વિદેશની ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ
અમદાવાદમાં નકલી નોટો બનાવવાની ફેકટરી ઝડપાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટ બનાવવાના અનેક રેકેટ સામે આવ્યા છે. ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે, ડુપ્લિકેટ વિદેશની ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ઓસ્ટ્રેલિયન નાગરિકે દેવામાંથી નીકળવા અન્ય મીત્રની મદદથી નકલી ફેક્ટરી ઉભી કરી. ગુગલ પરથી ઓસ્ટ્રેલિયન ૫૦ ડોલરની ઇમેજ ડાઉનલોડ કરી. ઇમેજ ડાઉનલોડ થઇ ગયા બાદ મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી છાપવાનું શરૂ કર્યુ.
નોટનું પ્રોડક્શન થઇ ગયા બાદ બજારમાં ફરતી થાય એ પહેલા જ SOG એ આરોપીઓને ફેક્ટરી સાથે ઝડપી પાડતા ફર્ઝી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. વેજલપુર ખાતેના જલતરંગ બસ સ્ટેન્ડની પાસે આવેલી લાઇફ સ્ટાઇલ હેર કટીંગની દુકાનમાં રોનક રાઠોડ નામનો યુવક હેરકીંગ કરવા માટે આવ્યો હતો. હેર કટીંગ કરતા સમયે રાકેશ પરમારે તેની પાસે વધુ માત્રામાં ઓસ્ટ્રેલિયન ડોલર હોવાની દુકાનના માલિકને વાત કરી કહ્યું કે, એક ઓસ્ટ્રેલિયન ડોલરની કિંમત ભારતીય ચલણ મુજબ ૫૫ રૂપિયા થાય છે, જો તમારે ઓસ્ટ્રેલિયન ડોલર લેવા હોય તો ભારતીય ચલણ મુજબ ૪૦ રૂપિયા આપવાના રહેશે. પોતાની પાસે હાલ ૬ હજાર ઓસ્ટ્રેલિયન ડોલર હોવાની વાત કરી હતી અને બીજા કાલે આવશે તેવું પણ જણાવ્યુ હતું.
રાકેશ પરમારના મનમાં ડોલર વેચી રૂપિયા કમાવવાની લાલચ જાગી હતી, પરંતુ રોનક ઉપર શંકા પણ ગઇ હતી. રાકેશે તેના મિત્રને આ વાતની જાણ કરી હતી જેથી તેણે SOG નો સંપર્ક કરવાનું કહ્યું હતું. રાકેશે તાત્કાલિક SOG ને સમગ્ર હકીકત જણાવતા SOG ની ટીમે રોનક પાસે રહેલા ઓસ્ટ્રેલિયન ડોલરનો ભાંડો ફોડવાનો પ્લાન ઘડી નાખ્યો હતો. SOG ની ટીમ તરત હેર સલુનની દુકાન પર પહોંચી ગઇ હતી અને વોચમાં હતી. ત્યારે રોનક ત્યાં આવી ચઢ્યો હતો અને SOG એ ઓસ્ટ્રેલિયન ડોલર સાથે રોનકને કોર્ડન કરી લીધો હતો. તેની અટકાયત કરીને વડી કચેરીએ લઇ જઈ આગવી સ્ટાઇલથી પુછપરછ કરી હતી. જ્યાં તેણે કબુલાત કરી હતી કે, તેના મિત્ર ખુશ પટેલ પાસે એક લાખ ઓસ્ટ્રેલિયન ડોલર છે.ઓસ્ટ્રેલિયન ડોલર માર્કેટમાં વટાવવા માટે ખુશે રોનકને વાત કરી એક ડોલર રોનકને ૩૫ રૂપિયામાં આપ્યા હતા. ખુશ પાસેથી મળેલા ડોલરને રોનક માર્કેટમાં ૪૦ રૂપિયામાં વેચવાનો હતો. રોનક પાસેથી SOG ને ૫૦ ડોલરની ૧૧૯ ચલણી નોટ મળી આવી હતી. જે બાદ SOG એ ખુશ પટેલની પણ ધરપકડ કરી લીધી હતી .
તેની પુછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, ગાંધીનગર ખાતે રહેતા અને ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ ધરાવતા મૌલિક પટેલે ૫૦ ડોલરનું બંડલ આપ્યું હતું અને તેને માર્કેટમાં વટાવવા માટેનું કહ્યું હતું. મૌલિક વટવા ખાતે આવેલા પ્લેટિનીયમ એસ્ટેટમાં શેડ ધરાવે છે. જે વાતની જાણ થતાં SOG ની ટીમ ખુશ પટેલ અને રોનકને લઇને મૌલિકના ગોડાઉન પર પહોંચી હતી, જ્યા ધ્રુવ દેસાઇ નામનો યુવક પણ મળી આવ્યો હતો. આ ગોડાઉન ધ્રુવ દેસાઇના નામે હતું અને મૌલિક તેની સાથે કામ કરતો હતો. ગોડાઉનમાં ચેંકિંગ કરતા ર્જીંય્ના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.
ગોડાઉનમાં એસ્ટ્રોલીયન ડોલરનું પ્રોડેક્શન થઇ રહ્યું હતું. મૌલિક અને ધ્રુવ દેસાઇ અલગ અલગ સીરીયલ નંબરથી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા અને બાદમાં ખુશ અને રોનક જેવા યુવકોને બજારમાં વેચાણ માટે આપતા હતા. ર્જીંય્એ ઓસ્ટ્રેલિયન ડોલરની બનાવટી નોટ છાપવામાં વપરાતી પ્લાસ્ટીકની સીટો, પ્રિન્ટર, ઇન્ક, પેન ડ્રાઇવ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચારેય શખ્સોએ ઓસ્ટ્રેલિયન ડોલરને ક્યાં ક્યાં વટાવી તે મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો હતો. મૌલિક પટેલ અને ધ્રુવ દેસાઇએ SOG ને ચલણી નોટ કેવી રીતે છપાય છે તેનો ડેમો પણ બતાવ્યો હતો.મૌલિક પટેલ ઓસ્ટ્રેલિય નાગરિકત્વ ધરાવે છે અને તેને ધંધામાં નુકશાન થતા તે દેવાદાર થઇ ગયો હતો. શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે મૌલિક પટેલે બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર બનાવવાનો પ્લાન કર્યો હતો અને તેને ભારતમાં વટાવવા માટેનું નક્કી કર્યું હતું.
મૌલિકે તેના મિત્ર ધ્રુવ દેસાઇને વાત કરી હતી અને ગત ઓક્ટોમ્બર મહિનામાં તે ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યો હતો. બન્ને જણાએ નોટ છાપવા માટેનું મશીન ગાંધીનગરથી ખરીદી કર્યુ હતું અને બાદમાં પોતાનો ગોરખધંધો શરુ કર્યો હતો.મશીન ખરીદી કર્યા બાદ મૌલિક અને ધ્રુવ દેસાઇએ રોમટીરીયલ પણ ખરીદી લીધુ હતું. મશીનના સોફ્ટવેર મુજબ મૌલિક પટેલે ગુગલ પરથી ઓસ્ટ્રેલિયન ૫૦ ડોલરની ઇમેજ ડાઉનલોડ કરી લીધી હતી. ઇમેજ ડાઉનલોડ થઇ ગયા બાદ તેને મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી દીધી હતી અને બાદમાં છાપવાનું શરૂ કર્યુ હતું. નોટનું પ્રોડક્શન થઇ ગયા બાદ તેને બજારમાં વટાવવા માટે ખુશ પટેલને આપી હતી.