેશન ૭૭, રાજકોટ કોર્પોરેશન ૭૫, સુરત ૭૩, જામનગર કોર્પોરેશન ૫૯, વડોદરા ૪૨, રાજકોટ ૩૪, મહેસાણા ૩૩, કચ્છ ૩૧, ભરૂચ ૨૮, અમરેલી ૨૪, ગાંધીનગર કોર્પોરેશન ૨૪, જામનગર ૨૩, પંચમહાલ ૨૩, પાટણ ૨૩, બનાસકાંઠા ૨૨, જુનાગઢ ૨૦, ગાંધીનગર ૧૯, મોરબી ૧૯, અમદાવાદ ૧૮, સુરેન્દ્રનગર ૧૮, ભાવનગર કોર્પોરેશન ૧૫, ગીર સોમનાથ ૧૪, જુનાગઢ કોર્પોરેશન ૧૪, નર્મદા ૧૪, આણંદ ૧૩, સાબરકાંઠા ૧૩, મહીસાગર ૧૦, અરવલ્લી ૯, દાહોદ ૮, બોટાદ ૭, દેવભૂમિ દ્ધારકા ૭, ખેડા ૭, નવસારી ૭, છોટા ઉદેપુર ૬, તાપી ૫, ભાવનગર ૪, પોરબંદર ૨, વલસાડ ૧.

 

શહેરમાં દેખાઈશ તો જીવતો નહીં બચે, પૂર્વ પ્રેમિકાની ધમકી

પૂર્વ પ્રેમીને પ્રેમિકા, પતિ અને ભાઇની ધમકી
બે વર્ષ પૂર્વે પ્રેમિકાની સગાઇ અન્ય યુવક સાથે થઇ જતા પ્રેમીએ મકાન બદલી નાખ્યુુંં હતું, તેના સંપર્કમાં પણ ન હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં પ્રેમી યુવકની પૂર્વ પ્રેમિકાના પતિ સહિત ત્રણ વ્યક્તિઓએ હોકી અને પંચ વડે ધોલાઇ કરી હતી. જેથી યુવકને સિવિલ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મોઢાના ભાગે ટાંકા આવ્યા હતા. જેથી આ મામલે યુવકે પૂર્વ પ્રેમિકાના પતિ, ભાઇ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. બે વર્ષ પૂર્વે પ્રેમિકાની સગાઇ અન્ય યુવક સાથે થઇ જતા પ્રેમીએ મકાન બદલી કાઢ્યું હતું અને તેના સંપર્કમાં પણ ન હતો છતા અદાવત રાખી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતો યુવક ખાનગી ટેલિકોમ કંપનીમાં ફિલ્ડમાં નોકરી કરે છે. યુવકને મેઘાણીનગર વિસ્તારમાં રહેતી પાડોશી યુવતી સાથે પ્રેમ સબંધ હતો. તેથી તેઓ એકબીજા સાથે વાતચીત કરતા હતા અને બહાર ફરતા પણ હતા. જોકે, યુવતીના પરિવારને આ સબંધ પસંદ ન હતો તેથી તેની સગાઇ અન્ય યુવક સાથે કરી દીધી હતી. બીજી તરફ સગાઇ બાદ યુવકને તેની ફિયાનસીના પ્રેમ પ્રકરણની જાણ થઈ હતી. જેથી તે સમયે મારા મારી થઇ હતી. પરંતુ સમાજરાહે સમાધાન કરી દીધુ હતુ અને તે સમયે પોલીસ ફરિયાદ પણ કરી ન હતી. ત્યારબાદ આ પ્રેમી યુવકે મકાન બદલી દઇ બીજી જગ્યાએ રહેવા જતો રહ્યો હતો. ગત ૧૧ ઓક્ટોબરના રોજ યુવક પોતાના માસાના ઘરે જઇ પરત ફરી રહ્યો હતો. ત્યારે પૂર્વ પ્રેમિકા અને તેનો પતિ તથા ભાઈ રસ્તામાં મળ્યા હતા. ત્રણે જણાએ યુવકને મનફાવે તેમ ગાળો આપી હતી અને કહ્યું હતું કે, પહેલાં તો તને છોડી દીધો પરંતુ હવે નહીં છોડીયે. ત્યારબાદ ત્રણે માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન પૂર્વ પ્રેમિકાના પતિએ હોકી વડે યુવક પર હુમલો કર્યો હતો. જેથી તે નીચે પડી ગયો હતો. આ સમયે યુવતીના ભાઈએ લોખંડના પંચ વડે માર માર્યો હતો અને કહ્યું હતું કે, તું અહીંયા ફરીથી મળીશ તો જીવતો નહિં રાખીએ, જાનથી મારી નાંખીશું. આ સમયે બૂમાબૂમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. જેથી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મોઢાના ભાગે ટાંકા આવ્યા હતા.

