મુલાયમ સિંહ યાદવ કોરોના પોઝિટિવ

મુલાયમ સિંહને હોસ્પિટલમાં દાખલ કરાયા
મુલાયમ સિવાય તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને મુલાયમ હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનઉ,તા.૧૫
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સિંહ સિવાય તેમની પત્ની સાધનાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુલાયમસિંહ યાદવમાં કોરોનાનાં લક્ષણો નથી. જો કે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. તેમની પત્ની સાધનાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જણાવી દઈએ કે ઓગસ્ટની શરૂઆતમાં તબિયત લથડતા મુલાયમસિંહ યાદવને મેદાંતામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૮૦ વર્ષીય મુલાયમને મૂત્રાશયમાં ચેપની સમસ્યા આવ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થિતિ સુધરતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. માજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવ ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન રહ્યા છે. તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૬૦થી કરી હતી. વ્યવસાયે શિક્ષક એવા મુલાયમસિંહે ૧૯૬૭માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. મુલાયમસિંહ યાદવ કટોકટી દરમિયાન પણ ખૂબ સક્રિય રહ્યા હતા અને જેલમાં જતા વિપક્ષી નેતાઓમાં તેમનું નામ હતું. વર્ષ ૧૯૭૭ માં તેઓ પ્રથમ વખત ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રધાન બન્યા. આ પછી, તેમણે યુપીમાં જનતા દળ અને લોકદળના વડા તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો અને ૧૯૮૯ માં પ્રથમ વખત દેશના સૌથી મોટા રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા. ૧૯૯૨માં તેમણે સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી અને ૧૯૯૩ થી ૯૫ દરમિયાન બીજી વખત મુખ્યમંત્રીનો હવાલો સંભાળ્યો. મુલાયમસિંહ યાદવે કેન્દ્ર સરકારમાં પણ તેમની ભૂમિકા ભજવી હતી અને દેશના સંરક્ષણ પ્રધાન પણ હતા. વર્ષ ૨૦૦૩-૦૭ સુધી તેઓ ત્રીજી વખત રાજ્યના મુખ્ય પ્રધાન હતા.

 

