આત્મહત્યા પહેલા વિડીઓ બનાવ્યો
વીડિયોમાં દોષિતો સામે કાર્યવાહી કરવા પોલીસને કરી વિનંતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં રહેતા પ્રવીણ સાગઠિયાએ લોનની લાલચમાં લાખો રૂપિયા ગુમાવતા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો. મૃતક કોન્ટ્રાક્ટર પ્રવીણે દોઢ કરોડ રૂપિયાની લોનની લાલચમાં ૪૦ લાખ રૂપિયા ગુમાવી દેતા અંતિમ પગલું ભર્યું હતું. આત્મહત્યા કરતા પહેલા મૃતકે એક વીડિયો બનાવ્યો છે, જેમાં તે અંતિમ પગલુ કેમ ભરી રહ્યો છે તેની માહિતી આપી છે.
મૃતક પ્રવીણ સાગઠિયાનો અંતિમ વીડિયો પણ સામે આવ્યો છે.જેમાં તેમની સાથે છેતરપિંડી કરનારા શખસોના નામ અને કેવી રીતે પોતાને છેતરવામાં આવ્યા તેની સંપૂર્ણ માહિતી આપી છે.
મૃતકે વીડિયોમાં દોષિતો સામે કાર્યવાહી કરવાની પણ પોલીસને વિનંતી પણ કરી છે. આ સમગ્ર મામલે મૃતકના પત્ની હંસાબેને ચાર શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતકના પત્નીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, જેની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. તે વ્યાજખોર ગૌતમ મેર પાસેથી ૪ લાખ રૂપિયા ૨૦ ટકામાં લીધા હતા.
આ ઉપરાંત દીપક પાસેથી ૫ લાખ રૂપિયા ૨૦ ટકા વ્યાજ પર લીધા હતા. તેના દ્વારા પણ વ્યાજની ઉઘરાણી કરીને હેરાનગતિ કરવામાં આવતા પ્રવીણે અંતિમ પગલું ભર્યું હતું. આ મામલે બી. ડિવિઝન પોલીસ દ્વારા સ્યુસાઈડ નોટ અને વીડિયોના આધારે આગળની તપાસ હાથ ધરાઈ છે.