મોંઘવારીમાં વધારો અને વપરાશમાં ઘટાડો નોંધાતા દેશનો GDP ગ્રોથ મંદ પડ્યો
સરકાર દ્વારા આંકડા જાહેર કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશનો GDP ગ્રોથ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બીજા ત્રિમાસિક ગાળામાં ૫.૪ ટકા નોંધાવા સાથે ૧૮ માસના તળિયે પહોંચ્યો છે. સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર, અગાઉના જૂન ત્રિમાસિકમાં GDP ગ્રોથ ૬.૭ ટકા નોંધાયો હતો. જે ઘટી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૫.૪ ટકા થયો છે. ગતવર્ષે સમાન ગાળામાં GDP ગ્રોથ ૮.૧ ટકા નોંધાયો હતો.
મોંઘવારીમાં વધારો અને વપરાશમાં ઘટાડો નોંધાતા દેશનો GDP ગ્રોથ મંદ પડ્યો છે. પરંતુ પાડોશી દેશોની તુલનાએ ભારત હજુ સૌથી ઝડપથી ઉભરતું અર્થતંત્ર છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ચીનનો GDP ગ્રોથ ૪.૬ ટકા નોંધાયો હતો.
કૃષિ ક્ષેત્રનો GDP વધ્યો છે. બીજા ત્રિમાસિકમાં કૃષિ ક્ષેત્રનો GDP વધી ૩.૫ ટકા નોંધાયો છે. જે એક વર્ષ પહેલાં ૧.૭ ટકા હતો. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો GDP બીજા ત્રિમાસિકમાં ઘટી ૨.૨ ટકા થયો છે. જે ગતવર્ષે સમાન ગાળામાં ૧૪.૩ ટકા હતો. બીજા ત્રિમાસિકમાં ફુગાવાના આંકડાઓ પણ વધ્યા છે. બીજી તરફ મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર નબળું પડતાં GDP ગ્રોથ પણ ઘટ્યો છે. જેને ધ્યાનમાં લેતા અર્થશાસ્ત્રીઓએ આગામી મોનેટરી પોલિસીમાં પણ RBI વ્યાજના દર જાળવી રાખે તેવી ભીતિ વ્યક્ત કરાઈ છે.