લગ્નના ૨૦ વર્ષ બાદ બન્નેએ છૂટાછેડા લીધા
છૂટાછેડાની કોર્ટે આપી મંજૂરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને તમિલ અભિનેતા ધનુષ કાયમ માટે અલગ થઈ ગયા છે. બન્નેએ વર્ષ ૨૦૨૨માં એકબીજાથી અલગ થવાની જાહેરાત કરી હતી. જે બાદ બન્ને લાંબા સમયથી એકબીજાથી અલગ રહેતા હતા. તેમના છૂટાછેડાની છેલ્લી સુનાવણી ૨૭મી નવેમ્બરે થઈ હતી. જેમાં ચેન્નાઈ ફેમિલી વેલ્ફેર કોર્ટે બન્નેને છૂટાછેડા આપી દીધા છે. જે પછી બન્ને હવે સત્તાવાર રીતે પતિ-પત્ની નથી રહ્યા. લગ્નના ૨૦ વર્ષ બાદ બન્નેએ આ છૂટાછેડા લીધા છે.
મળતા અહેવાલો અનુસાર ફેમિલી વેલ્ફેર કોર્ટે આ બન્નેના છૂટાછેડાને મંજૂરી આપી છે અને કહ્યું છે કે, ‘તે બન્ને હવે એક સાથે રહી શકશે નહીં.’ આ કેસની સુનાવણી ત્રણ વખત થઈ ચૂકી છે. પરંતુ ધનુષ અને ઐશ્વર્યા કોર્ટમાં હાજર રહી શક્યા ન હતા. જોકે, ઐશ્વર્યા ગુરુવારે કોર્ટમાં હાજર થઈ હતી. જે બાદ ન્યાયાધીશે કેસની આગામી સુનાવણીની તારીખ ૨૭મી નવેમ્બર આપી છે.
ધનુષ અને ઐશ્વર્યાએ વર્ષ ૨૦૦૪માં લગ્ન કર્યા હતા. બન્નેને બે બાળકો છે – લિંગા અને યાત્રા. રિપોર્ટ્સનું માનીએ તો બન્ને આસપાસના વિસ્તારમાં રહે છે અને બાળકો બન્ને માતા-પિતા સાથે સમય વિતાવે છે. બન્ને અવારનવાર બાળકો સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. ધનુષ અને ઐશ્વર્યાએ ૧૭ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ એકબીજાથી અલગ થવાની જાહેરાત કરી હતી. તે સમયે લખ્યું હતું કે, ‘૧૮ વર્ષ સુધી એકબીજા સાથે મિત્ર, કપલ, માતાપિતા અને એકબીજાના શુભેચ્છકો તરીકે રહ્યા. આ સફળ ગ્રોથ, અન્ડરસ્ટેન્ડિંગ અને અડ્જસ્ટમન્ટની હતી. આજે અમે લોકો એવા મુકામ પર છીએ જ્યાં અમારા રસ્તાઓ અલગ થઈ ગયા છે.’
આ પાવરફુલ કપલની લવ સ્ટોરી વર્ષ ૨૦૦૩માં શરૂ થઈ હતી. ઐશ્વર્યા થિયેટરમાં ધનુષની ફિલ્મ KADHAL KONDEN જોઈ રહી હતી. તે સમયે ધનુષ પણ સિનેમા હોલમાં હાજર હતો. ઐશ્વર્યાએ તેની એક્ટિંગની પ્રશંસા કરી હતી અને તેના ઘરે ફૂલોનો એક બુકે પણ મોકલ્યો હતો. આ પછી ધનુષે ઐશ્વર્યાનો આભાર માન્યો હતો. આ પછી બન્નેની લવ સ્ટોરી શરૂ થઈ. એક ઈન્ટરવ્યુમાં બન્નેએ કહ્યું હતું કે, સમય કેવી રીતે પસાર થઈ ગયો, તેઓ ક્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયા તેનો ખ્યાલ પણ ન રહ્યો.