અમદાવાદ જગન્નાથ મંદિરની આસપાસ બનશે કોરિડોર
શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ હવે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ કોરીડોર બનશે. ગુજરાતની સૌથી મોટી ભગવાન જગન્નાથ રથયાત્રા અમદાવાદ ખાતેથી નીકળે છે. ત્યારે આ યાત્રાના મહત્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા જગન્નાથ મંદિર આપસાપના વિસ્તારને રિ ડેવલપ કરી જગન્નાથ કોરિડોર તૈયાર કરાઇ રહ્યો છે.
મંદિરના મુખ્ય ગેટની બહાર આવેલી જગ્યા પર વિઝીટીંગ પ્લાઝા તૈયાર કરાઇ રહ્યો છે. જ્યાં ચાર હજાર લોકો એક સાથે ઉભા રહી ભગવાન જગન્નાથ મંદિરના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે. આ અંગે હાલ ટેન્ડર મંજૂર કરી દેવાયા છે અને નડતરરૂપ ૧૫ કાચા મકાનને દૂર કરવા નોટિસ પણ અપાઇ છે. ભગનાન જગન્નાથની રથયાત્રા છેલ્લા અનેક દાયકાથી નિકળી રહી છે. પુરી જગન્નાથ બાદ સૌથી વધુ મહત્વ અમદાવાદની જમાલપુર સ્થિત મંદિરની ભગવાન જગન્નાથની રથયાત્રાનું માનવામાં આવે છે. ત્યારે અમદાવાદ મહાગનર પાલિકા જગન્નાથ મંદિરની આસપાસના વિસ્તારમાં રિડેવલપમેન્ટ કરી શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવા જઇ રહ્યુ છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રા નીકળે છે. મંદિર પરિસરથી ભુદરના આરા ખાતે સાબરમતી નદીના કિનારે આખી વિધી થતી હોય છે. ત્યારે જળયાત્રા રૂટ પણ વિશેષ ડેવલપ કરવાનું કામ મહાનગર પાલિકા બીજા ફેજમાં કરશે. પહેલા ફેજમાં હાલ મંદિર પરિસર બહાર આવેલા વિઝીટીંગ પ્લાઝા તૈયાર કરવામાં આવશે.અમદાવાદના જમાલપુર સ્થિતિ ભગવાન જગન્નાથની અષાઢી બીજના દિવસે નિકળતી સૌથી લાંબી રથયાત્રા આજે કોમી એકતા માટે સિમાહાચિન્હ બની છે.
ત્યારે ઐતિહાસિક બનેલી રથયાત્રા રૂટને રિડેવલપ કરવાનો મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાના હેરિટેજ વિભાગ અંતર્ગત ૩૦ કરોડના ખર્ચે રથયાત્રા રૂટની કાયા પટલ કરવામાં આવશે. ભગવાન જગન્નાથ તેમના બહેન અને ભાઇ સાથે જે રૂટ પરથી પસાર થાય છે. તે જમાલપુર દરવાજાથી ખસામા ચાર રસ્તા એએમસી ઓફિસ સુધીના રૂટને અલગ જ રિડેવલપ કરાશે. મંદિર પરિસર બહાર જ્યાં રથ રખાયા છે અને જ્યાં એએમસી ગાર્ડન છે તે વિસ્તાર પર વિશાળ પ્લાઝા તૈયાર થશે.મંદિરમાં પ્રવેશ પહેલા જ એક ઔલોકિક અનુભુતી થશે. મંદિર પરિસરની આસપાસ વિશાળ પ્લાઝા તૈયાર કરાશે. આંધ્રપ્રદેશથી ખાસ પ્રકારના પથ્થરો અને કોટા સ્ટોન સાથે પાણીના ફુવારા સહિત નવા ગાર્ડન ડેવલપ કરવાનું આયોજન કરાયુ છે.
ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર સાથે જ્યારે અષાઢી બીજના દિવસે નગર યાત્રાએ નીકળે છે ત્યારે આ નગર યાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો માત્ર એક ઝલક માટે તલપાપડ જોવા મળતો હોય છે. ત્યારે આ પ્રોજેકટથી આ નગર યાત્રાની સમૃ્દ્ધિમાં વધારો થાય તે માટે અમદાવાદ મહાનગર પાલિકા એક રથયાત્રા રૂટ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. નગર જનોની સુખાકારી વધે અને બહારથી પણ આવતા શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ આકર્ષણ ઉભુ થાય તે પ્રયાસ કરાઇ રહ્યો છે.