બજારમાં કડાકો, રોકાણકારોના એક દિવસમાં જ ૩.૩ લાખ કરોડ ડૂબ્યા

નબળા વૈશ્વિક સંકેતોને લીધે બજારમાં તેજીની ચાલ અવરોધાઈ
લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ઘટની ૧૫૭.૨૨ લાખ કરોડ થઈ, સેન્સેક્સ ૧૦૬૬ અને નિફ્ટી ૨૯૦ પોઈન્ટ તૂટ્યો : એશિયન પેઇન્ટ્‌સ ગ્રીનઝોનમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
લગભગ ૨૦ દિવસ બાદ શેરબજારમાં આજે તીવ્ર ઘટાડો નોંધાયો છે. ૪૧ હજાર તરફ ઝડપથી વધી રહેલો સેન્સેક્સ ૩૯૭૦૦ ની સપાટી પર આવી ગયો છે. નિફ્ટી પણ ૧૧૬૬૦ ની સપાટીએ પહોંચી ગયો છે. તે ૩૦૦ પોઇન્ટની નજીક ગિરાવટ આવી. સેન્સેક્સ ૧૦૬૬ પોઈન્ટ તૂટીને ૩૯૭૨૮ અને નિફ્ટી ૨૯૦ પોઇન્ટના ઘટાડા સાથે ૧૧૬૮૦ પર બંધ થયો છે. અહેવાલો મુજબ, રોકાણકારોના ૩.૩ લાખ કરોડ રૂપિયા આજે ડૂબી ગયા. બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ઘટીને ૧૫૭.૨૨ લાખ કરોડ થઈ ગઈ છે. સેન્સેક્સના ૩૦માં ફક્ત એક જ એશિયન પેઇન્ટના શેર ગ્રીન ઝોનમાં બંધ થયા છે. સૌથી વધુ નુકસાન બજાજ ફાઇનાન્સિયલ સર્વિસીસ, ટેક મહિન્દ્રા અને ઈન્ડસઇન્ડ બેંકને થયું હતું. તેમના શેરમાં ૪ ટકા અને તેથી વધુ ઘટાડો થયો છે. યુ.એસ. દ્વારા ટૂંક સમયમાં જ અન્ય રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી. જો કે, આ સંભાવનાઓ પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે બજારમાં નેગેટિવ સેન્ટિમેટ ગઈ છે. આ સિવાય અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવ ફરીથી ચર્ચામાં છે. યુ.એસ.ના વિદેશ વિભાગે ચાઇનાની એન્ટ જૂથ જેને અલીબાબ કહે છે, તેને વેપાર બ્લેકલિસ્ટમાં મૂકવા હાકલ કરતો ઠરાવ રજૂ કર્યો છે. અલીબાબે હાલમાં આઈપીઓ લાવવાની તેયારી શરૂ કરી છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી શેરબજારમાં સતત વધારો જોવા મળ્યો હતો. ૨૯ સપ્ટેમ્બરના અપવાદ સિવાય સેન્સેક્સ ૨૫ સપ્ટેમ્બરથી સતત તેજી સાથે બંધ થઈ રહ્યો છે. ૨૪ સપ્ટેમ્બરે સેન્સેક્સ ૩૬૫૫૩ ના સ્તરે બંધ રહ્યો હતો. તે ૧૪ ઓક્ટોબરના રોજ ૪૦૭૯૪ ના સ્તરે બંધ રહ્યો હતો. છેલ્લા ત્રણ સપ્તાહમાં તે ૪૨૦૦ પોઇન્ટથી વધ્યો છે. નબળાં ગ્લોબલ સંકેતોને કારણે શેર બજારમાં આજે કડાકો બોલી ગયો છે. કારોબારની શરૂઆતમાં સેંસેક્સમાં મામૂલી વધારો થયો હતો. પણ કારોબારના અંતમાં શેર બજારમાં હડકંપ મચી ગયો હતો. લગભગ ૨૦ દિવસો સુધી શેર બજારમાં આજે જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં ૨.૬૧% ટકાના કડાકો બોલાયો હતો. ૪૧ હજારની સપાટી નજીક પહોંચેલો આજે કડાકાને કારણે ૩૯,૭૨૮.૪૧ના સ્તરે પહોંચી ગયો હતો. તો નિફ્ટી પણ ઊંધા માથે પટકાઈ હતી. નિફ્ટીમાં એટલે કે ૨.૫૨ ટકાના ઘટાડા સાથે ૧૧૬૬૦ના સ્તર પર બંધ થયો હતો. દેશની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસના ત્રિમાસિક પરિણામ જાહેર થયા છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં કંપનીને ૨૦ ટકાથી વધારેનો નફો થયો હતો. ગુરુવારે શરૂઆતના કારોબાર દરમિયાન ઈન્ફોસિસના શેર ૨ ટકાથી વધારે મજબૂત થયા હતા. જો કે, થોડા સમયમાં જ નફો મેળવવાની દોડ મચતાં ઈન્ફોસિસના શેર ૩ ટકાથી વધારે ઘટી ગયા હતા. અન્ય આઈટી કંપનીઓના શેરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. શેર બજારની આ દોડધામથી રોકાણકારોનાં લગભગ ૩ લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. બુધવારે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૧,૬૦,૫૬,૬૦૫.૮૪ કરોડ રૂપિયા હતું. જે આજે ઘટીને ૧,૫૭,૬૫,૭૪૨.૮૯ કરોડ રૂપિયા થઈ ગયું છે. આજના કારોબારમાં આઈટી શેરોમાં જોરદાર વેચાવલી જોવા મળી રહી છે. નિફ્ટી પર ઈન્ડેક્સ ૭૧૮.૩૦ અંક એટલે કે ૩.૨૩ ટકા તૂટી ગયો છે. એચસીએલ ટેક અને માઈન્ડ ટ્રીમાં ૫ ટકા ઘટ્યો છે. ટૂસીએસ અને વિપ્રો ૨ ટકાથી વધારે ઘટ્યો છે. ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસના શેર પણ ૩-૪ ટકા તૂટ્યા છે.

 

૧૪ મહિના પછી મહેબુબા મુફ્તિની નજરબંદી હટાવાઈ

પુત્રી ઈલ્તિજાએ ટિ્‌વટ કરીને જાણકારી આપી
હું તે બધાને ધન્યવાદ આપવા માગું છું જેમણે આ મુશ્કેલ સમયમાં મારું સમર્થન કર્યું છે : પીડીપી પ્રમુખ મહેબુબા
(સંપૂર્ણ સમાચાર સેવા)
શ્રીનગર,તા.૧૪
જમ્મુ કાશ્મીરના પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબુબા મુફ્તિને ૧૪ મહિના નજરબંદ રાખ્યા પછી છોડવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પ્રશાસનના પ્રવક્તા રોહિત કંસલે મંગળવારે આ જાણકારી આપી હતી. મહેબુબાની ગત વર્ષે ૫ ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા પછી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યાના એક દિવસ પહેલા અટકાયત કરી હતી. છુટકારા પછી મહેબુબા મુફ્તિના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટથી તેમની પુત્રી ઇલ્તિજા મુફ્તિએ ટિ્‌વટ કર્યું હતું કે જેમ કે શ્રીમતી મુફ્તિની અવૈધ અટકાયત સમાપ્ત થઈ ગઈ છે. હું તે બધાને ધન્યવાદ આપવા માંગું છું જેમણે આ મુશ્કેલ સમયમાં મારું સમર્થન કર્યું છે. હવે હુ ઇલ્તિજા તમારાથી વિદાય લઉ છું. અલ્લાહ તમારી રક્ષા કરે. મહેબુબાની અટકાયત કરાયા પછી ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૯થી ઇલ્તિજા તેમના ટિ્‌વટર એકાઉન્ટથી ટિ્‌વટ કરતી હતી. ઉલ્લેખનીય છે કે લગભગ એક વર્ષ કરતા વધારે સમયથી નજરબંદ મહેબુબા મુફ્તિના છોડાવવા માટે તેની પુત્રી ઇલ્તિજા સુપ્રીમ કોર્ટમાં પણ ગઈ હતી. ૨૯ સપ્ટેમ્બરે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે કેન્દ્ર જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તિને કેટલા સમય સુધી અને કયા આદેશથી અટકાયતમાં રાખવા માંગે છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના નેતા ફારુક અબ્દુલા અને તેમના પુત્ર ઓમર અબ્દુલાની પણ પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત અટકાયત કરી હતી. આ વર્ષે ૧૩ માર્ચે ફારુક અબ્દુલાને અને ૨૪ માર્ચે ઉમર અબ્દુલાને છોડવામાં આવ્યા હતા.

 

ચેન્નઈએ IPLની બધી ટીમ સામે ૧૦થી વધુ જીત મેળવી

ચેન્નાઈ સુપરકિંગ્સે આઠમાંથી ત્રીજી મેચ જીતી
તમામ એક્ટિવ ટીમ સામે આ સિદ્ધિ મેળવનારી ચેન્નાઈ સુપર કિંગ્સ સ્પર્ધાની પહેલી ટીમ : સૌથી વધુ ૧૫ વિજય
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૪
ઈન્ડિયન પ્રીમિયર લીગની ૨૯ મી મેચમાં હૈદરાબાદ સામે ચેન્નઈ સુપર કિંગ્સની જીત ઐતિહાસિક રહી હતી. સીએસકેએ આ લિગમાં હૈદરાબાદ સામે પોતાની ૧૦ મી જીત નોંધાવી હતી અને આ જીતની સાથે તેઓએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સીએસકે લિગની પહેલી ટીમ બની કે જેણે બધી સક્રિય ટીમો સામે ૧૦ કે તેથી વધુ વખત જીત મેળવી હતી. આઈપીએલની અન્ય કોઈ ટીમે હજી આ સિધ્ધિ મેળવી નથી. ચેન્નાઈ સુપર કિંગ્સે એમએસ ધોનીના નેતૃત્વમાં આ સિધ્ધિ મેળવી હતી કારણ કે તેઓ શરૂઆતથી જ આ ટીમનું નેતૃત્વ કરે છે. સીએસકેએ હૈદરાબાદ સિવાય દરેક ટીમ સામે ૧૦ થી વધુ જીત મેળવી છે. દિલ્હી અને બેંગ્લોર સામે આ ટીમે સૌથી વધુ ૧૫ વિજય નોંધાવ્યા છે જ્યારે તે રાજસ્થાન સામે ૧૪ વખત જીત્યું છે. આ ટીમે પંજાબ સામે ૧૩ જીત મેળવી છે અને તે કેકેઆર સામે પણ ૧૩ વિજય મેળવ્યા છે. સીએસકેએ મુંબઇ સામે અત્યાર સુધીમાં ૧૨ મેચ જીતી છે.
આઇપીએલમાં સીએસકેની દરેક ટીમ સામે જીત મેળવી (આ આંકડા આઈપીએલ ૨૦૨૦ ની ૨૯ મી મેચ સુધી છે). ૧૫ સામે દિલ્હી,૧૫ વિ આરસીબી, ૧૪ વિ રાજસ્થાન, ૧૩ વિ પંજાબ, ૧૩ વિ કેકેઆર, ૧૨ વિ મુંબઇ, ૧૦ વિ હૈદરાબાદ
સીએસકેને હૈદરાબાદ સામે જીતની સખત જરૂર હતી. આ ટીમની આ ૮ મી લિગ મેચ હતી અને તેણે ત્રીજી જીત મેળવી હતી. સીએસકેએ અગાઉની ૭ મેચોમાં ૫ મેચ ગુમાવી હતી. આ મેચ દરમિયાન કેપ્ટન માહી ખૂબ જ એક્ટિવ દેખાયો હતો. ટીમની ફિલ્ડિંગ દરમિયાન તે લગભગ દરેક બોલરની સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો અને શ્રેષ્ઠ વ્યૂહરચનાથી ૧૬૭ રનના સ્કોર પર પણ વિજય મેળવ્યો હતો. સીએસકે આ મેચમાં ૨૦ રને જીત્યું છે અને આ પછી સીએસકેનું મનોબળ ચોક્કસપણે વધશે.

