પરિણીત યુવક પ્રેમિકાના ખર્ચા કાઢવા ખરાબ રસ્તો અપનાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં પ્રેમિકાના ખર્ચા કાઢવા પરિણીત પ્રેમી વાહન ચોરીના રવાડે ચઢ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદથી ભગાડી પ્રેમિકાને સુરત આવ્યા બાદ ભાડાના મકાનમાં રાખતા ઘર ખર્ચ અને ઘરનું ભાડું કાઢવું પણ પરિણીત પ્રેમીને મુશ્કેલ બન્યું હતું. જેથી તમામ ખર્ચ કાઢવા માટે વાહન ચોરીના રવાડે ચઢેલા પરિણીત પ્રેમી સહિત તેની સાથેના કુલ નવ આરોપીઓને ઝડપી પાડી પોલીસે ચોરીના ૧૫ જેટલા વાહનો કબજે કર્યા હતા. જ્યાં આરોપીઓની પૂછપરછમાં મહારાષ્ટ્ર સહિત શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા વાહન ચોરીના કુલ ૧૧ જેટલા ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા હતા. ઝડપાયેલા નવ આરોપીઓમાં બે સગીર વયના હોવાનું સામે આવ્યું છે.
બનાવની જો વિગતવાર વાત કરીએ તો સુરતમાં બનતી વાહન ચોરીની ઘટનાઓને અટકાવવા અને ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે શહેર પોલીસે કમર કસી છે. જે અંતર્ગત સુરતની પાંડેસરા પોલીસને વાહન ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે. જાેકે પોલીસના હાથે ઝડપાયેલી વાહન ચોરી ગેંગમાં સામેલ અમદાવાદનો એક પરિણીત યુવક પ્રેમિકાને અમદાવાદથી સુરત ભગાડી લઈ આવ્યો હતો. પોતે પરિણીત હોવા છતાં ભાડાનું મકાન રાખી પરિણીતાને પોતાની જાેડે રાખી હતી. પરંતુ ઘર ખર્ચ અને મકાનનું ભાડું ન કાઢી શકતા પોતે વાહન ચોરીના રવાડે ચડી ગયો હતો. જ્યાં અંતે ચોરીના વાહન સાથે પોલીસના હાથે જડપાતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો.
પાંડેસરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, પાંડેસરા પોલીસનો સ્ટાફ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન મળેલી માહિતીના આધારે, વાહન ચોરી કરતી ગેંગને ઝડપી પાડી હતી. જે ગેંગમાં સામેલ આરોપી શ્રવણ ઉર્ફે સોનું મોર્ય, સતીશ હળપતિ, કિશન પ્રજાપતિ, ભરત મહાજન પટેલ, કિશોર પરમાર, શૈલેન્દ્ર રાજપૂત, કિરણ પારઘી સહિત અન્ય બે સગીર વયના આરોપીઓ શામેલ છે. જે તમામ આરોપીઓની પૂછપરછમાં કુલ ૧૫ જેટલા ચોરીના વાહનો મળી આવ્યા હતા. જે વાહનોમાં મોપેડનો પણ સમાવેશ થાય છે. આ તમામ વાહનો આરોપીઓએ સુરતના પાંડેસરા, અલથાણ, ઉધના, સરથાણા અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. જ્યાં પોલીસ તપાસમાં મહારાષ્ટ્ર અને શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા વાહન ચોરીના ૧૧ ગુનાઓમાં ભેદ ઉકેલાઈ ગયા હતા.
પોલીસ તપાસમાં એક ચોકાવનારી બાબત પણ સામે આવી હતી. જેમાં નવ પૈકીનો એક આરોપી કિશોર પરમાર અમદાવાદથી પરિણીતાને ભગાડી સુરત લઈ આવ્યો હતો. પરિણીત યુવક પરિણીતાના પ્રેમમાં પડ્યો હતો. અમદાવાદથી સુરત લાવી તેણીને ભાડેના મકાનમાં રાખી હતી. પરંતુ ઘર ખર્ચ અને ભાડું કાઢવું મુશ્કેલ બન્યું હતું. જે ઘર ખર્ચ અને ભાડા કાઢવા પણ મુશ્કેલ બનતા વાહન ચોરીના રવાડે ચઢ્યો હતો. નોંધાયું કે ચોરીના વાહન સાથે પોલીસના હાથે ઝડપાઈ જતાં જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો.