સુપ્રીમ કોર્ટે બેલેટ પેપર મારફત ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજી ફગાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના બદલે બેલેટ પેપર મારફત ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. તેમજ ફિટકાર લગાવી હતી કે, ‘જ્યારે તમે ચૂંટણી હારી જાઓ છો, ત્યારે EVM સાથે ચેડાં થઈ જાય છે.’ખ્રિસ્તી ધર્મના પ્રચારક તથા રાજકીય વિશ્લેષક એ પોલ દ્વારા કરવામાં આવેલી અરજીમાં લોકતંત્રની રક્ષા માટે ફરીથી બેલેટ પેપર મારફત ચૂંટણી કરવાની જરૂરિયાત દર્શાવાઈ હતી. અરજદારે કહ્યું કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ, પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ દાવો કર્યો હતો કે, ઈવીએમને હેક કરી શકાય છે. ઈલોન મસ્કે પણ ઈવીએમ હેક થતુ હોવાનો દાવો કર્યો હતો.
સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું કે, જ્યારે ચંદ્રબાબુ નાયડૂ કે રેડ્ડી હારી જાય છે, તો તેઓ EVM સાથે ચેડાં થયા હોવાનો દાવો કરે છે, પરંતુ જ્યારે જીતે છે, ત્યારે કઈ કહેતા નથી. અમે આવુ બેવડું વલણ કેવી રીતે ચલાવી લઈએ? આ અરજીને અમે રદ કરીએ છીએ. જસ્ટિસ નાથે જણાવ્યું કે, આ એ સ્થળ નથી કે, જ્યાં તમે વિવાદ કરી શકો.બેલેટ પેપરથી મતદાન કરવા ઉપરાંત અરજીમાં અનેક દિશા-નિર્દેશોની માંગ કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પંચને કડક વલણ અપનાવવા માંગ કરાઈ છે. જો કોઈ ઉમેદવાર ચૂંટણી દરમિયાન મતદાતાઓને પૈસા, દારૂ કે અન્ય ભૌતિક સાધનોની લાંચ આપતો ઝડપાય તો તેને ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી અયોગ્ય જાહેર કરવામાં આવે.
અરજદાર કે.એ. પોલે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, આ એક PIL છે. હું એવા સંગઠનનો અધ્યક્ષ છું કે, જે ૩ લાખથી વધુ અનાથો અને ૪૦ લાખ વિધવાઓની મદદ કરે છે. બેન્ચે આ મુદ્દે ફટકાર લગાવ્યો કે, તો તમે રાજકારણમાં કેમ ઉતર્યા છો ? તમારૂ કાર્યક્ષેત્ર તદ્દન અલગ છે. પોલ દ્વારા બીજી દલીલ કરવામાં આવી કે, તે ૧૫૦થી વધુ દેશોમાં પ્રવાસ કરી ચૂક્યો છે, જ્યાં બેલેટ પેપરથી મતદાન થાય છે. ભારતે પણ તેનું અનુસરણ કરવુ જોઈએ. દેશના ૩૨ ટકા શિક્ષિત લોકો મતદાન કરતાં નથી, તે આપણા દેશની વિડંબના દર્શાવે છે. તો બેન્ચે સામો સવાલ કર્યો કે, કેમ તમે વિશ્વ કરતાં અલગ દેખાવા માંગતા નથી.