 

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી નહીં જીતી શકે : લિચમેનની આગાહી

ઈતિહાસના પ્રોફેસરની યુએસ ચૂંટણી અંગે આગાહી
૧૩ કીઝ મોડેલના ૭ પ્રશ્નોના જવાબ નકારાત્મક અને ૬ પ્રશ્નોના જવાબ હકારાત્મક મળતા ટ્રમ્પની હારનું અનુમાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા. ૧૪
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના પરિણામો અંગે દરેક નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે. પરંતુ, બધાની નજર એ વ્યક્તિ પર છે જેઓ ૧૯૮૪થી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીની આગાહી કરી રહ્યા છે. તેનું નામ એલન લિચમેન છે. ઇતિહાસના પ્રોફેસર લિચમેન એ એવા કેટલાક નિષ્ણાતોમાંના એક છે જેમણે ૩૫ વર્ષથી યુ.એસ. ની બધી ચૂંટણીઓની સાચી આગાહી કરી છે. આ વર્ષે વ્હાઇટ હાઉસની રેસ હાલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન વચ્ચે છે. મીડિયા અહેવાલો અનુસાર, લિચમેને ચૂંટણીની આગાહી માટે ’ધ કીઝ ટૂ વ્હાઇટ હાઉસ’ નામની સિસ્ટમ વિકસાવી છે. તેને ’૧૩ કીઝ ’મોડેલ તરીકે પણ ઓળખાય છે. તેણે આ માટે ૧૩ પ્રશ્નો અથવા મુદ્દાઓનું એક મોડેલ તૈયાર કર્યું છે. જેના સાચા કે ખોટા જવાબના આધારે તેઓ આગાહી કરે છે. આ મોડેલ મુજબ, જો મોટાભાગના પ્રશ્નોના જવાબો ’હકારાત્મક’ આવે છે, તો પછી જે હાલ પ્રમુખ હોય તેઓ જ ચૂંટણીમાં જીતી આવે છે. જો જવાબ ના હોય તો અમેરિકાને નવા રાષ્ટ્રપ્રમુખ મળે છે.
લિચમેન કહે છે કે આ વર્ષે તેમને પોતાના ’૧૩ કીઝ’ મોડેલના ૭ પ્રશ્નોના જવાબમાં ’નકારાત્મક’ અને ૬ પ્રશ્નોના જવાબમાં ’હકારાત્મક’ જવાબ મળ્યા છે. તેમના મતે ૧૯૯૨ પછી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બનશે જેઓ ફરીથી નહીં ચૂંટાય. ૧૯૯૨માં બિલ ક્લિન્ટને તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ એચડબલ્યુ બુશને હરાવ્યા હતા.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કોરોના વાયરસના ચેપમાંથી સાજા થઈને ફરી એકવાર પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. આ દરમિયાન તેમણે પોતાના હરીફ બીડેનની મજાક ઉડાવી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાને કારણે તેમણે બીડેનની ઠેકડી ઉડાવી હતી. સાથે જ ૩ નવેમ્બરના રોજ પોતાની જીતનો દાવો કર્યો હતો. બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પની રેલીઓ અમેરિકામાં કોરોના વાયરસના પ્રકોપનો ગઢ બની શકે છે. જો કે ટ્રમ્પે કહ્યું છે કે, હું ખૂબ જ મજબૂત અનુભવું છું અને હું શ્રોતાઓની વચ્ચે જઈશ. ત્રણ નવેમ્બરના રોજ રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી છે પરંતુ લગભગ એક કરોડ અમેરિકન મતદારો પહેલાથી જ પોતાનો મત આપી ચૂક્યા છે. એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસની મહામારી છે નિર્ધારિત તારીખ પહેલા પડેલા મતની સંખ્યા પાછળનું કારણ એ છે કે લોકો સુરક્ષિત રીતે મત આપવા માગે છે.