 

૧૦ લાખ નહીં આપે તો હોસ્પિટલ નહીં ચાલવા દઉં

અમદાવાદમાં લુખ્ખાઓ બેફામ બન્યા
પ્રકાશ પટેલ હૉસ્પિટલ ખાતે હાજર હતા તે દરમિયાન મોબાઈલ ઉપર કરણ રબારી નામની વ્યક્તિએ ફોન કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
અમદાવાદ શહેરમાં લુખ્ખાઓએ જાણે કે હવે હદ જ વટાવી દીધી હોય તેમ લાગી રહ્યું છે. ચોરી, લૂંટ બાદ હવે ખંડણીના એક પછી એક બનાવો સામે આવી રહ્યાં છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં હૉસ્પિટલ ધરાવતા ડૉકટર પાસે રૂપિયા ૧૦ લાખની ખંડણી માંગવામાં આવી છે. ડૉક્ટર તરફથી આ મામલે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. ડૉક્ટરની ફરિયાદ પ્રમાણે આરોપી કોણ છે અને શું કરે છે તેના વિશે તેમને કોઈ માહિતી નથી. આ ઉપરાંત આરોપી સાથે તેમણે ભૂતકાળમાં પૈસાની કોઈ લેદીદેતી પણ કરી નથી. ઘાટલોડિયા વિસ્તારમાં હૉસ્પિટલ ધરાવતા પ્રકાશ પટેલ ગઇકાલે બપોરે તેમની હૉસ્પિટલ ખાતે હાજર હતા તે દરમિયાન તેમનાં મોબાઈલ પર કરણ રબારી નામથી એક વ્યક્તિએ ફોન કર્યો હતો. ફોન કરનાર શખ્સે જણાવ્યું હતું કે, તે લોકોની બહુ પત્તર ફાડી છે. તું મને ૧૦ લાખ રૂપિયા આપી દે. જોકે, ડૉકટરે ડર્યા વગર ફોન કરનાર વ્યક્તિે કહ્યું હતું કે, તારા જેવા મેં કેટલાય જોયા છે. હું પોલીસ ફરિયાદ કરીશ. ડૉક્ટરની આવી વાત બાદ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને બીભત્સ ગાળો બોલી ધમકી આપી હતી કે, તું મને ૧૦ લાખ નહીં આપે તો હું જોઉં છું તારી હૉસ્પિટલ કેવી રીતે ચાલે છે. બાદમાં તેણે ફોન કાપી નાખ્યો હતો. આ મામલે ડૉક્ટરે તેનાં કમ્પાઉન્ડરને જાણ કરી હતી અને બાદમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. ડૉક્ટરના કહેવા પ્રમાણે આ કરણ રબારી કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે તેની તેમને કોઈ જાણ નથી. ઉપરાંત તેની સાથે પૈસાની કોઈ લેતીદેતી કરી હોવાનો ઇન્કાર કર્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરમાં ખંડણી માંગવાના બે ગુના દાખલ થઈ ચૂક્યા છે. જેમાં વટવામાં એક વેપારી પાસે રૂપિયા ૫૦ લાખની ખંડણી તેમજ ઓઢવમાં પણ વેપારી પાસે ખંડણી માંગવામાં આવી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope