બાંગ્લાદેશી સેનાએ શ્રદ્ધાળુઓ સાથે બળજબરી કરી
ચિન્મય પ્રભુની ધરપકડ બાદ ઈસ્કોન મંદિર બંધ કરાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં શેખ હસીના વડાંપ્રધાનપદેથી રાજીનામું આપીને ભારત ભાગી ગયા બાદ હિન્દુઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે. દેશમાં સરકાર બદલાયા બાદ હિન્દુ સમાજને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હસીનાએ દેશ છોડતાં જ ત્યાં હિન્દુ સમાજ અને ધાર્મિક સ્થળો પર સતત હુમલાઓ થતા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. હવે ત્યાં ઈસ્કોન મંદિરને બંધ કરાવવાની ઘટના બની છે.
તાજેતરમાં જ ત્યાં ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે માત્ર તેમના દેશમાં જ નહીં, ભારત અને અમેરિકામાં પણ લોકોમાં રોષ ફેલાયો છે. હવે બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી વધુ એક હરકત કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. તાજેતરમાં એવી ઘટના બની છે કે, બાંગ્લાદેશના સ્થાનિક લોકોએ હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોંચાડી ઈસ્કોનના શિબચરમાં આવેલા કેન્દ્રને બંધ કરાવી દીધું છે.
મળતા અહેવાલો મુજબ મુસ્લિમ સમાજના કેટલાક લોકો શિબચર સ્થિત ઈસ્કોનના કેન્દ્રને બંધ કરાવવા આવ્યા હતા. આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ પણ ત્યાં હાજર હતા. આ દરમિયાન બાંગ્લાદેશી સેનાએ પણ હિન્દુ વિરોધી કૃત્ય કર્યું છે. સેનાએ શ્રદ્ધાળુઓ સાથે બળજબરી કરી છે અને તેઓને પોતાના વાહનમાં ભરીને ત્યાંથી કાઢ્યા છે.
ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે બાંગ્લાદેશમાં ઈસ્કોન બંધ કરાવવાની ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યો છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, ‘બાંગ્લાદેશમાં મુસ્લિમ સમાજના લોકોએ શિબચરમાં આવી ઈસ્કોન નમહટ્ટા કેન્દ્રને બળજબરીથી બંધ કરાવ્યું છે. ઘટના વખતે સેના ત્યાં આવી હતી અને ઈસ્કોનમાં હાજર શ્રદ્ધાળુઓને એક વાહનમાં ભરીને લઈ ગઈ.’