 

સ્વાસ્થ્ય મંત્રાલયને સુશાંતના રિપોર્ટ અંગે માહિતી ન હતી

સ્વામીની એક ટ્‌વીટે ખળભળાટ મચાવ્યો
સુશાંતના મૃત્યુ મામલે થઈ રહેલી તપાસ સંબંધિત એમ્સના રિપોર્ટ અંગે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનો દાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૪
ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલે થઈ રહેલી તપાસ સંબંધિત એમ્સના રિપોર્ટ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયને કોઈ જાણકારી અપાઈ નથી. સ્વામીએ મંગળવારે એક ટ્‌વીટ કરીને કહ્યું કે, મેં એમ્સ ટીમના કથિત રિપોર્ટ સંલગ્ન મારા ૫ સવાલો પર સવાસ્થ્ય સચિવ સાથે વાતચીત પૂરી કરી લીધી છે. એક સમાચાર ચેનલે આ રિપોર્ટને લઈને દાવો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. આ મામલે મંત્રાલયને કોઈ જાણકારી અપાઈ નથી. હવે હું સંબંધિત વિશેષજ્ઞો સાથે વાત કરીશ. સ્વામીએ સવાલ ઉઠાવ્યા છે કે શું એમ્સની ટિમે સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું કે પછી માત્ર કૂપર હોસ્પિટલના ડોક્ટરોના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી પોતાનો મત બનાવ્યો? શું ડોક્ટર સુધીર ગુપ્તાને ઉચ્ચ અધિકારીઓએ કહ્યું હતું કે એમ્સની વિશેષ ટીમ દ્વારા રિપોર્ટ રજુ કરતા પહેલા તેઓ ઈન્ટરવ્યુ આપે? શું એમ્સની ટીમે પુરાવા નાશ કરવા અંગે તપાસ કરી? શું મોતના કારણો પર એક નિશ્ચિત મત બનાવવા માટે ફોરેન્સિક મેડિકલના દ્રષ્ટિકોણથી સામગ્રી અપૂરતી હતી? અને શું સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ કેસને મંત્રાલયના મેડિકલ બોર્ડને મોકલવા પર વિચાર કરશે? અત્રે જણાવવનું કે સ્વામીની ટ્‌વીટ એવા સમયે આવી છે કે જ્યારે થોડા દિવસો પહેલા જ એમ્સની પેનલના રિપોર્ટમાં સુશાંતની હત્યા હોવાની શંકાને ફગાવીને આત્મહત્યાનો કેસ ગણાવવામાં આવ્યો છે.

 

