૨ નવેમ્બરના બેસતા વર્ષના દિવસે થયો હતો હુમલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરના શિહોલી મોટી ગામમાં બેસતા વર્ષની રાત્રે કુટુંબી જમાઈ-ભત્રીજી અને સાગરિતોએ આધેડ પર હુમલો કર્યો હતો. લોખંડની પાઈપ જેવા હથિયારોથી થયેલા હુમલાના પગલે લોહી નીતરતી હાલતમાં આધેડને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં તબિયત વધુ લથડતાં પીડિતનું મોત થયું છે.
અમદાવાદ શહેરમાં સી-કોલોની ખાતે રહેતા નયનાબેન અશ્વિનભાઈ રાઠોડએ ચિલોડા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ૨ નવેમ્બરના રોજ બેસતું વર્ષ હોવાથી સાસુ-સસરાને મળવા માટે તેઓ પરિવાર સાથે વતન શિહોલી મોટી ખાતે ગયા હતા. રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં ત્રણ દીકરા અને પતિ સાથે નયનાબેન ઘરે હતા ત્યારે પતિ અશ્વિનભાઈ રોડની સામેની બાજુ ગયા હતા. રાતના અંધારામાં ત્રણ ઈસમો લાકડી તથા લોખંડની પાઈપ વડે માર મારવા લાગ્યા હતા. દીકરાએ આ દૃશ્ય જોતાં તેણે બૂમાબૂમ કરી હતી. પરિવારજનો દોડીને બહાર આવતાં ત્રણેય હુમલાખોર ધમકી આપીને જતા રહ્યા હતા.
ફરિયાદીના જેઠની દીકરી જ્યોતિબેને છ વર્ષ અગાઉ ભરત વાઘેલા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ભરત વાઘેલા સહિત ત્રણ ઈસમોએ શિહોલી મોટીમાં કેમ આવ્યા છો? તેમ કહીને અશ્વિનભાઈ પર હુમલો કર્યો હતો. જ્યારે ભરતની પત્ની જ્યોતિ અને માતા હંસાબેને ફરિયાદીના સાસુને ગડદાપાટુનો માર માર્યો હતો. ઈજાના પગલે અશ્વિનભાઈને ગાંધીનગર સિવિલ બાદ અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.