DRDO એ લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
DRDO એ ઓડિશાના દરિયાકિનારે ડૉ એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી તેની લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. જેની જાણકારી રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા આપવામાં આવી હતી. આ હાઇપરસોનિક મિસાઇલને ભારતીય સશસ્ત્ર દળોની તમામ સેવાઓ માટે ૧૫૦૦ કિમીથી વધુની રેન્જમાં વિવિધ પેલોડ વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. મિસાઇલને વિવિધ ડોમેન્સમાં તૈનાત વિવિધ રેન્જ સિસ્ટમ્સ દ્વારા ટ્રેક કરવામાં આવી હતી.
આ મિસાઈલને ડો. એપીજે અબ્દુલ કલામ મિસાઈલ કોમ્પ્લેક્સ, હૈદરાબાદની લેબ અને અન્ય વિવિધ લેબ અને ઉદ્યોગ ભાગીદારો દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. DRDO અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ વૈજ્ઞાનિકોની હાજરીમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેના દ્વારા આ અભૂતપૂર્વ સિદ્ધિ અદ્યતન હાઇપરસોનિક મિસાઇલ ટેક્નોલોજી ધરાવતા દેશોના પસંદગીના જૂથમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે. આ મિસાઇલ ભારતની વધતી જતી આર્ત્મનિભરતા અને ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
હાઇપરસોનિક મિસાઇલો ઉપરના વાતાવરણમાં ધ્વનિની ગતિ કરતાં પાંચ ગણી વધુ ઝડપે મુસાફરી કરે છે. આ રીતે તે લગભગ ૬,૨૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપ ધરાવે છે. તે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ કરતાં ધીમી છે. જો કે, હાઈપરસોનિક ગ્લાઈડ વાહનનો આકાર તેને લક્ષ્ય તરફ આગળ વધવા દે છે.
હાઈપરસોનિક મિસાઈલની વિશેષતા એ છે કે તે ૫ મેક એટલે કે ૬૧૭૪ કિમી/કલાકથી વધુ ઝડપે મુસાફરી કરવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલનું સફળ પરીક્ષણ અત્યાધુનિક સૈન્ય ટેક્નોલોજી, તેની વ્યૂહાત્મક પ્રતિરોધક ક્ષમતા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવામાં ભારતની વધતી જતી ક્ષમતાઓને દર્શાવે છે. આ મિસાઈલમાં ફ્રેક્શનલ ઓર્બિટલ બોમ્બાર્ડમેન્ટ સિસ્ટમ (એફઓબીએસ) છે – રિએક્શન ટાઈમ અને પરંપરાગત સંરક્ષણ પ્રણાલીઓ સાથે આ મિસાઈલ દુશ્મનો પર ભારે પડશે.