ભારતીયોની માથાદીઠ કમાણી બાંગ્લાદેશી કરતા ઓછી રહેશે

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનું અનુમાન
ભારતની માથાદીઠ જીડીપી ૧૦.૩ ટકા ઘટીને ૧૮૭૭ ડોલર, બાંગ્લાદેશની ચાર ટકા વધીને ૧૮૮૮ ડોલર થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૪
છેલ્લા કેટલાક સમયથી ભારતના અર્થતંત્રની ગતિ ધીમી પડી છે, અને તેમાંય કોરોનાએ જાણે પડતા પર પાટું માર્યા જેવો ઘાટ સર્જ્‌યો છે. આ સમયે જો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના લેટેસ્ટ રિપોર્ટ પર નજર કરવામાં આવે તો, હવે માથાદીઠ જીડીપીની દ્રષ્ટિએ બાંગ્લાદેશ જેવો ગરીબ દેશ ભારત કરતા આગળ નીકળવાની તૈયારીમાં છે. આઈએમએફના અંદાજ અનુસાર, ભારતની માથાદીઠ કાચી રાષ્ટ્રીય પેદાશ ૨૦૨૦માં ઘટીને ૧,૮૭૭ ડોલર થશે, જે ૧૦.૩ ટકા જેટલો ઘટાડો સૂચવે છે. સામે પક્ષે બાંગ્લાદેશની માથાદીઠ જીડીપી આ જ ગાળા દરમિયાન ૪ ટકાના વધારા સાથે ૧,૮૮૮ ડોલર થશે. થોડા વર્ષો પહેલા માથાદીઠ જીડીપીના મામલે ભારત બાંગ્લાદેશથી ઘણું આગળ હતું, પરંતુ બંને દેશો વચ્ચેનો તફાવત ધીરે-ધીરે ઘટી રહ્યો છે. ભારતની સરખામણીમાં બાંગ્લાદેશની નિકાસોમાં ઝડપી વધારા ઉપરાંત, બચત અને રોકાણમાં પણ વધારો થવાનું આ પરિણામ છે. જો આઈએમએફ દ્વારા વ્યક્ત કરાયેલો અંદાજ સાચો પડ્યો, તો ભારત માત્ર પાકિસ્તાન અને નેપાળ કરતા માથાદીઠ જીડીપીમાં આગળ રહી જશે. તેનો મતલબ એવો પણ થાય છે કે, દક્ષિણ એશિયામાં ભૂતાન, શ્રીલંકા, માલદિવ્ઝ અને બાંગ્લાદેશ ભારત કરતા વધારે માથાદીઠ જીડીપી ધરાવતા હશે. વળી, આઈએમએફએ પોતાના રિપોર્ટમાં એવો અંદાજ પણ વ્યક્ત કર્યો છે કે, આ વર્ષે ભારતનો જીડીપી ઘટશે, જ્યારે નેપાળ અને ભૂતાનની જીડીપી વધશે. આઈએમએફ દ્વારા ભારતીય અર્થતંત્ર માટે જે અંદાજ વ્યક્ત કરાયો છે, તે આરબીઆઈ અને વર્લ્‌ડ બેંકના અંદાજ કરતા પણ નીચો છે. આરબીઆઈએ ભારતના જીડીપીમાં ૯.૫ ટકા જ્યારે વર્લ્‌ડ બેંકે ૯.૬ ટકાના ઘટાડાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જ્યારે, આઈએમએફ દ્વારા તેમાં ૧૦.૩ ટકાના ઘટાડાનો અંદાજ વ્યક્ત કરાયો છે. પોતાના રિપોર્ટમાં આઈએમએફએ જણાવ્યું છે કે, ઈટાલી અને સ્પેન બાદ સમગ્ર વિશ્વમાં ભારતના જીડીપીમાં સૌથી વધારે ઘટાડો જોવા મળી શકે છે. જે વિકાસમાન અને ઉભરતા અર્થતંત્રમાં સૌથી વધારે હશે.

 

નવી શિક્ષણ નીતિ માટેના ૫૭૧૮ કરોડના સ્ટાર્સ પ્રોજેક્ટને બહાલી

વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ
હાલમાં સ્ટાર્સ પ્રોજેક્ટનો છ રાજ્યોમાં અમલ કરાશે, જમ્મુ-કાશ્મીર અને લદાખ માટે ૫૨૯ કરોડના વિશેષ પેકેજને પણ કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૪
કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ હેઠળ નવી યોજના તરીકે સ્ટાર્સ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. છ રાજ્યો તેના કાર્યક્ષેત્રમાં આવશે. આ પ્રોજેક્ટ માટે ૫૭૧૮ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો અંગે કેન્દ્રીય પ્રધાનો પ્રકાશ જાવડેકર અને નરેન્દ્રસિંહ તોમારે માહિતી આપી હતી.
જાવડેકરે કહ્યું કે નવી શિક્ષણ નીતિના અમલીકરણ સાથે સંકળાયેલા સ્ટાર્સ પ્રોજેક્ટને આજે મંજૂરી મળી હતી. આ પ્રોજેક્ટ માટે વર્લ્‌ડ બેંક દ્વારા ૫૦૦ મિલિયનની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ પ્રોજેક્ટ કેન્દ્રિય પ્રાયોજિત નવી યોજના અંતર્ગત શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા લાગુ કરવામાં આવશે. હાલમાં હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ અને ઓડિશાને છ રાજ્યો આ પ્રોજેક્ટના ક્ષેત્રમાં લાવવામાં આવશે. આ અંતર્ગત શિક્ષણ માળખું સુધારવા માટે વિકાસ, અમલીકરણ અને મૂલ્યાંકન વગેરે ક્ષેત્રોમાં રાજ્યોને મદદ કરવામાં આવશે.
જાવડેકરે કહ્યું કે આજે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હવે લાગુ કરવામાં આવશે. આ માટે સ્ટાર્સનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. હવે શિક્ષણમાં ઉમંગ દ્વારા શીખવાનું સમજાશે નહીં. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારો તરફના સ્ટાર્સ પ્રોજેક્ટ પર બે હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ જ પ્રકારનો કાર્યક્રમ એશિયન વિકાસ બેંકના સહયોગથી ગુજરાત, ઝારખંડ, ઉત્તરાખંડ, આસામ અને તમિળનાડુમાં હાથ ધરવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેબિનેટ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન ’દીનદયાળ અંત્યોદય યોજના’ હેઠળ કેન્દ્ર સરકારના જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે ૫૨૯ કરોડના વિશેષ પેકેજને પણ મંજૂરી આપવામાં આવી છે. જાવડેકરે કહ્યું કે દીન દયાળ અંત્યોદય રાષ્ટ્રીય આજીવિકા મિશન યોજના દેશના તમામ ગ્રામીણ વિસ્તારોમાં ચાલે છે. ગ્રામીણ કાશ્મીર, લદાખ અને જમ્મુમાં વસતા ૨/૩ લોકો આ યોજનામાં જોડાશે. કેન્દ્રીય પ્રધાનમંડળે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે ૫૨૦ કરોડના વિશેષ પેકેજને મંજૂરી આપી છે. તે પાંચ વર્ષ સુધી ચાલશે. ૧૦,૫૮,૦૦૦ પરિવારોને આનો લાભ મળશે.

