બાયડના યુવકે દગો આપતાં ફરિયાદ નોંધાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના મુખ્ય મથક બનેલા ગાંધીનગરમાં હજારો યુવક-યુવતીઓ પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા હોય છે. કોચિંગ ક્લાસ અને લાઈબ્રેરી વચ્ચેની આ દોડધામ દરમિયાન પ્રેમ કે આકર્ષણની લાગણી થવાનું સ્વાભાવિક છે.
આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરની યુવતી અને બાયડના યુવકે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન પ્રેમ થયો હતો. યુવક તલાટી બની ગયો અને યુવતી હજુ તૈયારી કરી રહી છે. લગ્નના વચનો આપીને એક વર્ષ સુધી સાથે રહેનારા યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ સે-૨૧ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગાંધીનગરમાં તે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. રોજ સેકટર-૧૧ની લાઈબ્રેરીમાં વાચન માટે જતી હતી ત્યારે તેનો પરિચય બાયડના યુવક સાથે થયો હતો. ધીમે ધીમે વાતચીતનો દોર અને સમય જતાં બન્ને ગાઢ પ્રેમમાં પડ્યા હતા. બાદમાં યુવકે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. યુવક પર વિશ્વાસ રાખીને યુવતી રાજસ્થાન, મુંબઈ સહિતના સ્થળોએ ફરવા પણ ગઈ હતી. આ યુવક અનેક વખત યુવતીને સે- ૧૬ માં રહેતા સગાના સરકારી મકાનમાં લઈ જતો હતો અને લગ્નના વચનો આપી શારીરિક ભૂખ સંતોષતો હતો.
એવામાં યુવક તલાટીની પરીક્ષામાં પાસ થઈ જતાં તેના રંગઢંગ બદલાઈ ગયા હતા. યુવતી સાથેના સંબંધો ઓછા કરી દેવાની સાથે તેણે યુવતીની અવગણના શરૂ કરી હતી. એક વર્ષથી પ્રેમીની રાહ જોઈ રહેલી યુવતીને ખબર પડી હતી કે, તેના તલાટી પ્રેમીએ સગાઈ કરી લીધી છે. યુવતીએ લગ્નના વચનો આપીને તરછોડી દેનારા તલાટી હાર્દિક સોલંકી વિરુદ્ધ ફરિયાદ આપતા સે – ૨૧ પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે.