૧૫ થી વધુ લોકો ગુમ તો ૨૮ લોકોને બચાવી લેવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
લાલ સમુદ્રમાં એક પ્રવાસી બોટ પલટી જતાં ઓછામાં ઓછા ૧૬ લોકો લાપતા છે. ઇજિપ્તના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. લાલ સમુદ્રના પ્રદેશના ગવર્નર અમર હનાફીએ જણાવ્યું હતું કે બચાવકર્મીઓએ દરિયાકાંઠાના શહેર મારસા આલમની દક્ષિણે બોટમાંથી ૨૮ લોકોને બચાવ્યા હતા અને કેટલાકને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ફેસબુક પર રેડ સી ગવર્નરેટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હનાફીએ તે સ્થળની મુલાકાત લીધી હતી જ્યાં બોટ ડૂબી હતી.
હનાફીએ જણાવ્યું હતું કે બોટમાં કુલ ૪૪ લોકો સવાર હતા, જેમાં ૧૩ ઇજિપ્તવાસીઓ અને ક્રૂ મેમ્બર હતા. બોટમાં અમેરિકા, જર્મની, બ્રિટન, પોલેન્ડ, બેલ્જિયમ, સ્વિટ્ઝરલેન્ડ, ફિનલેન્ડ, ચીન, સ્લોવાકિયા, સ્પેન અને આયર્લેન્ડના ૩૧ વિદેશી નાગરિકો સવાર હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘સી સ્ટોરી’ નામની બોટમાં કોઈ ટેકનિકલ સમસ્યા નહોતી અને તેણે સફર પહેલા તમામ જરૂરી પરમિટ મેળવી હતી. નેવિગેશનલ સેફ્ટી અંગે માર્ચમાં છેલ્લે તેની તપાસ કરવામાં આવી હતી. બોટના ક્રૂ અને પ્રવાસીઓના નિવેદનો પર આધારિત પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે એક મોટી લહેર બોટ પર અથડાઈ હતી, જેના કારણે તે પલટી ગઈ હતી. આ બોટ મરસા આલમથી પાંચ દિવસના પ્રવાસે નીકળી હતી.
બોચ શા માટે ડૂબી ગઈ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તેના ઉત્પાદકની વેબસાઇટ અનુસાર, યાટ ૨૦૨૨ માં બનાવવામાં આવી હતી અને તેમાં ૩૬ મુસાફરો બેસી શકે છે. ઇજિપ્તની સેના ગવર્નરેટ સાથે બચાવ કામગીરીનું સંકલન કરી રહી છે. આ પ્રદેશમાં સંઘર્ષના ભયને કારણે ઘણી પ્રવાસી કંપનીઓએ લાલ સમુદ્રની મુસાફરી બંધ કરી છે અથવા મર્યાદિત કરી છે.