 

ચીની વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ માટે બાંગ્લાદેશમાં રોક

ચીનને બાંગ્લાદેશે આંચકો આપ્યો
ચીનની ફાર્મા કંપની સાથે ટ્રાયલ માટેના કરાર થયા હોઈ ફંડિંગ કરવા બાંગ્લાદેશની સરકારએ સ્પષ્ટ ઈનકાર કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઢાકા, તા. ૧૩
બાંગ્લાદેશે ચીનને મોટો આંચકો આપતા તેની કોરોના વેક્સિનમાં નાણાં રોકવાનો ઇનકાર કરી દીધો છે. ચીની ફાર્માસ્યુટિકલ ઉત્પાદક સિનોવાક બાયોટેક દ્વારા બાંગ્લાદેશમાં વિકસાવવામાં આવી રહેલ રસીનું ક્લિનિકલ ટ્રાયલ હવે અધવચ્ચે અટકી ગયું છે. આરોગ્ય મંત્રાલયે ચીની ફાર્માસ્યુટિકલ ઉત્પાદક દ્વારા અનુરોધ કરાયેલા ભંડોળનો ઇનકાર કર્યો છે. સિનોવૈક બાયોટેક લિમિટેડે ૨૪ સપ્ટેમ્બરના એક પત્રમાં જણાવ્યું હતું કે સરકાર ભંડોળ પૂરું નહીં પાડે ત્યાં સુધી ટ્રાયલમાં વિલંબ થતો રહેશે. જો કે, એક કરાર મુજબ સિનોવૈક બાયોટેક ટ્રાયલનો ખર્ચ સહન કરવાની હતી. સ્થાનિક મીડિયાએ આરોગ્ય પ્રધાન જાહિદ મલેકને ટાંકીને જણાવ્યું હતું કે સેનોવૈકે પોતાના પૈસાથી ટ્રાયલ ચલાવવી જોઈએ કારણ કે તેમણે મંજૂરીની માંગ કરતા સમયે પોતાના નાણાંથી ટ્રાયલ ચલાવવાનું કહ્યું હતું. તેથી જ તેમને મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે રસીના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપ્યા પછી, તે દેશનું કાર્ય સમાપ્ત થાય છે. કંપનીએ ટ્રાયલની પરવાનગી માંગતા સમયે વખતે ભંડોળ આપવાની કોઈ વાત કરી ન હતી. ચીની સરકાર અને અમારી વચ્ચે આવો કોઈ કરાર થયો નથી. તે એક ખાનગી કંપની છે અને અમે ખાનગી કંપની સાથે સહ-નાણાં (વ્યવસ્થા) કરી શકતા નથી. સુત્રોના જણાવ્યા અનુસાર ૪,૨૦૦ વોલિયન્ટર્સ પર ટ્રાયલ હાથ ધરવા માટે લગભગ ૬૦ કરોડ બાંગ્લાદેશી ટકાનો ખર્ચ થશે. આરોગ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે, ભલે પરીક્ષણ યોજના પ્રમાણે આગળ ન વધે પણ બાંગ્લાદેશને સિનોવૈક વેક્સિન મળશે જ.
જાહિદ મલેકે કહ્યું કે બાંગ્લાદેશને પણ ટૂંક સમયમાં આ વેક્સિન મળશે અને અમે તેને વિકસાવવામાં ભારતને સહયોગ આપીશું. એકવાર મંજૂરી મળ્યા પછી, અમે આ વેક્સિનને ખરીદી શકીએ છીએ. સિનોવૈક ડબ્લ્યુએચઓ સાથે કામ કરશે અને તે વિવિધ દેશોને રસી પૂરી પાડશે. આ આપણને પણ મળશે.

