“કોઈએ પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગંભીરતાથી લેવા જોઈએ નહીં “
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું છે. આ સાથે કોંગ્રેસ પર પણ મોટો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, “ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખોટો પ્રચાર કરીને લોકોને ગુમરાહ કર્યા હતા કે, જો ૪૦૦ બેઠકો મળશે તો અમે બંધારણ બદલી નાખીશું. કોઈને પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગંભીરતાથી લેવા જોઈએ નહીં.”
ભાજપ અધ્યક્ષ બનવા અંગે નીતિન ગડકરીએ જવાબ આપતાં કહ્યું કે, “હું પહેલા પણ ભાજપ અધ્યક્ષ રહ્યો છું, અને હવે મને આ પદનો કોઈ મોહ રહ્યો નથી.” વધુમાં ગડકરીએ કહ્યું કે, રાહુલ ગાંધી જે રીતે બોલે છે, તેના પર કોઈએ ગંભીરતાથી ન લેવું જોઈએ. મને લાગે છે કે, લોકોએ તેમના વાતોને ગંભીરતાથી ન લેવું જોઈએ.” મહારાષ્ટ્રના લોકો ૨૦ નવેમ્બરે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ ગઠબંધનમાં ફરી વિશ્વાસ વ્યક્ત કરશે. તેમજ ‘બાઈડેનની જેમ મોદીજીને ભૂલવાની બીમારી થઈ ગઈ છે’ વાળા રાહુલ ગાંધીના નિવેદન પર ગડકરીએ કહ્યું કે, તેઓ બેજવાબદારીપૂર્વક બોલે છે.’
૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ મહાયુતિ ગઠબંધનના પડકારો વિશે પૂછવામાં આવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષોએ મોટા પાયે મતદારોને ગૂમરાહ કર્યા હતા. તેમણે કહ્યું કે, “આ એજન્ડા ઘડવામાં આવ્યો હતો કે, જો અમે ૪૦૦થી વધુ સીટો જીતીશું તો અમે બાબાસાહેબ આંબેડકર દ્વારા લખાયેલ બંધારણને બદલીશું.” એટલે ન અમે એવું કરીશું કે, ન અન્ય લોકોને આમ કરવા દઈશું.” ગડકરીએ કહ્યું, “હવે લોકોને સમજાયું છે કે,લોકસભાની ચૂંટણી દરમિયાન વિપક્ષનું અભિયાન જુઠ્ઠાણા પર આધારિત હતું, અને તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં સકારાત્મકતા સાથે મહાયુતિને સમર્થન આપવાનો ર્નિણય કર્યો છે.”
ભાજપના નેતાઓના ‘બટેંગે તો કટેંગેં’ નારા પર વાત કરતાં ગડકરીએ કહ્યું, “અમે વિકાસના મુદ્દા પર ચૂંટણી લડી રહ્યા છીએ. આપણે બધા એક છીએ. કેટલાક મંદિરોમાં જાય છે, કેટલાક મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચમાં જાય છે, પરંતુ આપણે બધા ભારતીય છીએ અને આપણા સૌ માટે દેશ સર્વોપરી છે.”