બાડમેરના શિવ ધારાસભ્યની દરિયાદિલી !!
નાના ભાઈના લગ્ન માટે જમા કર્યા હતા ૨૨ લાખ રુપિયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવ ધારાસભ્ય રવિન્દ્ર સિંહ ભાટી પોતાની બેબાકી અને યુવાનોમાં ખાસ આકર્ષણ ધરાવે છે. હવે તેમણે એક એવી પહેલ કરી છે, જેના કારણે તેઓ ફરી એક વાર ચર્ચામાં આવી ગયા છે. આગામી ૩ ડિસેમ્બરે તેમના નાના ભાઈ રણવીર ભાટીના લગ્ન છે. આ લગ્નના ખર્ચ માટે રાખેલા ૨૨ લાખ રૂપિયા તેમણે બાડમેરની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલને દાનમાં આપી દીધા. ભાટીએ આ રકમ રાવ બાહાદ ગર્લ્સ હોસ્ટેલ અને મલ્લીનાથ હોસ્ટેલમાં જઈને પૈસા આપી દીધા. રણવીર ભાટીની જાન બાડમેરના દુધોડાથી કોટડા જશે. શિવ ધારાસભ્યે જણાવ્યું કે, તેમના પરિવારે સામૂહિક ર્નિણય લીધો છે કે, લગ્નને સાદાઈથી કરવામાં આવશે અને લગ્નનો બેફામ ખર્ચો અટકાવી બચેલા રૂપિયા સમાજ અને શિક્ષણના કામમાં લગાવવામાં આવશે.
શિવ ધારાસભ્યના પિતા, જે એક શિક્ષક છે. તેમણે સૌથી પહેલા આ ર્નિણય પર સહમતિ વ્યક્ત કરી. તેમણે લગ્નમાં બેફામ ખર્ચો રોકવા અને સમાજમાં શિક્ષણનો પ્રસાર કરવા માટે આ રકમ બે હોસ્પિટલમાં દાન કરવાની સલાહ આપી. ભાટી પરિવારની આ પહેલને સમાજના લોકોએ પણ બિરદાવી. રાવત ત્રિભુવન સિંહે તેને સમાજમાં નવા બદલાવની પરિચાયક ગણાવી. તો વળી વરરાજા રણવીરના દાદા શ્યામ સિંહે કહ્યું કે, બદલાતા સમયની સાથે આવી પહેલ જરૂરી છે. તેનાથી લગ્નોમાં થતાં નકામા ખર્ચો રોકી શકાશે અને શિક્ષણના ક્ષેત્રમાં યોગદાન આપીને આવનારા સમયને સારો બનાવી શકાય છે.
શિવ ધારાસભ્ય રવિન્દ્ર સિંહ ભાટીએ કહ્યું કે, આજના સમયમાં લગ્નમાં દેખાડો અને નકામો ખર્ચો સમાજ માટે ખતરો બનતો જાય છે. તેના પર રોક લગાવવી આપણા બધાની નૈતિક જવાબદારી છે. નકામા ખર્ચા કરવા કરતાં આ પૈસા બાળકોના સારા શિક્ષણ અને સારા ઉછેર માટે લગાવવા જોઈએ. તેમણે કહ્યું કે, આ પહેલથી સમાજને પ્રેરણા મળશે અને લગ્નમાં થઈ રહેલા બેફામ ખર્ચાને ઘટાડવાની દિશામાં એક મિસાલ બનશે.