કેપ્ટન જસપ્રિત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ બન્યો
મેચમાં જયસ્વાલની-કોહલીની સદી મહત્વની રહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતાં પર્થ ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ૨૯૫ રને ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. આ સાથે જ ભારતીય ટીમે પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ ઝડપી બોલર જસપ્રિત બુમરાહે કર્યું હતું અને તેણે લીડિંગ ફ્રોમ ધ ફ્રંટ પ્રદર્શન કરતાં મેચમાં આઠ વિકેટ ઝડપીને ટીમના વિજયમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે પ્રથમ દાવમાં પાંચ અને બીજા દાવમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયન ધરતી પર તેનો અત્યાર સુધીનો સૌથી મોટો વિજય નોંધાવ્યો છે. રનની દ્રષ્ટીએ ભારતનો ઓસ્ટ્રેલિયામાં આ સૌથી મોટો વિજય છે. અગાઉ ભારતે ૧૯૭૭માં ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં ૨૨૨ રને પરાજય આપ્યો હતો.
ભારતીય ટીમનો આ વિજય ઘણો જ મહત્વનો છે કેમ કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ટીમ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ૦-૩થી સીરિઝ હારી ગઈ હતી. આ ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં ટીમ સાથે નહતો. જેના કારણે જસપ્રિત બુમરાહે ટીમની આગેવાની કરી હતી. જ્યારે ટીમમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને શુભમન ગિલ જેવા સ્ટાર ખેલાડીઓની પણ ગેરહાજરી હતી. સૌથી મોટી ચિંતા અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીનું કંગાળ ફોર્મ હતી. આટલું ઓછું હોય તેમ પર્થ ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરી હતી અને ટીમ ૧૫૦ રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. ત્યારે મોટા ભાગના લોકોએ માની લીધું હતું કે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત પરાજય સાથે થશે. પરંતુ પ્રથમ દાવમાં જસપ્રિત બુમરાહની ઘાતક બોલિંગ, બીજા દાવમાં યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલની લાજવાબ સદી તથા બુમરાહ અને સિરાજની ઘાતક બોલિંગની મદદથી ભારતે વળતો પ્રહાર કરીને યાદગાર વિજય મેળવ્યો છે.
પર્થ ટેસ્ટના પ્રથમ દાવમાં ભારતીય ટીમ ૧૫૦ રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. જેમાં નિતિશ રેડ્ડીએ સૌથી વધુ ૪૧ રન નોંધાવ્યા હતા. આ ઉપરાંત રિશભ પંતે ૩૭ અને કેએલ રાહુલે ૨૬ રન નોંધાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જાેશ હેઝલવુડે ચાર તથા મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને મિચેલ માર્શને બે-બે સફળતા મળી હતી. જસપ્રિત બુમરાહની પાંચ વિકેટની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં ૧૦૪ રનમાં તંબૂ ભેગું કરી દીધું હતું. બુમરાહ ઉપરાંત હર્ષિત રાણાએ ત્રણ અને સિરાજે બે વિકેટ ઝડપી હતી. પ્રથમ દાવમાં બેટિંગમાં ફ્લોપ રહેલી ટીમ ઈન્ડિયા બીજા દાવમાં છ વિકેટે ૪૮૭ રન નોંધાવીને દાવ ડિક્લેર કર્યો હતો અને યજમાન ટીમને ૫૩૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. બીજા દાવમાં યશસ્વી જયસ્વાલે ૧૬૧ રન ફટકાર્યા હતા અને લોકેશ આગળના પાનાનું ચાલુ)
રાહુલે ૭૭ રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત વિરાટ કોહલીએ ફોર્મ પરત મેળવી લેતા ૧૦૦ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ ૫૩૪ રનના ટાર્ગેટ સામે વધારે લડત આપી શકી ન હતી અને ૨૩૮ રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. ટીમ માટે ટ્રેવિસ હેડે ૮૯ અને મિચેલ માર્શે ૪૭ રન નોંધાવ્યા હતા. ભારત માટે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદરને બે તથા હર્ષિત રાણા અને નિતિશ રેડ્ડીએ એક-એક સફળતા મળી હતી.
પર્થમાં ભારતે ૨૯૫ રને વિજય નોંધાવ્યો છે અને ઓસ્ટ્રેલિયન ધરતી પર રનની દ્રષ્ટીએ તેનો સૌથી મોટો વિજય છે. જ્યારે એશિયા બહાર ભારતનો આ બીજો સૌથી મોટો વિજય છે. એશિયા બહાર ભારતે ૨૦૧૯માં વેસ્ટ ઈન્ડિઝ સામે ૩૧૮ રને વિજય નોંધાવ્યો હતો.
અગાઉ ભારતનો ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી મોટો વિજય ૨૨૨ રને હતો જે ભારતે મેલબોર્નમાં ૧૯૭૭માં નોંધાવ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ભારતનો સૌથી મોટો વિજય ૨૦૦૮માં મોહાલીમાં આવ્યો હતો જ્યારે ટીમ ઈન્ડિયાએ કાંગારૂઓને ૩૨૦ રને હરાવ્યા હતા.
પર્થમાં ભારતીય ટીમની આગેવાની જસપ્રિત બુમરાહે કરી હતી. ભારતીય ટીમના વિજયમાં ઘણા શાનદાર પ્રદર્શન રહ્યા હતા પરંતુ પ્રથમ દાવમાં બુમરાહે કરેલી બોલિંગ સૌથી મહત્વની રહી હતી. બુમરાહે પ્રથમ દાવમાં ૧૮ ઓવરમાં છ મેડન કરી હતી અને ૩૦ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી દાવમાં તેણે ૧૨ ઓવર કરી હતી અને એક મેડન સાથે ૪૨ રન આપીને ત્રણ વિકેટ ખેરવી હતી. આમ તેણે બંને દાવમાં કુલ આઠ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયામાં બુમરાહનો દબદબો રહ્યો છે. તેણે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં આઠ ટેસ્ટ રમી છે જેમાં તેણે ૪૦ વિકેટ ઝડપી છે જેમાં બે વખત તેણે એક ઈનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી છે.