રાજ્યમાં મહેસૂલી સેવા અને કાર્ય પદ્ધતિને વધુ સરળ બનાવવા મુખ્યમંત્રીનો મોટો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોઈપણ હેતુ માટે અગાઉ પ્રિમીયમ વસૂલ કરવાપાત્ર હોવા છતાં પ્રિમીયમ વસૂલ થયા વિના બીન ખેતી થયેલ હોય તેવી જમીન પુનઃ હેતુફેર માટે આવે ત્યારે પ્રવર્તમાન જંત્રી કિંમતના ૧૦ ટકા વસૂલ કરીને હેતુફેર N.A કરી અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહેસૂલી સેવા અને કાર્ય પદ્ધતિ સરળતાનો જનહિતકારી અભિગમ.
રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ N.A. થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુનઃ હેતુફેર માટે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ થાય ત્યારે જો પ્રિમીયમ વસુલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના ર્નિણય વખતે પ્રિમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલ આવું પ્રિમીયમ પ્રવર્તમાન જંત્રી દરના ૩૦ ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં સમાજના વિવિધ વર્ગો દ્વારા થયેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે મહેસુલ વિભાગને દિશા નિર્દેશો આપ્યા છે.
તદઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો ર્નિણય કર્યો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રિમીયમની રકમ વસુલવાપાત્ર હતી પણ તે રકમ વસુલ લીધા વિના બિનખેતી પરવાનગી આપવામાં આવેલ છે તેવી જમીનમાં હાલના અરજદાર/કબ્જેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના ૧૦% પ્રિમીયમની રકમ વસુલ કરીને રીવાઈઝ્ડ બિનખેતીની પરવાનગી આપવાની રહેશે.
મુખ્યમંત્રીના આ ર્નિણયને પરિણામે રાજ્યમાં રિવાઈઝડ બિન ખેતી પરવાનગીની પ્રક્રિયામાં પારદર્શિતા તથા ત્વરિતતા આવશે તેમજ રિડેવલપમેન્ટ પ્રક્રિયાને પણ વેગ મળશે.