શિંદે જૂથ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સ્વીકારશે
શિંદે જૂથ અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને સમજૂતી થઈ શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના રાજકારણમાં આ દિવસોમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. પરિણામો જાહેર થયા બાદ પણ મુખ્યમંત્રીનો ચહેરો હજુ સ્પષ્ટ નથી થયો. આગામી મુખ્યમંત્રીને લઈને ભારતીય જનતા પાર્ટી અને શિવસેના (શિંદે) વચ્ચે ટક્કર ચાલી રહી છે. ત્યારે મળતા અહેવાલ મુજબ શિંદે જૂથના નેતાએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે, ‘અમે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના મુખ્યમંત્રી તરીકે સ્વીકારવા તૈયાર છીએ.’ તેમજ શિંદે જૂથના નેતાએ સ્પષ્ટપણે કહ્યું છે કે, ‘અમારા જૂથની વિચારધારા ઉદ્ધવ ઠાકરેના શિવસેના જૂથ કરતાં અલગ છે.’
શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ કહ્યું છે કે, ‘જો મહાગઠબંધન દ્વારા આવો ર્નિણય લેવામાં આવશે તો શિંદે જૂથ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સ્વીકારશે. અમે ઉદ્ધવ ઠાકરે નથી કે અમને મુખ્યમંત્રી પદ આપવામાં ન આવે તો છોડી દઈએ, અમે મહાયુતિ દ્વારા લેવામાં આવેલા ર્નિણયને સ્વીકારીશું અને દેવેન્દ્ર ફડણવીસને અમારા નેતા તરીકે પણ સ્વીકારીશું. આ બાબતે અમે એકનાથ શિંદેથી પણ નારાજ નથી.’
રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદે જૂથ અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને સમજૂતી થઈ શકે છે. દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી અને એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાની હાલ ચર્ચાઓ થઈ રહી છે. આ અંગે શિંદે જૂથના નેતાએ એમ પણ કહ્યું કે, ‘જો રાજ્યના લોકોના હિતમાં ર્નિણય લેવામાં આવે તો અમે કોઈપણ પરિસ્થિતિમાં સત્તાની વહેંચણી અંગે સુગમતા બતાવવા માટે તૈયાર છીએ.’