CID ક્રાઈમની ટીમ રેડ કરે તે પહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થયો
આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થયો છે. જે મુદ્દે ગાંધીનગર CID ક્રાઈમની અલગ અલગ ટીમ દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે. કૌભાંડનો ખુલાસો થતા અને CID દરોડા પાડે તે પહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
ગાંધીનગર CID ક્રાઈમને થોડા દિવસ પહેલા એક અરજી મળી હતી કે, સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા નામની વ્યક્તિએ બી-ઝેડ ગ્રુપ હેઠળ રોકાણની અલગ-અલગ સ્કીમ રજૂ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. જેના આધારે CID ક્રાઈમના વડા ડૉ. રાજકુમાર પાંડિયને તપાસના આદેશ આપ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બી-ઝેડ ફાઇનાન્સ કંપનીમાં લોકોને રોકાણની લાલચ આપી હતી. ત્રણ વર્ષ માટે નાણાંના રોકાણની ડબલ રકમ અને સામાન્ય રોકાણની સામે ઊંચા વ્યાજની ઓફર આપી અનેક લોકોને તેની સ્કીમના સકંજામાં લીધા.
ભૂપેન્દ્ર ઝાલાએ તલોદના રણાસણ, હિંમતનગર, વિજાપુર, મોડાસા, ગાંધીનગર, વડોદરા અને માલપુર તેમજ રાજસ્થાનમાં ઓફિસ શરૂ કરી હતી, અને એજન્ટોની મદદથી છ હજાર કરોડની રકમનું કૌભાંડ આચર્યું હોવાના આરોપ લાગ્યા છે. જે કેસની તપાસના અનુસંધાનમાં CID ક્રાઈમે સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર તેમજ વડોદરામાં આવેલી સાત જેટલી ઓફિસમાં એક સાથે દરોડા પાડીને ઓફિસના કોમ્પ્યુટર, પ્રિન્ટર, લેપટોપ તેમજ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતાં. તપાસ દરમિયાન કેટલાક બેન્ક અકાઉન્ટ પણ મળી આવ્યા છે. જેમાંના એક અકાઉન્ટમાં ૧૭૫ કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા હતાં.
BZ FIANCIAL SERVICES તથા BZ BRUOP નો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા છે. લોકસભા ચૂંટણી-૨૦૨૪માં ભાજપમાંથી ટિકિટ ન મળતા તેણે સાબરકાંઠા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જોકે બાદમાં તેણે ફોર્મ પાછું ખેંચ્યું હતું. એવું પણ કહેવામાં આવે છે કે સી.આર. પાટીલના કહેવાથી તેણે ફોર્મ પાછું ખેંચ્યું હતું. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના નામ સાથે ઘણી બધી જગ્યાએ પોતે ભાજપ કાર્યકર્તા છે એવું લખાવ્યું છે. આ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે પણ તેના ફોટોઝ છે.
જોકે પોલીસ દરોડા પાડે તે પહેલાં જ આ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ફરાર થઈ ગયો હતો. આ અંગે CID ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે. પૉન્ઝી સ્કીમ થકી કરોડોનું કૌભાંડ આચરનારા બી-ઝેડ ગ્રુપનો ઝ્રઈર્ં ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો સભ્ય છે અને મોટા-મોટા નેતાઓ સાથેનાં તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જો કે, સમગ્ર કૌભાંડ અને તેને લઈને હાથ ધરાયેલી તપાસ મામલે તપાસ અધિકારીઓએ ચુપકીદી સેવી છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ કૌભાંડની તપાસમાં સંડોવાયેલા મોટા માથાઓના નામ બહાર આવે છે કે પછી ભીનું સંકેલવાના પ્રયાસ કરાશે. આ સાથે જો આરોપી ઝડપાય તો લોકોએ પોતાના પરસેવાની કમાણીમાંથી જે રોકાણ કર્યું છે તેમના નાણા પરત મળશે કે કેમ? અને મળશે તો ક્યારે મળશે? તે એક મોટો સવાલ છે.