બિગબોસ ફેમ અને એક્ટર એજાઝ ખાનની મુશ્કેલીઓ વધી
કસ્ટમ વિભાગે દરોડા પાડતા ૩૫ લાખનુ મળ્યું હતું ડ્રગ્સ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ ડ્રગ્સ કેસમાં બિગબોસ ફેમ અને એક્ટર એજાઝ ખાનની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઈ રહી નથી. ૮ ઓક્ટોબરે એજાઝ ખાનની ઓફિસે કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. હવે એજાઝ ખાનની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી છે. અભિનેતાની પત્નીનું નામ ફોલન ગુલીવાલા છે. જોગેશ્વરી સ્થિત ઘરે દરોડા પાડ્યા બાદ કસ્ટમ પોલીસે તેની ધરપકડ કરી હતી. એજાઝ ખાનના સ્ટાફ સભ્ય સૂરજ ગૌડ સાથે આ મામલો જોડાયેલો છે. ઓક્ટોબરમાં કસ્ટમ વિભાગે વીરાં દેસાઈ રોડ પર સ્થિત અભિનેતાની ઓફિસમાં દરોડા પાડ્યા હતાં. જ્યાંથી પોલીસે રૂ. ૩૫ લાખની કિંમતનું ૧૦ ગ્રામ MDM એ જપ્ત કર્યું હતું.
રિપોર્ટ્સ અનુસાર, આ કેસમાં પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે, ડ્રગ્સ કેસમાં ફોલન ગુલીવાલા પણ સંડોવાયેલી હતી. જેથી તેના ફ્લેટ પર દરોડા પાડી તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ફ્લેટ પરથી પોલીસને ૧૩૦ ગ્રામ મારિજુઆના અને અન્ય નશીલા પદાર્થો મળી આવ્યા હતા.
એજાઝ ખાનની પત્નિ ફોલન ગુલીવાલાની ધરપકડ કર્યા બાદ પોલીસે જણાવ્યું હતું કે, તેમના ઘર અને ઓફિસમાંથી મળેલા ડ્રગ્સ મામલે પૂછપરછ માટે ગુલીવાલાની ધરપકડ કરવામાં આવી છે. કારણકે, એજાઝ ખાન હાલ હાજર ન હતો. આ અભિનેતાની ઓફિસ પર કસ્ટમ વિભાગે દરોડો પાડ્યો હતો. જ્યાંથી ૩૫ લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. જેમાં તેના એક સ્ટાફ સભ્યની ધરપકડ કરવામાં આવી હતી. એજાઝ ખાન પર અનેક વખત ડ્રગ્સના કેસ નોંધાયા છે. ૨૦૨૧માં મુંબઈ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ૨૦૨૩માં જામીન મંજૂર થયા હતા.