 

આઈટી શેરોમાં ઊછાળાથી સેંસેક્સ-નિફ્ટીમાં વધારો

વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે બજારમાં સુધારો
સેન્સેક્સમાં સતત નવ ટ્રેડિંગ સેશનમાં તેજી : કોટક બેંક, ઈન્ફોસિસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રિસના શેરોના ભાવ વધ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૧૩
વૈશ્વિક બજારોના મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક સ્ટોક બજારોમાં અસ્થિર બિઝનેસમાં મંગળવારે થોડો વધારો થયો હતો. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ ૩૧.૭૧ પોઇન્ટ અથવા ૦.૦૮ ટકા વધીને ૪૦,૬૨૫.૫૧ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. સેન્સેક્સમાં સતત નવ ટ્રેડિંગ સેશનમાં ફાયદો નોંધાઈ રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૩.૫૫ પોઇન્ટ અથવા ૦.૦૩ ટકા વધીને ૧૧,૯૩૪.૫૦ ની સપાટીએ બંધ રહ્યો છે. સેન્સેક્સ કંપનીઓમાં એચસીએલ ટેકનો હિસ્સો લગભગ ચાર ટકાના સ્તરે સૌથી વધુ રહ્યો. કોટક બેંક, ઇન્ફોસીસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટેક મહિન્દ્રા પણ વધ્યા હતા. બીજી બાજુ ટાઇટન, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ અને બજાજ ફાઇનાન્સમાં ઘટાડો થયો છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સરકાર તરફથી ઉત્તેજનાના પગલાની અપેક્ષાઓ વચ્ચે બજારમાં તાજેતરના સુધારો થયો છે. જો કે, રોકાણકારો ઉત્તેજનાના પગલાથી ખુશ નથી. બીજા ક્વાર્ટરના પરિણામો પૂર્વે આઇટી કંપનીઓના શેરમાં વૃદ્ધિ નોંધાઈ છે. અન્ય એશિયન બજારોમાં, ચીનના શાંઘાઈ કમ્પોઝિટ, જાપાનની નિક્કી નફોમાં હતા. તે જ સમયે, સાઉથ કોરિયાની કોસ્પી નુકશાનમાં હતી. હોંગકોંગ માર્કેટમાં રજા હતી. શરૂઆતના વેપારમાં યુરોપિયન બજારો પણ નુકસાનમાં હતા. આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ તેલ ૧.૭૩ ટકા વધીને ૪૨.૪૪ ડોલર પ્રતિ બેરલ રહ્યું છે. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો સાત પૈસા તૂટીને ૭૩.૩૫ ના સ્તરે બંધ રહ્યો છે.મંગળવારે ડોલર મજબુત થતાં અને સ્થાનિક શેરમાં ઘટાડો થતાં રૂપિયાનો વિનિમય દર અમેરિકન ચલણની સામે સાત પૈસા તૂટીને ૭૩.૩૫ ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો નબળો રહ્યો છે અને કારોબારના અંતે સાત પૈસાના ઘટાડા સાથે ડોલર દીઠ ૭૩..૩૫ પર બંધ રહ્યો છે. સોમવારે બંધ ભાવ ડોલર દીઠ ૭૩.૨૮ હતો. વેપાર દરમિયાન, વિનિમય દર ૭૩.૩૨-૭૩.૪૧ ની રેન્જમાં વધ-ઘટ થયો. દરમિયાન, છ મોટી મુદ્રાઓ સામે ડોલરની ગતિ પ્રતિબિંબિત કરતું ડોલર ઇન્ડેક્સ ૦.૧૮ ટકા વધીને ૯૩.૨૩ પર પહોંચી ગયું છે. બજારના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે નબળા સ્થાનિક આર્થિક ડેટા બહાર આવ્યા પછી રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બર મહિનામાં છૂટક ફુગાવો આઠ મહિનાની ઊંચી સપાટીએ વધીને ૭..૩૪ ટકા થયો છે, જે રિઝર્વ બેંક માટે ચિંતાજનક છે. ઓગસ્ટ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત ઘટાડો થયો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope