ભુવનેશ્વર સ્વિંગના કિંગ તરીકે જાણીતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્વિંગના કિંગ તરીકે જાણીતા ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદ્યો છે. RCB એ ભુવનેશ્વર કુમારને ૧૦.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ બોલર માટે લખનૌ અને મુંબઈએ પણ મોટી બોલી લગાવી હતી. ભુવનેશ્વર કુમારે ૨૦૦૯ માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (તે સમયે બેંગ્લોર) સાથે તેની IPL સફરની શરૂઆત કરી હતી પરંતુ તેના બે સીઝન દરમિયાન રમવાની તક મળી ન હતી. જોકે, ૨૦૧૪માં જ્યારે તે સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયો ત્યારે તેનું નસીબ બદલાઈ ગયું.
ઉત્કૃષ્ટ દેખાવ કરીને ટીમમાં એક મહત્વપૂર્ણ રીતે પોતાની જાતને સ્થાપિત કરી. ફ્રેન્ચાઇઝી સાથેની તેની પ્રથમ ચાર સિઝનમાં તેણે સતત ૧૮ થી વધુ વિકેટો લીધી. ૨૦૧૬માં સનરાઇઝર્સની પ્રથમ IPL ટાઇટલ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
IPL ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ભુવનેશ્વર ચોથા સ્થાન પર છે. SRH ઉપરાંત, તે પુણે સુપર જાયન્ટ્સ તરફથી પણ રમ્યો હતો. ભુવનેશ્વર કુમારે ૧૭૬ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે ૨૭.૨૩ની એવરેજથી ૧૮૧ વિકેટ ઝડપી છે. તે બે વખત ૪ વિકેટ અને બે વખત ૫ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૫/૧૯ રહ્યું છે. IPL ૨૦૨૫માં આ અનુભવી ખેલાડી પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.
RCB એ આ ખેલાડીઓને ખરીદ્યા : IPL ૨૦૦૮ થી RCB નું પ્રતિનિધિત્વ કરનાર વિરાટ કોહલીને ફ્રેન્ચાઇઝીએ જાળવી રાખ્યો હતો. તેની સાથે RCB એ યશ દયાલ અને રજત પાટીદારને પણ જાળવી રાખ્યા છે.
RCB એ કોહલીને ૨૧ કરોડ રૂપિયામાં, પાટીદારને ૧૧ કરોડ રૂપિયામાં અને દયાલને ૫ કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. બીજી તરફ RCB એ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
IPL ૨૦૨૫ની મેગા ઓક્શનના પ્રથમ દિવસે કુલ ૭૨ ખેલાડીઓનું વેચાણ થયું હતું. આ સમયગાળા દરમિયાન તમામ ૧૦ ટીમોએ મળીને કુલ ૪૬૭.૯૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. હવે આજે એટલે કે હરાજીના બીજા દિવસે ૪૯૩ ખેલાડીઓ માટે બિડ લગાવવામાં આવશે. જો કે, આ સમયગાળા દરમિયાન વધુમાં વધુ ૧૩૨ ખેલાડીઓ જ વેચી શકાશે.