પોતાની ઓળખ IPS અધિકારી તરીકે આપી બેંક ખાતાની વિગતો મંગાવી
ધમકી આપીને રૂ.૩.૮૦ કરોડની છેતરપિંડી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં સાયબર છેતરપિંડી હવે ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ત્યારે આ વચ્ચે મુંબઈમાં ૭૭ વર્ષની મહિલા સાથે સાયબર ફ્રોડનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઠગોએ ખુદને LAW ENFORCEMENT OFFICIALS જણાવી મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી લીધી હતી. તેને ધમકી આપીને રૂ.૩.૮૦ કરોડની છેતરપિંડી કરી હતી. આ સમગ્ર મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે મહિલાએ વિદેશમાં રહેતી તેની પુત્રીને ફોન કર્યો. મુંબઈ પોલીસે આ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત મહિને એક અજાણ્યા વ્યક્તિએ મહિલાને વોટ્સએપ કોલ કર્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, મહિલા દ્વારા તાઈવાન મોકલવામાં આવેલા પાર્સલમાં પ્રતિબંધિત MDMA ડ્રગ્સ, પાંચ પાસપોર્ટ, એક બેંક કાર્ડ અને કપડાં મળી આવ્યા છે. મહિલાએ કહ્યું કે, મેં કોઈ પાર્સલ નથી મોકલ્યું, તો ફોન કરનારે કહ્યું કે આ કામ માટે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ વચ્ચે ફોન કરનારે ખુદને મુંબઈ પોલીસ અધિકારી સાથે જોડાયેલો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ કોલર પોલીસ જેવા દેખાતા વ્યક્તિ સાથે કનેક્ટ કરે છે. તે પોલીસકર્મી મહિલાને કહે છે કે તમારું આધાર કાર્ડ મની લોન્ડરિંગ મામલે જોડાયેલું છે. આ સાથે જ મહિલાને સ્કાઈપ એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે. આ સાથે જ એમ પણ કહ્યું કે કોલ ડિસ્કનેક્ટ ન કરવો અને આ વાત કોઈની સાથે શેર ન કરવી.
જે વ્યક્તિ મહિલાને આ તમામ નિર્દેશ આપી રહ્યો હતો તેણે પોતાની ઓળખ IPS અધિકારી તરીકે આપી હતી. તેણે મહિલા પાસે બેંક ખાતાની વિગતો માંગી . આ દરમિયાન એક બીજો ઠગ જોડાય છે, જે પોતાને નાણા વિભાગનો અધિકારી જણાવે છે. તે મહિલાને કેટલાક એકાઉન્ટ નંબર આપે છે અને તેને તેમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કહે છે અને તે એમ પણ કહે છે કે તપાસ પૂર્ણ થયા પછી આ પૈસા પરત કરી દેવામાં આવશે.
મહિલાનો વિશ્વાસ જીતવા માટે આ ઠગો પૈસા ટ્રાન્સફર કરાવે છે અને પછી ૧૫ લાખ રૂપિયા પાછા પણ આપી દે છે. ત્યારબાદ તેઓ મહિલાને તેમના પતિના જોઈન્ટ એકાઉન્ટમાંથી તમામ પૈસા ટ્રાન્સફર કરવા માટે કહે છે. મહિલા છ અલગ-અલગ ખાતામાં અનેક ટ્રાન્જેક્શન દ્વારા રૂ. ૩.૮૦ કરોડ રૂપિયા મોકલાવે છે.
ત્યારબાદ જ્યારે લાંબા સમય વીતી ગયા પછી પણ પૈસા પાછા નથી આવતા અને ઠગો ટેક્સના નામે વધુ પૈસા માગે છે, ત્યારે મહિલાને શંકા થવા લાગે છે. આ મહિલા વિદેશમાં રહેતી પોતાની ફોન કરે છે. જેવી દીકરી તેની માતાની વાત સાંભળે છે, તે તરત જ કહે છે કે તમારી સાથે ફ્રોડ થયો છે.
ત્યારબાદ મહિલા સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરીને તમામ જાણકારી આપે છે. મહિલાની ફરિયાદ બાદ એ ૬ બેંક ખાતાને ફ્રીઝ કરી દેવામાં આવે છે, જેમાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
સાયબર ઠગો કેવી રીતે અવનવી પદ્ધતિઓ અપનાવીને લોકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે તેની આ ઘટના સાક્ષી છે. અધિકારીઓનું કહેવું છે કે, લોકોએ હંમેશા સતર્ક રહેવું જોઈએ અને ક્યારેય પણ પોતાના બેંક એકાઉન્ટ અથવા અંગત માહિતી ફોન પર કોઈની સાથે શેર ન કરવી જોઈએ. કોઈપણ શંકાસ્પદ કોલની તાત્કાલિક પોલીસને જાણ કરવી.