નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪ની જાહેરાત
અત્યાર સુધી ૮ લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ જાહેર કરી એવી ૨૦૨૪થી ૨૦૩૪ સુધીની કૃષિ નીતિ કૃષિ પ્રધાન રાધવજી પટેલ ગુજરાત વડી અદાલતના આદેશ મુજબ જાહેર કરે. દેશની સર્વોચ્ચ અદાલતે ૨૦૧૭માં તમામ રાજ્યોને અને કેન્દ્ર સરકારને ખેડૂતોના હીત અને રક્ષ માટે કૃષિ નીતિ બનાવવા કહ્યું છે, તેનો અમલ કરો.
ઓનલાઈન ૫ હજાર હસ્તકલા જેવી કલાના કારીગરો પોતાનો માલ વેચી શકે છે. પણ ખેડૂતો પોતાની આગવી મૂલ્યવર્ધિત ચીજ બનાવી બ્રાન્ડ ઊભી કરે છે છતાં તેમને ઓનલાઈન વેચાણ વ્યવસ્થા ઊભી કરી આપવામાં આવી નથી. કારીગરો એક જ જગ્યાએથી પોતાની વસ્તુનું વેચાણ કરી શકે તે માટે સુરતની જેમ રાજકોટ અને વડોદરામાં યુનિટી મોલ શરૂ કરવાની નીતિ જાહેર કરી છે તો ખેડૂતો જાતે પોતાની મૂલ્યવર્ધિત ચીજો વેચે એવા કૃષિ મોલ કે ખેડૂત મોલ કેમ બનાવવામાં આવતા નથી?
૨૦૨૪માં ૧૫૦ મેળાઓ મારફતે કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજોના વેચાણ કરવા મદદ કરશે. તો ખેડૂત માટે મેળા કેમ ભરવામાં આવતા નથી. એક જિલ્લો એક ઉત્પાદન માટે નવા કારીગરોને જોડવા, ઈકોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ માટે સહાય તથા ઉત્પાદનને વૈશ્વિક બજાર મળી રહે તે માટે પ્રોત્સાહન જાહેર કર્યા છે. તો ખેડૂતોને દરેક તાલુકા દીઠ એક ઉત્પાદન નકકી કરી મદદ કરાતી નથી.
૫ વર્ષમાં કુટીર ઉદ્યોગમાં ૮.૭૫ લાખ નવી રોજગારી આપી હોવાનો દાવો કર્યો છે, તો ખેતીમાં ૩ કરોડ લોકોને રોજગારી મળે છે તેમાં વધારો કરવા કૃષિનીતિ ૪૦ વર્ષથી બની નથી. હવે ૧૨ લાખ રોજગારી કુટીર ઉદ્યોગમાં ઉભી કરવાની નીતિ જાહેર કરી છે તો ખેતીમાં ૧ કરોડ નવી રોજગારી ઉભી કરવાની કૃષિ નીતિ જાહેર કરો. કુટીર ઉદ્યોગ માટે વાજપાઈ બેંકેબલ યોજના રૂ. ૮ લાખથી વધારીને રૂ. ૨૫ લાખ અને સબસિડીની મર્યાદા રૂ. ૧.૨૫ લાખથી વધારીને રૂ. ૩.૭૫ લાખ કરાઈ છે. એવી યોજનાઓ ખેતીમાં અમલી છે. હવે કૃષિ મૂલ્યવર્ધિત બ્રાન્ડને આવી મદદની નીતિ જાહેર કરો.
વ્લુપ્ત થતી કળાઓ માટે રૂ.૭૦ હજારની સહાય અને પ્રોટોટાઈપ માટે રૂ.૨૦ હજાર સહાય આપવાની નીતિ જાહેર કરી છે. તો ખેતીમાં લુપ્ત થતી જાતો અને લુપ્ત થતાં બિયારણો માટે આવી જ નીતિ કૃષિ વિભાગ જાહેર કરે.
કુટીર અને ગ્રામોદ્યોગના કારીગરોની પ્રોડક્ટ્સને તાલુકા, જિલ્લા, શહેર, રાજ્ય, દેશ, વિદેશમાં વેચાણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો ખેતી માટે આવી જ વ્યવસ્થા ઉભી કરો. રાજ્ય સરકારના સહયોગથી NID અને NIFT જેવી સંસ્થાઓ દ્વારા કારીગરોની ચીજો ઉચ્ચ ગુણવક્તાયુક્ત બનાવશે. તો ખેતીની ચીજોની ડિઝાઇન અને તાલી માટે આ બન્ને સંસ્થાનો ઉપયોગ થતો નથી, તે શરૂ કરો. ‘વોકલ ફોર લોકલ’ માટે કોર્પોરેટ કંપનીઓને કારીગરોની ચીજોની માહિતી સાથેનું કેટેલોગ બનાવવામાં આવશે, તો ગુજરાતમાં ૫૮ હજાર ખેડૂતો પોતાની આગવી બ્રાન્ડ ધરાવે છે એમને પણ કોર્પોરેટ અને મોલ કંપનીઓ માટે કેટલો બનાવી મદદ કરો.
હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ માટે નવીન પહેલના ભાગરૂપે ‘યુનિટી બેન્ડ’નું વિમોચન કરવામાં આવ્યું હતું, આવું જ કૃષિ બેન્ડ બનાવો. લોકલ ફોર વોકલ’ માટે સુરતના એકતા મોલની વિગતો દર્શાવતી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આવી ફિલ્મો ખેડૂતોની ઓર્ગેનિક ખેતી અને તેની મૂલ્યવર્ધિત બ્રાંડ માટે બનાવો. કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ નીતિને અમે આવકારીને સરકારને અભિનંદન આપીએ છીએ.